You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈસીજી બરાબર હોય તો પણ તમને હાર્ટઍટેક આવી શકે, શું ધ્યાન રાખવું?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી માટે
નાગપુરના ન્યૂરોસર્જન ડૉ. ચંદ્રશેખર પાખમોડેનું ગત અઠવાડિયે હૉસ્પિટલ લઈ જતાં પહેલાં જ અચાનક નિધન થઈ ગયું. 53 વર્ષની ઉંમરે તેમના અચાનક મૃત્યુથી તેમનાં દર્દીઓ અને મેડિકલ ક્ષેત્રના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આશ્ચર્યનું કારણ એ હતું કે ડૉ. પાખમોડેએ ત્રણ દિવસ પહેલાં જ ઈસીજી- ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ટેસ્ટ કરાવ્યો હતો, જે નૉર્મલ આવ્યો હતો.
જોકે, હૃદયરોગ નિષ્ણાતોનું કહેવું છે કે ઈસીજી બરાબર હોવો એ હૃદય સાથે જોડાયેલી બીમારીઓને માપવાનો એકમાત્ર માપદંડ નથી.
હૃદય તંદુરસ્ત છે કે નહીં એ ચકાસવા માટે બીજું શું ધ્યાન રાખવું પડે છે? હૃદયરોગનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે? સમજીએ આ અહેવાલમાં...
ઈસીજી શું છે?
ઈસીજી એક સામાન્ય ટેસ્ટ છે, જે હૃદયની ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટીનું રેકૉર્ડિંગ કરે છે. તેની મદદથી ડૉક્ટર હાર્ટ રિધમ અને ઇલેક્ટ્રિક સિગ્નલની તપાસ કરી શકે છે.
ઈસીજીમાં ઇલેક્ટ્રોડ નામના એક સૅન્સરને છાતીની આસપાસ લગાવવામાં આવે છે. જેની મદદથી હૃદયના ધબકારાથી ઉત્પન્ન થતાં ઇલેક્ટ્રિક સિગ્નલ વિશે માહિતી મળે છે.
ઈસીજી એકમાત્ર રસ્તો નથી?
ડૉ. મહેશ ફુલવાણીએ તેમનાં મૃત્યુ પહેલાં બુધવારે સવારે તેમના મિત્ર ડૉ. પાખમોડે સાથે રાત્રિભોજન કર્યું હતું.
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, "હૃદયરોગ છે કે નહીં તેના માટે ઈસીજી એ એકમાત્ર રસ્તો નથી. 10 ટકા પણ નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૃદયરોગના પ્રારંભિક નિદાન માટે ઈસીજી એ માત્ર આવશ્યક ભાગ છે. આ પ્રક્રિયા હૃદયની મૂળભૂત શરીરરચના અને ઇલેક્ટ્રિકલ કન્ડક્શન સિસ્ટમની સમીક્ષા કરે છે.
જો કોઈ ડૉક્ટરને હૃદયની સ્થિતિની શંકા હોય, તો તેઓ ઈસીજી પરીક્ષણની ભલામણ કરી શકે છે. ઈસીજી પરીક્ષણ તમને હૃદયની સમસ્યા છે કે નહીં તે નક્કી કરવા માટે સામાન્ય શ્રેણી દર્શાવે છે.
શ્રી કૃષ્ણ હૃદયાલય નાગપુરના કાર્ડિયોલૉજિસ્ટ અને ડિરેક્ટર ડૉ. મહેશ ફુલવાણીએ બીબીસી હિન્દીને જણાવ્યું, "સામાન્ય ઈસીજી એ વાતની ગેરંટી આપતું નથી કે વ્યક્તિ ઘણા કલાકો, મહિનાઓ કે વર્ષો સુધી જીવિત રહેશે. હૃદય એક ગતિશીલ અંગ છે."
"તેની અંદર ઘણી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને ઈસીજી એ તેમનું મૂલ્યાંકન કરવાનો એક માર્ગ છે."
તણાવ અને અનિયમિત જીવનશૈલીની અસર કેવી રીતે થાય છે?
નાગપુરની ન્યૂરૉન હૉસ્પિટલમાં ડૉક્ટર અનિલ જવાહરાણીએ ડૉ. પાખમોડેની સારવાર કરી હતી. ડૉ. જવાહરાણી કાર્ડિયોલૉજિસ્ટ છે અને ડૉ. પાખમોડે તેમની પાસેથી માર્ગદર્શન લેતા હતા.
ડૉ. જવાહરાણી કહે છે કે, "તેઓ ખૂબ મહેનતુ હતા. સવારે પાંચ વાગ્યે ઊઠતા હતા. જિમ જઈને સાઇકલિંગ કરતા હતા અને ટ્રેડમિલ કરતા હતા. અંદાજે છ વાગ્યે તેઓ હૉસ્પિટલમાં પોતાનો રાઉન્ડ શરૂ કરતા હતા."
તેઓ સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ઑપરેશન થિયેટરમાં હોય છે અને પછી લંચ લઈને સાંજે પાંચ વાગ્યે ઓપીડીમાં પાછા ફરતા.
તેમણે કહ્યું, "તેઓ રાત્રે 11 વાગ્યા સુધી ઓપીડીમાં 150 કે તેથી વધુ દર્દીઓને જોતા હતા. તેઓ રાત્રે 11થી 12ની વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરતા હતા અને પછી સૂઈ જતા હતા. બે દાયકાથી વધુ સમયથી તેમના વ્યાવસાયિક જીવનમાં આ તેમની જીવનશૈલી હતી."
"તેઓ તેમના દર્દીઓ માટે ભગવાન જેવા હતા. આ વાક્ય જ કોઈપણ વ્યક્તિ પર હંમેશાં સારું કરવા માટે દબાણ બનાવવા માટે પૂરતું છે. આવું દબાણ તણાવને કારણે થાય છે."
ડૉ. ફુલવાણીએ ડૉ. પાખમોડેના વ્યક્તિત્વનું એક અલગ પાસું જણાવ્યું.
તેમણે કહ્યું, "સમય જતાં રોજબરોજનો તણાવ વધતો જાય છે. તેઓ એટલા સારા સ્વભાવવાળા હતા કે તેમણે ક્યારેય તેમના કોઈપણ સહકર્મીને ના નહોતા પાડતા કે કોઈ દર્દીને તપાસ માટે ન મોકલે. તેઓ બધું કામ પોતાના હાથમાં લઈ લેતા હતા અને તેઓ ઓછી ઊંઘ લેતા અને વધુ કામ કરતા."
"ખરેખર, તેમના પર વધારે પડતું કામ હતું. તેઓ તેમના કામ પ્રત્યે સમર્પિત હતા. ડૉ. પાખમોડેનું મૃત્યુ ન થવું જોઈતું હતું. તેમણે મને ક્યારેય કહ્યું નહીં કે તેમણે ઈસીજી કરાવ્યું હતું અને ત્રણ દિવસ પહેલાં તેમને છાતીમાં દુ:ખાવો થયો હતો."
હૃદયરોગનું મૂલ્યાંકન કેવી રીતે થયા છે?
ડૉ. પાખમોડેએ તેમના ઈસીજી રિપોર્ટની ડૉ. જવાહરાણી સાથે ચર્ચા કરી ન હતી. જોકે, તેમણે દર્દીના સ્વાસ્થ્ય વિશે તેમની સાથે વાત કરી હતી.
ડૉ. જવાહરાણી અફસોસ વ્યક્ત કરતા કહે છે કે, "કાશ તેમણે પોતાના રિપોર્ટ વિશે વાત કરી હોત. તે ખોટું થયું."
ડૉ. પાખમોડેનાં પત્ની એનેસ્થેસિયોલૉજિસ્ટ છે. તેમનો સવારે સવા પાંચે ફોન આવ્યો કે પાખમોડેને છાતીમાં દુ:ખાવો થઈ રહ્યો છે અને તેઓ પથારી પર પડી ગયા છે. ઘરે અને હૉસ્પિટલમાં તેમને બચાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા.
ડૉ. જવાહરાનીએ કહ્યું, "ECG દ્વારા ખબર પડી શકે છે કે હૃદયરોગના હુમલા જેવી ગંભીર સમસ્યા છે કે નહીં. 65 થી 70 ટકા દર્દીઓમાં ઈસીજીથી લક્ષણો દેખાય છે. પરંતુ જો હૃદયરોગનો હુમલો નાનો હોય, તો તેનો ઈસીજીથી અંદાજ આવી શકતો નથી."
"આવી સ્થિતિમાં, લગભગ એક કલાક પછી ફરીથી ઈસીજી કરાવવાનો વિકલ્પ રહેલો છે. પરંતુ ઈસીજીની સાથે બ્લડ ટેસ્ટ અને ઇમેજિંગ પણ કરાવવું પડશે."
બંને ડૉકટરોએ એ વાતની પુષ્ટિ કરી છે કે હૃદયરોગનો હુમલો આવતા પહેલાં ઓછામાં ઓછા 65 ટકા લોકો ચેતવણીના ચિહ્નો અનુભવે છે.
ડૉ. ફુલવાણીએ કહ્યું, "આ લક્ષણોમાં બેચેની, પેટમાં ગેસ, ઓડકાર, પીઠ અને ગળામાં દુખાવો, ચાલતી વખતે થાક, પગમાં અસ્થિરતા, શ્વાસ લેવામાં તકલીફ છે. આ લક્ષણો હાર્ટ એટેકના સાત દિવસ પહેલાં દેખાઈ શકે છે."
ડૉક્ટરો કઈ વાતની તપાસ કરે છે?
ડૉક્ટરો દર્દીની ઉંમર, લિંગ, કૌટુંબિક ઇતિહાસ, બ્લડપ્રેશર અથવા શરીરના ભાગોમાં દુ:ખાવો જેવા પરિબળોની પણ તપાસ કરે છે.
ડૉ. ફુલવાણીએ કહ્યું, "જો છાતી, ખભા કે પીઠનો દુખાવો બે દિવસ સુધી ચાલુ રહે, તો ટ્રૉપોનિન જેવા કાર્ડિયાક એન્ઝાઇમનું પરીક્ષણ કરવામાં આવે છે. જો દર્દી થોડા દિવસોથી દુ:ખાવો અનુભવી રહ્યો હોય, તો ટ્રેડમિલ ટેસ્ટ (TMT) કરવામાં આવે છે."
"છેલ્લો ટેસ્ટ સીટી એન્જીયોગ્રાફી અથવા સીટી કોરોનરી એન્જીયોગ્રાફી છે. આ બધા ટેસ્ટ કોઈ રોગ નથી તેની ખાતરી કરવા માટે કરવામાં આવે છે."
ડૉ. ફુલવાણી કહે છે, "સૌથી સરળ વાત એ છે કે તમારા સ્વાસ્થ્યનો ડેટા તપાસવો"
તેનો અર્થ દર્દીના શરીરમાં કૉલેસ્ટ્રોલનું સ્તર, લોહીમાં શર્કરાનું સ્તર અને પેટની જાડાઈ (અંદરની ચરબી) શોધવાનો છે.
પેટની ચરબી ઘટાડવા માટે કાર્ડિયોલૉજિસ્ટ્સ આહાર અને કસરતની ભલામણ કરે છે.
ડૉ. ફુલવાણીએ કહ્યું, "ઓછી ચરબી, ઓછું કાર્બોહાઇડ્રેટ, આવશ્યક પ્રોટીન અને દરરોજ 50 મિનિટ કસરત. દર બીજા દિવસે જીમમાં જવું, તરવું, સ્નાયુઓને મજબૂત બનાવવાની કસરતો કરવી અને તણાવ ઓછો કરવો. હૃદય રોગથી બચવા માટે આ જરૂરી શરતો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન