નવજોત સિદ્ધુ : પંજાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘની બાજી બગાડશે'?

    • લેેખક, અતુલ સંગર
    • પદ, સંપાદક, બીબીસી પંજાબી

કૉંગ્રેસ હાઇકમાન્ડે પૂર્વ ક્રિકેટર નવજોતસિંઘ સિદ્ધુને પંજાબના પાર્ટી પ્રમુખ બનાવ્યા છે. સિદ્ધુ એક સમયે ભાજપમાં સક્રિય હતા પરંતુ બાદમાં કૉંગ્રેસમાં જોડાયા હતા.

જોકે સૌથી રસપ્રદ વાત એ છે કે પંજાબના વર્તમાન મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંઘ સિદ્ધુ મામલે નારાજ હોવા છતાં તેમની નિમણૂક પ્રદેશ પ્રમુખ તરીકે કરાઈ છે.

બીજી તરફ અત્યાર સુધી સીએમ કૅપ્ટન અમરિન્દર સિંઘ એવું કહેતા આવ્યા છે કે સિદ્ધુ જ્યાં સુધી અપમાનજનક ટિપ્પણી (ટ્વીટ) વિશે માફી નહીં માગે ત્યાં સુધી તેઓ તેમને નથી મળવાના.

પરંતુ હવે સિદ્ધુને પાર્ટી પ્રમુખ બનાવાયા છે. બંને નેતાઓ વચ્ચેના તીખા સંબંધો અને મતભેદોને પગલે તાજેતરમાં કૉંગ્રેસ હાઇકમાન્ડે એક 18 પૉઇન્ટ્સની કામગીરીની યાદી તૈયાર કરીને સીએમ કૅપ્ટન અમરિન્દર સિંઘને આપી હતી.

વિધાનસભા ચૂંટણીના માત્ર 8 મહિનાઓ પૂર્વે જ આ યાદી આપવામાં આવી હતી.

આ મામલાને કૅપ્ટનની કામગીરી સામે તેમની જ પાર્ટીએ જારી કરેલા એક પ્રકારના તહોમતનામા તરીકે જોવામાં આવ્યું છે. જોકે કૅપ્ટનના વફાદારોનું અંગતપણે માનવું છે કે આ બાબતના કારણે કૅપ્ટન અપમાનનો અનુભવ કરી રહ્યા છે.

આથી સિદ્ધુ અને કૅપ્ટન જૂથ વચ્ચે સુલેહ માટે કેન્દ્રીય મોવડી મંડળે કરેલી કોશિશ આખરે બિનઅસરકાર રહેશે.

સિદ્ધુ અને કૅપ્ટન વચ્ચે વાંધો ક્યાં પડ્યો?

નવોજતસિંઘ સિદ્ધુએ પંજાબ સરકારમાંથી કૅબિનેટ પ્રધાન તરીકે રાજીનામું આપ્યા બાદ તેઓ કૅપ્ટનના નેતૃત્ત્વવાળી સરકારની કામગીરી મામલે જાહેરમાં કટાક્ષ અને ટીકા પણ કરતા આવ્યા છે.

તેમનો આરોપ રહ્યો છે કે કૅપ્ટન સરકારે જનતાને કરેલા તેમના વાયદા પૂરા નથી કર્યાં.

ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપવાની વાત હોય કે પછી, વર્ષ 2015માં બાદલ સરકાર વખતે થયેલા બરગાડી બેઅદબી (ધાર્મિક લાગણીઓના અપમાન) સંબંધિત કેસ મુદ્દે વિરોધપ્રદર્શકો પર ગોળીબાર થયો હતો તેમાં તેમને ન્યાય નહીં મળ્યાનો મામલો હોય, સિદ્ધુ સરકાર સામે સવાલ કરતા જ રહ્યા છે.

ગેરકાયદે ખનન માફિયા અને પરિવહન માફિયાઓ સામે પણ તેઓ બોલતા રહ્યા છે. જેમાં કૅપ્ટન અમરન્દિરની નિષ્ક્રિયતા પર તેમણે પ્રહાર કર્યાં છે.

બીજી તરફ કૅપ્ટન સરકારે બરગાડી બેઅદબી કેસ હોય કે ડ્રગના ડિલરો સામેનો મુદ્દો હોય, તેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી રચીને પોતાનો બચાવ કર્યો છે.

પરંતુ રોજગારી મેળા અને અન્ય મુદ્દે કૅપ્ટને વાયદા પૂરા ન કર્યાં હોવાનું સિદ્ધુ કહેતા આવ્યા છે. અને આ જ પ્રકારના મુદ્દાનું તહોમતનામું પેલી 18 સૂત્રી કામગીરી યાદીમાં સામેલ છે.

સિદ્ધુને વિધાનસભ્યોનો પૂરતો ટેકો મળ્યો હોય તેવું દેખાતું નહોતું. અને તેઓ એકલા જ પોતાની રીતે રાજનીતિ કરતા હતા પરંતુ બે ધારાસભ્યોના દીકરાઓને નોકરી મામલે જે વિવાદ સર્જાયો છે. તેમાં કેટલાક ધારાસભ્યો કૅપ્ટનથી નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે.

અને હવે જ્યારે મોવળી મંડળ પણ કૅપ્ટન તરફથી સિદ્ધુ તરફ વલણ ઝુકાવી રહ્યું છે ત્યારે કેટલાક ધારાસભ્યો સિદ્ધુને મળી પણ રહ્યા છે. એટલું જ કેટલાક મંત્રીઓ પણ સિદ્ધુ માટે પાર્ટીનું આયોજન કરી રહ્યા છે.

આ સમગ્ર સ્થિતિ દર્શાવે છે કે પંજાબની રાજનીતિમાં હવે વધુ ગરમાવો આવવા જઈ રહ્યો છે.

કોણ છે નવજોતસિંઘ સિદ્ધુ?

નવજોતસિંઘ સિદ્ધુ પૂર્વ ભારતીય ક્રિકેટર છે. અને તેઓ ક્રિકેટરમાંથી રાજનેતા બન્યા છે. પહેલા તેઓ ભાજપમાં હતા પરંતુ બાદમાં મતભેદો બાદ ભાજપ છોડી દીધો અને પછી કૉંગ્રેસમાં જોડાયા હતા.

તેમનો જન્મ 1963માં 20 ઑક્ટોબરે પંજાબના પટિયાલામાં થયો હતો. તેમના પિતા સરદાર ભગવંત સિંઘ પણ એક ક્રિકેટર હતા. તેમણે મુંબઈની કૉલેજમાંથી કૉમર્સમાં અભ્યાસ કર્યો છે.

તેઓ વર્ષ 2004માં ભાજપમાં જોડાયા હતા અને અમૃતસરથી સાંસદ ચૂંટાયા હતા. ભૂતકાળમાં તેમની સામે કોર્ટ કેસ થતાં તેમણે રાજીનામું આપ્યું હતું પરંતુ વર્ષ 2009માં ફરીથી પેટાચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.

વર્ષ 2014માં ભાજપે અમૃતસરથી અરુણ જેટલીને ટિકિટ આપી હતી. તેથી સિદ્ધુએ એલાન કર્યું હતું કે અમૃતસર તેમના માટે પવિત્ર ભૂમિ છે એટલે તેઓ બીજે ક્યાંયથી ચૂંટણી નહીં લડશે.

બાદમાં વર્ષ 2017માં તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા. તેમને પંજાબ સરકારમાં સાંસ્કૃતિક બાબતોના મંત્રી બનાવાયા હતા.

પરંતુ તેમણે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના શપથ સમારોહનું નિમંત્રણ સ્વિકાર્યું ત્યારે કૅપ્ટન નારાજ થયા હતા. તેમની ટીકા થઈ તેમાં કૅપ્ટને પણ સૂર પૂરાવ્યો હતો.

વળી તેઓ જ્યારે તેમનો એક વીડિયા બહાર આવ્યો જેમાં તેઓ પાકિસ્તાનમાં આર્મી જનરલ કમર જાવેદ બાજવાને ભેટતા જોવા મળ્યા હતા ત્યારે પણ તેમની ટીકા થઈ અને કૅપ્ટને તેમાં પણ સૂર પૂરાવ્યો હતો. જેથી મતભેદો વધુ સપાટી પર આવતા સિદ્ધુએ રાજીનામું આપી દીધું હતું.

પરંતુ કરતારપુર કૉરિડર મામલેના સમાચાર આવતા શીખ સમુદાયમાં તેમની વધામણી એક ભારત-પાક શાંતિદૂત તરીકે થઈ હતી.

અત્રે નોંધવું કે સિદ્ધુને કૉંગ્રેસમાં લાવવામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મોટી ભૂમિકા રહી હોવાનું કહેવાય છે.

સિદ્ધુ લોકપ્રિય ટીવી કાર્યક્રમ ‘ધ કપિલ શર્મા શૉ’માં પણ જોવા મળતા હતા. પંજાબ કૅબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ જાહેરમાં વધુ દેખાતા નહોતા પરંતુ પછી તેઓ તીવ્ર વેગે સક્રિય થયા અને ફરી મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કરી દીધું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો