You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતી મૂળના અબજોપતિ કોણ છે, જેમણે 4000 કરોડમાં પાકિસ્તાની ઍરલાઇન્સ ખરીદી?
પાકિસ્તાનની સરકારી ઍરલાઇન વેચાઈ ગઈ છે અને એક ગુજરાતી મૂળના પાકિસ્તાની અબજોપતિએ તેની બોલી લગાવી છે.
આખરે, આરિફ હબીબ કન્સોર્શિયમ દ્વારા સૌથી વધુ બોલી લગાવાઈ હતી, જે 135 અબજ પાકિસ્તાની રૂપિયા હતી.
પીઆઇએ ખરીદવા માટે 100 અબજ રૂપિયાથી વધુની બોલી લગાવનારાં બે જૂથમાં લકી અને આરિફ હબીબ ગ્રૂપ અને તેમના સહયોગીઓના નેતૃત્વ હેઠળનું એક કન્સોર્શિયમ હતું.
બોલી લગાવવાની શરૂઆત મંગળવારે થઈ ત્યારે લકી ગ્રૂપની બોલી સૌથી પહેલાં ખોલવામાં આવી હતી.
આ જૂથે પીઆઇએ માટે 101.5 અબજ રૂપિયાની બોલી લગાવી હતી. ઍર બ્લુએ 26.5 અબજ રૂપિયાની બોલી લગાવી હતી. ત્રીજી અને અંતિમ બોલી આરિફ હબીબ ગ્રૂપ અને તેમના સહયોગીઓ તરફથી આવી હતી, તે હતી 115 અબજ રૂપિયાની.
રિયલ ઍસ્ટેટ, સિમેન્ટ, બ્રોકરેજ હાઉસ અને શાળાઓ... વિવિધ ક્ષેત્રોની ઘણી કંપનીઓએ પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍરલાઇન (પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ)ને ખરીદવામાં રસ દાખવ્યો હતો.
જોકે, બાદમાં ઓપન બિડિંગ (ખુલ્લી હરાજી)ના સ્ટેજમાં આરિફ હબીબ કન્સોર્શિયમે 135 અબજ રૂપિયાની ઑફર સાથે બોલી પ્રક્રિયા જીતી હતી.
દેશના જાણીતા ઉદ્યોગપતિ આરિફ હબીબે મીડિયાને કહ્યું, "પીઆઇએ અમારી રાષ્ટ્રીય સંસ્થા છે અને તેણે ખૂબ સારા દિવસો જોયા છે. તે વિશ્વની બીજી શ્રેષ્ઠ ઍરલાઇન હતી. તેના બધા કર્મચારીઓ સક્ષમ છે અને કામ સારી રીતે જાણે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરિફ હબીબે કહ્યું, "પાકિસ્તાન આજે જીતી ગયું છે."
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકારે પીઆઇએની હરાજી માટે ઓછામાં ઓછી 100 અબજ રૂપિયાની કિંમત નક્કી કરી હતી. અગાઉ, પીઆઇએનું ખાનગીકરણ કરવાના પ્રયાસ દરમિયાન 'બ્લૂ વર્લ્ડ સિટી' નામની રિયલ ઍસ્ટેટ કંપનીએ રાષ્ટ્રીય ઍૅરલાઇનને 10 અબજ રૂપિયામાં ખરીદવાની ઑફર કરી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી, કારણ કે તે રિઝર્વ કિંમત કરતાં નોંધપાત્ર રીતે ઘણી ઓછી હતી.
આરિફ હબીબ કન્સોર્શિયમ શું છે?
આરિફ હબીબ કન્સોર્શિયમમાં બ્રોકરેજ હાઉસ આરિફ હબીબ લિમિટેડ, ફાતિમા ફર્ટિલાઇઝર્સ, સિટી સ્કૂલ અને લેક સિટી હોલ્ડિંગ્સ સામેલ છે.
આરિફ હબીબ લિમિટેડ પાકિસ્તાનમાં એક મુખ્ય સિક્યૉરિટીઝ બ્રોકરેજ, ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ અને રિસર્ચ કંપની છે. આ કંપની પાકિસ્તાન સ્ટૉક ઍક્સચેન્જમાં લિસ્ટેડ છે. કંપનીની વેબસાઇટ પરની માહિતી અનુસાર, તે પાકિસ્તાન સ્ટૉક ઍક્સચેન્જમાં ટોચની 25 બ્રોકરેજ કંપનીમાં સ્થાન મેળવનારી એકમાત્ર બ્રોકરેજ કંપની છે.
ફાતિમા ફર્ટિલાઇઝર્સ પાકિસ્તાનમાં ખાતર ઉત્પાદન કરતી કંપની છે, જેની સ્થાપના 2003માં ફાતિમા ગ્રૂપ અને આરિફ હબીબ ગ્રૂપ વચ્ચે સંયુક્ત સાહસ તરીકે કરાઈ હતી. કંપની 'સરસબ્ઝ' અને 'બબ્બર શેર' જેવા બ્રાન્ડ્સ હેઠળ યુરિયા અને અન્ય ખાતરોનું ઉત્પાદન કરે છે.
સિટી સ્કૂલની સ્થાપના 1978માં થઈ હતી અને તેની વિશ્વભરમાં 500 શાખા છે, જેમાં 1,50,000થી વધુ વિદ્યાર્થી ભણે છે. લેક સિટી પાકિસ્તાનની એક રિયલ ઍસ્ટેટ કંપની છે. લેક સિટી લાહોરની બહાર એક રિસૉર્ટ/રહેણાક વિકાસ પ્રોજેક્ટ છે.
ઍર બ્લૂની સૌથી ઓછી બોલી
ઍર બ્લૂ લિમિટેડ એક ખાનગી ઍરલાઇન છે. કંપનીની વેબસાઇટ પરની માહિતી અનુસાર, તે પાકિસ્તાનની બીજી સૌથી મોટી ઍરલાઇન છે અને સ્થાનિક ઉડ્ડયન બજારમાં તેનો હિસ્સો સતત વધી રહ્યો છે.
ઍર બ્લૂના બેડામાં ઍરબસ A320 અને A321 વિમાનોનો સમાવેશ થાય છે.
કંપનીના શૅરહોલ્ડિંગ માળખામાં રોકાણકારોના જૂથનો સમાવેશ થાય છે. તારિક ચૌધરી બોર્ડના સીઇઓ અને અધ્યક્ષ છે.
ઍર બ્લુ સ્થાનિક સ્તરે નિયમિત ફ્લાઇટ્સ ચલાવે છે, જે ઇસ્લામાબાદ, લાહોર, કરાચી, પેશાવર અને મુલતાનને સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ, શારજાહ અને અબુ ધાબી સહિત આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ અને સાઉદી અરેબિયામાં જેદ્દાહ અને રિયાધ ઍરપૉર્ટ સાથે જોડે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની વર્તમાન સરકારનો પીઆઇએનું ખાનગીકરણ કરવાનો આ બીજો પ્રયાસ હતો.
ગયા વર્ષે પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, જ્યારે ફક્ત એક કંપનીએ રાષ્ટ્રીય ઍરલાઇન ખરીદવા માટે માત્ર 10 અબજ રૂપિયાની બોલી લગાવી હતી, જ્યારે સરકારે ઓછામાં ઓછી 85 અબજ રૂપિયાની કિંમત નક્કી કરી હતી.
પીઆઇએ એક પબ્લિક લિમિટેડ કંપની છે, જેની મૂડીનો આશરે 96 ટકા હિસ્સો સરકાર પાસે છે. તે સરકાર પ્રાયોજિત સંસ્થાઓમાંની એક છે,જે દર વર્ષે રાષ્ટ્રીય તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહી છે.
છેલ્લા બે દાયકાથી જ્યારે પણ પીઆઇએની નાણાકીય સ્થિતિ વિશે કોઈ સમાચાર બહાર આવ્યા, ત્યારે તેણે દર વર્ષે તેના વધતા નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો.
જોકે, આ વર્ષના એપ્રિલમાં સરકારે દાવો કર્યો હતો કે સંસ્થાએ 21 વર્ષમાં પહેલી વાર નફો કર્યો છે.
ગુજરાતી મૂળના બિઝનેસમૅન
હબીબ પરિવારનાં મૂળ ગુજરાતના બાંટવા સાથે જોડાયેલાં છે. બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા વખતે તેમણે પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું અને પોતાની મિલકત તથા વ્યવસાય પાછળ છોડી દીધાં હતાં.
પાકિસ્તાની સ્રોતો અનુસાર, હબીબ પરિવારને શૂન્યથી શરૂઆત કરવી પડી હતી અને આરિફ હબીબ દસમા ધોરણ પછી ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા નહોતા. 1970ના દાયકામાં તેમણે કરાચી સ્ટૉક ઍક્સચેન્જમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
આરિફ હબીબ, 'આરિફ હબીબ કૉર્પોરેશન લિમિટેડ'ના મુખ્ય કાર્યકારી અધિકારી છે, જે આરિફ હબીબ ગ્રૂપની હૉલ્ડિંગ કંપની છે.
તેઓ ફાતિમા ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ, આયશા સ્ટીલ મિલ્સ લિમિટેડ, જાવેદાન કૉર્પોરેશન લિમિટેડ અને સચલ વિન્ડ પાવરના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત્ છે.
ભૂતકાળમાં તેઓ છ વખત પાકિસ્તાન સ્ટૉક ઍક્સચેન્જના પ્રમુખ/અધ્યક્ષ રહી ચૂક્યા છે અને સેન્ટ્રલ ડિપોઝિટરી કંપની ઑફ પાકિસ્તાન લિમિટેડના સ્થાપક સભ્ય તથા અધ્યક્ષ પણ રહ્યા હતા.
તેમણે પ્રાઇવેટાઇઝેશન કમિશન, બોર્ડ ઑફ ઇન્વેસ્ટમેન્ટ, ટેરિફ રિફૉર્મ્સ કમિશન અને સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ ઑર્ડિનન્સ રિવ્યુ કમિટીમાં સભ્ય તરીકે સેવા આપી છે.
વર્ષો દરમિયાન તેમને પાકિસ્તાન સરકાર દ્વારા અનેક કંપનીઓના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાનમાં અઢળક સેવાકાર્યો પણ કર્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન