2026માં તમારા ફોનથી માંડીને લૅપટૉપ સુધીની વસ્તુઓ કેમ મોંઘી થઈ શકે?

    • લેેખક, ટોમ જરકન

કમ્પ્યૂટરમાં RAM ખૂબ જ મહત્ત્વનો ભાગ હોય છે.

2026માં આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એવી ઘણી ડિવાઇસ મોંઘી થઈ શકે છે. તેનું એક કારણ છે RAM. એક સમયે કમ્પ્યૂટરના સૌથી સસ્તા ભાગો પૈકી એક RAMના ભાવ ગત વર્ષ ઑક્ટોબર માસથી બમણા જેટલા થઈ ગયા છે.

આ ટૅક્નૉલૉજી સ્માર્ટફોનથી માંડીને મેડિકલ ડિવાઇસો સુધી જોવા મળે છે.

AI ડેટા સેન્ટર્સમાં ભારે વૃદ્ધિને કારણે આના ભાવ વધ્યા છે. આ સેન્ટરોમાં પણ RAMની જરૂર હોય છે. આના કારણે માગ અને પુરવઠાનું સંતુલન ખોરવાયું છે. જેથી, બધાએ RAM માટે વધુ ભાવ ચૂકવવા પડશે.

ઘણી વાર ઉત્પાદકો નાના ભાવવધારા ખમી લે છે, પરંતુ મોટો ભાવવધારો તો ગ્રાહકો પાસેથી જ વસૂલાય છે. જોકે, આ વખતે ભાવમાં આ વધારો કોઈ પણ દૃષ્ટિએ જોતા નાનો તો નથી જ.

કમ્પ્યૂટર બનાવનાર કંપની સાઇબરપાવર-પીસીના પ્રમુખ સ્ટીવ મેસને કહ્યું હતું કે, "થોડા મહિના પહેલાંની સરખામણીએ હવે અમારી પાસેથી 5 ગણા વધુ પૈસાની માગણી કરાઈ રહી છે."

તેમણે કહ્યું કે "એવો સમય આવશે" કે કમ્પોનેન્ટના ભાવમાં આ વધારો ઉત્પાદકોને "ભાવ અંગે નિર્ણય" લેવા "મજબૂર" કરશે.

તેમણે કહ્યું, "જો કોઈ ડિવાઇસમાં મેમરી કે સ્ટોરેજનો ઉપયોગ થાય છે, તો તેની કિંમત વધવાની સંભાવના છે."

"ઉત્પાદકો અને ગ્રાહકોએ પંસદગી કરવી પડશે"

RAM (રેન્ડમ એક્સેસ મેમરી)નો ઉપયોગ ડિવાઇસ વાપતી વખતે કામચલાઉ ઢબે કોડ સ્ટોર કરવા માટે થાય છે. બધા પ્રકારનાં કમ્પ્યૂટરો માટે આ એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

ઉદાહરણ તરીકે, RAM વિના તમારા માટે આ અહેવાલ વાંચવો અશક્ય બની જશે.

RAM સર્વવ્યાપી છે, તેથી જ કમ્પ્યૂટર બિલ્ડિંગ સાઇટ પીસી-સ્પેશિયાલિસ્ટના ડેની વિલિયમ્સને આશંકા છે કે ભાવવધારો "2026માં પણ" ચાલુ રહેશે.

તેમણે કહ્યું, "2025માં બજાર ખૂબ સારું રહ્યું અને જો મેમરીના ભાવમાં ઘટાડો નહીં આવે તો વર્ષ 2026માં ગ્રાહકોની માગ ધીમી પડે તેવી આશંકા છે."

જુદા જુદા RAM ઉત્પાદકો પર આની 'અલગ અસર થઈ છે.'

તેમણે કહ્યું, "કેટલાક પાસે મોટા પ્રમાણમાં માલનો સ્ટૉક છે અને તેના કારણે તેમની કિંમત થોડી વાજબી છે, જેમ કે, અગાઉના બાવ કરતાં દોઢ કાં તો બમણી."

પરંતુ અન્ય એકમો પાસે આવો મોટો સ્ટૉક નહોતો - તેથી તેમણે "ભાવમાં પાંચ ગણા સુધી વધારો" કર્યો છે.

AIને કારણે RAMના ભાવમાં વધારો

'ચિપ વૉર્સ'ના લેખક ક્રિસ મિલર અનુસાર, કમ્પ્યૂટર મેમરીની માગને વધારવા માટે AI એક 'મોટું કારક' છે.

તેમણે કહ્યું, "મેમરી ચિપની માગનું સૌથી મોટું કારણે AIમાં ઉપયોગમાં લેવાતી હાઇ-ઍન્ડ હાઇ બૅન્ડવિથ મેમરી છે. આના કારણે જુદી જુદી મેમરી ચિપ્સના ભાવ વધ્યા છે."

તેઓ કહે છે કે સામાન્ય રીતે "માગ અને પુરવઠા"ને આધારે ભાવમાં "ભારે વધઘટ" થાય છે. હાલ માગમાં સારો એવો વધારો છે.

બીબીસી સાથેની વાતચીતમાં ટૅક ઇન્સાઇટ્સના માઇક હાવર્ડે કહ્યું કે ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડરોએ વર્ષ 2026 અને 2027 માટે પોતાની મેમરી માટેની જરૂરિયાત ફાઇનલાઇઝ કરવાને કારણે આવું થયું છે.

તેમણે કહ્યું કે આના લીધે RAM ઉત્પાદકોને માગનું સ્પષ્ટ ચિત્ર આપ્યું છે - અને એ 'સ્પષ્ટ' છે કે પુરવઠો "ઍૅમેઝોન, ગૂગલ અને બીજા 'હાઇપરસ્કેલર'ની યોજના પ્રમાણે પુરવઠો નહીં વધે."

હાઇપરસ્કેલર એટેલે એવી મોટી કંપનીઓ (ઍમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ) જે આખા વિશ્વમાં મસમોટાં ક્લાઉડ સર્વિસ અને ડેટા સેન્ટરો ચલાવે છે. આ કંપનીઓ AI માટે એટલી બધી RAMની ખરીદી કરી રહી છે કે લૅપટૉપ અને ફોન ઉત્પાદકો માટે તેનો પુરવઠો ખૂટી પડ્યો છે, જેના કારણે ભાવ વધ્યા છે.

તેમણે કહ્યું, "માગની સ્પષ્ટતા અને પુરવઠાની મર્યાદાના સંયોજનને કારણે સપ્લાયરોએ સતત ભાવવધારો કર્યો છે, જે અમુક કિસ્સામાં ખૂબ વધુ છે."

"કેટલાક સપ્લાયરોએ અંદાજિત કિંમત આપવાનુંય બંધ કરી દીધું છે, આ બતાવે છે કે તેમને ભવિષ્યમાં ભાવ હજુ વધશે એ વાતનો વિશ્વાસ છે."

તેમનું કહેવું છે કે કેટલાક ઉત્પાદકોએ આ વાતનો અંદાજ પહેલાંથી જ લગાવી લીધો હશે અને ભાવવધારા માટે મદદરૂપ થવા માટે પહેલાંથી જ સ્ટૉક ભરાવી લીધો હશે. પરંતુ માઇક પ્રમાણે, આવા એકમો "અપવાદરૂપ" છે.

તેઓ કહે છે કે, "પર્સનલ કમ્પ્યૂટરની કુલ કિંમતમાં મેમરીનો ભાગ 15થી 20 ટકા હોય છે. પરંતુ હાલનો ભાવ આ પ્રમાણને 30થી 40 ટકા સુધી લઈ ગયો છે. ગ્રાહક સેગમેન્ટમાં નફાનું માર્જિન એટલું ઝાઝું નથી હોતું કે આટલા વધારાની કોઈ અસર ન થાય."

RAMના ભાવવધારાને કારણે સર્જાયેલા પડકારો

આ ભાવવધારા સાથે ગ્રાહકો પાસે બે જ વિકલ્પ હશે, એક એ કે વધુ કિંમત ચૂકવો અને બીજો એ કે ઓછી શક્તિશાળી ડિવાઇસ ખરીદો.

મેસન કહે છે કે, "અમારી પાસે રહેલી બજારની માહિતી પ્રમાણે વર્ષ 2026 અને 2027 દરમિયાન કિંમત અને પુરવઠો એ પડકાર રહેશે."

કેટલીક મોટી કંપનીઓએ પોતાની જાતને ગ્રાહક બજારમાંથી બિલકુલ અલગ કરી લીધી છે.

ભૂતકાળની સૌથી મોટી RAM વેન્ડર કંપનીઓ પૈકી એક માઇક્રોને ડિસેમ્બરમાં જાહેર કર્યું કે તેઓ AI માગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેની 'મહત્ત્વપૂર્ણ' બ્રાન્ડનું વેચાણ બંધ કરી દેશે.

મેસને કહ્યું, "આના કારણે બજારમાંથી એક મોટી કંપનીઓ પૈકીની એક કંપની જતી રહી."

"એક તરફ આનો અર્થ એ થાય છે કે હવે ગ્રાહકો પાસે ઓછા વિકલ્પ હશે, અને બીજી તરફ જો આ કંપનીઓનો બધો માલ AI દ્વારા જ લઈ લેવામાં આવે તો બીજી કંપની માટે એ ગ્રાહકોના વર્ગને માલ પૂરો પાડવા માટેની તક હશે. તેથી સંતુલન જળવાઈ રહી શકે."

હાવર્ડે કહ્યું કે એક 16 GB RAMવાળા સામાન્ય લૅપટૉપના ઉત્પાદનખર્ચમાં વર્ષ 2026માં 40થી 50 ડૉલર સુધીનો વધારો થઈ શકે અને આ ભાવવધારો "ગ્રાહકો પર નખાય એવી પૂરી સંભાવના છે."

તેઓ કહે છે કે, "સ્માર્ટફોનની કિંમતોમાં પણ વધારા માટેનું દબાણ સર્જાશે."

"અમેરિકામાં સામાન્ય સ્માર્ટફોનનો ઉત્પાદનખર્ચ 30 ડૉલર સુધી વધશે, આ ભાવવધારો પણ ગ્રાહકો પર નખાય તેવી સંભાવના છે."

વિલિયમે કહ્યું કે આ ભાવવધારાનાં બીજાં પરિણામો પણ હોઈ શકે.

તેમણે કહ્યું, "કમ્પ્યૂટર એ આધુનિક વિશ્વમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે."

"મેમરીનો ભાવ વધતાં, ગ્રાહકોએ પર્ફૉર્મન્સ માટે વધુ કિંમત ચૂકવવી કે ઓછી પર્ફૉર્મન્સવાળી ડિવાઇસ ખરીદવી એ જોવું પડશે."

વિલિયમે કહ્યું કે બીજો રસ્તો પણ ખરો - ગ્રાહકો "થોડા સમય સુધી જૂની ટૅક્નૉલૉજી સાથે જ જીવી શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન