ચોમાસુસત્રના પહેલા દિવસે જ લોકસભામાં હોબાળો, કાર્યવાહી બપોર સુધી સ્થગિત

સંસદનું ચોમાસુસત્ર આજથી શરૂ થયું છે અને ધારણા મુજબ જ હોબાળા સાથે એની શરૂઆત થઈ છે.

હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

નવા સભ્યોની શપથવિધિ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓનો પરિચય આપ્યો અને વિપક્ષ પર આરોપ મૂક્યો કે મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સુમદાયના સભ્યો મંત્રી બન્યાં છે એ એમને નથી ગમ્યું.

આ પરિચય દરમિયાન વિપક્ષે વડા પ્રધાનની વાતનો ભારે વિરોધ કર્યો અને લોકસભામાં હોબાળો થયો.

વિપક્ષના હોબાળા વચ્ચે નરેન્દ્ર મોદીએ નવા સભ્યોનો પરિચય આપ્યો હતો. એ પછી લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

અગાઉ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યો, મિલખાસિંહ અને દિલીપ કુમાર સહિત મૃત્યુ પામનારા નામાંકિત લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ દરમિયાન ગૃહની બહાર કૉંગ્રેસના નેતા પ્રદીપ ભટ્ટાચાર્યે પેગાસસ જાસૂસી મામલે સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માગ પણ કરી.

કયાં-કયાં બિલ પર રહેશે નજર

ચોમાસુસત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ફૅક્ટરિંગ રેગ્યુલેશન ઍક્ટ, 2011માં સુધારા કરવા માટે 'ફૅક્ટરિંગ વિનિયમન (સંશોધન) બિલ, 2020' રજૂ કરશે. આ સંશોધન એવી સંસ્થાઓનો વ્યાપ વધારવા માટે છે, જે ફૅક્ટરિંગ વ્યવસાયમાં સામેલ થઈ શકે છે.

આ સાથે જ નવનિયુક્ત કૅબિનેટકક્ષાના મંત્રી પશુપતિકુમાર પારસ 'રાષ્ટ્રીય ખાદ્ય પ્રૌદ્યોગિકી સંસ્થા, ઉદ્યમિતા અને પ્રબંધન વિધેયક, 2021' રજૂ કરશે.

આ બિલ ખાદ્ય પ્રૌદ્યોગિકી, ઉદ્યમિતા અને પ્રબંધનની કેટલીક સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા જાહેર કરવા સંબંધિત છે.

લોકજનશક્તિ પાર્ટીના સાંસદ પશુપતિકુમાર પારસ તેમના ભત્રીજા ચિરાગ પાસવાનની વિરુદ્ધ બગાવતને લીધે તાજેતરમાં ચર્ચામાં હતા.

કેટલાક દિવસો સુધી ચાલેલી ખેંચતાણ પછી તેમને ચિરાગ પાસવાનના સ્થાને એલજેપીના લોકસભાના નેતાના રૂપમાં માન્યતા મળી અને હાલમાં જ કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમને ફૂડ પ્રૉસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય સોંપાયું છે.

કયાં બિલ પસાર કરવાની કોશિશ?

ચોમાસુસત્રમાં સરકાર છ જેટલા વટહુકમ, પહેલાંનાં સત્રોમાં બાકી રહી ગયેલાં નવ બિલો અને 15 જેટલાં નવાં બિલ લાવવાની તૈયારીમાં છે.

સરકાર ડીએનએ પ્રૌદ્યોગિકી, માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે પ્રસ્તાવિત કાયદો, રાષ્ટ્રીય ખાદ્ય પ્રૌદ્યોગિકી સંસ્થા અને ન્યાયાધિકરણ સુધારા સાથે જોડાયેલાં બિલ પસાર કરાવવાનો પ્રયત્ન કરશે.

આ સાથે જ દરિયાઈ સહાયતા અને નૅવિગેશન બિલ, બાળસંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે બિલ પસાર કરવાનો પ્રયત્ન પણ કરાશે.

નવા બિલમાંથી એક વિવાદાસ્પદ આવશ્યક રક્ષાસેવા બિલ છે, જે એ વટહુકમની જગ્યા લેશે. જેમાં રક્ષાઉત્પાદન એકમોમાં હડતાળ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સરકાર આ સત્રમાં એક સિનેમેટોગ્રાફ (સંશોધન) બિલ લાવવાનો પ્રયત્ન પણ કરી શકે છે.

આ પ્રસ્તાવિત બિલની એક નવી વિવાદાસ્પદ જોગવાઈ પ્રમાણે કેન્દ્ર સરકારને એ ફિલ્મોની ફરીથી તપાસ કરવાનો નિર્દેશ આપવાનો અધિકાર હશે, જેમને પહેલાં મંજૂરી અપાઈ છે. આ નવા બિલને કૅબિનેટની મંજૂરી પછી માહિતી અને પ્રસારણ મંત્રાલય સંસદમાં રજૂ કરી શકે છે.

તોફાની સત્રની આશંકાઓ

એક તરફ નરેન્દ્ર મોદી સરકાર એક ડઝનથી વધારે નવાં બિલ લાવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ વિપક્ષી દળો કોવિડની બીજી લહેર દરમિયાન સરકારના કથિત ગેરવહીવટ, ખેડૂત આંદોલન, મોંઘવારી અને સરહદ પર ચીનની કાર્યવાહી જેવા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે એવું માનવામાં આવે છે.

ભારતીય કિસાન યુનિયન પહેલાં જ કહી ચૂક્યું છે કે ત્રણ વિવાદિત કૃષિકાયદાને રદ કરવાની માગને લઈને ખેડૂતો ચોમાસુસત્ર દરમિયાન સંસદની બહાર વિરોધપ્રદર્શન કરશે.

આ પ્રદર્શનને કારણે સંસદમાં કૃષિકાયદા પર ગરમાગરમી થઈ શકે છે.

કોરોના મહામારીમાં પ્રબંધન સાથે જોડાયેલા મુદ્દા, ખાસ કરીને ઑક્સિજનની અછતને કારણે થયેલાં મૃત્યુ પર પણ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે.

સરકારે કોરોના રસીકરણનો રેકૉર્ડ બનાવાનો દાવો કર્યો છે, પરંતુ એ પહેલાં અને એ બાદ દેશમાં મંદ પડેલા રસીકરણ-અભિયાન અંગે પ્રશ્નો ઊભા થયા છે.

સરકારે પીયૂષ ગોયલને રાજ્યસભામાં સદનના નવા નેતા બનાવ્યા છે. ગોયલ થાવરચંદ ગેહલોતનું સ્થાન લેશે, ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

ગોયલની નિમણૂકને તેમની સંગઠનાત્મક શક્તિઓ અને વિભિન્ન દળના નેતાઓ સાથે સારા સંબંધ સાથે સાંકળીને જોવામાં આવે છે.

ગોયલ ગૃહનું શાંતિપૂર્વક સંચાલન થઈ શકે તે માટે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસ નેતા આનંદ શર્મા અને એનસીપી નેતા શરદ પવાર સહિત વિપક્ષના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.

બીજી તરફ, અધીર રંજન ચૌધરી કૉંગ્રેસના લોકસભાના નેતાપદે યથાવત્ રહેશે. ચૌધરીને પદ પરથી હઠાવવાને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી.

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ પણ વિપક્ષ અને ટ્રેઝરી બૅન્ચના નેતાઓને એક સાર્થક અને શાંતિપૂર્વક સત્ર ચલાવવા માટે આગ્રહ કર્યો છે.

કોરોનાની અસર

કોરોના મહામારીના પ્રકોપથી ભારતની સંસદ પણ બચી નહોતી, સંસદનાં છેલ્લાં ત્રણ સત્રોને અધવચ્ચે સમાપ્ત કરવાં પડ્યાં હતાં. જ્યારે આ મહામારીને કારણે 2020નું પૂર્ણ શિયાળુસત્ર રદ કરવું પડ્યું હતું.

કોરોનાનો ખતરો હજુ ખતમ થયો નથી એટલે આ નિર્ણય લેવાયો છે કે ચોમાસુસત્ર દરમિયાન લોકસભાના 280 સભ્યો લોકસભામાં અને 259 સભ્યો સભાની દીર્ઘામાં બેસશે. રાજ્યસભામાં પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું છે કે સંસદસભ્યો, અધિકારીઓ, મીડિયા અને અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે. વૅક્સિનનો એક ડોઝ લઈ ચૂકેલા સભ્યો માટે આરટીપીસીઆર ટેસ્ટ અનિવાર્ય નહીં હોય સાથે આરટીપીસીઆર ટેસ્ટની સુવિધા સંસદભવન પરિસરમાં ઉપલબ્ધ રહેશે.

બિરલાએ કહ્યું કે 441 લોકસભા સભ્યોને કોરોનાની રસી અપાઈ છે અને બાકી સભ્યોને મેડિકલ આધાર પર રસી નથી મુકાઈ. કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધોને કારણે સંસદના ચોમાસુસત્ર દરમિયાન મુલાકાતીઓને સંસદમાં પ્રવેશની અનુમતિ નહીં આપવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો