દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વિવાદઃ ગુજરાતમાં ડાયરા સામે કેમ સવાલો થઈ રહ્યા છે?

    • લેેખક, વિક્રમ મહેતા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં હાલમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ અને બ્રિજરાજ ગઢવીના વિવાદની ચર્ચા ચાલી રહી છે. આ બંને લોકડાયરાના કલાકાર છે અને બંને વચ્ચેનો વ્યક્તિગત વિવાદ હવે ડાયરાઓમાં દેખાવા લાગ્યો છે.

આ બંને વચ્ચે વિવાદની શરૂઆત આજથી ચાર પાંચ વર્ષો પહેલાં થઈ હતી, જે બાદ બંને વચ્ચે સમાધાન થયું પરંતુ ફરીથી એક બીજા સામે ડાયરાના સ્ટેજ પરથી અપાયેલાં નિવેદનોને કારણે વિવાદ શરૂ થયો છે.

સ્ટેજ પરના પ્રોગ્રામ અને તે બાદ એક બીજા સામે વીડિયો નિવેદન બહાર પાડ્યા બાદ ફરીથી ગુજરાતમાં યોજાતા લોકડાયરા અને તેમાં કરવામાં આવતી લોકસાહિત્યની વાતો મામલે ચર્ચાની શરૂઆત થઈ છે.

ડાયરના કલાકારો વચ્ચે થયેલો આ વિવાદ નવો નથી, આ પહેલાં પણ કલાકારો વચ્ચે મનદુ:ખ અને વિવાદો થતા રહ્યા છે પરંતુ આ વખતે જાહેરમાં આપેલાં નિવેદનો અને સ્ટેજ પરથી એકબીજા વિરુદ્ધ બોલવાને કારણે ડાયરાના બદલાતા સ્વરૂપ વિશે ચર્ચાઓ છેડાઈ છે.

એવું માનવામાં આવે છે કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ડાયરાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ડાયરાનું સ્વરૂપ ખૂબ બદલાઈ ગયું છે.

ડાયરો શબ્દ ક્યાંથી આવ્યો?

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડાયરા અને દાયરા શબ્દનો ઉપયોગ વર્ષો પહેલાંથી થતો આવ્યો છે.

ગુજરાતી જ્ઞાનકોશ ભગવદ્ગગૌમંડળમાં ડાયરો શબ્દનો અર્થ આ પ્રમાણે જોવા મળે છે: અંગત માણસોનું મંડળ. ડાહ્યા માણસોનો સમુદાય, ઘરડા અને અનુભવી લોકોનો સમુદાય.

કેટલાક જાણકારોનું એવું પણ કહેવું છે કે ગુજરાતીમાં હાલ વપરાતો ડાયરા શબ્દ મૂળ અરબી ભાષાના 'દાઇરા' શબ્દ પરથી ઊતરી આવ્યો હોવો જોઈએ.

લોકસાહિત્યના જાણકાર અને લેખક અરવિંદ બારોટ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે 'ડાયરો શબ્દ 'દાઇરા'માંથી આવ્યો છે. આ મૂળ અરબી શબ્દ છે.

લોકસાહિત્યકાર લાખણશી ગઢવી કહે છે, 'બે-ત્રણ જણાએ સાથે મળીને વાતો કરતા હોય તો એના માટે પણ ડાયરો શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે'

ડાયરો શબ્દ કાઠી સંસ્કૃતિ સાથે પણ જોડાયેલો છે. અરવિંદ બારોટના મત પ્રમાણે સિંધ અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવેલી કાઠી નામની પ્રતાપી અને શૂરવીર જાતિ સાથે ડાયરો શબ્દ આવ્યો છે. ડાહ્યા માણસોની ડાહી વાતો જ્યાં થતી હોય એ ડાયરો.

વર્ષો પહેલાં ડાયરાઓ ક્યાં ભરાતા હતા?

સામાન્ય રીતે ડાયરાઓ ગામધણીની ડેલીએ યોજાતા. સૌરાષ્ટ્રમાં મોટેભાગે ગામધણીઓ કાઠી દરબાર જ્ઞાતિના હતા. આ ડાયરાઓમાં ગામના પ્રતિષ્ઠિત માણસોની હાજરી રહેતી. ગામધણીના ગઢમાં બંને બાજુએ ઊંચા ઓટલા હોય કે જેને 'ડ્યોઢી' કહેવામાં આવે છે ત્યાં ડાયરાઓ ભરાતા હતા. પચાસથી વધુ માણસો આ ડાયરામાં બેઠેલા હોય. ગામધણી એટલે કે ગામનો મુખી કે પટેલ હોય અથવા જે તે ગામોના ગરાસ ધરાવતા હોય છે.

અરવિંદ બારોટ કહે છે, 'આ ડાયરામાં કસુંબો એક અભિન્ન ભાગ હતો. કસુંબો એટલે કે અફીણને ઘુંટીને પ્રવાહીરૂપે પીણું બનાવવામાં આવતું, ખરલ(પાત્ર)માં અફીણનો ગોટો કે જે મીણ જેવો હોય છે એને ઘૂંટીને કસુંબો બનાવવામાં આવતો. આ કસુંબાની સાથે ઠુંબો એટલે કે નાસ્તો આપવામાં આવતો હતો. નાસ્તામાં મોટેભાગે ઘીવાળી મિઠાઈ અને ખાસ કરીને સુખડી રહેતી. કારણ કે અફીણનું મારણ ઘી છે'

કસુંબાની સંગાથે લોકવાર્તાઓમાં રંગ પૂરાતો જતો હતો. ખાસ કરીને ચારણો અને બારોટો લોકજીવનની, ઇતિહાસની, સંસ્કૃતિની વાતોને ડાયરામાં રજૂ કરતા હતા. છ-છ મહિના સુધી આ લોકકથાનો દોર ચાલતો અને જ્યાં સુધી વાર્તા પૂરી ન થાય ત્યાં સુધી ચારણો અને બારોટોને ખાસ વાર્તા કહેવા માટે રોકી રાખવામાં આવતા હતા.

ડાયરાનો હેતુ માત્ર મનોરંજન હતો?

સામાન્ય રીતે ડાયરાની પ્રચલિત માન્યતા મનોરંજન સાથે જોડાયેલી છે. પરંતુ ડાયરાનો હેતુ માત્ર મનોરંજન ન હતો. લગ્નપ્રસંગે અને મરણપ્રસંગે પણ ડાયરાઓ આયોજિત થતા હતા.

અરવિંદ બારોટ કહે છે, 'રાસડા, ભજનો, લગ્નગીતો, હાલરડાં નિજાનંદ માટે ગવાતાં હતાં. ડાયરામાં જે સામગ્રી આવે છે એનો મનોરંજનનો હેતુ ન હતો'

ડાયરો એ સમયે ઓપન યુનિવર્સિટીની ગરજ સારતો હતો. લોકઘડતર કરતો હતો. લાખણશી ગઢવી કહે છે, 'પહેલાં લોકો માટે ડાયરાઓ સંસ્કૃતિનું વાહક હતા. માત્ર મનોરંજનનું માધ્યમ ન હતા. લોકો ત્રણ-ત્રણ કલાક સુધી મંચ પરથી પીરસાતા લોકસાહિત્યને માણતા હતા. અત્યારે લોકો પાસે સમયનો પણ અભાવ છે'

જોકે, કેટલાક જાણકારો ડાયરામાં કહેવામાં આવતા લોકસાહિત્યમાં જ્ઞાતિવાદ અને વ્યક્તિવાદને પ્રાધ્યાન આપવામાં આવતું અને જ્ઞાતિઅભિમાનની વાતો પણ થતી હતી.

વ્યવસાયિક ડાયરાની શરૂઆત કેવી રીતે થઈ?

સમય જતા ગામડાંની પ્રજા શહેરમાં આવીને વસી અને જૂની વાતો ગામડાંમાંથી શહેરમાં આવી. અરવિંદ બારોટના મત પ્રમાણે ગુજરાતમાં વ્યવસાયિક ડાયરાની શરૂઆત કરવાનો શ્રેય લોકકલાકાર મનુભાઈ ગઢવીને ફાળે જાય છે.

મુંબઈના શણમુખાનંદ હૉલમાં મનુભાઈએ ટિકિટ શો યોજીને વ્યવસાયિક ડાયરાનો પાયો નાખ્યો હતો.

લોકડાયરાની શરૂઆતના કલાકારોમાં કનુભાઈ બારોટ, અભરામ ભગત અને દુલા ભગત સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. કનુભાઈ બારોટ વ્યવસાયિક ડાયરામાં સૌથી પહેલા લોકગાયક હતા. મુંબઈમાં આયોજિત પહેલા વ્યવસાયિક ડાયરામાં પણ કનુભાઈની હાજરી હતી. કનુભાઈએ જ બધા કલાકારોને મુંબઈ દેખાડ્યું હતું'

અરવિંદ બારોટ પોતાના પુસ્તક 'ગળથૂથીથી ગંગાજળ'માં લખે છે, "લોકગીતોમાં હેમુ ગઢવીએ, ભજનમાં કનુભાઈએ અને લોકવાર્તામાં કાનજી ભુટા બારોટ તેમજ બચુભાઈ ગઢવીએ પહેલવહેલા કેડા પાડ્યા હતા. પરંપરાગત ભજનવાણીમાં આગવા ઢંગના ઉમેરણ કરીને નારાયણ સ્વામીએ અનુગામીઓ માટે ગાયકીની સમૃદ્ધ સંભાવનાઓ સર્જી આપી છે. લોકગીતો, ભજનો, લોકકથાઓ, કહેણી, ચારણ-બારોટ રચિત દુહાછંદ, મેઘાણીથી કવિ દાદની રચનાઓથી ડાયરાનું એક ચુસ્ત સ્વરૂપ બંધાયું."

"નખત્રાણાના કરણીદાન ગઢવીએ સત્વશીલ ડાયરાનાં આયોજનો કર્યાં. જીતુદાન ગઢવીએ પણ આવું જ નોંધપાત્ર કામ કર્યું. ડાયરાના સુવર્ણકાળમાં વેલજીભાઈ ગજ્જર અને વાર્તાકાર દરબાર પૂંજાવાળા પણ લોકપ્રિય હતા."

પહેલાં સુરત અને મુંબઈમાં ડાયરાના ખૂબ ટિકિટ શો યોજાતા હતા. એ સમયે પ્રસિદ્ધ કલાકારો દસથી પંદર જ હતા. ઉત્તર ગુજરાતમાં ડાયરા કરવા માટે સૌરાષ્ટ્રમાંથી કલાકારો બોલાવવામાં આવતા હતા.

અરવિંદ બારોટ કહે છે, 'જાહેર હૉલ અથવા તો ખુલ્લા મેદાનમાં પાંચ, દસ, પંદર રૂપિયાના દરે ડાયરાના કાર્યક્રમો યોજાતા જેમાં બેથી પાંચ હજારનું ઑડિયન્સ ઊમટી પડતું હતું.'

લોકડાયરામાં હાસ્યકલાકાર, લોકગાયક, વાર્તાકાર, સાહિત્યકારની હાજરી રહેતી અને સૌ કોઈ પોતપોતાની હથોટી પ્રમાણેની વિષયવસ્તુ પીરસતા.

લોકકલાકારોમાં હેમુભાઈ ગઢવી, કાનજી ભુટા બારોટ, ઇસ્માઇલ વાલેરા, બચુભાઈ ગઢવી, બાબુભાઈ રાણપુરા, ભીખુદાન ગઢવી, દિવાળીબહેન ભીલ, પ્રાણલાલ વ્યાસ જેવાં કલાકારો આવ્યાં. જેમાં કાનજી ભુટા બારોટને નવરસના માલમીનું બિરુદ મળેલું છે. કાનજી ભુટા બારોટની લોકવાર્તામાં સંગીત, નાટક અને નૃત્ય એમ ત્રણેય કલાનું મિશ્રણ હતું. આ ત્રિવેણી સંગમ જ એમને સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડ સુધી દોરી ગયો હતો.

કાનજી ભુટા બારોટના દીકરા મનુભાઈ બારોટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "અત્યારના કમર્શિયલ ડાયરા કરતાં પહેલાનું ડાયરાનું સ્વરૂપ અલગ હતું. અમરેલી જિલ્લાના ટીંબલીમાં જન્મેલા મારા પિતા કાઠી દરબાર અને મેર જ્ઞાતિના બારોટ હોવાને કારણે એમણે પરંપરાગત ડાયરાઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કર્યા હતા."

"મારા પિતાજીના કાકા સુરાભાઈ બારોટ બહુ મોટા વાર્તાકાર હતા. મારા પિતાની હલક સંતવાણી કરતા લોકવાર્તામાં વધારે બંધબેસતી હતી એટલે મારા પિતાની લઢણ જોઈને એમના કાકાએ એમને વાર્તા કહેવાનું સૂચન કર્યું."

"મારા પિતાશ્રી જાત અભ્યાસ કરતા ગયા. કાકાની શૈલી અવલોકવા માંડ્યા. એમણે પ્રવીણ સાગર ગ્રંથનો પણ અભ્યાસ કર્યો અને વાર્તાકાર તરીકે ઘડાતા ગયા. બરડા પંથકમાં વાડી વિસ્તારમાં મેર સમાજના લોકોને વાર્તા સાંભળવા નોંતરું( આમંત્રણ) મળતું હતું."

"સાંજે વાર્તાઓ મંડાતી. એ સમયે ત્રણ-ત્રણ દિવસ સુધી વાર્તાઓ ચાલતી. એક વાત બીજી વાર પુનરાવર્તન ન પામતી. વળી મારા પિતાજીની ખાસિયત એ હતી કે તેઓ પબ્લિકનો મૂડ પારખીને ઑન ધ સ્પૉટ વાર્તાની પસંદગી કરતા હતા."

હેમુ ગઢવી

લોકસાહિત્ય, લોકસંગીત અને ડાયરામાં હેમુ ગઢવી પણ એક શિરમોર નામ.

હેમુ ગઢવીના દીકરા અને લોકકલાકાર બિહારીદાન ગઢવી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ઝવેરચંદ મેઘાણી, કાગબાપુ જેવા સર્જકોએ સમૃદ્ધ સાહિત્ય આપ્યું છે. આ સર્જકોનાં ગીતોને આપણા કલાકારોએ સાચવીને, મઠારીને અને સુધારીને વધું સારી રીતે રજૂ કર્યાં."

"જેમાં એક મારા પિતાજી પણ હતા. કાગબાપુ સાહિત્ય પીરસતા, પોતાનાં લખેલાં ગીતો રજૂ કરતા, રામચરિત્ર માનસના બધાં જ પાત્રો કાગબાપુ પોતે રજૂ કરતા. મેરુભાઈ ગઢવી સાહિત્યવાણી કરતા. જ્યારે મારા પિતા હેમુ ગઢવી લોકસાહિત્ય અને લોકસંગીત રજૂ કરતા."

"રેડિયોમાં આવ્યા પહેલાં તેઓ એક નાટક કંપનીમાં હતા. ઘેઘુર અવાજ એમને કુદરતી રીતે મળેલો હતો. પોતાના અવાજ થકી તેઓ પ્રેક્ષકોને બાંધી રાખતા. ત્રણથી ચાર કલાકારોની પ્રસ્તુતીમાં પાંચ કલાક ઓછી પડી જતી હતી."

આ પ્રથાને કારણે ડાયરાને અસર થઈ?

આજના ડાયરામાં કેટલીક જગ્યાએ ઘોર પ્રથા જોવા મળે છે, જેને સખાવત કહેવાય છે, આ પ્રથા મુજબ સેવાકાર્ય માટે યોજાતા ડાયરાના માધ્યમથી અનુદાન એકત્રિત કરવામાં આવે છે, જેના ઉપલક્ષમાં તમામ ડાયરામાં પૈસાનો વરસાદ થતો હોય છે, દુહા-છંદ-વાર્તાઓ-ઇતિહાસ પ્રસંગો-લોકગીતો રજૂ કરતા કલાકારો પર ઑડિયન્સ પૈસા ઉડાડે છે. અત્યારે ઘોર પૈસાનું પ્રદર્શન બની ગઈ હોવાનો મત વ્યાપક બન્યો છે.

લાખણશી ગઢવી કહે છે એ પ્રમાણે સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં ઘોર જોવા મળતી ન હતી પરંતુ કચ્છમાં ઘોર જોવા મળી હતી. આ ઘોર પ્રથાએ પણ ડાયરાને બહુ અસર કરી. અત્યારે કલાકારો પર કેટલી ઘોર થઈ એના આધારે એની સફળતાનો આંક નક્કી થાય છે. ઘોરને કારણે કાર્યક્રમનો લય પણ ખોરવાઈ જાય છે'

અત્યારે તો ઘણા કલાકારોને તગડી રકમ આપવામાં આવે છે પરંતુ પહેલાં સ્થિતી જુદી હતી. એ સમયે કલાકારોને કાર્યક્રમો માટે વૈભવી જીવનશૈલી જીવી શકાય એવી કવર રકમ મળતી ન હતી.

અરવિંદ બારોટ કહે છે, 'મને પહેલી ધનરાશિ સો રૂપિયા મળી હતી અને પછી સો રૂપિયાથી વધીને એક હજાર રૂપિયા થઈ હતી. અત્યારે તો કલાકારોને મબલખ રકમ આપવામાં આવે છે. અત્યારે કલાકારો પાસે મોંઘી કારો આવી ગઈ છે પરંતુ અમારા સમયમાં અમે એસટી બસોમાં જ કાર્યક્રમો આપવા ગયા છીએ. આ એ સમય હતો કે જ્યારે દિવાળીબહેન ભીલ કે પછી કાનજી ભુટા બારોટ જેવા કલાકારો પણ આ રીતે મુસાફરી કરતા.'

પહેલાં પણ આવી નિવેદનબાજી થતી હતી?

અત્યારે ડાયરામાં સામસામી નિવેદનબાજીને કારણે ડાયરાની ગરિમાને ઝાંખપ લાગી રહી હોવાની ફરિયાદ થઈ રહી છે ત્યારે પહેલાંના ડાયરાના માહોલ અંગે વાત કરતાં લાખણશી ગઢવી કહે છે, "નાની- મોટી માનવસહજ સ્પર્ધા રહેતી પણ એકબીજાને સ્ટેજ પરથી ક્યારેય ટાર્ગેટ કરવામાં આવતા ન હતા. ડાયરામાં કોઈ ભૂલ જણાય તો બીજો કલાકાર ટકોર કરે પણ જાહેરમાં નહીં. ગૅસ્ટહાઉસમાં કે જ્યાં રોકાણ આપવામાં આવ્યું હોય ત્યાં ભૂલ અંગે નિખાલસતાથી ધ્યાન દોરતા હતા."

બિહારીદાન ગઢવી કહે છે, "કલાકારો એકબીજાનો પન્નો ટૂંકો કરવા માટે અને પોતાના વ્યૂ વધારવા માટે એકબીજા પર પ્રહાર કરે છે. એકબીજાના વેરઝેર સ્ટેજ પરથી વ્યકત થાય છે એમાં પબ્લિકનો સમય બગડે છે. કલાકારો પબ્લિકને છીછરા મનોરંજનની ટેવ પાડી રહ્યા છે."

અરવિંદ બારોટ કહે છે, "કલાકારો ક્યારેય સ્ટેજ પરથી એકબીજા વિશે ઘસાતું બોલાયાનું યાદ નથી. ડાયરાનું કામ છે દરેક જ્ઞાતિનું સ્વાભિમાન જગાડવું પણ અત્યારે સ્ટેજ પર મિથ્યાભિમાન જોવા મળે છે."

"લોકડાયરાઓમાં જ્ઞાતિવાદ પ્રવેશ્યો છે. સોશિયલ મીડિયાને કારણે કેટલાક કલાકારોને મહત્ત્વ મળતું થયું અને આ કારણે ડાયરાનું સ્તર ખરડાયું છે. આજના કલાકારોમાં સજ્જતા, સમજણ અને સ્તરનો અભાવ જોવા મળી રહ્યો છે."

લાખણશી ગઢવી કહે છે, "અત્યારે કલાકારોની નવી પેઢી બીજા કલાકારોને સાંભળીને તૈયાર થઈ રહી છે. વાંચવાની-અભ્યાસ કરવાની ટેવ ઘટતી જાય છે. સ્વસંશોધનવૃત્તિ બહુ ઓછામાં જોવા મળી રહી છે."

બિહારીદાન ગઢવી કહે છે, "એક કલાકાર તરીકે મને દુ:ખ થયું છે કે મારા પિતાએ મહેનત કરીને લોકસંગીતને જે ઊંચાઈ આપી એનું સ્વરૂપ બગડી રહ્યું છે. કલાકારો જે ગીત રજૂ કે લોકસાહિત્ય રજૂ કરે એ સાંભળેલું કે કંઠસ્થ કરેલું હોય છે. તમે કાગબાપુને સાંભળો અને કાગનાં ગીતોને બીજા કોઈ રજૂ કરતા હોય એને સાંભળો તો ઘણો ફરક અનુભવાશે."

મનુભાઈ બારોટ કહે છે, "ભલે પબ્લિક ડિમાન્ડ હોઈ શકે પણ પબ્લિકને આ બધી વાતો પીરસવાની શરૂઆત તો કલાકારોએ જ કરી છે. તમે આપ્યું ત્યારે લોકોએ એ સ્વીકાર્યું. આમ ધીમેધીમે સ્વરૂપ બદલાતું ગયું. ઇતિહાસના જાણકાર હોય ત્યારે જ લોકવાર્તા આવડે છે. વાર્તાની સાચી જાણકારી માટે આવા સખત અભ્યાસનો અભાવ, ઇતિહાસની જાણકારીનો અભાવ અત્યારે ખટકે છે'

ગુજરાતનાં પ્રખ્યાત શિક્ષણવિદ અને ઍકટિવિસ્ટ ડૉ. સરૂપ ધ્રુવ ડાયરાની સાંપ્રત સ્થિતિ અંગે કહે છે, "અત્યારે ડાયરામાં જરીપુરાણા ખ્યાલો અને પિતૃસત્તાક માનસિકતાને પ્રોત્સાહન મળે છે. ડાયરામાં જોવા મળતું જાતિવાદી વલણ આગમાં ઘી હોમવાનું કામ કરે છે અને ડાયરામાં શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાને વેગ મળે છે, જે વખોડવાલાયક છે."

તેઓ વર્તમાન ડાયરા અને તેની વિષયસામગ્રીની વધુ ટીકા કરતાં આગળ કહે છે :

"એક તરફ આપણે મંગળ તરફ જવાની વાત કરીએ છીએ અને બીજી તરફ આપણે જરીપુરાણા ખ્યાલોને વળગી રહ્યા છીએ જેને ડાયરાઓ પ્રોત્સાહન આપે છે. મેઘાણી જેવા સર્જકોએ લોકસાહિત્યથી લોકોને હકારાત્મક શક્તિ મળશે એમ વિચારેલું પણ આજના ડાયરામાં જે કંઈ પ્રસ્તુત થઈ રહ્યું છે એને કારણે લોકોમાં નકારાત્મકતા ફેલાઈ રહી છે."

ડાયરાના ભવિષ્યને લઈને અરવિંદ બારોટ કહે છે, "જેમ એક લીલાં ખેતરોના હરિયાળા મોલને ઢોર ખેદાનમેદાન કરી નાખે એવી અત્યારે ડાયરાની સ્થિતિ છે. પણ સમય જતાં બધું બેસી જશે અને સત્વશીલ વિષયવસ્તુ જ ટકી શકશે."

લાખણશી ગઢવીની વાતમાં પણ કંઈક આવો જ સૂર સંભળાય છે. તેઓ કહે છે, "ભલે ગમે તે થાય પરંતુ અંતે તો એ જ ટકી શકશે કે જેનો છેડો સત્ય સાથે જોડાયેલો રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.