કોરોના વાઇરસ : ચીનની વૅક્સિન પર દુનિયાનો ભરોસો કેમ તૂટી રહ્યો છે?

    • લેેખક, તેસ્સા વૉંગ
    • પદ, બીબીસી ન્યૂઝ

સમગ્ર એશિયામાં કોવિડ-19 સામે લોકોને રક્ષણ આપવામાં ચીની વૅક્સિન્સે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. લાખો લોકોને સાઇનૉવેક અથવા તો સાઇનૉફાર્મ વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

જોકે, તાજેતરનાં સપ્તાહોમાં તેની અસરકારકતા બાબતે ચિંતા વધી છે. પોતાના રસીકરણ કાર્યક્રમમાં ચીની વૅક્સિન્સનો મોટા પાયે ઉપયોગ કરતા કેટલાક એશિયન દેશોએ જાહેરાત કરી છે કે હવે તેઓ અન્ય વૅક્સિનનો ઉપયોગ કરશે.

આ પગલાંએ ચીનની વૅક્સિનની વિશ્વસનીયતા વિશે જ નહીં, પરંતુ એશિયામાં વૅક્સિન ડિપ્લોમસીના ચીનના પ્રયાસો સામે પણ સવાલ ઊભા કર્યા છે.

થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયામાં શું થઈ રહ્યું છે?

પોતાની વૅક્સિન નીતિમાં ફેરફારની જાહેરાત થાઇલૅન્ડે ગયા સપ્તાહે કરી હતી. એ મુજબ સાઇનૉવેકના બે ડોઝના સ્થાને થાઇલૅન્ડના નાગરિકોને સાઇનૉવેક અને ઍસ્ટ્રાઝેનેકા વૅક્સિનના મિક્સના ડોઝ આપવામાં આવશે.

આરોગ્ય કર્મચારીઓનું સાઇનૉવેક વડે અગાઉ સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમને હવે બૂસ્ટર ડોઝ તરીકે એક અલગ વૅક્સિન આપવામાં આવશે.

ઇન્ડોનેશિયાએ આવી જ જાહેરાત આગલા સપ્તાહે કરતાં જણાવ્યું હતું કે તેના આરોગ્ય કર્મચારીઓને મૉડર્નાની વૅક્સિન બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે. ઇન્ડોનેશિયાના કર્મચારીઓને પણ અગાઉ સાઇનૉવેક વડે ઇમ્યુનાઇઝ કરવામાં આવ્યા હતા.

હજારો આરોગ્ય કર્મચારીઓ પૂર્ણતઃ ઇમ્યુનાઇઝ્ડ હોવા છતાં તેમને કોવિડ-19નો ચેપ લાગ્યાના અહેવાલોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બે કોવિડગ્રસ્ત આરોગ્ય કર્મચારીઓ થાઇલૅન્ડમાં અને 30 ઇન્ડોનેશિયામાં મૃત્યુ પામ્યા હતા.

આ બન્ને દેશોએ તેમના વૅક્સિનેશન કાર્યક્રમની શરૂઆત ધીમેથી કરી હતી અને હવે બન્ને દેશ કોવિડના નવી લહેરનો સામનો કરી રહ્યા છે.

થાઇલૅન્ડમાં મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થયા છે અને મૃત્યુ પામ્યા છે, જ્યારે એશિયામાં કોવિડ-19નું નવું કેન્દ્ર બની ચૂકેલા ઇન્ડોનેશિયામાં હૉસ્પિટલો કોવિડ-19ના દર્દીઓથી છલકાઈ રહી છે તથા દેશ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યો છે.

બન્ને દેશોએ જણાવ્યું હતું કે તેઓ સંક્રમણ સામે રક્ષણનું પ્રમાણ વધારવા માટે પરિવર્તન કરી રહ્યા છે. થાઇલૅન્ડના અધિકારીઓએ સ્થાનિક અભ્યાસનાં તારણોને ટાંક્યાં હતાં. એ તારણો મુજબ, વૅક્સિનનો મિક્સ ડોઝ આપવાથી ઇમ્યુનિટી વધારી શકાય છે.

ઇન્ડોનેશિયાના પ્રવાસનમંત્રી સૅન્ડિયાગા ઉનોએ બીબીસીને તાજેતરમાં જણાવ્યું હતું કે સાઇનૉવેક વૅક્સિન "ઘણી અસરકારક" છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના ગ્લોબલ આઉટબ્રેક ઍલર્ટ ઍન્ડ રિસ્પૉન્સ નેટવર્કના વડા ડેલ ફિશરના જણાવ્યા મુજબ, બીજી વૅક્સિનના ઉપયોગનો નિર્ણય કરીને થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયાની સરકારો ભારપૂર્વક જણાવી રહી છે કે "તેઓ વૅક્સિનની નિષ્ફળતાથી ચિંતિત છે."

અલબત્ત, આરોગ્ય કર્મચારીઓને લાગેલા ચેપ અને તેમનાં મોત બાબતે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી એવી તાકીદ કરતાં ડેલ ફિશરે "સઘન તપાસ"ની વિનંતી સત્તાવાળાઓને કરી હતી.

સાઇનૉવેકે આ બાબતે હજુ સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી.

મલેશિયાએ પણ તેનો સાઇનૉવેકનો હાલનો પુરવઠો ખતમ થાય પછી ફાઇઝરની વૅક્સિનનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે.

ફિલિપાઇન્સ અને કમ્બોડિયા જેવા અન્ય દેશોએ ચીની વૅક્સિનનો ઉપયોગ ચાલુ રાખ્યો છે.

ચીની વૅક્સિન ખરેખર અસરકારક છે?

સમગ્ર વિશ્વમાં હાથ ધરવામાં આવેલી ક્લિનિકલ ટ્રાયલોમાં સાઇનૉવેક અને સાઇનૉફાર્મ ઇનએક્ટિવેટિડ વાઇરસ વૅક્સિન્સ કોવિડનું રોગસૂચક સંક્રમણ રોકવામાં 50થી 79 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે, કોવિડ હૉસ્પિટલાઇઝેશન અથવા તેને કારણે થતા મૃત્યુને ખાળવામાં આ બન્ને વૅક્સિન ભારે અસરકારક છે.

અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે બ્રાઝિલમાં સાઇનૉવેક 100 ટકા અસરકારક પુરવાર થઈ હતી, જ્યારે ઇન્ડોનેશિયાના આરોગ્ય કર્મચારીઓ પર આ રસીનો ડોઝ 96-98 ટકા અસરકારક સાબિત થયો હતો.

હૉંગકૉંગ યુનિવર્સિટીમાં રોગચાળા-વિજ્ઞાનના નિષ્ણાત તરીકે કાર્યરત્ પ્રોફેસર બૅન્જામિન કાવલિંગના જણાવ્યા મુજબ, હકીકતમાં સંપૂર્ણપણે વૅક્સિનેટ કરવામાં આવ્યા હોય તેવા લોકોને પણ સંખ્યાબંધ કારણસર ઇન્ફેક્શન થતું હોય છે.

તેનું એક કારણ એ છે કે અનેક વૅક્સિન્સની માફક ચીની વૅક્સિન્સની અસરકારકતા પણ સમય જતાં ઘટતી હોય એ શક્ય છે.

થાઇલૅન્ડમાં હાથ ધરાયેલા એક અભ્યાસના આ સપ્તાહે બહાર પાડવામાં આવેલાં તારણ જણાવે છે કે સાઇનૉવેક વડે સંપૂર્ણપણે વૅક્સિનેટેડ લોકોના શરીરમાંના ઍન્ટીબોડીમાં પ્રત્યેક 40 દિવસે અડધોઅડધ ઘટાડો થતો હોય છે.

બીજું કારણ એ છે કે ક્લિનિકલ ટ્રાયલોના ડેટાબેઝ તથા સંક્રમણના વાસ્તવિક પ્રમાણની સરખામણીએ ઇન્ડોનેશિયા નાનો દેશ છે.

ઇન્ડોનેશિયામાં નવા સંક્રમિતોનું પ્રમાણ રોજ હજારોની સંખ્યામાં વધી રહ્યું છે. તેનું કારણ વધારે ચેપી ડેલ્ટા વૅરિયન્ટ પણ હોઈ શકે છે.

ઇન્ડોનેશિયામાં તાજેતરના કુલ પૈકીના 60 ટકા કેસમાં અને થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં કુલ પૈકીના 26 ટકા કેસમાં ડેલ્ટા વૅરિયન્ટ જોવા મળ્યો હતો.

કોવિડના વૅરિયન્ટ્સ પૈકીના એકેય સામે ચીની વૅક્સિન્સની અસરકારકતા વિશેનો કોઈ પબ્લિક ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાથમિક અભ્યાસનાં તારણ સૂચવે છે કે સાઇનૉફાર્મ અને સાઇનૉવેક જેવી ઇનએક્ટિવેટેડ વાઇરસ વૅક્સિન્સ, મૂળ વાઇરસની સરખામણીએ ડેલ્ટા વૅરિયન્ટ સામે 20 ટકા ઓછી અસરકારક હોઈ શકે છે.

પ્રોફેસર બૅન્જામિન કાવલિંગનું આવું માનવું છે.

તેમણે ઉમેર્યું હતું કે કોવિડ સંક્રમણ અટકાવવા માટે એકેય વૅક્સિન સંપૂર્ણપણે અસરકારક નથી. ચીની વૅક્સિન પણ "100 ટકા અસરકારક નથી, છતાં તેના લીધે ઘણા લોકોનો જીવ બચી રહ્યો છે."

નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે વૅક્સિનેટેડ લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે, તેનો અર્થ એવો નથી કે વૅક્સિન્સ અર્થવિહીન છે, કારણ કે વૅક્સિનેશન લોકોને કોવિડ-19થી ગંભીર રીતે બીમાર પડતા અટકાવવામાં મદદરૂપ થાય છે.

ચીનમાં કોવિડ-19ની નવી લહેરના કોઈ સમાચાર નથી. ચીનમાં 63 કરોડ લોકોને ચાઇનીઝ વૅક્સિનનો કમસે કમ એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. એ પૈકીના કેટલાને સંપૂર્ણપણે વૅક્સિનેટ કરવામાં આવ્યા છે એ હજુ સુધી જાણવા મળ્યું નથી.

જોકે, ચીનમાં વાઇરસને સંપૂર્ણપણે અંકુશમાં લઈ લેવાયો હોવાનું માનવામાં આવે છે.

ચીનમાં સંક્રમણનો દૈનિક દર બહુ ઓછો છે અને સ્થાનિક રોગચાળાને ચીન ઝડપભેર અટકાવી રહ્યું છે.

ચીનની વૅક્સિન ડિપ્લોમસીને કેવી અસર થશે?

ચીનની વૅક્સિન ડિપ્લોમસી વ્યૂહરચનામાં એશિયા કેન્દ્રસ્થાને છે.

એશિયાનાં 30થી વધારે રાષ્ટ્રોએ વૅક્સિન ખરીદી છે અથવા તેમને દાનમાં મળી છે.

ઇન્ડોનેશિયા વિશ્વમાં સાઇનૉવેક વૅક્સિનનો સૌથી મોટો ખરીદકર્તા દેશ છે. તે સાઇનૉવેકના 12.5 કરોડ ડોઝનો ઑર્ડર આપી ચૂક્યો છે.

સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાં કાર્યરત્ ચીની બાબતોના નિષ્ણાત ઈયાન ચોંગે કહ્યું હતું કે વૅક્સિન વેચવા અથવા દાનમાં આપવાની ચીનની ઉત્સુકતાનું કારણ એ છે કે "તે કોવિડ સૌપ્રથમ વુહાનમાં જોવા મળ્યો હતો એ હકીકતને પલટાવવા ઇચ્છે છે અને એવું દર્શાવવા ઇચ્છે છે કે તે વૈજ્ઞાનિક રીતે સામર્થ્યવાન દેશ છે."

સમૃદ્ધ દેશોએ શરૂઆતમાં જ અન્ય વૅક્સિન્સ પર એકાધિકાર જમાવી દીધો હતો ત્યારે એશિયામાંના ઘણા દેશોએ - ખાસ કરીને ગરીબ દેશોએ - ચીની વૅક્સિન્સને આવકારી હતી.

ડૉ. ચોંગે કહ્યું હતું કે "શરૂઆતમાં વૅક્સિનની અસરકારકતાના ડેટા ઉત્સાહપ્રેરક ન હતા, પરંતુ એવું માનવામાં આવતું હતું કે જરા પણ સુરક્ષા ન હોય તેના કરતાં થોડુંક પ્રોટેક્શન હોય તો સારું."

દાખલા તરીકે કોવિડની નવી લહેર ફાટી નીકળી ત્યારે સરકારે અન્ય સ્રોત પાસેથી વૅક્સિન મેળવવી પડી હતી.

સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઍસ્ટ્રાઝેનેકા વૅક્સિન્સ ઉપરાંત તેણે અત્યાર સુધી મોટે ભાગે સાઇનૉવેક પર આધાર રાખ્યો હતો, કારણ કે ચીની કંપની, વૅક્સિનની ઝડપભેર ડિલિવરી આપનારી કંપનીઓ પૈકીની એક હતી.

ડૉ. ચોંગે કહ્યું હતું કે અન્ય વૅક્સિન્સનો ઉપયોગ કરવાના થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયાના નિર્ણયને કારણે "ચીની વૅક્સિન સફળ હોવાની ઇમેજમાં તથા તેની અસરકારકતાના દાવામાં પંક્ચર પડી શકે છે, તેમજ ચીનના ટેકનિકલ કૌશલ્ય સામે પણ સવાલ ઊભા કરી શકે છે."

ચીનની સરકારે આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી, પણ પોતાની વૅક્સિન્સ અસરકારક હોવાનું એણે ભૂતકાળમાં ભારપૂર્વક જણાવ્યું હતું.

થાઇલૅન્ડે મોટા પ્રમાણમાં વૅક્સિન મેળવવા માટે તેમના રાજાની માલિકીની સ્થાનિક કંપની પર આધાર રાખ્યો હતો, પરંતુ એ કંપની ઝડપભેર ડિલિવરી આપી શકતી ન હતી. તાલિબાન અફઘાનિસ્તાનમાં કબજાનો ઇતિહાસ દોહરાવી રહ્યા છે?

લોકોનો પ્રતિભાવ કેવો છે?

વૅક્સિનેશનની ધીમી ગતિ અને કોવિડ-19ની વણસતી જતી પરિસ્થિતિના મુદ્દે થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયાની સરકારો જોરદાર ટીકાનો સામનો કરી રહી છે.

તેમાં આરોગ્ય કર્મચારીઓને ફાઇઝરની વૅક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાનો વિરોધ કરતાં એક અધિકારીને એવું કહેતાં ટાંકવામાં આવ્યા હતા કે આમ કરવાનો અર્થ એવો થશે કે "સાઇનૉવેક રક્ષણ આપી શકતી નથી."

આ દસ્તાવેજ લીક થયા પછી થાઇલેન્ડમાં લોકનો રોષ વધુ ભડક્યો હતો.

ચુલાલોંગકોર્ન યુનિવર્સિટી ખાતેના ચાઇનીઝ સ્ટડી સેન્ટરના ડિરેક્ટર ડૉ. આર્મ તુંગ્નીરને કહ્યું હતું કે "હજુ પણ વ્યાપક લોકરોષ પ્રવર્તી રહ્યો છે. લોકો એવું કહી રહ્યા છે કે સરકાર આરોગ્ય કર્મચારીઓની સંભાળ કેમ રાખતી નથી."

"સાઇનૉવેક પરના સરકારના ભરોસા તથા એ વૅક્સિન સંબંધી કૉમ્યુનિકેશન બાબતે ઘણા લોકો ગંભીર રીતે ચિંતિત છે."

તેમણે ઉમેર્યું હતું કે "સાઇનૉવેક અસરકારક ન હોવાનું માનતા અને તેનો અસ્વીકાર કરતા લોકોની સંખ્યા હાલ વધી રહી છે. થાઇલૅન્ડ સરકારમાંનો લોકોનો ભરોસો મોટા પાયે ઘટ્યો છે અને વૅક્સિનના મુદ્દાનું વ્યાપક રાજકીયકરણ થઈ ગયું છે."

કોવિડ સંકટમાં અસરકારક વ્યવસ્થાપન નહીં કરવા બદલ વડા પ્રધાનના રાજીનામાની માગણી સાથે રવિવારે બૅન્ગકૉકમાં હજ્જારો લોકોએ કૂચ કરી હતી. તેમણે ફાઇઝર અને મૉડર્નાની વૅક્સિનના ઉપયોગની માગણી પણ કરી હતી.

નવા સંક્રમણના અહેવાલોને કારણે વૅક્સિનની અસરકારકતા વિશેની શંકામાં જોરદાર વધારો થવાનો ભય સેવાઈ રહ્યો છે.

ઇન્ડોનેશિયામાં સોશિયલ મીડિયા પરના ધાર્મિક ઇન્ફ્લ્યુઅન્સર્સ અને કાવતરાંની થિયરીના પ્રસારકર્તાઓ ચીનવિરોધી લાગણીથી ભરપૂર વૅક્સિનવિરોધી મૅસેજિસ ફેલાવી રહ્યા છે.

ઇન્ટરનેટ મારફત ફેલાવવામાં આવી રહેલી ગેરસમજના અસરકારક સામના માટે વધુ આકરાં નિયંત્રણો અને વધુ પ્રયાસોની હાકલ નિષ્ણાતો કરી રહ્યા છે.

પ્રોફેસર કાવલિંગે કહ્યું હતું કે "અમે ચાઇનીઝ વૅક્સિનનો ઉપયોગ કરી રહ્યા છીએ એ સારી વાત છે, પણ તેમની પાસેથી આપણે બહુ આશા રાખી શકીએ નહીં."

તેમણે ઉમેર્યું હતું કે "આપણે એ સમજવું પડશે કે નવાં ઇન્ફેક્શન આવશે અને તેના સામના માટે આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે તેને કારણે વૅક્સિનમાંના ભરોસાને નુકસાન થઈ શકે છે."