You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયા અને યુએઇ : બે મુસ્લિમ દેશોના તણાવથી પાકિસ્તાન માટે કેવી મુશ્કેલી ઊભી થશે?
- લેેખક, સારા હસન
- પદ, બીબીસી ઉર્દૂ
સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે યમનનાં અલગાવવાદી જૂથોને સમર્થન અંગે શરૂ થયેલો વિવાદ થોડો હળવો બનતો જઈ રહ્યો છે.
જોકે, નિષ્ણાતોનો મત છે કે બંને દેશો વચ્ચે તણાવમાં થયેલો આ ઘટાડો કામચલાઉ છે, અને ભવિષ્યમાં અન્ય કોઈ બાબત અંગે આ બંને વચ્ચેનું ઘર્ષણ વધી શકે છે.
સાઉદીના વડપણવાળા ગઠબંધને તાજેતરમાં જ યમનમાં ઍરસ્ટ્રાઇક કરી હતી, જેમાં કથિતપણે યુએઇમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરાયેલાં હથિયારો, યુદ્ધ વાહનોને નિશાન બનાવાયાં હતાં.
બાદમાં યમનની સરકારની વિનંતી પર, સાઉદી અરેબિયાએ માગ કરી કે યુએઇ ત્યાંથી પોતાનાં દળોને 24 કલાકમાં ત્યાંથી પરત બોલાવે.
યુએઇએએ તમામ આરોપો નકાર્યા, પરંતુ પોતાનાં દળોને હઠાવવાની જાહેરાત કરી દીધી.
વિશ્લેષકો પ્રમાણે, પાછલાં અમુક વર્ષોથી સાઉદી અરેબિયા અને યુએઇનાં આર્થિક હિતો એકબીજાથી વિપરીત દિશામાં જઈ રહ્યાં છે.
તેથી, એવું કહેવાઈ રહ્યું છે કે, મધ્ય પૂર્વના બંને મહત્ત્વપૂર્ણ દેશો વચ્ચેની 'મૌન દુશ્મનાવટ' હવે છતી થતી જાય છે.
હવે વાત યમનના ગૃહયુદ્ધની હોય કે આફ્રિકન દેશોમાં મિલિટરી બેઝ અને બંદરો બનાવવાની, યુએઇ બધી બાજુએ પોતાનાં આર્થિક હિત જોઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનની અવઢવ
બીબીસી મૉનિટરિંગના વિશ્લેષણ પ્રમાણે, એક તરફ જ્યાં સાઉદી અરેબિયા પ્રાદેશિક રાજકારણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે અને રોકાણના કેન્દ્ર તરીકે સ્થાપિત થવા માગે છે, ત્યાં યુએઇ આફ્રિકા અને રાતા સમુદ્રમાં પોતાની હાજરીનો વ્યાપ વધારવા માટે પોતાનાં શક્તિ અને સંશાધનોનો ઉપયોગ કરે છે.
યુએઇ દ્વારા અબ્રાહમ સમજૂતીમાં સામેલ થવું એ આ જ વાતનું એક ઉદાહરણ છે. એવા સમયે કે જ્યારે બધા મુસ્લિમ દેશો ઇઝરાયલને માન્યતા આપવા માટે સાઉદી અરેબિયા તરફ જોઈ રહ્યા હતા, ત્યારે યુએઇએ આગળ આવીને ઇઝરાયલને માન્યતા આપી દીધી.
આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકારો જણાવે છે કે, પાછલાં અમુક વર્ષોમાં યુએઇ અખાતના દેશો અને મુસ્લિમ વર્લ્ડમાં સાઉદી અરેબિયાની ચાવીરૂપ ભૂમિકાને પડકારતું દેખાયું છે.
મુસ્લિમ વર્લ્ડના એકમાત્ર પરમાણુસંપન્ન દેશ એવા પાકિસ્તાનના પરંપરાગતપણે સાઉદી અરેબિયા અને યુએઇ સાથે ખૂબ પુરાણા અને મિત્રતાપૂર્ણ સંબંધો રહ્યા છે.
આ બંને દેશોમાં લાખો પાકિસ્તાનીઓ કામ કરે છે. સાઉદી અરેબિયા સાથે તો પાકિસ્તાને તાજેતરમાં જ વ્યૂહરચનાત્મક સંરક્ષણ કરાર પણ કર્યો.
આવા સંજોગોમાં, આ બંને પશ્ચિમ એશિયન દેશો વચ્ચે તણાવ અને મતભેદ વધતાં તેની અસર પાકિસ્તાન સહિત આખા મુસ્લિમ વર્લ્ડ પર પડશે.
વિશ્લેષકોનું માનવું છે કે પાકિસ્તાન આ બંને દેશો વચ્ચેના મતભેદ ઘટાડવા માટે પોતાની ભૂમિકા ભજવવાના પ્રયાસ કરશે. પરંતુ તેમનું એવું પણ માનવું છે કે તણાવ વધવાની સ્થિતિમાં પાકિસ્તાન તટસ્થ નહીં રહી શકે.
બીબીસીએ સાઉદી અરેબિયા અને સંયુકત આરબ અમીરાત વચ્ચેનું ઘર્ષણ ભવિષ્ય કેમ વધી શકે અને તેની પાકિસ્તાન પર કેવી અસર પડે? એ અંગે જાણવા માટે ઘણા નિષ્ણાતો સાથે વાત કરી.
શું પાકિસ્તાન તટસ્થ રહી શકે?
સાઉદી અરેબિયા અને યુએઇ વચ્ચેનો તણાવ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન એક ખાનગી મુલાકાતના ભાગ રૂપે પાકિસ્તાનના રહીમયાર ખાન ખાતે પહોંચ્યા હતા.
તણાવના સમાચાર બાદ પાકિસ્તાને તરત જ બંને દેશોનો સંપર્ક કર્યો.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે રહીમયાર ખાનમાં શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી.
સરકારે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દા તેમજ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે વાતચીત થઈ હતી.
દરમિયાન, મંગળવારે સાંજે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે સાઉદીના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન સાથે વાતચીત કરી.
જોકે, આ બંને બેઠકો બાદ જાહેર કરાયેલાં સરકારી નિવેદનોમાં યમનનો ઉલ્લેખ નહોતો, પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે બંને દેશો સાથે પરામર્શનો હેતુ તણાવ ઘટાડવાનો હોઈ શકે છે.
યમનમાં કાર્યરત સાઉદી નેતૃત્વવાળા ગઠબંધન સાથે પાકિસ્તાની સૈન્યનો કોઈ સીધો સંબંધ નથી, પરંતુ પાકિસ્તાની સૈન્યના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ (નિવૃત્ત) રાહીલ શરીફ ગઠબંધનમાં વરિષ્ઠ પદે કાર્યરત છે.
કાયદ-એ-આઝમ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કંદીલ અબ્બાસે જણાવ્યું હતું કે પાકિસ્તાનનાં આ બંને દેશો સાથે મજબૂત સંબંધો અને આર્થિક હિતો છે.
આ બંને પ્રદેશોમાં વધતા તણાવની અસર પાકિસ્તાન પર પડી શકે છે.
ડૉ. કંદીલ અબ્બાસે બીબીસીને જણાવ્યું, "સાઉદી અરેબિયા પોતાની જાતને ઇસ્લામનું કેન્દ્ર માને છે, જ્યાં મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળો છે. ભૂતકાળમાં, સાઉદી અરેબિયા મુસ્લિમ વિશ્વ અંગે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતું હતું. પરંતુ 2015 થી, સાઉદી અરેબિયાની મુખ્ય ભૂમિકા ઘટી રહી છે."
તેમણે જણાવ્યું હતું કે આ વાત ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલના દેશો વચ્ચેના મતભેદોનું સ્પષ્ટ ઉદાહરણ છે.
જોકે, તેમણે કહ્યું કે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા વચ્ચે એક એવો કરાર છે જે અંતર્ગત બંનેમાંથી કોઈ પણ એક દેશને ધમકી મળવાની સ્થિતિમાં બંને પક્ષો સાથે મળીને લડશે.
ડૉ. કંદીલ અબ્બાસ કહે છે કે, જોકે, હાલમાં, બંને દેશો વચ્ચે પરસ્પર હિતોને મામલે મતભેદો છે.
"પાકિસ્તાને કોઈ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી નહોતી"
રિયાધ ખાતે કિંગ ફૈઝલ સેન્ટર ફૉર રિસર્ચ ઍન્ડ ઇસ્લામિક સ્ટડીઝના રિસર્ચ ફેલો ઓમર કરીમે આ અંગે વાત કરી.
તેમના મતે, પાકિસ્તાન બંને દેશો પર આર્થિક દૃષ્ટિએ આધારિત હોઈ, બંને દેશો વચ્ચેના તણાવ ઘટાડવામાં તેણે કોઈ ચાવીરૂપ ભૂમિકા ભજવી નથી.
તેમનું કહેવું છે કે જો યમનમાં યુએઈ સમર્થિત એસટીસી જૂથ વિરુદ્ધ કોઈ કાર્યવાહીથી તણાવમાં વધારો થાય તો પાકિસ્તાન તટસ્થ ન રહી શકે.
સાઉદી અરેબિયા સાથેના સંરક્ષણ કરાર મુજબ, આવી સ્થિતિમાં પાકિસ્તાને સાઉદી અરેબિયાને ટેકો આપવો જરૂરી છે.
ડૉ. કંદીલ અબ્બાસે કહ્યું કે તાજેતરના તણાવ પછી પાકિસ્તાન ચોક્કસપણે બંને દેશોના સંપર્કમાં છે અને તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અબ્બાસે કહ્યું, "યુએઇએ ઘણા ચાવીરૂપ મુદ્દા મામલે પાકિસ્તાન કરતાં ભારતને વધુ પ્રાથમિકતા આપી છે."
યુએઇમાં 21 લાખ પાકિસ્તાની કામદારો કામ કરતા હોવાની હકીકત છતાં, પાકિસ્તાને ક્યારેય યુએઇની નીતિઓનો જાહેરમાં જવાબ આપ્યો નથી.
કંદીલ અબ્બાસે જણાવ્યું હતું કે પાકિસ્તાને અગાઉ ફરિયાદ કરી હતી કે દુબઈ બંદર દેશના આર્થિક હિત માટે જરૂરી ગ્વાદર બંદર (પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલું એક બંદર)ના વિકાસમાં સમસ્યા સર્જી રહ્યું છે.
બંને દેશોની એકમેક સાથે સ્પર્ધા
યમનમાં તાજેતરનો તણાવ યુએઇ અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા ભૌગોલિક, રાજકીય અને આર્થિક અંતરને પ્રતિબિંબિત કરે છે.
ઓપેકના નિર્ણયો અંગે બંને દેશો વચ્ચે મતભેદો છે, તેમજ સુદાન, યમન અને અન્ય સરહદી વિવાદો અંગે પણ મતભેદો છે.
એવું લાગે છે કે આ બંને દેશો આફ્રિકામાં પોતાનું પ્રાદેશિક વર્ચસ્વ અને પ્રભાવ વધારવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે.
વિશ્લેષકો માને છે કે બંને દેશો હાલ આર્થિક હિતોના સંદર્ભમાં અલગ અલગ દિશામાં આગળ વધી રહ્યા છે.
ઓમર કરીમે કહ્યું, "સાઉદી અરેબિયા માટે સંરક્ષણ બાબતો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રિયાધ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાની સુરક્ષા માટે જોખમી એવાં વિવિધ જૂથોની પ્રવૃત્તિઓને સહન કરશે નહીં."
તેમણે કહ્યું કે અબુ ધાબી (યુએઇનું પાટનગર) રિયાધ સાથેની સ્પર્ધાને કારણે હોર્ન ઑફ આફ્રિકામાં ઘણાં જૂથોને સમર્થન આપી રહ્યું છે.
તેમણે કહ્યું કે તેમાં ઘણી બાબતો એવી છે જે સાઉદી અરેબિયા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે.
ઓમર કરીમ કહે છે કે બંને દેશો વચ્ચે સુદાન, સોમાલીલૅન્ડ, ઇથિયોપિયા અને એડનના અખાત જેવા ઘણા મુદ્દે મતભેદ છે.
ડૉ. કંદીલ અબ્બાસના મતે, સંયુક્ત આરબ અમીરાત આ ક્ષેત્રમાં બેઝ તેમજ આફ્રિકન દેશોમાં વેપાર કૉરિડૉર હાંસલ કરવા માંગે છે. અન્ય તેલ ઉત્પાદક દેશો પણ આ મામલે ખૂબ સક્રિય છે.
"સમગ્ર ઇસ્લામિક વિશ્વ પર અસર"
કંદીલ અબ્બાસે કહ્યું કે સુદાન, લિબિયા અને પેલેસ્ટાઇન મુદ્દે આ બંને અખાતી દેશોનાં અલગ અલગ વલણ અને મતભેદો સમગ્ર ઇસ્લામિક વિશ્વને અસર કરી રહ્યાં છે.
વર્તમાન પરિસ્થિતિને જોતાં, ડૉ. અબ્બાસ માને છે કે ભવિષ્યમાં તણાવ વધી શકે છે.
કંદીલ અબ્બાસે કહ્યું કે ઈરાન અને ઇઝરાયલને કારણે મધ્ય પૂર્વમાં પહેલાંથી જ ખૂબ જ તણાવ છે, અને અમેરિકા નથી કે ઇચ્છતું આવા સમયે આરબ દેશો એકબીજા સાથેના વિવાદોમાં ફસાઈ જાય.
તેમના મતે, અમેરિકાના બંને દેશો સાથે ગાઢ સંબંધો છે. તેથી, તે આ બે આરબ દેશો વચ્ચે ઘર્ષણ નહીં થવા દે.
યમનમાં તાજેતરની અથડામણો બાદ, યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયોએ સાઉદી અરેબિયા અને યુએઇના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાત કરી.
વિશ્લેષક ઓમર કરીમે જણાવ્યું હતું કે જો આ તણાવ આગળ વધશે, તો અમેરિકાના હસ્તક્ષેપ છતાં એ ચાલુ રહેશે.
તેમણે કહ્યું કે, આનું કારણ એ છે કે અમેરિકા કતાર અને અન્ય અખાતી દેશો વચ્ચેના સંઘર્ષમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શક્યું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન