You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ખજૂરની આ જાત કેમ ખાસ છે, કચ્છના ખેડૂતોને કેટલો ફાયદો થઈ શકે?
- લેેખક, ડેવ હાર્વે
- પદ, વેસ્ટ ઑફ ઇંગ્લૅન્ડના વ્યાપાર તથા પર્યાવરણ સંવાદદાતા
યુકેમાં ખજૂરનાં વૃક્ષો ઉગાડતી વિશ્વની અગ્રણી કંપનીના વિજ્ઞાનીઓએ એક નવી અત્યાધુનિક પ્રયોગશાળા શરૂ કરી છે અને તેઓ એક ભારતીય રણને હરિયાળું બનાવવામાં મદદ કરી રહ્યા છે.
બ્રિટિશ વાતાવરણ ખૂબ ઠંડું છે અને આ ફળ ઉગાડવા માટે યોગ્ય ન હોવા છતાં આબોહવા-નિયંત્રિત પ્રયોગશાળાઓ અને ગ્રીન હાઉસમાં ખજૂરના છોડ ઉગાડી શકાય છે.
સોમરસેટના ગ્લાસ્ટનબરી નજીક આવેલી ડેટ પામ ડેવલપમેન્ટ્સ (ડીપીડી) સતત વિસ્તરણ કરી રહી છે અને હવે દર વર્ષે ખજૂરના સાડા ત્રણ લાખથી વધુ છોડ ઉગાડે છે. 60 સભ્યોની મજબૂત ટીમ સાથે તેની 30 દેશોમાં નિકાસ પણ કરે છે.
ભારતીય કંપની અતુલ લિમિટેડના અજિત બત્રાના કહેવા મુજબ, તેઓ "મધ્ય પૂર્વ, આફ્રિકા તથા યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ફરી વળ્યા છે, પણ યુનાઇટેડ કિંગ્ડમની ડીપીડી શ્રેષ્ઠ હોવાનું જણાયું છે."
સોમરસેટની કંપની ખજૂરનું મોટા પાયે ઉત્પાદન કરવા તેની પ્રયોગશાળાઓનો વિસ્તાર કરી શકે એટલા માટે તેમની કંપનીએ છેલ્લા દાયકામાં ડીપીડીમાં 1.1 કરોડ પાઉન્ડનું રોકાણ કર્યું છે. બત્રાના કહેવા મુજબ, તેમનું ધ્યેય "રણપ્રદેશને વિસ્તરતો અટકાવવાની લડાઈમાંં મદદ કરવાનો છે."
અહીંના ખજૂરના છોડવાઓનું વાવેતર ઉત્તર ભારતના શુષ્ક થાર રણમાં કરવામાં આવશે, જેથી જમીનને નવસાધ્ય કરી શકાય અને રોજગારીનું સર્જન કરી શકાય.
હવે સવાલ એ થાય કે સોમરસેટની એક નાની છોડ સંવર્ધક આ ઉષ્ણકટિબંધીય છોડ સમગ્ર વિશ્વમાં કેવી રીતે વેચતી થઈ?
શ્રેષ્ઠ પરિણામ મેળવવા ટેકનૉલૉજીનો ઉપયોગ
ડીપીડીનાં ચીફ ઑપરેટિંગ ઑફિસર જોઆન બેલી સમજાવે છે કે "સોમરસેટમાં ખજૂરનું કોઈ વાવેતર નથી, પણ અહીં કામ કરવું તે ખરેખર મોટો ફાયદો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે એક વિશાળ, અત્યાધુનિક ગ્રીન હાઉસમાં ઊભા છીએ. તેમાં હવાનું તાપમાન ઓછામાં ઓછું 18C (64F) રાખવામાં આવે છે. એકત્રિત વરસાદી પાણી સમયબદ્ધ સિંચાઈ પ્રણાલી દ્વારા યોગ્ય પ્રમાણમાં પહોંચાડવામાં આવે છે."
બાજુના વિભાગમાં ખજૂરના નાના છોડવાઓએ, પ્રકાશસંશ્લેષણ માટે એકદમ યોગ્ય ફ્રિકવન્સી પર સેટ કરવામાં આવેલા પ્રકાશમાં, યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલા ગ્રોઇંગ જેલમાં રાખવામાં આવે છે. સમગ્ર પ્રયોગશાળા, મેં ઍરોસ્પેસ સુવિધાઓમાં જોયું હતું તેમ, જીવાણુરહિત "સ્વચ્છ ખંડ" છે.
જોકે, જોઆન બેલી જણાવે છે કે "આ પ્રક્રિયા શોખથી બાગકામ કરતા લોકો દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા જેવી જ છે. તેઓ સર્વપ્રિય ગુલાબની એક કલમનો ઉપયોગ બીજા ગુલાબ ઉગાડવા માટે કરે છે."
ડેટ પામ્સ એટલે કે ખજૂર પણ પરંપરાગત રીતે કલમો ઉગાડવામાં આવે છે.
તાડના ઝાડમાંથી એક કલમ લેવાથી તમે એક નવું વૃક્ષ ઉગાડી શકો, પરંતુ ટિસ્યુ કલ્ચર લેબોરેટરીમાં તેઓ છોડના હજારો નાના-નાના ટુકડાઓ લે છે અને એ દરેકમાંથી નવા છોડ ઉગાડે છે. એ ઉપરાંત દરેક છોડ એકસમાન હોય છે.
રોગમુક્ત અને જંતુરહિત છોડની ભારે ડિમાન્ડ
હું જોઉં છું કે એક લેબોરેટરી ટેક્નિશ્યન એક જીવાણુરહિત સ્કેલપેલ અને ચીપિયા વડે નવી ડાળખીઓને કેવી રીતે અલગ કરે છે. એ પછી પ્રત્યે ડાળીને સાવધાનીપૂર્વક તૈયાર કરવામાં આવેલા જેલમાં, સ્નિગ્ધ પ્રવાહીમાં રાખવામાં આવે છે. એ પ્રવાહી તેને મૂળિયા વિકસાવવા પ્રોત્સાહિત કરે છે.
જોઆન બેલી જણાવે છે કે બહાર ખજૂરના બાગ ન હોવાથી ડેટ પામ્સમાં કોઈ કિટાણુ કે રોગ થતો નથી.
તેઓ ઉમેરે છે, "ખેડૂત પાસે આ છોડવાઓ પહોંચે છે ત્યારે તે એકસમાન હોય છે, કિટાણુ તથા રોગથી મુક્ત હોય છે તેની અમે ખાતરી આપી શકીએ. તેથી તેની માંગ બહુ વધારે હોય છે."
સોમરસેટની આ કંપનીની શરૂઆત પણ તેના ખજૂરના છોડવાઓની માફક નાના પાયે થઈ હતી. હવે તેઓ વર્ષે ખજૂરના ત્રણ લાખથી વધારે છોડવાઓ ઉગાડે છે અને આખી દુનિયામાં વેંચે છે.
"અમે મધ્ય પૂર્વ, ભારત, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાના પેરુ જેવા દેશોમાં તેની નિકાસ પણ કરીએ છીએ."
એક ભારતીય કંપની સાથેની ડીપીડીની ભાગીદારી છેલ્લા એક દાયકામાં ખરેખર ફળદાયી સાબિત થઈ છે.
અતુલ લિમિટેડ ભારતની સૌથી જૂની કંપનીઓ પૈકીની એક છે. તેની સ્થાપના 1947માં થઈ હતી. તેમાં અનેક વિભાગો છે અને કંપનીની કૃષિ ટીમનું વિઝન બહુ મોટું છે.
એ "રણને હર્યુભર્યું" બનાવવાથી જરાય ઓછું નથી.
ખેડૂતોની આવક વધશે, શહેરીકરણ ઘટશે
અતુલ લિમિટેડે અતુલ શહેરનું નિર્માણ કર્યું છે અને તેનું નામકરણ પણ કર્યું છે. અજિત સિંહ બત્રાએ અતુલ સ્થિત તેમની ઑફિસમાંથી વીડિયો કૉલ મારફત મને કહ્યું, "ભારતમાં થારનું રણ છે."
અતુલની ટીમ એ પ્રદેશમાં ખજૂરનાં હજારો વૃક્ષોનું વાવેતર કરી રહી છે.
અજિત સિંહે કહ્યું હતું, "તેનાથી રણપ્રદેશમાં એક એવી ઇકોસિસ્ટમ બનશે, જે શહેરીકરણને ઘટાડીને ખેડૂતોની આવક વધારવામાં મદદ કરી શકે છે."
આ કામ માટે કંપનીને ખજૂરના એવા લાખો છોડવાઓની જરૂર હતી, જે રોગમુક્ત હોવાની સાથે ફળની ખાતરી પણ આપતા હોય.
ખજૂરના આવા છોડવાઓની શોધ માટે અજિત સિંહ બત્રાની ટીમ આખી દુનિયામાં ફરી વળી હતી.
તેમણે મધ્ય પૂર્વ, સાઉદી અરેબિયા અને યુરોપની પ્રયોગશાળાઓની મુલાકાત લીધી હતી.
અજિત સિંહે ઉમેર્યું હતું, "પ્રોડક્ટ ક્વોલિટી, વિશ્વસનીયતા, સાતત્યસભરતા અને સટિક જાત તથા રોગમુક્ત છોડવાઓના સંદર્ભમાં યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ડીપીડી લિમિટેડ શ્રેષ્ઠ હોવાનું અમને જાણવા મળ્યું."
તેથી સોમરસેટ વેટલૅન્ડ્સમાં ઉત્પાદિત ખજૂરના છોડવાઓનું વાવેતર વિશ્વના સૌથી શુષ્ક ક્ષેત્રો પૈકીના એક કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન