You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટાબા: વજાઇનામાં તમાકુની પેસ્ટ લગાડવાની આદત, 'મારું બાળક પેટમાં જ મરી ગયું અને ચામડી જાણે દાઝી ગઈ'
- લેેખક, અઝીઝત ઓલાઓલુવા
- પદ, વરિષ્ઠ પત્રકાર, પશ્ચિમ આફ્રિકા, ગામ્બિયા
- દ્વારા રિપોર્ટિંગ, ગામ્બિયા
ચેતાવણીઃ આ લેખની વિગતો વાચકોને વ્યથિત કરી શકે છે. પોતાના અનુભવો રજૂ કરનાર તમામ વ્યક્તિઓનાં નામ અહીં બદલી દેવામાં આવ્યાં છે.
આઇશાતો (ઓળખ ગુપ્ત રાખવા માટે નામ બદલ્યું છે) ગામ્બિયામાં રહેતાં વિધવા માતા છે.
તેમણે બીબીસીને જણાવ્યા પ્રમાણે, તેઓ 15 વર્ષથી અવાર-નવાર 'ટાબા'નું સેવન કરતાં હતાં અને આખરે તેમને તેનું વ્યસન થઈ ગયું.
ટાબા એ તમાકુના પાઉડરનું સ્થાનિક નામ છે, જેનું પશ્ચિમ આફ્રિકાનાં સ્ત્રી-પુરુષો દાયકાઓથી સેવન કરે છે. મોટાભાગના લોકો સૂંઘીને, ધૂમ્રપાન કરીને કે પછી ચાવીને તેનું સેવન કરે છે.
જોકે, આઇશાતો જેવી ઘણી મહિલાઓ કોઈને જાણ ન થાય, તે રીતે ટાબા ખરીદીને વિવિધ હેતુઓ માટે તેની પેસ્ટને યોનિમાં લગાવે છે.
કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક નર્સની ઓફિસના દરવાજા પાસે તે બેઠાં હતાં, ત્યારે તેમની સાથે અમારી મુલાકાત થઈ. ત્યાં તે ટાબા વિરુદ્ધ ચળવળ ચલાવી રહેલા લોકોની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. ટાબાની લત લાગવા બદલ પોતે કેટલાં પસ્તાઈ રહ્યાં છે, તે વિશે તેમણે વાત કરી હતી.
મહિલાઓમાં ગુપ્ત રીતે થતી આપ-લે
ડીલરોના દેશવ્યાપી નેટવર્ક થકી ટાબાનું ગુપ્ત રાહે વેચાણ થતું હોય છે. ઘણી વખત દેશનાં સ્થાનિક બજારોમાં મહિલાઓ તેનું ખરીદ-વેચાણ કરે છે.
ટાબાની મૂળ ફોર્મ્યૂલા છેલ્લાં કેટલાંક વર્ષોમાં બદલાઈ ગઈ છે. તમાકુનો પાઉડર હવે વિવિધ પદાર્થોમાં ભેળવીને તેની પેસ્ટ બનાવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2021માં આઇશાતો ગર્ભવતી થયાં, ત્યારે તેઓ જાણતાં હતાં કે, તેમણે આ લત છોડવી પડશે. અગાઉની ગર્ભાવસ્થાઓ દરમિયાન પણ તેમણે સફળતાપૂર્વક આમ કર્યું હતું, પણ આ વખતે તેઓ ટાબા છોડી શક્યાં નહીં.
આખરે, છેલ્લી ગર્ભાવસ્થામાં સંતાન ગુમવવા બદલ તેઓ પોતાના વ્યસનને દોષિત ઠેરવે છે. તેમનું માનવું છે કે, તમાકુનાં સેવનને કારણે જ તેમનાં બાળકનું મોત નીપજ્યું. બાળકે હલન-ચલન બંધ કરી દીધાની જાણ થતાં જ તેઓ ડૉક્ટર પાસે ગયાં.
આઇશાતોએ કહ્યું, "ડૉક્ટરે મને કહ્યું કે, બાળક મૃત્યુ પામ્યું છે, આથી સિઝેરિયન કરવું પડશે. જ્યારે તેમણે મારું બાળક બહાર કાઢ્યું, ત્યારે તેની ચામડી જાણે બળેલી હોય, એવી દેખાતી હતી. હું જાણતી હતી કે, હું જે ટાબા વાપરતી હતી, તેણે મારા સંતાનને મારી નાંખ્યું."
તેના દાવાની તબીબી રીતે ખરાઈ થઈ નથી, પણ આઇશાતો જણાવે છે કે, તેમણે જ્યારે પણ ટાબા વાપર્યું ત્યારે તેમને યોનિની અંદર બળતરા થતી હતી.
આઇશાતો કહે છે કે, તેમણે ઘણાં વર્ષ પહેલાં ટાબાનો ઉપયોગ શરૂ કર્યો હતો, કારણ કે, તેમને લાગતું હતું કે, તેનાથી તેને વજન ઉતારવામાં અને ગર્ભવતી બનવામાં મદદ મળશે. પણ, આવું કશું થયું નહીં.
આઇશાતોએ જણાવ્યું હતું, "જ્યારે ટાબા તમારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે તમારા શરીર પર કબજો જમાવી દે છે. તે પછી નૉર્મલ રહેવા માટે સતત તેનો ઉપયોગ કરવો પડે છે. ટાબાથી મને આનંદ મળતો હતો, પણ તેના કારણે મારી કામેચ્છા ઘટી ગઈ."
"મને તેનું વ્યસન થઈ ગયું અને હું દિવસમાં ત્રણથી ચાર વાર તે (પ્રાઇવેટ પાર્ટમાં) લગાવતી હતી."
"મેં મારું બાળક ગુમાવ્યું, એ પછી ટાબાનો ઉપયોગ બંધ કરી દીધો. મને ખબર નહોતી કે, મને સર્વાઇકલ કૅન્સર થયું છે," એમ જણાવતાં તેણે ઉમેર્યું કે, બે વર્ષ પહેલાં તેને કૅન્સર હોવાનું નિદાન થયું હતું.
તે પછી અમે રશીદા (નામ બદલ્યું છે)ને મળ્યા. તેઓ આંબા નીચે બેઠાં હતાં. ટાબાનાં વધુ એક વ્યસની એવાં રશીદાએ બીબીસીને કહ્યું હતું કે, તેમને સાત વર્ષથી ટાબાની લત લાગી છે, પણ તેમના પતિને તેના આ વ્યસન વિશે જાણ નથી. આંખમાં આવેલા આંસુ રોકીને તેમણે પોતાની આપવીતી વર્ણવી.
હૉસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લેનારી તેમનાં ભાભીને યાદ કરતાં રશીદા કહે છે, "મારે ત્રણ દિવસ તેમની પાસે રોકાવું પડ્યું હતું, પણ હું તમાકુ સાથે લઈ જવાનું ભૂલી ગઈ. તે સમયે ટાબા માટે મારો જીવ એટલો તૂટતો હતો કે, મને ક્યાંયે ચેન પડતું નહોતું."
ટાબા લેવા માટે સપ્લાયરના ઘરે જવા દરમિયાન તેમણે કહ્યું કે, ટાબા તેના રોજીંદા જીવનનો ભાગ બની ગયું છે.
બીબીસીએ જે પણ મહિલાઓ સાથે વાત કરી, તેમણે અમને જણાવ્યું કે, ટાબાને પ્રથમ વખત યોનિમાં મૂકવાનો અનુભવ ભયાનક રહેતો હોય છે.
આઇશાતોએ જણાવ્યું હતું, "પ્રથમ વખત મેં જ્યારે યોનિમાં લગાવવા ટાબાનો ઉપયોગ કર્યો, ત્યારે હું એક કલાક કરતાં વધુ સમય માટે બેભાન થઈ ગઈ અને મેં તે પછી ક્યારેય તે નહીં વાપરવાના સોગંદ લઈ લીધા હતા. પછી જ્યારે બીજી વખત મેં તેનો ઉપયોગ કર્યો, ત્યારે મને ઘણી ઊલ્ટી થઈ. ટાબા વિશે મને જણાવનાર વ્યક્તિએ મને તેનો ઉપયોગ ચાલુ રાખવા કહ્યું, કારણ કે, તેનાથી મારું પેટ સાફ થઈ જાય છે."
રશીદા પણ આ વાત સાથે સંમત થતાં કહે છે, "પહેલી વખત મને ચક્કર આવવા માંડ્યા અને શરીર ધ્રૂજવા લાગ્યું હતું. જાણે કે, મને મલેરિયા થઈ ગયો હોય. તે પછી હું બેભાન થઈ ગઈ હતી. બીજા દિવસે પણ આવો જ અનુભવ થયો, પણ ત્રીજા દિવસથી બધું બરાબર થઈ ગયું."
ટાબા વેચનારા લોકો વેચાણાર્થે અન્ય ચીજો દર્શાવે છે, પણ પાઉડરને છૂપાવીને રાખે છે. તેઓ માત્ર એવા લોકોને જ ટાબાનું વેચાણ કરે છે, જેઓ ચોક્કસ કોડ વર્ડ્ઝ જાણતા હોય. આ ઉપરાંત, ગ્રામીણ સમુદાયોમાં મોટા ભાગે વૃદ્ધ મહિલાઓનાં વર્તુળોમાંથી પણ તે મેળવી શકાય છે.
રમત 56 વર્ષની છે. તેણે કહ્યું હતું કે, તે છેલ્લાં બે વર્ષથી નૉર્થ બૅન્ક પ્રદેશમાં આવેલા એક નાના ટાઉનમાં છૂપી રીતે ટાબાનું વેચાણ કરે છે.
તેણે કહ્યું હતું કે, મિશ્રણને સામાન્ય રીતે નાયલોનમાં લપેટવામાં આવે છે અને તીવ્ર ગંધને કારણે અમુક વખત કાગળમાં પણ લપેટવામાં આવે છે. એક પેકેટની કિંમત આશરે 15 ડલાસી (20 સેન્ટ્સ) જેટલી હોય છે.
રમતને જાણ નથી કે, તેના સપ્લાયરો આ મિશ્રણ બનાવવા કયા પદાર્થો વાપરે છે. તે કહે છે કે, તેનો વ્યવસાય વધી રહ્યો છે. પાંચ લીટર ડોલ જેટલો ટાબા પાઉડર વેચીને તેઓ 200 ટકા નફો રળે છે.
રમતે જ્યારે પ્રથમ વખત વેચાણ શરૂ કર્યું, ત્યારે તે જાણતાં ન હતાં કે, તેની કેટલી ખરાબ લત લાગી શકે છે. તે કહે છે, "જો મને બીજો કોઈ નફાકારક ધંધો મળી જશે, તો હું આ વેચવાનું બંધ કરી દઈશ, કારણ કે, હું હવે મહિલાઓને નુકસાન પહોંચાડવા માગતી નથી."
રમતે જણાવ્યું હતું, "એક વખત મેં ઇન્ફેક્શનના ઇલાજ માટે ટાબાનો ઉપયોગ કર્યો હતો, પણ તે વખતે હું મરતાં-મરતાં બચી હતી. તે પછી મેં આજ દિવસ સુધી તેનો ઉપયોગ કર્યો નથી. કેટલાક ગ્રાહકોએ મને જણાવ્યું હતું કે, તેમને પણ આવો જ અનુભવ થયો હતો."
આંતરરાષ્ટ્રીય સપ્લાય નેટવર્ક
અધિકારીઓનું માનવું છે કે, સપ્લાય ચેઈનનું નેટવર્ક દેશની બહાર સુધી ફેલાયેલું છે અને વેચાણકર્તાઓ ગિની-બિસાઉ, સિયેરા લિયોન અને સેનેગલમાં કેસામેન્સ જેવાં દૂરનાં સ્થળોએથી આ ઉત્પાદન મેળવે છે.
ગામ્બિયા સરકારે 2020માં ટાબાને મહિલાઓ તથા છોકરીઓ માટેનો હાનિકારક પદાર્થ જાહેર કર્યો હતો. પરંતુ, તે માટે કોઈ નક્કર કાર્યવાહી થઈ નહોતી - વેચાણકર્તાઓ અને વપરાશકર્તાઓને અટકાવવા માટે કોઈ કાનૂની પગલાં ભરાયાં નથી.
ટાબાનો ઉપયોગ ગેરકાયદે ન હોવા છતાં તમાકુના વપરાશ માટેની કાનૂની વય 18 વર્ષની છે, ત્યારે બાળકો પણ તે વાપરી રહ્યાં હોવાથી મધર્સ હેલ્થ ફાઉન્ડેશન તથા જેન્ડર મિનિસ્ટ્રી જેવાં જૂથોમાં ચિંતા વ્યાપી છે.
લિંગ, બાળ અને સામાજ કલ્યાણ મંત્રાલયના ડેપ્યુટી પર્મેનન્ટ સેક્રેટરી કજાલી સોન્કોએ જણાવ્યું હતું, "સરકાર જાણે છે કે, ટાબાથી ગામ્બિયાની મહિલાઓની સુખાકારી ખતમ થઈ રહી છે અને અમે આ સમસ્યા નિવારી શકે, તેવાં પગલાં, નીતિઓ અને કાર્યક્રમો તૈયાર કરવા માટે કટિબદ્ધ છીએ,"
ગામ્બિયાના મેડિકલ રિસર્ચ કાઉન્સિલ યુનિટ ખાતેના મહામારી વિજ્ઞાની ડૉક્ટર બાઈ ચામે 2023માં શરીર પર ટાબાની પડતી અસરો પરનું શોધપત્ર પ્રસિદ્ધ કર્યું હતું. તેમની ટીમને જાણવા મળ્યું કે, અન્ય ધુમાડારહિત તમાકુની અસર વિશેની જે માહિતી તેમની પાસે છે, તે જોતાં તમાકુની આરોગ્ય પર નકારાત્મક અસરો પડી શકે છે.
ડૉક્ટર ચામ આ સિવાય વધુ સંશોધનના ભાગરૂપે ટાબા મિશ્રણનાં સૅમ્પલ્સ પર રાસાયણિક વિશ્લેષણ પણ કરી રહ્યા છે.
તેના ભાગરૂપે તેમણે હાલના ટાબા વ્યસનીઓ કે પછી ભૂતકાળના વ્યસનીઓનાં પાર્ટનર્સ રહી ચૂકેલાં 42 મહિલાઓ અને 15 પુરુષોના ઇન્ટરવ્યૂ લીધા હતા. તેઓ કહે છે કે, તેમણે જે મહિલાઓ સાથે વાત કરી, તે પૈકીની 90 ટકા કરતાં વધુ મહિલાઓમાં નિકોટિન પૉઇઝનિંગનાં લક્ષણ જોવા મળ્યાં હતાં, જેમાં ઝાડા-ઊલ્ટી, અનિયંત્રિત પેશાબ, બળતરા થવી, ખંજવાળ આવવી, વગેરેનો સમાવેશ થાય છે.
આ પૈકીની કેટલીક મહિલાઓ તેમના તમાકુ પાઉડરને કૉસ્ટિક સોડા સાથે ભેળવતી હતી.
સાથે જ તેમની ટીમને તપાસ દરમિયાન સૅમ્પલ્સમાં નિકોટિન અને કૅન્સરકારક તમાકુ-વિશિષ્ટ એન-નાઇટ્રોસેમાઇનની (ટીએસએનએ) ઊંચી માત્રા પણ જોવા મળી.
એસાઉ અને બંજુલથી એકઠાં કરવામાં આવેલાં તમાકુનાં વધુ કેટલાંક સૅમ્પલ્સને બીબીસીએ વિશ્લેષણ માટે યુનિવર્સિટી ઑફ લાગોસની લેબમાં પહોંચાડ્યાં હતાં.
પરિણામોમાં પાઇરિડીન ડેરિવેટિવની (જેમાં નિકોટિન સંબંધિત સંયોજન હોય છે) સાથે-સાથે સીસાંનું પ્રમાણ જોવા મળે છે, જે વિશ્વ આરોગ્ય સંગઠનની સલામત સીમા કરતાં ઊંચું છે.
ગામ્બિયન સરકાર ટાબાના ઉપયોગ સામે ઝૂંબેશ ચલાવવા માટે દેશભરનાં સમુદાયો તથા જાહેર આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ પ્રોફેશનલ્સ તથા કાર્યકર્તાઓની મદદ લઈ રહી છે.
જેન્ડર મિનિસ્ટ્રીના સોન્કોએ બીબીસીને જાણકારી આપી હતી કે, તેમણે માહિતી તથા જાગૃતિ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે.
સાથે જ ત્યાં દેશનું પ્રથમ નશામુક્તિ અને ઉપચાર કેન્દ્ર પણ બની રહ્યું છે. જોકે, તેમાં ટાબાના વ્યસનીઓને સામેલ કરવામાં આવશે કે કેમ, તે હજુ સ્પષ્ટ નથી.
અધિકારીઓ આગામી પગલાં વિશે વિચારણા કરી રહ્યાં છે, ત્યારે આઇશાતો જેવાં ભૂતપૂર્વ વ્યસનીઓ તેમનાં સમુદાયોમાં સ્થાનિક સ્તર પર ટાબા વિરુદ્ધ લડત ચલાવી રહ્યાં છે.
આઇશાતો કહે છે, "હું નથી ઇચ્છતી કે, બીજી મહિલાઓએ મારા જેવા અનુભવમાંથી પસાર થવું પડે."
રશીદાને પણ પસ્તાવો થઈ રહ્યો છે. તેમને નશાથી મુક્તિ મળવાની આશા છે. "જો મને મદદ મળી હોત, તો મેં ચોક્કસપણે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હોત. હું કોઈને ટાબા લેવાની સલાહ નહીં આપું."
યુસુફ અકિનપેલુ દ્વારા અતિરિક્ત રિપોર્ટિંગ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન