You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"મારા પતિ પાકિસ્તાનની જેલમાં છે, પાંચ વર્ષનો પુત્ર પૂછે છે કે પપ્પા ક્યાં છે", ગુજરાતના માછીમારોના પરિવારોની વ્યથા
"મારો દીકરો પાંચ મહિનાનો હતો ત્યારે મારા પતિ દરિયામાં માછીમારીની ખેપ મારવા ગયા હતા. છેલ્લાં પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે."
"ન તો ફોન પર વાત થઈ શકે છે કે નથી કોઈ પત્ર આવતો. બાળક મને કહે છે કે મારા પપ્પા ક્યાં છે? અમને કેમ કોઈ દિવસ મળતા નથી? બધાના પપ્પા છે તો મારા પપ્પા ક્યાં છે? હું મારા સંતાનને ખોટો જવાબ આપું છું કે કામે ગયા છે, આવશે.
"આવું કહી કહીને પાંચ પાંચ વર્ષ વિતાવ્યાં છે. હવે હું પણ ખોટું બોલી શકું તેમ નથી. મારી ગુજરાત સરકારને અને ભારત સરકારને વિનંતી છે કે મારા પતિ અને બીજા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાંથી વતન પાછા આવે તે માટે કંઈક કરો."
આ શબ્દો રાઝીબહેન નરેશભાઈ શિયાળના છે. જેઓ ઊના તાલુકાનાં ખત્રીવાળા ગામનાં છે. તેમના પતિ માછીમારી કરતા હતા અને દરિયાઈ સીમા ઓળંગાતા હાલ પાકિસ્તાનની જેલમાં છે.
ઊના તાલુકાનાં જ ઝીણાબહેન ભાલિયા બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "પાકિસ્તાન સરકારને અમે વિનંતિ કરીએ છીએ કે અમારાં બાળકો સામું જોઈને અમારા માણસને જેલમાંથી છોડી દો. અમે તમને હાથે પગે લાગીએ છીએ. અમારા માણસ વિના ઘડીકે'ય નથી રહી શકતા. આ પાંચ પાંચ વરસ કેમ કાઢ્યાં છે તે અમારું મન જાણે છે. અમારી પાછળ કોઈ નથી."
ગાંધીનીગરમાં 22 ડિસેમ્બરે સવારે અગિયારેક વાગ્યે સચિવાલય પ્રાંગણમાં આવેલા સ્વર્ણિમ સંકુલ - એકમાં મહિલાઓ અને કેટલાક ભાઈઓએ નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના કાર્યલયમાં પત્ર આપ્યો હતો.
જેમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પોરબંદર, વેરાવળ તમજ ઓખા બંદરની બોટમાં માછીમારી દરમ્યાન ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમા પરથી પાકિસ્તાન મરીન સિક્યૉરિટી દ્વારા અપહરણ કરીને પાકિસ્તાનમાં કરાચી ખાતે બંદી બનાવેલા છે. તેમને છોડાવવા માટે ગુજરાત સરકાર ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરે તેવી વિનંતી છે.
પાકિસ્તાનની જેલમાં 217 ભારતીય અથવા તો ભારતીય માનવામાં આવતા હોય તેવા બંદીવાન હોવાની માહિતી વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં આપી હતી જોકે હાલમાં જ 22 જેટલા માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મારી ઉંમર થઈ ગઈ છતાં મજૂરી કરવી પડે છે, કેમ કે દીકરો પાકિસ્તાનની જેલમાં છે
ઊના તાલુકાના પાલડી ગામનાં લીલાબહેને બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, "મારો ભાઈ પાકિસ્તાનની જેલમાં છે. મારી માને હાર્ટ ઍટેક આવી ચૂક્યા છે. મારી મા વારંવાર કહે છે કે મારો દીકરો ક્યારે આવશે? મરતાં પહેલાં હું દીકરાને જોવા માગું છું. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારા ભાઈઓને છોડાવો. અમારા ગામના નવ માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે."
સોનાબહેનનો દીકરો માછીમારી દરમ્યાન પકડાઈ જતાં પાકિસ્તાનની જેલમાં છે. સોનાબહેન કહે છે કે " ઉંમર થઈ ગઈ છે છતાં દીકરો જેલમાં હોવાથી મજૂરીએ જવું પડે છે."
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "અત્યારે હું બસ્સો રૂપિયા દાડી કરીને ખાઉં છું. સરકારને અરજ છે કે મારા દીકરાને છોડાવો. પાકિસ્તાનની સરકારને પણ અમે હાથેપગે લાગીએ છીએ. મારી જેમ જ કોઈનો દીકરો, કોઈનો ધણી, કોઈના ભાઈ જેલમાં છે."
માછીમાર ભાઈઓ અને બહેનો માટે કામ કરતી સંસ્થા સાગરપુત્ર સામાજિક સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ વંશે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "અગાઉ પાકિસ્તાનની જેલમાં બંધ બંદીવાન પત્ર વ્યવહાર કરી શકતા હતા. તેથી ક્યા માછીમાર ભાઈ જેલમાં છે અને કેવી સ્થિતિમાં છે તેની ખબર મળતી હતી."
"છેલ્લાં ચારેક વર્ષથી પત્ર વ્યવહાર બંધ થઈ ગયો છે. પાકિસ્તાનથી કોઈ માછીમાર છૂટીને આવે અને તેમની સાથે કોઈ ચિઠ્ઠી લખીને મોકલે તો જાણકારી મળે છે."
સરકાર કહે છે કે બેટી પઢાઓ પણ ઘર ચલાવવા દીકરીને પણ મજૂરીએ લઈ જવી પડે છે
જે ભાઈઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે તેમના પરિવારને સરકાર તરફથી નવ હજાર રૂપિયાનું વળતર મહિને મળે છે એવું રમેશભાઈ કહે છે.
જોકે, કેટલીક મહિલાઓ કહે છે કે તેમાં ઘર ચલાવવું અઘરું પડે છે. જેમના પતિ જેલમાં છે તેવી કેટલીક મહિલાઓ મજૂરીએ પણ જાય છે. કેટલીક મહિલાઓ એવી છે કે તેમને સરકારનું વળતર પણ મળતું નથી.
ઝાનુબહેને બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, "મારા પતિ ખેપ મારવા ગયા પછી પાછા આવ્યા નથી. અમને કોઈ સરકારી સહાય મળતી નથી. મારા છોકરાને ભણતરમાંથી ઉઠાડીને હીરા ઘસવા મોકલી દીધો છે."
"બે દીકરી છે તેને પણ દશમા ધોરણ પછી મારી હારે મજૂરીએ લઈ જાઉં છું. સરકાર એમ કહે છે કે બેટી પઢાઓ, બેઠી બચાવો."
"બેટીને અમે આ સંજોગોમાં કેમ ભણાવીએ તે સરકાર જણાવે? મારા પતિ જે 2019થી પાકિસ્તાનની જેલમાં છે તે જો પાછા આવી જાય તો અમે દીકરીને ફરી ભણાવીએ.
હાલ પાકિસ્તાનની જેલમાં કેટલા બંદીવાન છે?
પાકિસ્તાની જેલમાં બંદીવાન ભાઈઓના પરિવારજનો ગાંધીનગરમાં 22 ડિસેમ્બરે મત્સ્યોદ્યોગ ખાતાના કૅબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને મળ્યા હતા. નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ મળવાના હતા પરંતુ તેઓ અન્ય બેઠકમાં વ્યસ્ત હોવાથી મળી શક્યા ન હતા.
માછીમારોએ જીત વાઘાણીને પોતાની માગો અંગેનો પત્ર સોંપ્યો હતો.
ભારત અને પાકિસ્તાન બંને દેશના માછીમાર દરિયાઈ સીમા ઓળંગતા પકડાય છે. કાયદાકીય પ્રક્રિયા પછી તેમને છોડવામાં પણ આવે છે. તાજેતરમાં પાકિસ્તાનની જેલમાંથી 22 માછીમારોને છોડવામાં આવ્યા હતા.
17 માર્ચ 2025ના રોજ રાજ્યસભામાં જવાબ આપતાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે જણાવ્યું હતું કે,
"ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એકબીજાની જેલમાં બંધ માછીમારો અને નાગરિક કેદીઓની યાદીઓનું આદાન-પ્રદાન કરે છે. એક જાન્યુઆરી 2025ના રોજ આપેલી યાદી અનુસાર, પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે ત્યાંની જેલમાં 217 ભારતીય અથવા તો ભારતીય માનવામાં આવતા હોય તેવા બંદીવાન છે."
"આ યાદીઓના આદાન-પ્રદાન પછી તેમાંના એક માછીમારનું મૃત્યુ થયું હતું અને 22 ભારતીય માછીમારોને મુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં બંદીવાન બાકીના 194 પૈકી 123 માછીમારો ગુજરાતના છે અથવા ગુજરાતના માનવામાં આવે છે. આ 123 માછીમારોમાંથી, 33 માછીમારો 2021માં પકડાયા હતા. 2022માં 68, 2023માં 9 અને 2024માં 13 માછીમારો પકડાયા હતા.
22 ડિસેમ્બરે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ – દમણના સાંસદ ઉમેશભાઈ પટેલે વિદેશ મંત્રી એસ.જયશંકરને મળીને પાકિસ્તાની જેલોમાં બંધ ભારતીય માછીમારોને છોડાવવા માટે રજૂઆત કરી હતી.
તેમની મુલાકાત પછી જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે, હાલ 209 ભારતીય માછીમાર પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેમાંથી 134 ગુજરાતના છે અને 24 દીવ દમણના છે. પાકિસ્તાની મરીન સિક્યૉરિટી એજન્સીએ તેમની ધરપકડ કરી છે.
સાસંદ ઉમેશભાઈ પટેલે 2008ની ભારત પાકિસ્તાન કૉન્સ્યુલર ઍક્સેસ કરારનો હવાલો આપીને કહ્યું હતું કે, બંને દેશોએ દર મહિને બંદિવાનોની મુક્તિ અને પ્રત્યાર્પણ સુનિશ્ચિત કરવું જોઈએ.
માછીમાર સમુદાય માટે કાર્યરત એક પ્રતિનિધિમંડળ પણ દિલ્હીમાં વિદેશ મંત્રી એસ.જયશંકરને મળ્યું હતું.
તેમણે પણ કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન કૉન્સ્યુલર ઍક્સેસ કરાર, 2008 છતાં માછીમારો પાકિસ્તાનની જેલોમાં બંદી છે. તેમણે કરારની કલમ 5 નો પણ ઉલ્લેખ કર્યો હતો.
જેમાં કહેવામાં આવ્યું છે કે, "બંને દેશની સરકાર વ્યક્તિના રાષ્ટ્રીય દરજ્જાની ખાતરી કરીને સજા પૂર્ણ થયાના એક મહિનાની અંદર મુક્ત કરવા અને સ્વદેશ પરત મોકલવા સંમત થયેલા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન