પરવીન બાબી : ટાઇમ મૅગેઝીનના કવર પેજ પર છવાઈ જનારાં પહેલા બોલીવૂડ સ્ટારનું શું છે ગુજરાત કનેક્શન?

    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

70ના દાયકામાં પરવીન બાબી રૂપેરી પડદે એ પ્રકારનાં દૃશ્યો ભજવી રહ્યાં હતાં જે દૃશ્યો ભારતીય સમાજમાં મહિલાઓની પ્રસ્થાપિત રૂઢિગત છબીથી જૂદાં પડતાં હતાં.

જેના માટે આજે પણ સમાજમાં મહિલાઓ પ્રયાસ કરતી જોવા મળે છે, પોતાના નિર્ણયો લેવા એ હજુ પણ મહિલાઓ માટે એક મોટો પડકાર છે.

મોટાભાગે, રૂપેરી પડદે, પરવીન બાબી એક આત્મવિશ્વાસુ મહિલાની ભૂમિકા ભજવતી જોવા મળી હતી.

તમે 'દીવાર'નું એ દૃશ્ય યાદ કરો કે જેમાં અમિતાભ (વિજય) એક બિયર બારમાં બેઠા છે અને તેમને ત્યાં એકલા જોઈને, પરવીન બાબી ત્યાં પહોંચે છે અને તેમને જાણ્યા વિના, તે હિંમતભેર વાતચીત શરૂ કરે છે.

આ તો ફક્ત એક જ દૃશ્યની વાત છે, પરવીન બાબીનું આખું કૅરિયર આ પ્રકારનાં દૃશ્યોથી ભરપૂર છે જેમાં તેઓ પોતાનો સમય બદલતી જોવા મળે છે.

પરવીન બાબીએ નાની ભૂમિકાઓમાં પણ કમાલ કરી

એક એવી છોકરીની ભૂમિકાઓ એણે ભજવી જે આત્મનિર્ભર હોય છે અને લગ્ન પહેલાં પોતાના પુરુષ મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવામાં કોઈ સંકોચ રાખતી નથી. દુનિયાદારીની પરવા કર્યા વગરનાં પાત્રો પરવીન બાબીએ ભજવ્યાં.

પરવીન બાબીએ દીવારમાં પોતાના નાના રોલથી અમીટ છાપ છોડી હતી.

આ જ કારણ છે કે ત્રણ દાયકાની સક્રિય ફિલ્મી કારકિર્દી પછી પણ લોકો પરવીન બાબીની ભૂમિકાઓને યાદ કરે છે.

એ પણ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે હીરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી ફિલ્મોમાં પરવીન બાબીના રોલ સામાન્ય રીતે નાના રહેતા હતા, પરંતુ તેમના ચહેરા અને સ્ટાઇલનો જાદુ એવો હતો કે નાની ભૂમિકાઓમાં પણ તેઓ ચર્ચાનું કેન્દ્ર બની જતાં હતાં.

જ્યારે સારી છોકરીઓ માટે રૂપેરી પડદે સલવાર સૂટ અને સાડી પહેરવાનો ટ્રેન્ડ હતો, ત્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં ઉછરેલી પરવીન બાબીને પહેલી વાર ફિલ્મ દિગ્દર્શક બી. આર ઇશારાએ 1973માં ક્રિકેટર સલીમ દુર્રાની સાથે ફિલ્મ 'ચરિત્ર'માં કામ કરવાની તક આપી હતી. ફિલ્મ ફ્લૉપ ગઈ, પરંતુ પરવીન બાબી છવાઈ ગયાં.

તારીખ 4 એપ્રિલ, 1949ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢના એક મધ્યમ વર્ગના મુસ્લિમ પરિવારમાં જન્મેલી પરવીન બાબીએ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું હતું. તેઓ મૉડલિંગમાં કારકિર્દી બનાવવા માગતાં હતાં.

ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે બીઆર ઇશારા એક નવી અભિનેત્રી શોધી રહ્યા હતા, એક દિવસ તેમની નજર પરવીન બાબી પર પડી જે તે સમયે સિગારેટ પી રહી હતી અને ઇશારાને તેમની અભિનેત્રી મળી ગઈ.

ટાઇમ મૅગેઝિનના કવર પેજ પર છવાઈ પરવીન

પરવીન બાબીને પહેલી સફળતા 1974માં અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'મજબૂર'માં મળી હતી.

આ પછી, એન્ગ્રી યંગ મૅન સાથે, પરવીન બાબીએ ઘણી સફળ ફિલ્મો કરી જેમાં 'દીવાર', 'અમર અકબર ઍન્થોની', 'શાન' અને 'કાલિયા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

1976માં, પરવીન બાબી એટલી સફળ થઈ ગઈ હતી કે તે વર્ષે પ્રતિષ્ઠિત મૅગેઝિન ટાઇમે તેની તસવીરને કવર પેજ પર દર્શાવી હતી.

ટાઇમ મૅગેઝિનના કવર પેજ પર ચમકનારી પહેલી બોલિવૂડ અભિનેત્રી પરવીન બાબી હતી.

તેણીને તેના અંગત જીવનમાં એટલી સફળતા મળી નહીં જેટલી તેણીને ફિલ્મી કારકિર્દીમાં મળી હતી. શરૂઆતમાં, તેણીનું ડૅની સાથે અફેર હતું.

પરંતુ આ પ્રેમ વધારે આગળ વધી શક્યો નહીં. ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ડૅનીએ કહ્યું હતું કે તેઓ અને પરવીન બાબી ત્રણ-ચાર વર્ષ સાથે રહ્યાં, ત્યારબાદ તેઓ અલગ થઈ ગયાં હતાં.

'હું નંબર વન બનવાની દોડમાં છું'

ડૅની પછી, પરવીન બાબીના જીવનમાં કબીર બેદીનો પ્રવેશ થયો.

બંનેએ 1976માં ફિલ્મ 'બુલેટ'માં સાથે કામ કર્યું હતું અને લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાના પ્રેમમાં હતાં.

કબીર બેદીના પ્રેમ માટે પરવીન બાબીએ પોતાની શાનદાર કૅરિયર પણ છોડી દીધી હતી.

તે સમયે, કબીર બેદીને એક ઇટાલિયન ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા મળી અને પરવીન બાબી તેમની સાથે યુરોપ શિફ્ટ થઈ ગયાં.

પરંતુ જ્યારે બંને વચ્ચે ખટરાગ સર્જાયો, ત્યારે પરવીન બાબીએ બોલીવૂડમાં પુન: આગમન કર્યુ. જ્યારે તેઓ પરત આવ્યાં, ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેનું ઉમળકાથી સ્વાગત કર્યું.

પુનરાગમનના આ સમયગાળા દરમિયાન, પ્રીતિશ નંદીની સલાહ પર, પરવીન બાબીએ 'ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા' માં એક સંસ્મરણ લખ્યું - "મારી કારકિર્દી આનાથી વધુ સારી ક્યારેય રહી નથી. હું નંબર વન બનવાની દોડમાં છું. બૉમ્બેમાં એવી કોઈ ફિલ્મ નથી બની રહી જેમાં પરવીન બાબી ન હોય. લોકો મારા સફળ પુનરાગમનથી આશ્ચર્યચકિત છે. ઘણા લોકો તેને મારું નસીબ કહી રહ્યા છે, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે આમાં કોઈ નસીબ નથી, પરંતુ મારો પરસેવો અને આંસુ છે. જે તૂટેલા હૃદય સાથે સખત મહેનતથી સાકાર થયું છે. જોકે, આ સમય દરમિયાન મને ખબર પડી છે કે શૉ બિઝનેસમાં રહેવાનો પોતાનો સંઘર્ષ છે, તેમાં દબાણ અને પડકારો પણ છે. હું તેમાં એટલી ડૂબી ગઈ છું કે હવે મારે તે સહન કરવું પડે છે."

કબીર બેદી સાથેના બ્રેક-અપને પોતાના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ ગણાવનાર પરવીન બાબીને પાછળથી મહેશ ભટ્ટ સાથે પણ પ્રેમ થઈ ગયો.

બંને વચ્ચેનો પ્રેમ 1977ના અંતમાં શરૂ થયો હતો, જ્યારે મહેશ ભટ્ટ પણ કબીર બેદીની જેમ લગ્ન કરી ચૂક્યાં હતાં.

પરંતુ તેમણે તેમની પત્ની અને પુત્રી પૂજા ભટ્ટને છોડી દીધા અને પરવીન બાબી સાથે રહેવા લાગ્યા.

આ એ સમય હતો જ્યારે પરવીન એક ટોચની સ્ટાર હતી અને મહેશ ભટ્ટ એક ફ્લૉપ ફિલ્મ નિર્માતા હતા.

મહેશ ભટ્ટે પરવીન બાબી સાથેના સંબંધો પર આધારિત ફિલ્મ 'અર્થ' બનાવી હતી.

આ ફિલ્મથી મહેશ ભટ્ટની કારકિર્દીમાં તેજી આવી, જ્યારે પરવીન બાબી એવી સ્થિતિમાં પહોંચી ગઈ જ્યાં તેમનું માનસિક સંતુલન બગડવા માંડ્યું.

મહેશ ભટ્ટ સાથેના પ્રેમ સંબંધ દરમિયાન જ પરવીન બાબી માનસિક બીમારીથી પીડાવા લાગી હતી, જેને મહેશ ભટ્ટે તેમના ઘણા ઇન્ટરવ્યૂમાં પૅરાનોઇડ સ્કિઝોફ્રેનિયા તરીકે વર્ણવ્યું છે.

જોકે, પરવીન બાબીએ ક્યારેય કહ્યું નહીં કે તે આ રોગથી પીડિત છે, પરંતુ તેણે સ્વીકાર્યું કે તે આનુવંશિક માનસિક બીમારીથી પીડિત છે.

અમિતાભથી 'ડર'

મહેશ ભટ્ટના કારણે જ પરવીન બાબી આધ્યાત્મિક ગુરુ યુજી કૃષ્ણમૂર્તિના સંપર્કમાં આવ્યાં અને તેમની સલાહ પર, પરવીન બાબીએ 1983 માં બોલિવૂડ છોડી દીધું. તે થોડો સમય બૅંગ્લોરમાં રહ્યાં, ત્યારબાદ તેઓ અમેરિકા ચાલ્યાં ગયાં.

આ એ સમય હતો જ્યારે પરવીન બાબી પોતાની કારકિર્દીને ગંભીરતાથી લઈ રહ્યાં હતાં અને અમિતાભ બચ્ચનના પડછાયામાંથી બહાર નીકળીને કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.

આની એક ઝલક જીતેન્દ્ર સાથેની તેમની ફિલ્મ 'અર્પણ'માં પણ જોવા મળી હતી, જેમાં પરવીન પશ્ચિમી શૈલીથી અલગ સાડીમાં લપેટાયેલાં જોવા મળ્યાં હતાં.

એટલું જ નહીં, તેમણે ઋષિકેશ મુખરજીની ફિલ્મ 'રંગ બિરંગી' અને ઇસ્માઇલ શ્રોફની ફિલ્મ 'દિલ આખિર દિલ હૈ' જેવી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ બધું અચાનક બંધ થઈ ગયું.

અમેરિકામાં પણ તેમની માનસિક બીમારીનો કોઈ ઇલાજ નહોતો.

પોતાની બીમારી દરમિયાન, તેમણે અમિતાભ બચ્ચન સહિત દુનિયાના ઘણા પ્રખ્યાત લોકો તરફથી પોતાના જીવને જોખમ હોવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે, પરવીન બાબી 1989માં ભારત પરત ફર્યાં અને બોલિવૂડના ચળકાટથી દૂર 2005 સુધી મુંબઈમાં રહ્યાં.

અમિતાભ બચ્ચન પર તેમની કથિત શંકા કેટલી હદે એનો એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે ડૅની સાથેની તેમની વાતચીત પણ બંધ થઈ ગઈ હતી.

ડૅનીએ ફિલ્મફેરને આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું, "એક ઇન્ટરવ્યૂમાં અમિતજીએ કહ્યું હતું કે હું તેમનો સારો મિત્ર છું. પરવીને તે ઇન્ટરવ્યૂ વાંચ્યો હતો, ત્યારબાદ જ્યારે હું એક દિવસ તેના ઘરે પહોંચ્યો ત્યારે તેમણે દરવાજો પણ ખોલ્યો નહીં."

અમિતાભ બચ્ચન પ્રત્યે તેમની શંકા છેક સુધી રહી, તેમનાં મૃત્યુના એક વર્ષ પહેલાં, શેખર સુમનને આપેલા એક ટીવી ઇન્ટરવ્યૂમાં, તેમણે કહ્યું હતું કે મર્લિન બ્રાન્ડો, ઍલ્વિસ પ્રેસ્લી, લૉરેન્સ ઑલિવિયર અને માઇકલ જૅક્સનની હાજરીમાં અમિતાભ બચ્ચનને સદીના સ્ટાર તરીકે પસંદ કરવામાં આવી રહ્યા છે, આનાથી મોટી મજાક બીજી શું હોઈ શકે?

પોતાની શરતે જિંદગી જીવી

આ જ ઇન્ટરવ્યૂમાં, અમિતાભને ભારતના દસમા સૌથી સુંદર પુરુષ તરીકે પસંદ કરવામાં આવ્યા તે અંગે મજાકમાં કહ્યું કે, "દેવ આનંદ, ફિરોઝ ખાન, શમ્મી કપૂર, શશિ કપૂર, રાજ કપૂર કે ઋષિ કપૂર પણ વધુ સુંદર હતા."

એટલું જ નહીં, પરવીન બાબીએ શશી કપૂરના પુત્ર કરણ કપૂર અને સંજય ગાંધીને અમિતાભ કરતાં વધુ સારા ગણાવ્યા હતા.

જોકે, અમિતાભે ક્યારેય પરવીન બાબી વિશે જાહેરમાં કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું ન હતું.

2005માં પરવીન બાબીના અવસાન પછી, તેમણે મીડિયાને જણાવ્યું હતું કે પરવીન એક એવી કલાકાર હતી જે પોતાની શરતે જિંદગી જીવી હતી અને જેનો હિન્દી સિનેમા પર ઊંડો પ્રભાવ પડશે.

માનસિક બીમારી અને ગાંડપણની હદ સુધી શંકાસ્પદ સ્વભાવ હોવા છતાં, તેઓ પોતાની શરતો પર જીવતાં હતાં, પરવીન બાબી આત્મનિર્ભર રહ્યાં અને જીવનના છેલ્લા દિવસો સુધી કોઈ પર નિર્ભર રહી નહોતાં.

પરંતુ એક હકીકત એ પણ છે કે એક સમયે જે નિર્માતાઓ પરવીન બાબીના ઘરની સામે લાઇન લગાવતા હતા, એ બધા તેને આખરી દિવસોમાં ભૂલી ગયા હતા.

લગભગ એક દાયકા સુધીનું સ્ટારડમ અને લગભગ 50 ફિલ્મો તેમના જીવનની એકલતાને ભરી શકી નહીં, આ એકલતા તેમને અંત સુધી પરવીનને સતાવતી રહી.

પરવીન બાબીની કથા એક એ યુવતીની વાત છે જે એક નાના શહેરમાંથી આવ્યાં હતાં અને જેણે બોલીવૂડમાં મોટી કમાણી કરી હતી પરંતુ તેના ચળકાટભર્યા જીવનમાં હંમેશા ખાલીપો રહ્યો હતો.

બોલીવૂડમાં રહેવા માટેનું દબાણ, પ્રેમમાં વિશ્વાસઘાત અને કેટલાક અંશે માનસિક બીમારી- આ બધાં કારણોએ પરવીન બાબીના કરિશ્માને ચોક્કસપણે ઝાંખો પાડ્યો, પરંતુ તેનો પ્રભાવ બોલીવૂડમાં લાંબા સમય સુધી રહેશે.

કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા બીબીસી માટે પ્રકાશિત