મુસ્તફિઝુર વિવાદ : ટી20 વર્લ્ડ કપ રમવા માટે બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે નહીં આવે

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડએ (બીસીબી) નિર્ણય લીધો છે કે તેની ટીમ ટી20 વર્લ્ડ કપ 2026 રમવા માટે ભારતનો પ્રવાસ નહીં ખેડે.

બીસીબીએ આના વિશેનો એક ઇમેઇલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલને (આઈસીસી) મોકલ્યો છે.

આ સાથે જ બીસીબી દ્વારા આઈસીસીને સ્થળ બદલવા માટે પણ અપીલ કરશે, જેથી કરીને બાંગ્લાદેશના મૅચ શ્રીલંકા ખાતે યોજાઈ શકે. ઉલ્લેખનીય છે કે પૂર્વાયોજન મુજબ પાકિસ્તાનની મૅચો શ્રીલંકા ઉપર જ યોજાવાની છે.

રવિવારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના 17 ડાયરેક્ટરોની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બીસીબીના ડાયરેક્ટર નજમુલ આબેદીન ફહીમનું કહેવું છે કે બીસીબી દ્વારા આગામી સમયમાં આના વિશે વિસ્તૃત નિવેદન બહાર પડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા મળીને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 આયોજિત કરી રહ્યા છે. જે તા. સાતમી ફેબ્રુઆરીથી શરૂ થશે.

બાંગ્લાદેશની પહેલી મૅચ કોલકતા ખાતે વેસ્ટઇન્ડીઝ સામે પૂર્વાયોજિત છે.

બાંગ્લાદેશમાં આક્રોશ

બાંગ્લાદેશની વચગાળાની સરકારના અનેક સલાહકારો તથા ખેલઆયોજકોએ કથિત ધાર્મિક અને રાજકીય દબાણ હેઠળ મુસ્તફિજુર રહમાનને આઈપીએલની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સમાંથી બહાર કાઢવા અંગે કડક પ્રતિક્રિયા આપી હતી.

બાંગ્લાદેશની સરકારમાં યુવા અને રમતગમત બાબતોના સલાહકાર આસિફ નજરુલે કહ્યું હતું, "બાંગ્લાદેશી ક્રિકેટરો તથા દેશનું અપમાન કોઈપણ સંજોગમાં સહન કરવામાં નહીં કરીએ. ગુલામીના દિવસો પૂરા થઈ ગયા છે."

મુસ્તફિઝુરને કેકેઆરમાંથી હઠાવાયા બાદ વિવાદ વકર્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શનિવારે એક મોટો નિર્ણય લીધો અને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ટીમમાંથી બહાર કરવાનો નિર્દેશ આપ્યો.

આ બાદ કેકેઆરે પોતાના એક નિવેદનમાં કહ્યું કે તેણે બીસીસીઆઇના નિર્દેશ મુજબ મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દીધા છે.

આ ઘટનાક્રમ પર બાંગ્લાદેશે તરફથી હવે કડક પ્રતિક્રિયા આવી છે. બાંગ્લાદેશ રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ નઝરુલે માહિતી અને પ્રસારણ સલાહકારને તેમના દેશમાં આઇપીએલ મૅચોનું પ્રસારણ રોકવાની વિનંતી કરી છે.

આ ઉપરાંત, તેમણે આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં યોજાનાર ટી20 ક્રિકેટ વર્લ્ડકપ અને તેમના ખેલાડીઓની સુરક્ષા અંગે પણ નિવેદન આપ્યું છે.

તેમજ, ભારતમાં પણ બીસીસીઆઇના નિર્ણય બાદ તેની સામે સવાલ થઈ રહ્યા છે.

કૉંગ્રેસના નેતા અને સાંસદ શશિ થરૂરે આ મામલે કહ્યું કે રમતગમતને રાજકીય તણાવથી દૂર રાખવી જોઈએ.

ઇતિહાસકાર રામચંદ્ર ગુહા આને એક 'મૂર્ખામીભર્યો નિર્ણય' ગણાવે છે, તેમનું માનવું છે કે આના કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે નિકટતામાં હજુ વધારો થશે.

જોકે, ભાજપના નેતા સંગીત સોમે બીસીસીઆઇના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું કે આ દેશના તમામ હિંદુઓનો વિજય છે.

અગાઉ, ભારતનાં જમણેરી સંગઠનો અને ભાજપના કેટલાક નેતાઓએ કેકેઆર ટીમમાં મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કરવા બદલ શાહરુખ ખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી.

શનિવારે બીસીસીઆઇના સચિવ દેવજિત સૈકિયાએ જણાવ્યું કે તાજેતરના ઘટનાક્રમને ધ્યાને લેતાં આ નિર્ણય લેવાયો છે.

તેમણે કહ્યું કે બોર્ડ કેકેઆરને મુસ્તફિઝુર રહેમાનના સ્થાને અન્ય ખેલાડીને સમાવવાની મંજૂરી આપશે.

આસિફ નઝરુલે શું કહ્યું?

આસિફ નઝરુલે બીસીસીઆઇના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશની મુલાકાતે પહોંચેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરનારામાં આસિફ નઝરુલ પણ સામેલ હતા.

ફેસબુક પર એક પોસ્ટ મૂકીને તેમણે કહ્યું, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઉગ્ર સાંપ્રદાયિક જૂથોની નીતિ સ્વીકારતાં કોલકાતા નાઇટ રાઇડર્સને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી હઠાવવાનો નિર્દેશ આપ્યો છે. હું આની કઠોર નિંદા અને વિરોધ કરું છું."

આસિફ નજરુલે કહ્યું, "રમતગમત મંત્રાલયના જવાબદાર સલાહકાર તરીકે મેં ક્રિકેટ બોર્ડને આ સમગ્ર મામલાની જાણ આઇસીસીને કરવા કહ્યું. બોર્ડે કહ્યું કે જો કોઈ બાંગ્લાદેશી ક્રિકેટરને કરાર છતાં ભારતમાં રમવાની મંજૂરી નથી મળી શકતી, તો આવી સ્થિતિમાં આખી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં જવા અંગે પોતાની જાતને સુરક્ષિત ન મહેસૂસ કરી શકે."

બાંગ્લાદેશના રમતગમત મંત્રાલયના સલાહકારનું કહેવું છે કે તેમણે 'બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને શ્રીલંકામાં બાંગ્લાદેશની વર્લ્ડ કપ મૅચો યોજવા માટે આઇસીસીને વિનંતી કરવાનો નિર્દેશ આપ્યો છે.'

નોંધનીય છે કે ભારત અને શ્રીલંકા આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનાર ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેજબાની કરી રહ્યાં છે.

આસિફ નજરુલે IPL મૅચોના પ્રસારણ અંગે કડક વલણ અખ્તાર કરતાં કહ્યું, "હું માહિતી અને પ્રસારણ સલાહકારને વિનંતી કરું છું કે બાંગ્લાદેશમાં આઇપીએલ મૅચોનું પ્રસારણ રોકવામાં આવે."

તેમણે કહ્યું, "અમે કોઈ પણ સંજોગોમાં બાંગ્લાદેશના ક્રિકેટ, બાંગ્લાદેશી ક્રિકેટરો અને બાંગ્લાદેશનું અપમાન સ્વીકારીશું નહીં. ગુલામીના દિવસો હવે પૂરા થઈ ચૂક્યા છે."

'મૂર્ખામીભર્યું પગલું'

રામચંદ્ર ગુહાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "આ ખૂબ જ મૂર્ખામીભર્યું પગલું છે. બાંગ્લાદેશ સાથે સારા સંબંધ જાળવવા એ ભારતના રાષ્ટ્રીય હિતમાં છે અને બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો આમાં મહત્ત્વપૂર્ણ બની શકે છે. પરંતુ આ નિર્ણય ઢાકા અને ઇસ્લામાબાદને વધુ નિકટ લાવી શકે છે."

વરિષ્ઠ પત્રકાર પ્રભુ ચાવલાએ બીસીસીઆઇના આ નિર્ણય સામે સવાલ ઉઠાવતાં કહ્યું છે કે જ્યારે વિદેશ મંત્રી જયશંકર ઢાકા જઈને બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નેતાઓ સાથે હાથ મિલાવી શકે છે, તો પછી કોઈ એક ખેલાડી ભારત કેમ ન આવી શકે?

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક પર લખ્યું , "શું બીસીસીઆઇ આ વર્ષના અંતમાં ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ પણ રદ કરશે? નિર્ણયોમાં બાબતે એક સરખું વલણ કેમ નથી? જો વિદેશ મંત્રી જયશંકર ઢાકા જઈને બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નેતાઓ સાથે હાથ મિલાવી શકે છે, તો એક ખેલાડી ભારત કેમ ન આવી શકે?"

બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસન ઇન્ટરનૅશનલ લીગ ટી20 માં એમઆઇ એમિરેટ્સ તરફથી રમે છે.

શુક્રવારે એમઆઇ એમિરેટ્સ તરફથી રમતા શાકિબ અલ હસને 24 બૉલમાં 38 રન બનાવ્યા. તેમની ઇનિંગના બળે એમઆઇ એમિરેટ્સ બીજી ક્વૉલિફાયર મૅચમાં અબુ ધાબી નાઇટ રાઇડર્સને સાત વિકેટે હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશી.

શાકિબ અલ હસનને તેમની આ ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા.

આનો ઉલ્લેખ કરતાં વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ કહ્યું કે આ મામલામાં મુસ્તફિઝુર રહેમાન, શાહરુખ ખાન અને કેકેઆરને નિશાન બનાવવામાં આવ્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું , "એક ક્રિકેટ પત્રકારે મને યાદ અપાવ્યું કે શાકિબ અલ હસન યુએઇમાં રમાઈ રહેલી ઇન્ટરનૅશનલ લીગ ટી20માં એમઆઇ એમિરેટ્સના સ્ટાર ખેલાડી છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરાવનાર ક્રૂમાં મોટા ભાગના ભારતીયો છે અને ઢાકામાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું. મુસ્તફિઝુર, શાહરૂખ ખાન અને કેકેઆર સરળ નિશાના છે."

દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે 2025નું સમાપન ઢાકાની મુલાકાતથી કર્યું. 31 ડિસેમ્બરના રોજ જયશંકર બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાને શ્રદ્ધાંજલિ આપવા ઢાકા પહોંચ્યા હતા.

ધ હિન્દુનાં રાજદ્વારી બાબતોનાં સંપાદક સુહાસિની હૈદરે પણ કહ્યું હતું કે વિદેશ મંત્રી જયશંકર બાંગ્લાદેશ જઈ શકે છે, પરંતુ ક્રિકેટર ભારતમાં નથી રમી શકતો.

તેમણે એક્સ પર લખ્યું, "સરકાર સોશિયલ મીડિયા ઝુંબેશને એક પછી એક પાડોશી દેશો સાથેની પોતાની કૂટનીતિ પર હાવી થવા દઈ રહી છે અને પોતાની સૉફ્ટ પાવરને ખતમ કરી રહી છે."

"વિદેશ મંત્રી જયશંકર ઢાકા જઈ શકે છે, વડા પ્રધાન મોદી બાંગ્લાદેશના નેતાને મળી શકે છે, પરંતુ એક ક્રિકેટર ભારતમાં નથી રમી શકતો."

કૉંગ્રેસે બીસીસીઆઇને સામે સવાલ ઉઠાવ્યા

તાજેતરમાં, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે બાંગ્લાદેશના મૈમનસિંહમાં દીપુ ચંદ્ર દાસની હત્યાનો ઉલ્લેખ કરીને તેની નિંદા કરી હતી.

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં બાંગ્લાદેશમાં હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધો સહિતના લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમજ બાંગ્લાદેશે ભારતના વિવિધ પક્ષો દ્વારા લઘુમતીઓ મામલે ગેરમાર્ગે દોરતી વાતો ફેલાવવાથી બચવાની અપીલ કરી હતી.

સાથોસાથ બાંગ્લાદેશે કહ્યું હતું કે તાજેતરમાં ભારતમાં લઘુમતીઓ સાથે બનેલી કેટલીક ઘટનાઓ 'ચિંતાજનક' છે અને તેને આશા છે કે ભારત તેની 'નિષ્પક્ષ તપાસ' કરાવશે.

બીજી તરફ ભાજપના નેતા અને યુપીના સરધનાના ભૂતપૂર્વ ધારાસભ્ય સંગીતસિંહ સોમે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાં મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કરવા બદલ શાહરુખ ખાનને 'ગદ્દાર' કહ્યા હતા.

દેવકીનંદન ઠાકુરે પણ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ કથિત હિંસાનો હવાલો આપીને કેકેઆરના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા.

પરંતુ શશિ થરૂરે કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાનો બોજો ક્રિકેટ પર ન ઢોળવો જોઈએ. હિંસામાં મુસ્તફિઝુર રહેમાનની કોઈ ભૂમિકા નહોતી.

તેમણે કહ્યું, "મુસ્તફિઝુર રહેમાન એક ક્રિકેટર છે અને તેમના આ બધી વાતો સાથે કોઈ લેવાદેવા નથી. તેમના પર વ્યક્તિગત રીતે કોઈ પણ પ્રકારનું દ્વેષપૂર્ણ ભાષણ આપવાનો કે કોઈ પણ હુમલાનું સમર્થન કે બચાવ કરવાનો કોઈ આરોપ નથી. આ બે બાબતોને એકમેક સાથે જોડવું ખોટું છે."

કૉંગ્રેસના નેતા અને કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ પણ બીસીસીઆઇના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું, "એક ફ્રેન્ચાઇઝી અને તેના માલિકને સવાલ કરવાનો શો અર્થ છે. આ નિયમ બીસીસીઆઇએ બનાવ્યો છે. કોઈ બીસીસીઆઇ, આઇસીસી અને ગૃહ મંત્રાલય સામે કેમ સવાલ નથી ઉઠાવી રહ્યું."

"જો બીસીસીઆઇને ખરેખર લોકોની ભાવનાઓની પરવા છે, તો આઇપીએલની હરાજી ભારત બહાર કેમ યોજવામાં આવે છે. કોવિડ દરમિયાન અબુ ધાબીમાં આઇપીએલ કેમ રમાઈ હતી. શું તમે ઇંગ્લિશ પ્રીમિયર લીગ કે એનએફએલને દેશ બહાર હરાજી યોજતી જોઈ છે."

ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી નરેન્દ્ર કશ્યપે બીસીસીઆઇના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું, "અમે બીસીસીઆઇના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. તેમણે લોકો અને દેશની ભાવનાઓને સમજી છે."

"જે બાંગ્લાદેશમાં નિ:શસ્ત્ર હિંદુઓની હત્યા થઈ રહી છે, જે અંગે વડા પ્રધાન મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે, એ બાંગ્લાદેશના ખેલાડીને હઠાવવો એ સંતોષજનક વાત છે."

મુસ્તફિઝુર રહેમાનના બહાર થયા બાદ આ વર્ષે આઇપીએલમાં કોઈ બાંગ્લાદેશી ખેલાડી જોવા નહીં મળે.

જોકે, મુસ્તફિઝુર રહેમાન પહેલાં પણ આઇપીએલમાં રમી ચૂક્યા છે.

ગત મહિને આઇપીએલ 2026 માટે અબુ ધાબીમાં યોજાયેલી હરાજીમાં કેકેઆરે મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂ.માં ખરીદ્યા હતા.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે રહેમાનને સમગ્ર આઇપીએલમાં રમવા માટે એનઓસી આપ્યું હતું.

રહેમાને ગયા વર્ષે IPLમાં પણ ભાગ લીધો હતો. તેઓ અત્યાર સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રૉયલ્સ, દિલ્હી કૅપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કુલ 60 મૅચ રમી ચૂક્યા છે, જેમાં તેમણે 65 વિકેટ મેળવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન