You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાનિશ સિદ્દીકી : જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના કબ્રસ્તાનમાં દફનવિધિ
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનને અડેલી સરહદ નજીક અફઘાન સુરક્ષાદળો અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ગોળી વાગવાથી મૃત્યુ પામનાર પુલિત્ઝર સન્માનિત ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીને દિલ્હીસ્થિત જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા છે.
દાનિશ સિદ્દિકી આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રૉયટર્સના ચીફ ફોટોગ્રાફર હતા અને તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને કવર કરી રહ્યા હતા.
ધ હિંદુ અખબાર લખે છે કે પીડિત પરિવારનો આગ્રહ હતો કે દાનિશની દફનવિધિ જામિયા મિલ્લિયાના કબ્રસ્તાનમાં કરવામાં આવે.
અફઘાન સુરક્ષાદળો અને તાલિબાન વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ કવર કરી રહેલા ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીનો પાર્થિવ દેહ રવિવારે સાંજે યાને 18 જુલાઈએ દિલ્હી પહોંચ્યો હતો.
જામિયા મિલ્લિયા ઇસ્લામિયાનાં કુલપતિ નઝ્મા અખ્તરે સિદ્દીકીના પરિવારના આગ્રહનો સ્વીકાર કરીને એમના પાર્થિવ દેહને જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના કબ્રસ્તાનમાં દફન કરવાની પરવાનગી આપી હતી.
જોકે, આ કબ્રસ્તાન વિશેષ રીતે વિશ્વવિદ્યાલયના કર્મચારીઓ, એમના જીવનસાથીઓ અને સગીર બાળકો માટે છે.
દાનિશ સિદ્દીકીએ વર્ષ 2005-2007 દરમિયાન આ જ વિશ્વવિદ્યાલયના એજેકે માસ કમ્યુનિકેશન(એમસીઆરસી)ના વિદ્યાર્થી હતા. એમના પિતા પ્રોફેસર અખ્તર સિદ્દીકી જામિયામાં શિક્ષા વિભાગમાં ડીનના પદે નિવૃત્ત થયા હતા.
કાબુલથી ભારતીય દૂતાવાસે આપેલા મૃત્યુ પ્રમાણપત્ર મુજબ દાનિશનું મૃત્યુ 16 જુલાઈના રોજ સ્પિન બોલ્ડક, કંદહાર અફઘાનિસ્તાનમાં થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાને કહ્યું 'સોરી, અમારી કોઈ ભૂમિકા નથી'
આ દરમિયાન દાનિશ સિદ્દીકીના મોતમાં ભૂમિકા હોવાનો તાલિબાને ઇનકાર કર્યો છે.
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણ સીએનએન-ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કંદહારમાં તાલિબાને દાનિશ સિદ્દીકીના મૃત્યુ પર અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે અમને દુખ છે કે ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીનું મૃત્યુ થયું. અમને અફસોસ છે કે પત્રકાર વૉર ઝોનમાં અમને જાણ કર્યા વગર હતા.
તાલિબાનના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, કોના ગોળીબારમાં અને કેવી રીતે દાનિશ સિદ્દીકીનું મૃત્યુ થયું તે અંગે અમને જાણ નથી.
એમણે એમ પણ કહ્યું કે જે પણ પત્રકાર વૉર ઝોનમાં પ્રવેશ કરે છે એમણે અમને જાણ કરવી જોઈએ અમે એમનું ધ્યાન રાખીશું.
શું થયું હતું?
એક અફઘાન કમાન્ડરે રૉયટર્સને જણાવ્યું કે "અફઘાનિસ્તાનના વિશેષ સુરક્ષાદળોની ટુકડી સ્પિન બોલ્ડક શહેરની મુખ્ય બજારને ફરીથી પોતાના નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તાલિબાન સાથે સંઘર્ષ થયો અને દાનિશ તથા અફઘાન અધિકારી માર્યા ગયા."
રૉયટર્સ અનુસાર, દાનિશ આ સપ્તાહે વિશેષ અફઘાનદળ સાથે કંદહાર પ્રાંતમાં તહેનાત હતા, જ્યાંથી તેઓ અફઘાન કમાન્ડો તથા તાલિબાની લડાકુઓ વચ્ચેના સંઘર્ષના સમાચાર મોકલી રહ્યા હતા.
રૉયટર્સના પ્રમુખ માઇકલ ફ્રિડેનબર્ગ અને મુખ્ય સંપાદક અલેસ્સાંદ્રા ગૅલોનીએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ આ અંગે વધુ જાણકારી એઠકી કરી રહ્યા છે અને ક્ષેત્રમાં અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરિદ મામુન્દઝઈએ ટ્વિટર પર આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે એક ટ્વીટમાં જણાવ્યું છે :
"ગત રાતે કંદહારમાં મારા મિત્ર દાનિશ સિદ્દિકીના માર્યા જવાના દુઃખદ સમાચારથી આઘાતમાં છું. પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા ભારતીય પત્રકાર અફઘાન સુરક્ષાદળો સાથે હતા. હું તેમને બે સપ્તાહ પહેલાં મળ્યો હતો ત્યારે તેઓ કાબુલ જઈ રહ્યા હતા. તેમના પરિવાર અને રૉયટર્સ પ્રત્યે મારી સંવેદના."
તાલિબાને બુધવારે સ્પિન બોલ્ડક શહેર અને ત્યાં પાકિસ્તાનને અડીને આવેલી એક મહત્ત્વપૂર્ણ સીમા-ચોકી પર કબજો કરી લીધો હતો.
તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અફઘાનિસ્તાનની સ્થિતિનો સતત ચિતાર આપ્યો હતો અને કઈ રીતે એક હુમલામાં તેઓ માંડમાંડ બચ્યા હતા એ પણ જણાવ્યું હતું.
2017માં પુલિત્ઝર પુરસ્કાર
દાનિશ સિદ્દિકી મુંબઈ રહેતા હતા, જ્યાં તેઓ ભારતમાં રૉયટર્સ પિક્ચર્સની મલ્ટિમીડિયા ટીમના વડા હતા.
તેમણે દિલ્હીની જામિયા મિલ્લિયા વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
2007માં તેમણે જામિયામાંથી જ એસજેકે માસ કૉમ્યુનિકેશન રિસર્ચ સેન્ટરમાંથી ડિગ્રી લીધી હતી.
પત્રકારત્વમાં પોતાની કારકિર્દીની શરૂઆત તેમણે એક ટીવી ન્યૂઝ સંવાદદાતા તરીકે કરી હતી.
બાદમાં તેઓ ફોટો જર્નલિસ્ટ બની ગયા અને વર્ષ 2010માં રૉયટર્સમાં ઇન્ટર્ન તરીકે તેમણે કામ શરૂ કર્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો