કૉમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદ કેવું દેખાશે અને નાગરિકોને કેવી અસર થશે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

"જ્યારે વિકાસ કે અમદાવાદમાં સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવાની વાત આવે છે, ત્યારે અમદાવાદ પહેલેથી જ એક બૅન્ચમાર્ક પર પહોંચી ચૂક્યું છે." આ શબ્દો અમદાવાદ મ્યુનિસિપલ (એએમસી) કમિશનર બંછાનિધિ પાનીના છે.

વર્ષ 2030માં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સ (CWG) માટે કરવામાં આવનારા માળખાકીય વિકાસ માટેની કમિટીના તેઓ સભ્ય પણ છે.

આયોજનના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અનેક માળખાકીય સુવિધાઓ વધારવાની, તેમજ નવી સુવિધાઓ ઊભી કરવાની સરકારની યોજના છે.

એએમસી હાલ શહેરની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં નવા પ્રોજેક્ટ- જેમ કે નવા સ્ટેડિયમ, નવા રસ્તાઓ વગેરે - બનાવવા માટેની તૈયારી કરી રહ્યું છે.

એસ.જી. હાઈવે પર ઇસ્કોન ચાર રસ્તાથી માંડી પકવાન ચાર રસ્તા સુધીના માર્ગને એક 'મોડલ રોડ' તરીકે વિકસાવવાનું આયોજન છે, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પૉર્ટ્સ ઍન્ક્લેવને મુખ્ય ઇવેન્ટ સ્થળ તરીકે તૈયાર કરવાની યોજના છે.

આ સાથે જ ઇવેન્ટ માટે રિવરફ્રન્ટના ફેઝ-2 અને ફેઝ-3, વિવિધ તળાવોને ઇન્ટરલિંક કરીને તેમનો વિકાસ કરવો વગેરે કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ, આ તમામ માળખાકીય સુવિધાઓ એવી રીતે તૈયાર કરવામાં આવશે કે રમતોત્સવ બાદ પણ લોકો તેનો ઉપયોગ કરી શકે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા બંછાનિધિ પાનીએ જણાવ્યું, "આ સ્પૉર્ટ્સ ઇવેન્ટ બહુ મોટી છે, પરંતુ તેને લગતી તમામ માળખાકીય સુવિધાની કામગીરીનો અંતિમ હેતુ અમદાવાદના લોકોનું જીવન વધુ સરળ અને સારું બનાવવાનો છે."

ઉદાહરણ આપતાં તેમણે કહ્યું, "કૉમનવેલ્થ ગેમ્સ પહેલાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન થવાનું છે. આવનારા દિવસોમાં આ ગેમ્સ પહેલાં બાસ્કેટબૉલ જેવી વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અહીં યોજાવાની છે અને અમદાવાદ તે માટે તૈયાર છે."

લોકોને કેવી રીતે ફાયદો થશે?

હાલમાં વિવિધ રમતગમત માટે સરદાર પટેલ સ્પૉર્ટ્સ ઍન્ક્લેવ ઉપરાંત વીર સાવરકર સ્ટેડિયમ સહિત અન્ય સ્ટેડિયમ ઉપલબ્ધ છે.

જો કે, આવનારા દિવસોમાં કરાઈ વિસ્તારમાં નવા સ્ટેડિયમની સાથે-સાથે વિવિધ યુનિવર્સિટીના ગ્રાઉન્ડને પણ અલગ-અલગ રમતો માટે વિકસાવવામાં આવશે.

પાનીનું કહેવું છે કે, આ તમામ સુવિધાઓ નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લી રહેશે, જેથી અમદાવાદમાં સ્પૉર્ટ્સ કલ્ચરને વેગ મળી શકે.

હાલમાં એસ.પી. રિંગ રોડ પર અનેક વખત ટ્રાફિક જોવા મળે છે, જેનું મુખ્ય કારણ રસ્તાની પહોળાઈ વધારવાનું કામ છે.

હાલમાં AMC આ ફૉર-લેન રોડને સિક્સ-લેન રોડમાં રૂપાંતરિત કરી રહી છે, જેથી આવનારા દિવસોમાં સ્પૉર્ટ્સ ઇવેન્ટ દરમિયાન લોકોને તકલીફ ન પડે.

તેમણે જણાવ્યું કે, "આખો રોડ 78 કિલોમીટરનો છે અને ટૂંક સમયમાં સિક્સ લેન માટે તૈયાર થઈ જશે."

બીબીસી ગુજરાતી સાથેની પોતાની અગાઉની વાતચીતમાં અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર અને અર્બન પ્લાનર ડૉ. ઋતુલ જોષીએ કહ્યું હતું:

"શહેરે વૉકિંગ, બસ અને મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ કામ કરવું પડશે. સુરક્ષિત ફૂટપાથ, સારા રસ્તાઓની ડિઝાઇન, બસોની સંખ્યા વધારવી અને મોબિલિટી કાર્ટ જેવી યોજનાઓ પર કામ કરવું જરૂરી છે, જેથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે. અમદાવાદ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી પરેશાન છે, તેનું યોગ્ય સમાધાન શોધવું પડશે."

બીજી બાજુ, કમિશનર પાનીએ જણાવ્યું હતું કે શહેરની પબ્લિક ટ્રાન્સપૉર્ટ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે કામ ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં વધુ 'ઇન્ક્લુસિવ ઍપ્રોચ' સાથે મેટ્રો જેવી સેવાઓ કાર્યરત થવાની છે.

કેવું દેખાશે અમદાવાદ?

શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોથી લઈને નવા સ્ટેડિયમ અને સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના નવા સ્વરૂપ સુધી, AMCએ આ અંગે બીબીસી ગુજરાતી સાથે 'આર્ટિસ્ટિક રિપ્રેઝન્ટેશન'ની તસવીરો ઉપલબ્ધ કરાવી છે.

સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 2 તરીકે શાહીબાગના ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના નદીના પટનો વિકાસ કરવામાં આવશે.

ત્યારબાદ, ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધીનો માર્ગ પંચતત્વ - પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ અને હવા - થીમ પર તૈયાર કરવામાં આવશે.

પાનીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદના ઍરપૉર્ટ રોડને 'આઇકોનિક રોડ' તરીકે વિકસાવવામાં આવશે, જેમાં ગ્રીન કૉરિડૉરની સાથે તેને આંતરરાષ્ટ્રીય સ્તરનો બનાવવાનો પ્રયાસ થશે.

એસ.જી. હાઇવે પર ઇસ્કોન ચાર રસ્તાથી પકવાન સુધીના માર્ગને મોડલ રોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આયોજન છે કે સરખેજથી ગાંધીનગર સુધી એક પણ રેડ સિગ્નલ ન આવે અને ગાંધીનગર પહોંચવાનો સમય ઘટે.

પાની કહે છે, "ઇસ્કોનથી પકવાન સુધીના માર્ગને વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ સાથે એક મોડલ રોડ તરીકે વિકસાવવા માટેનું આયોજન ચાલી રહ્યું છે."

કેટલો ખર્ચ થશે અમદાવાદમાં CWG માટે?

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ આ ઇવેન્ટનો ખર્ચ અંદાજે 3000 થી 5000 કરોડ રૂપિયા સુધી થઈ શકે છે. આ ખર્ચ મુખ્યત્વે માળખાકીય સુવિધાઓને વધુ સારી બનાવવા માટે કરવામાં આવશે.

જો કે હજી સુધી કુલ ખર્ચ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પી.ટી.આઈ.એ નોંધ્યું છે કે 2010માં દિલ્હીમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સ દરમિયાન થયેલા વિલંબ અને વિવાદોને ધ્યાનમાં રાખીને આ વખત ખાસ કાળજી લેવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન