You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : માયાભાઈ આહીરના દીકરાએ બગદાણાના સેવક પર 'હુમલો કરાવ્યા'નો આરોપ, શું છે આખો મામલો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, .
ભાવનગર જિલ્લામાં બગદાણા આશ્રમ મામલે ડાયરાના કલાકાર માયાભાઈ આહીરનો એક વીડિયો વાઇરલ થયા બાદ વિવાદ થયો છે. માયાભાઈએ એક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે આ વિવાદ થયો હતો.
જોકે બાદમાં માયાભાઈ આહીરે એક વીડિયોના માધ્યમથી પોતાની 'ભૂલ થઈ ગઈ' હોવાની વાત પણ સ્વીકારી હતી.
આ દરમિયાન આશ્રમના એક સેવક નવનીતભાઈએ આક્ષેપ કર્યો હતો કે માયાભાઈના દીકરાએ તેમના પર 'હુમલો કરાવ્યો' હતો. જોકે માયાભાઈના દીકરાએ આ આરોપોને ફગાવી દીધા હતા.
આ વિવાદમાં ભાવનગરના કોળી સમાજના દિગ્ગજ નેતા અને રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ ઝંપલાવ્યું છે. તેમણે પીડિતની હૉસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને આ વિવાદમાં ઝીણવટથી તપાસ કરવાની માગ કરી હતી.
તો પોલીસે આ મામલે હુમલાખોરોને પકડી લીધા છે. જોકે આ હુમલા પાછળ બગદાણા આશ્રમ અંગે માયાભાઈએ આપેલા નિવેદન સાથે 'કોઈ સામ્ય નથી' એવું જણાવ્યું છે.
આ આખી ઘટનાના અનેક વીડિયો અને ઑડિયો ક્લિપ પણ વાઇરલ થયાં છે, જેની બીબીસી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી.
આખો મામલો શું છે અને વિવાદ ક્યાંથી શરૂ થયો એ અંગે આ અહેવાલમાં જાણીએ.
માયાભાઈએ બગદાણા અંગે શું કહ્યું કે વિવાદ થયો?
માયાભાઈ આહીરે મુંબઈ ખાતેના એક કાર્યક્રમમાં યોગેશ સાગર નામના આગેવાનની બગદાણા ગુરુ આશ્રમના 'મૅનેજિંગ ટ્રસ્ટી' તરીકે જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માયાભાઈએ કહ્યું હતું કે 'યોગેશ સાગર પર બાપાની એટલી બહુ કૃપા છે કે અમારા પૂજ્ય મનજીબાપા પછી બગદાણા ગુરુ આશ્રમની જવાબદારી તેમને સોંપાઈ છે. તેઓ બગદાણા આશ્રમના મૅનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા છે.'
આ પછી બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને કહ્યું કે 'બગદાણામાં કોઈ મૅનેજિંગ ટ્રસ્ટી નથી. પછી તેમણે (માયાભાઈ) કહ્યું કે તો હું વીડિયો મૂકીને એનો ખુલાસો કરું છું.'
એ પછી માયાભાઈ આહીરે એક વીડિયોમાં કહ્યું કે 'તાજેતરમાં 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં એક કાર્યક્રમ હતો. જેમાં મારાથી બગદાણા વિશે એક જાહેરાત થઈ હતી. મેં તેમાં મૅનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો હતો. મને હમણાં નવનીતભાઈનો ફોન આવ્યો અને એમણે મારું ધ્યાન દોર્યું કે હજુ કોઈ મૅનેજિંગ ટ્રસ્ટી નથી. બધા ટ્રસ્ટી જ છે. મૅનેજિંગ ટ્રસ્ટી જે શબ્દ બોલાયો એ ખરેખર મારી ભૂલ છે. મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું.'
માયાભાઈ આહીરના દીકરા જયરાજે હુમલો કરાવ્યાનો આરોપ
આ સમગ્ર ઘટના બાદ નવનીત બાલધિયાને આઠ અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેનો આરોપ નવનીતભાઈએ માયાભાઈના દીકરા જયરાજ પર મૂક્યો હતો.
ઈજાગ્રસ્ત થયેલા નવનીત બાલધિયાએ હૉસ્પિટલમાંથી મીડિયાને જણાવ્યું કે "માયાભાઈનો વીડિયો જોયા પછી મેં તેમને ફોન કરીને કહ્યું કે બગદાણામાં કોઈ મૅનેજિંગ ટ્રસ્ટી નથી. પછી તેમણે કહ્યું કે તો હું વીડિયો મૂકીને એનો ખુલાસો કરું છું. બીજા દિવસે એમના (માયાભાઈ)ના દીકરાનો ફોન આવ્યો કે 'તું ક્યાં છો, મારે તને મળવું છે. મેં કહ્યું કે હું આશ્રમમાં છું.' પછી આ લોકો રાતે આવ્યા અને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું અને તેની ચાવી કાઢી ગયા."
નવનીતભાઈએ કહ્યું કે "પછી હું ત્યાં પહોંચ્યો અને એમની ગાડી પાછળ ગયો. એ પછી મારી પાછળ બીજી એક ગાડી આવી. ગાડીમાંથી ચાર લોકો ઊતર્યા અને કહ્યું કે તું કેમ અમારી રેકી કરે છે. એમ કરીને મને ધોકા-પાઇપોથી માર મારવા લાગ્યા. એ પછી બીજી ગાડી આવી અને એમાંથી ચાર લોકો ઊતર્યા અને મને માર માર્યો. પછી બગદાણા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવી છે. મારા બે માબાઇલ તોડી નાખ્યા, મારી બાઇકને પણ નુકસાન કર્યું છે."
એક વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી છે, જેમાં જયરાજ આહીર અને નવનીત બાલધિયા વચ્ચે વાતચીત થઈ રહી છે.
બીબીસીએ જયરાજ આહીરનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો ફોન સ્વીચ ઑફ હોવાથી તેમની સાથે વાતચીત થઈ શકી નથી. તેમનો સંપર્ક થતા અહેવાલમાં ઉમેરી દેવાશે.
જોકે જયરાજ આહીરે નવનીત બાલધિયાને ફોન કર્યો હોવાની વાત તો સ્વીકારી છે, પણ તેમના કહેવા અનુસાર, 'અમારી જે ગેરસમજણ હતી એ દૂર થઈ ગઈ હતી.'
જયરાજ આહીરે ગુજરાતની વિવિધ ચૅનલો અને પ્લૅટફૉર્મ પર નિવેદનો આપ્યાં છે. તેમણે કહ્યું કે 'આ વિવાદ ખોટો છે અને અમારી સામે ખોટા આરોપો મૂકવામાં આવી રહ્યા છે. નવનીતભાઈએ પોતે આ વીડિયો વાઇરલ કર્યા હતા. નવનીતભાઈનાં પોતાનાં અલગ-અલગ ત્રણ નિવેદન છે. હવે આ મારામારીના કેસમાં અમારું નામ ખરાબ કરાઈ રહ્યું છે. એ વિવાદ કેમ થયો એ તેઓ (નવનીતભાઈ) જાણે.'
પોલીસે આ સમગ્ર મામલે શું કહ્યું?
નવનીત બાલધિયાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
29 ડિસેમ્બરે બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112 (2) 118 (1) 115 (2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ત્યાર બાદ હુમલો કરનાર આઠ આરોપીઓ સાથે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું હતું.
મહુવાનાં ઇનચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલાએ આ સમગ્ર વિવાદ મામલે મીડિયાને માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, "નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયાએ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસે માહિતી આપી હતી કે તેઓ જ્યારે વર્ના ગાડીનો પીછો કરતા હતા ત્યારે આઠ અજાણ્યા શખ્સો દ્વારા તેમને માર મારીને ઈજા પહોંચાડી હતી."
"ફરિયાદીએ પોલીસને બનાવ સમયનો એક વીડિયો આપ્યો હતો, જેમાં એક નાજુભાઈ ધીંગુભાઈ કામળિયાનું નામ વીડિયોમાં આવતું હતું, જેના આધારે પોલીસે નાજુભાઈને પકડ્યા હતા."
"નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાઈ આવે છે કે નાજુભાઈ દારૂના ધંધા સાથે સંકળાયેલા આરોપી છે. અવારનવાર એલસીબી અને લોકલ પોલીસે તેમના પર કેસ કર્યા છે."
"આ સમગ્ર કેસની બાતમી નવનીતભાઈ આપતા હોવાની તેમને શંકા હતી."
પોલીસના જણાવ્યા અનુસાર, નવનીતભાઈ પણ માટીના ધંધા સાથે સંકળાયેલા છે.
ડીવાયએસપી રીમાબા ઝાલાએ કહ્યું કે "નાજુભાઈના સહઆરોપીઓનો પણ માટીનો ધંધો છે. માટીના ધંધા પર ખાણ-ખનીજ વિભાગની અવારનવાર રેડ કરાવેલી હોય છે. આરોપીઓને એવી શંકા હતી કે આ રેડની બાતમી પણ નવનીતભાઈ દ્વારા આપેલી હોય છે. આથી દારૂ અને ખાણ-ખનીજ વિભાગની રેડ અને તેની પાછળનો રાગદ્વેષ જણાઈ આવે છે."
નવનીત બાલધિયાએ મીડિયાને જણાવ્યું કે પોલીસે આખો કેસ 'અલગ પાટે' ચડાવી દીધો છે.
ફરિયાદ બાલધિયાએ પોલીસ ફરિયાદમાં જયરાજ આહીરના નામનો ઉલ્લેખ ન કરાયો હોવાના પણ આક્ષેપ કર્યો હતો.
પત્રકારોએ માયાભાઈ 'આહીરના વીડિયો બાદ નવનીતભાઈ પર થયેલા હુમલા' અંગે સવાલ કર્યો હતો.
જેના જવાબમાં ડીવાયએસપી રીમાબા ઝાલાએ કહ્યું કે, "હાલ પોલીસે જે તપાસ કરી છે અને મુખ્ય આરોપીની પૂછપરછ દરમિયાન મળેલી માહિતી અનુસાર, નવનીતભાઈ પર જે હુમલો થયો અને એને (માયાભાઈના વીડિયોનો વિવાદ) કોઈ લેવાદેવા નથી, આ મામલે પોલીસને હાલ એવા કોઈ પુરાવા પણ મળ્યા નથી."
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વિવાદમાં ઝંપલાવ્યું
નવનીત બાલધિયા પર હુમલો થયા બાદ રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ પીડિતની હૉસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને આખો સમાજ એમની સાથે છે એવું કહ્યું હતું. તેમણે તેમને ન્યાય અપાવવાની વાત કરી હતી.
હીરા સોલંકીએ હૉસ્પિટલમાંથી એમના મોટા ભાઈ પરસોત્તમ સોલંકીને ફોન કર્યો હતો અને આ કોળી સમાજના યુવાનને મદદ કરવાની વાત કરી હતી.
હીરા સોલંકીએ પીડિતની મુલાકાત લીધા બાદ મીડિયાને સંબોધન કર્યું હતું અને આ મામલે ઝીણવટભરી તપાસ કરવાની માગ કરી હતી.
(ભાવનગરથી બીબીસી સહયોગી અલ્પેશ ડાભીના ઇનપૂટ્સ સાથે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન