મગજને સતેજ કરતી આ ચીજવસ્તુ શેમાંથી મળે અને તંદુરસ્તી માટે કેટલી જરૂરી?

    • લેેખક, જેસિકા બ્રેડલી
    • પદ, બીબીસી ફ્યૂચર

આ એવું કમ્પાઉન્ડ છે જેનાથી મગજની તાકાત વધી જાય છે અને ચિંતા ઘટે છે. પરંતુ શું તમે તેને પૂરતા પ્રમાણમાં લો છો? અહીં કોલીનની વાત થઈ રહી છે જેના વિશે તમે કદાચ અગાઉ સાંભળ્યું નહીં હોય. પરંતુ સંશોધન દર્શાવે છે કે તે આપણા આરોગ્ય માટે બહુ ઉપયોગી છે.

કોલીન એ વિટામિન કે ખનીજ નથી. તે કાર્બોદિત પદાર્થ છે જે માનવીની નર્વસ સિસ્ટમના કામકાજ માટે મહત્ત્વપૂર્ણ છે.

તેનું વધારે સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે તેવા પુરાવા પણ મળ્યા છે.

તેનાથી મગજની ક્ષમતા વધે છે, ન્યૂરોડેવલપમૅન્ટની તકલીફોથી બચી શકાય છે, ધ્યાન ભટકી જવું કે ડિસ્લેક્સિયા સામે રક્ષણ પણ સામેલ છે.

પોષકતત્ત્વ માનવતંત્રિકાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સંશોધનમાં જાણવા મળ્યું જે બાળકોની માતાઓએ ગર્ભાવસ્થા દરમિયાન કોલીન લીધું હતું, તેમનાં બાળકો બધું ઝડપથી સૂચનાઓને સમજી શકતાં હતાં.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોલીન એક અદભુત પોષકતત્ત્વ છે, પરંતુ તેની ઉપેક્ષા કરવામાં આવી છે. કોલીન ક્યાંથી આવે છે અને તમને પૂરતા પ્રમાણમાં મળે છે ખરું?

અમેરિકાના ન્યૂ યૉર્કસ્થિત બ્રુકલિન કૉલેજમાં આરોગ્ય અને પોષણ વિજ્ઞાનના પ્રોફેસર ઝિનિયન જિયાંગ કહે છે કે આપણા શરીરના દરેક કોષમાં કોલીન હાજર હોય છે.

સાયન્સના લેખક અને કન્સલ્ટન્સી ન્યુટ્રિશનલ ઇનસાઇટના સ્થાપક તથા સીઇઓ એમા ડર્બિશાયરે જણાવ્યું હતું કે કોલીન એક "આવશ્યક" પોષકતત્ત્વ છે. તે આપણા આરોગ્ય માટે જરૂરી છે, પરંતુ શરીર તેને પૂરતી માત્રામાં પેદા કરી શકતું નથી. આવી સ્થિતિમાં આપણે તેને આપણા આહારમાં સામેલ કરવાની જરૂર છે. તે એક રીતે ઓમેગા 3 ફેટી ઍસિડ જેવું છે. જોકે તેનું જોડાણ વિટામિન બી સાથે છે.

કોલીન સામાન્ય રીતે પશુ આધારિત ખોરાકમાં જોવા મળે છે. તેમાં બીફ, ઈંડાં, માછલી, ચિકન અને દૂધનો સમાવેશ થાય છે. તે મગફળી, રાજમા, મશરૂમ અને બ્રોકોલી જેવાં ક્રુસિફેરસ શાકભાજીમાં પણ હોય છે. જોકે, પ્રાણી આધારિત ખોરાકમાં વનસ્પતિ આધારિત ખોરાક કરતાં વધારે કોલીન હોય છે.

આપણા શરીરમાં ઘણાં કાર્યો માટે કોલીન જરૂરી છે. તેમાં લીવરનું કાર્ય પણ સામેલ છે. પૂરતા પ્રમાણમાં કોલીન ન મળવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

જિયાંગ કહે છે કે, "કોલીન જ લીવરમાંથી ચરબી દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે કોઈ વ્યક્તિમાં તેની ઊણપ હોય છે ત્યારે તેને ફેટી લીવર થઈ શકે છે."

કોલીન શરીરને ફોસ્ફોલિપિડ્સનું સંશ્લેષણ કરવામાં પણ મદદ કરે છે, જે આપણા શરીરમાં કોષપટલનો મુખ્ય ઘટક હોય છે. તેની ઊણપને કારણે આપણા કોષોના ગુણાત્મક વિકાસની પ્રક્રિયામાં સામેલ જનીનને અસર થઈ શકે છે.

ભ્રૂણના વિકાસ દરમિયાન કોલીનની અછત ખાસ કરીને હાનિકારક હોઈ શકે છે, કારણ કે તે મગજમાં કોશિકાના પ્રસારને અટકાવે છે.

ડર્બિશાયર કહે છે કે મગજમાં કોલીનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તે મુખ્યત્વે "મગજનું પોષકતત્ત્વ" છે. શરીરને ન્યુરોટ્રાન્સમીટર એસિટિલકોલાઇન ઉત્પન્ન કરવા માટે તેની જરૂર હોય છે, તે એક એવું રસાયણ છે જે તમારા મગજમાંથી ચેતા કોષો દ્વારા તમારા શરીરમાં મૅસેજ પ્રસારિત કરે છે.

સંશોધકોએ 36થી 83 વર્ષની વયના લગભગ 1400 લોકો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ વધુ પ્રમાણમાં કોલીનનું સેવન કર્યું હતું તેમની યાદશક્તિ સારી હતી અને તે મધ્યમ વય દરમિયાન આપણા મગજને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે.

કોલીનને સામાન્ય રીતે "નૂટ્રોપિક્સ" તરીકે ઓળખાતા સપ્લિમેન્ટમાં સમાવવામાં આવે છે. તે પદાર્થોનો એક વૈવિધ્યસભર સમૂહ છે. કેટલાક લોકો માને છે કે તે શીખવાની ક્ષમતા અને યાદશક્તિમાં વધારો કરી શકે છે.

કોલીનની ઊણપને અલ્ઝાઇમર અને પાર્કિન્સન રોગ જેવા ન્યૂરોડિજનરેટિવ રોગો સાથે પણ જોડવામાં આવે છે.

કોલીન આપણા મગજ અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોલીનનું સેવન વધે તો ચિંતા ઘટે છે. બીજા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોલીનથી ભરપૂર ખોરાક લેવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે.

પૂરતા પ્રમાણમાં કોલીનનું સેવન કરવાથી બીજા ઘણા ફાયદા પણ થઈ શકે છે. તેમાં મોટી માત્રામાં પોષકતત્ત્વો મળી આવે છે. ઉંદરો પરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોલીન હોમોસિસ્ટીનનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. આ એક એવું ઍમિનો ઍસિડ છે જે હૃદયરોગનું જોખમ વધારી શકે છે.

હોમોસિસ્ટીનનું ઊંચું સ્તર ઓસ્ટિયોપોરોસિસ સાથે પણ સંકળાયેલું હોઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોના આહારમાં કોલીનનું પ્રમાણ વધુ હોય છે તેમના હાડકાંની ઘનતા વધુ હોય છે. તે મજબૂત, તંદુરસ્ત હાડકાંની નિશાની છે. તેનાથી ફ્રેક્ચરનું જોખમ ઓછું થાય છે.

"કોલીન હાડકાંના નુકસાન સામે રક્ષણ આપી શકે છે," એમ નૉર્વેના મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક ઓયેન જાનિકે કહે છે. તેઓ કોલીન અને હાડકાંના સ્વાસ્થ્ય વચ્ચેની કડીનો અભ્યાસ કરે છે.

તેમણે કહ્યું કે આંશિક રીતે તે હોમોસિસ્ટિનને કારણે હોઈ શકે છે, કારણ કે કોલીન આપણા કોષપટલની આવશ્યક રચના છે.

કોઈ પણ બાળકના વિકાસમાં પહેલાં બે વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે એ વાત સર્વવિદિત છે. ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન માતાના આહારની તેના પર ખૂબ અસર પડે છે.

ડર્બિશાયરના કહેવા પ્રમાણે આ દેખાડે છે કે જીવનના આ તબક્કામાં આ કેટલું મહત્ત્વનું છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે ગર્ભમાં કોલીનનો સપ્લાય બાળકના માનસિક વિકાસ સાથે સંબંધિત છે અને બાળકના વિકાસની સાથે સાથે વર્ષો સુધી તેનો લાભ ચાલુ રહે છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિક ગાળા (13થી 28મા અઠવાડિયા સુધી) દરમિયાન સૌથી વધુ પ્રમાણમાં કોલીનનું સેવન કરનાર સગર્ભા સ્ત્રીઓનાં બાળકોએ સાત વર્ષની ઉંમરે ટૂંકા ગાળા અને લાંબા ગાળાની યાદશક્તિનાં પરીક્ષણોમાં વધુ ગુણ મેળવ્યાં હતાં.

કેટલાંક સંશોધનો એવું પણ સૂચવે છે કે જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય અને તેને પૂરતું કોલીન ન મળે, ત્યારે તેનાં સંતાનોને એડીએચડી વર્તનની સમસ્યાઓ થઈ શકે છે.

ડર્બિશાયર કહે છે, "અમે શાળાઓમાં એડીએચડી અને ડિસ્લેક્સિયાના ઘણા કેસો જોઈ રહ્યા છીએ. તેમાંથી કેટલાક આનુવંશિકતા પણ છે, પરંતુ એ પણ શક્ય છે કે તેમને ગર્ભાશયમાં જરૂરી પોષકતત્ત્વો મળ્યાં ન હોય."

તેઓ કહે છે, "તે ખૂબ જ સૂક્ષ્મ ન્યૂરોડેવલપમૅન્ટ ફેરફારો હોય અને પાછળથી અસર કરી રહ્યા છે. અમે હવે તેની પાછળની અસરોની સારવાર કરી રહ્યા છીએ."

જિયાંગે ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન કોલીન સપ્લાય અને મગજના વિકાસ વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો છે.

તેઓ જણાવે છે કે, "પ્રાણીઓમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે માતાઓમાં કોલીન વધુ હોય છે, ત્યારે તેમનાં બાળકોના મગજનો વિકાસ વધુ સારી રીતે થાય છે."

યુરોપિયન ફૂડ સેફ્ટી ઑથૉરિટી (EFSA)એ કોલીનના સેવન માટે ભલામણો નક્કી કરી છે. પુખ્ત વયના લોકો માટે તેનું પ્રમાણ 400 મિલીગ્રામ, ગર્ભવતી સ્ત્રીઓ માટે 480 મિલીગ્રામ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે 520 મિલીગ્રામ છે.

અમેરિકામાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિન (IOM)એ સૌપ્રથમ 1998માં પૂરતા પ્રમાણમાં કોલીન લેવા માટે ભલામણો કરી હતી. પુરુષો માટે તે દરરોજ 550 મિલીગ્રામ અને સ્ત્રીઓ માટે દરરોજ 425 મિલીગ્રામ, ગર્ભાવસ્થા દરમિયાન 450 મિલીગ્રામ અને સ્તનપાન દરમિયાન 550 મિલીગ્રામ છે.

એક ઈંડાંમાં લગભગ 150 મિલીગ્રામ કોલીન હોય છે, જ્યારે ચિકન બ્રેસ્ટમાં લગભગ 72 મિલીગ્રામ અને એક મુઠ્ઠી મગફળીમાં લગભગ 24 મિલીગ્રામ કોલીન હોય છે.

2017માં અમેરિકન મીડિયા ઍસોસિયેશન (એએમએ)એ પણ ભલામણ કરી હતી કે પ્રિનેટલ વિટામિન સપ્લિમેન્ટ્સમાં "પુરાવા-આધારિત" માત્રામાં કોલીન હોવું જોઈએ.

38 પ્રાણીઓ અને 16 માનવી પર 2020માં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે કોલીન સપ્લિમેન્ટેશન મગજના વિકાસમાં મદદ કરી શકે છે.

જોકે, હાલમાં ફક્ત પ્રાણીઓના અભ્યાસમાં જ કોલીન અને મગજના કાર્યમાં સુધારા વચ્ચે મજબૂત જોડાણ શોધી કાઢવામાં આવ્યું છે. આ પેપર પૂરકતાની આદર્શ માત્રાને વ્યાખ્યાયિત કરતું નથી, પરંતુ તે કહે છે કે મોટા ભાગના અભ્યાસ દરરોજ 930 મિલીગ્રામ કોલીન પ્રદાન કરતા પૂરકનો ઉપયોગ કરે છે. આ પ્રમાણ લગભગ છ મરઘીઓનાં ઈંડાંમાં રહેલા કોલીન જેટલી હોય છે. તેની કોઈ પ્રતિકૂળ અસરો થતી નથી.

ઓયેનનું કહેવું છે કે કેટલાક લોકોને રોજના નક્કી કરવામાં આવેલા આવેલા પ્રમાણ કરતાં વધુ કોલીનની જરૂર હોઈ શકે છે. તેમાં એસ્ટ્રોજનની અછત ધરાવતી મેનોપૉઝ પછીની મહિલાઓ અને ફેટી લીવરની બીમારી ધરાવતા લોકો સામેલ છે.

ડર્બિશાયર કહે છે કે અમે જાણીએ છીએ કે વ્યક્તિઓમાં આનુવંશિક તફાવતના કારણે કેટલાક લોકોને કોલીનની વધારે જરૂરિયાત પડી શકે છે.

જિયાંગ કહે છે કે આપણે જ્યારે કોલીનથી ભરપૂર ખોરાક ખાઈએ છીએ, ત્યારે તે આપણા લોહીના પ્રવાહમાં ખૂબ જ સરળતાથી શોષાઈ જાય છે, તેથી એ સુનિશ્ચિત થાય છે કે આપણે પૂરતા પ્રમાણમાં કોલીનનું સેવન કરી રહ્યા છીએ.

જોકે, ઘણા અભ્યાસ દર્શાવે છે કે આપણામાંથી ઘણા લોકોને આ પોષકતત્ત્વો પૂરતાં પ્રમાણમાં મળી રહ્યાં નથી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં માત્ર 11 ટકા પુખ્ત વયના લોકો પૂરતા પ્રમાણમાં તેનું સેવન કરે છે.

ઈંડાં કોલીનના સૌથી શક્તિશાળી આહાર સ્રોતમાં ગણાય છે. જે લોકો શાકાહારી આહાર લેતા હોય તેમને પૂરતા પ્રમાણમાં આ પોષકતત્ત્વો નથી મળતાં તેવી ચિંતા છે. જોકે, ઘણા છોડ આધારિત સ્રોત પણ હોય છે અને વિકસિત દેશોમાં સપ્લિમેન્ટ વ્યાપકપણે ઉપલબ્ધ છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઈંડાં ખાય છે તેમનામાં કોલીનનું પ્રમાણ સામાન્ય કરતાં લગભગ બમણું હોય છે. આ કારણે સંશોધકો કહે છે કે ઈંડાં ખાધાં વગર કે સપ્લિમેન્ટ લીધા વિના પૂરતા પ્રમાણમાં કોલીનનું સેવન કરવું "અત્યંત મુશ્કેલ" છે.

જિયાંગ કહે છે કે તમે તમારા આહારની વ્યવસ્થિત યોજના બનાવો તો તે ઈએફએસએની દરરોજ 400 મિલીગ્રામ કોલીનની ભલામણને પૂર્ણ કરશે.

ઓયેન કહે છે કે જો કોઈને પોતાને પૂરતું કોલીન નથી મળી રહ્યું એની ચિંતા હોય, તો તેઓ દૈનિક સપ્લિમેન્ટ લઈ શકે છે. તેઓ કહે છે કે કોલીનના સ્વાસ્થ્ય લાભો પાછળની પદ્ધતિઓને વધુ સારી રીતે સમજવા માટે પ્રાણીઓ અને મનુષ્યો પર વધુ સંશોધન કરવાની જરૂર છે.

ડર્બિશાયર કહે છે કે, "ડૉક્ટરો કોલીન વિશે વધુ જાગૃત થઈ રહ્યા છે."

ભલે ઘણી વાર તે થોડું અવગણવામાં આવેલું હોય એવું લાગે, તેઓ આશા રાખે છે કે કોલીન ટૂંક સમયમાં ફરીથી ચર્ચામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન