સૌરાષ્ટ્ર તામિલ સંગમમ : સોમનાથ મંદિરના પુન:નિર્માણ સામે જ્યારે સરકારમાં જ નહીં પરંતુ સ્થાનિકોમાં પણ વિરોધ થયો

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તામિલ સંગમની શરૂઆત થઈ છે. જેના કેન્દ્રમાં સોમનાથ અને ત્યાંનું મંદિર છે. વર્તમાન સોમનાથ મંદિરનો પાયો આઝાદી પછી તરત જ નખાયો હતો અને તે સમયે પણ આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું. આ મુદ્દે કૉંગ્રેસમાં ઊભી ફાટ પડી ગઈ હતી.

એક તરફ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને મૃદુલા સારાભાઈ વગેરે હતાં, તો બીજી તરફ નાયબવડા પ્રધાન સરદાર પટેલ, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ અને કનૈયાલાલ મુનશી સહિતના નેતા હતા.

ગુજરાતના એક રજવાડાના રાજવીને કારણે સ્થિતિ વધુ જટિલ બની જવા પામી હતી અને પ્રથમ વડા પ્રધાન જવહારલાલ નહેરુએ આ મુદ્દે પોતાની નારાજગી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી હતી.

એટલું જ નહીં કેટલાક સ્થાનિકો દ્વારા પુનઃનિર્માણના સ્થળ વિશે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેને અવગણીને નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

સ્વતંત્રતા પછી સોમનાથ

14મી ઑગસ્ટ 1947ના દિવસે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું. (દેસાઈ, પ્રભાસ અને સોમનાથ, પૃષ્ઠક્રમાંક 355-357) શામળદાસ ગાંધીએ મુંબઈમાં 'આરઝી હકૂમત'ની સ્થાપના કરી અને જૂનાગઢના નવાબની સામે ચઢાઈ કરી.

ઑક્ટોબર મહિનામાં નવાબ ગુપ્ત રીતે પાકિસ્તાન જતા રહ્યા અને નવેમ્બર મહિનામાં શાહનવાઝ ભુટ્ટોએ ભારત સાથે જોડાણની જાહેરાત કરી.

9 નવેમ્બર, 1947ના ના રોજ ભારતીય સેના જૂનાગઢમાં પ્રવેશી. જનતા માટે વિક્રમ સંવત 2003ની દિવાળી ત્રણ દિવસ વહેલી આવી હતી. દિવાળીના દિવસે (12મી નવેમ્બર) વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા.

વિક્રમ સંવત 2004ના બેસતા વર્ષના દિવસે વલ્લભભાઈ પટેલ કાઠિયાવાડના રાજપ્રમુખ જામસાહેબે ખંડિત મંદિરની મુલાકાત લીધી. આ તકે કાઠિયાવાડ સંઘના રાજપ્રમુખ દિગ્વિજયસિંહે ભારત સરકાર દ્વારા મંદિરના નિર્માણનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો.

સરદાર વલ્લભભાઈ પટેલે જનતાને યથાશક્તિ સહયોગ આપવા કહ્યું. દિગ્વિજયસિંહે પોતે રૂ. એક લાખ અને શામળદાસ ગાંધીએ રૂ. 51 હજારની જાહેરાત કરી. સૌરાષ્ટ્ર સરકાર દ્વારા રૂ. પાંચ લાખની જાહેરાત કરવામાં આવી છે, એવી જાહેરાતને કારણે સ્થિતિ વધુ અસમંજસભરી સ્થિતિ ઊભી થઈ હતી.

પૂર્વ સહયોગી વી. બી. કુલકર્ણીએ 'આધુનિક ભારતના ઘડવૈયા' શ્રેણી હેઠળ કનૈયાલાલ મુનશીનું જીવનચરિત્ર લખ્યું છે. જેમાં તેઓ લખે છે (પેજનંબર 227-228) 'જૂનાગઢની જનતાએ ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. એ પછી સોમનાથના ભવ્ય મંદિરના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.'

'સરદાર પટેલે આ કામ કનૈયાલાલ મુનશીને સોંપ્યું હતું. સરદારને એમનાથી વધુ સક્ષમ વ્યક્તિ ન મળી હોત, કારણ કે તેમણે સોમનાથ વિશે ખૂબ જ ઊંડું સંશોધન કર્યું હતું. ખંડિત થયું તે પહેલાં આ મંદિર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર જેટલું પ્રસિદ્ધ હતું.'

'સોમનાથના પુનઃનિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ગાંધીજી હયાત હતા. વડા પ્રધાનના નેતૃત્વમાં મળેલી કૅબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકાર ખર્ચ ભોગવે એવું નક્કી થયું હતું, પરંતુ ગાંધીજીએ સલાહ આપી હતી કે મંદિરનિર્માણ માટેના પૈસા જનતા પાસેથી ઊભા કરવા જોઈએ.'

એ પછી તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી અને મુનશીને તેના ચૅરમૅન બનાવવામાં આવ્યા. મંદિરના નિર્માણ માટેના ટ્રસ્ટનું પ્રારૂપ પણ તેમણે જ તૈયાર કર્યું હતું.

  • સોમનાથ મંદિરના પુન:નિર્માણનો વિરોધ કેમ કરાયો હતો?
  • રાજપ્રમુખ દિગ્વિજયસિંહે ભારત સરકાર દ્વારા મંદિરના નિર્માણનો ઠરાવ જાહેર કરાયો
  • વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સોમનાથ મંદિરના પુનઃસ્થાપનના પક્ષધર ન હતા
  • શંભુપ્રસાદ દેસાઈએ આઝાદી પહેલાંથી જ જૂનાગઢના પુરાતત્ત્વીય સ્મારકોની જાળવણી માટે પ્રયાસરત હતા
  • હાલના સાતમા સોમનાથ મંદિરનું નિર્માણ કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં કરવામાં આવ્યું છે

નારાજ થયા નહેરુ

તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સોમનાથ મંદિરના પુનઃસ્થાપનના પક્ષધર ન હતા, તેમની આ વિશેની નારાજગી અને તેની પાછળનાં કારણો નહેરુએ લખેલા પત્રો પરથી સ્પષ્ટ થાય છે.

સર્વપલ્લી ગોપાલ 'સિલેક્ટેડ વર્ક્સ ઑફ જવાહરલાલ નહેરુ, વૉલ્યુમ -16, ભાગ-1માં (પેજનંબર 603-612) પર જોવા મળે છે, જેમાં તેમણે અલગ-અલગ વ્યક્તિ સાથે કરેલા પત્રાચાર સંકલિત છે.

સોમનાથ મંદિરના નિર્માણમાં ઉપયોગ માટે વિશ્વભરના દેશોની પવિત્ર નદીઓ અને સ્થળોની માટી મગાવવામાં આવી હતી. આ માટે કનૈયાલાલ મુનશી તથા જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહે પણ પત્ર લખ્યા હતા. જેઓ આ ટ્રસ્ટના ચૅરમૅન હતા.

પેકિંગ (હાલનું બેજિંગ) ખાતેના રાજદૂત કે. એમ. પનિકરે વડા પ્રધાન નહેરુને પત્ર લખ્યો હતો અને આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો.

એ પછી નહેરુએ વિદેશ મંત્રાલયના સચિવને નોટ લખીને પૂછ્યું હતું કે 'શું તેઓ આ પ્રકારની કવાયતથી વાકેફ છે?' સાથે જ સૂચન કર્યું હતું કે તમામ ઍમ્બેસીને પત્ર લખવામાં આવે કે આ પ્રકારની કોઈ માગણી (માટી કે જળ માટેની) આવે તો તેને ધ્યાને ન લેવી.

કનૈયાલાલ મુનશી (તા. 17 એપ્રિલ 1951) તથા જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહ (તા. 22 એપ્રિલ 1951)ના લખેલા પત્રોમાં તેઓ જણાવે છે કે તેમના દ્વારા મોકલવામાં આવેલા પત્રોને કારણે સરકાર પણ નિર્માણકાર્ય સાથે જોડાયેલી હોય એવી છાપ ઊભી થાય છે, પરંતુ સરકાર આ આયોજન સાથે કોઈપણ રીતે સંકળાયેલી નથી અને સામેલ થવા માગતી નથી.

સોમનાથ ટ્રસ્ટના ચૅરમૅન અને સૌરાષ્ટ્રના રાજપ્રમુખ હોવાને કારણે દિગ્વિજયસિંહના પત્રોથી વિદેશીઓના માનસમાં અવઢવ ઊભી થતી હોવાનું તથા સરકાર પણ નિર્માણકાર્ય સાથે જોડાયેલી હોવાની છાપ ઊભી થતી હોવાનું નહેરુ તેમના પત્રમાં નોંધે છે. તેમણે સ્થાપનાવિધિમાં સામેલ થવાના આમંત્રણને પણ નકારી કાઢ્યું હતું.

નહેરુએ પત્રાચાર દ્વારા તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુને કાર્યક્રમમાં સામેલ ન થવા માટે આગ્રહ કર્યો હતો. છતાં રાષ્ટ્રપતિએ કાર્યક્રમને યથાવત્ રાખતા નહેરુએ કાર્યક્રમને 'ટોન ડાઉન' કરી દેવા સૂચના આપી હતી.

તત્કાલીન માહિતી અને પ્રસારણ પ્રધાન આર. આર. દિવાકરને (તા. 28 એપ્રિલ 1951) લખેલા પત્રમાં નહેરુ લખે છે કે સોમનાથ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં સરકાર સામેલ થશે તો વિદેશમાં અને એટલે સુધી કે ભારતમાં પણ આપણને નુકસાન થશે. બિનસાંપ્રદાયિક દેશ તરીકેની છાપ ઉપર સવાલ ઊભા થશે.

દિગ્વિજયસિંહને લખેલા પત્રમાં નહેરુએ ધર્મના આધારે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનની પ્રતિક્રિયા ઉપર પણ ચિંતા પ્રગટ કરી હતી. જેમાં પાકિસ્તાને આ ઘટનાના આધારે ભારતની બિનસાંપ્રદાયિકતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

નહેરુએ સૂચન કર્યું હતું કે સોમનાથ ખાતે જે કંઈ થાય તેને 'ટોન-ડાઉન' કરી દેવું અને ત્યાં જે કંઈ થાય તે સરકારી કાર્યક્રમ છે તેવી છાપ ઊભી ન થવા દેવી.

સ્થાનિકો દ્વારા વિરોધ

ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈ દ્વારા આ વિસ્તારના ઇતિહાસ વિશે 'સોમનાથ અને પ્રભાસ' નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. ગુજરાતી, અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાના જાણકાર હોવાના કારણે તેઓ ઇસ્લામિક વિદ્વાનો અને ઇતિહાસકારોના વિવરણોનો પણ અભ્યાસ કરી શક્યા હતા.

આઝાદી પહેલાંથી જ શંભુપ્રસાદ દેસાઈ જૂનાગઢ વિસ્તારમાં આવેલાx પુરાતત્ત્વીય સ્મારકોની જાળવણી માટે પ્રયાસરત હતા. 1934માં તેમના પ્રયાસો થકી સોમનાથના ખંડિત મંદિરની ફરતે દિવાલ બાંધવામાં આવી હતી અને ચોકીદારની નિમણૂક કરવામાં આવી હતી.

આથી જ જયારે સોમનાથ મંદિર ટ્રસ્ટે જ્યાં કુમારપાળના મંદિરના અવશેષો હતાં, ત્યાં જ નવા મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય જાહેર કર્યો. (સોમનાથ અને પ્રભાસ, પૃષ્ઠક્રમાંક 359) પ્રભાસના પ્રબુદ્ધ નાગરિકો, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા અને સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ જેવી સંસ્થાઓએ પુરાતત્ત્વના અપ્રતિમ નમૂનાને જાળવવા માટે વાંધા લીધા અને ટ્રસ્ટના નિર્ણયનો વિરોધ કર્યો.

વિરોધ કરનારાઓનો આગ્રહ હતો કે નવા મંદિરનું નિર્માણકાર્ય અન્યસ્થળે હાથ ધરવું જોઈએ અને પ્રાચીન મંદિરના અવશેષોને યથાવત્ રહેવા દેવા જોઈએ. આમ છતાં સોમનાથ ટ્રસ્ટ તેના નિર્ણય પર અફર હતું. આની પાછળ નિર્માણકાર્ય સાથે સંકળાયેલાઓના પોતાના તર્ક હતા.

દેસાઈ (પૃષ્ઠક્રમાંક 379-380) પર લખે છે કે કુમારપાળે બંધાવેલું મંદિર જૂનું મંદિર પૂર્વથી પશ્ચિમ 120 ફૂટનું હતું અને ઉત્તર-દક્ષિણની પહોળાઈ 75 ફૂટ હતી. મંદિરની ફરતે પ્રદક્ષિણામાર્ગ હતો અને ગૃહમંડપને ત્રણ દ્વાર હતા. ગૃહમંડપ અષ્ટકોણ હતો અને પ્રત્યેક કોણમાં આઠ સ્તંભ હતા. તેના ઉંબરા પાસે કાળા પથ્થરની ચંદ્રશીલા હતી.

આ સિવાય મંદિરમાં શિવતાંડવની વિવિધ મુદ્રાઓ, નાગદમનની આકૃત્તિ, દધિચિ ઋષિની મૂર્તી, પુષ્પવેલી અને ભૂમિતિની આકૃત્તિઓ હોવાનું દેસાઈ નોંધે છે, જે પુનઃનિર્માણ સમયે નાશ પામી.

સરદાર, સોમનાથ અને પુનઃસ્થાપન

જૂના મંદિરના અમુક અવશેષો અને તસવીરોને નવા મંદિરની નજીક એક મ્યુઝિયમમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. સ્થાનિક સોમપુરા સ્થાપતિઓ દ્વારા નવા મંદિરને કંડારવામાં આવ્યું છે.

કનૈયાલાલ મુનશી લિખિત પુસ્તક 'સોમનાથ, ધ શ્રાઇન ઇટર્નલ'માં (પૃષ્ઠક્રમાંક 166-167) મૂળસ્થાન પર જ મંદિરના પુનઃનિર્માણ વિશેનો તર્ક આપવામાં આવ્યો છે.

'શરૂઆતમાં કેટલાક લોકોને જીવંત મૂલ્યો કરતાં મૃત પથ્થરો પ્રત્યે વધુ પ્રેમ હતો. તેઓએ જૂના મંદિરોના અવશેષોને પ્રાચીન સ્મારક તરીકે જાળવી રાખવા માટે દબાણ કર્યું.'

'જોકે, મુનશીનો મત સ્પષ્ટ હતો કે સોમનાથ એ માત્ર પ્રાચીનસ્મારક નથી, પરંતુ સમગ્ર દેશની જીવંત ચેતના છે અને તેનું પુનઃનિર્માણએ દેશની પ્રતિજ્ઞા છે. તેની જાળવણીએ માત્ર ઐતિહાસિક કૌતૂકનો વિષય નથી.'

જ્યારે આર્કિયૉલૉજિકલ ડિપાર્ટમેન્ટે આ મુદ્દે રજૂઆત કરી ત્યારે સરદાર પટેલે (સોમનાથ- ધ શ્રાઇન ઇટર્નલ;મુનશી પૃષ્ઠ 71) કહ્યું હતું, "મંદિરના પુનઃનિર્માણ વિશે હિંદુ લાગણીઓ પ્રબળ અને વ્યાપક છે. તે મંદિરના સમારકામ કે તેની આવરદા વધારવા માત્રથી સંતોષાશે નહીં. હિંદુ જનતામાં પ્રતિમાનું પુનઃસ્થાપન સન્માન અને સંવેદનાનો મુદ્દો બની રહેશે."

એ સમયમાં 1949ના અંતભાગ સુધીમાં લગભગ રૂ. 25 લાખ જેટલી રકમ એકઠી થઈ ગઈ હતી. 19 એપ્રિલ 1950ના રોજ તત્કાલીન સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉછંગરાય ઢેબરે ખનનવિધિ કરી.

8મી મે 1950ના રોજ યુનાઇટેડ સ્ટેટ ઑફ કાઠિયાવાડના રાજપ્રમુખ દિગ્વિજયસિંહ દ્વારા શિલારોપણ કરવામાં આવ્યું. તા. 11મી 1951ના દિવસે રાજેન્દ્રબાબુના હસ્તે સોમનાથ જ્યોર્તિલિંગની પ્રતિષ્ઠા થઈ. 1962માં મંદિર બંધાઈ ગયું.

સોમનાથ મંદિરની વેબસાઇટ પર આપવામાં આવેલી વિગત પ્રમાણે, હાલનું મંદિર સાતમું મંદિર છે, જેનું નિર્માણ કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં કરવામાં આવ્યું છે.

મંદિરમાં ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્ય મંડપ છે. જમીનથી શીખરની ઊંચાઈ 155 ફૂટની છે. ટોચ પરનો કળશ 10 ટનનો છે. ધ્વજદંડ 27 ફૂટ ઊંચો અને એક ફૂટ પહોળો છે.

આજે સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઊભી છે, જે મંદિરમાં ગર્ભગૃહ તરફ મુખ કરીને ઊભી છે.