અફઘાનિસ્તાન : 'તાલિબાન જો શહેર પર કબજો કરશે તો અમને મારી નાખશે'

    • લેેખક, સ્વામીનાથન નટરાજન અને હફીઝુલ્લાહ મારૂફ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

"હું અવારનવાર સપનાંમાં જોઉં છું કે તાલિબાને મારા શહેર પર કબજો જમાવી લીધો છે."

અફઘાનિસ્તાનના પત્રકાર હબીબ (બદલેલું નામ) આવું કહેતી વખતે અમને કહે છે કે તેમનું સાચું નામ આ રિપોર્ટમાં ન લખવામાં આવે.

હબીબ અફઘાનિસ્તાનમાં ગત આઠ વર્ષથી જર્મન સેનાના ફંડથી ચાલતા એક મીડિયા આઉટલેટ માટે કામ કરે છે. ગત મહિને જૂનમાં તેમની નોકરી જતી ગઈ, કારણ કે આંતરરાષ્ટ્રીય સેના અફઘાનિસ્તાન છોડીને પાછી જતી રહી છે.

બીબીસીને ફોન પર આપેલા એક ઇન્ટરવ્યૂમાં ત્રણ બાળકના પિતા હબીબે કહ્યું, "તાલિબાને જો અમારા શહેર પર કબજો કરી લીધો તો તેઓ મને મારી નાખશે."

સંકટનો આભાસ

તાલિબાન ઉત્તર અફઘાનિસ્તાનમાં આવેલા હબીબના શહેરની તરફ વધી રહ્યું છે અને તેઓ કહે છે કે સડકો ખાલીખમ થઈ જાય છે અને આ સંકટની તરફ ઇશારો કરે છે.

તેઓ કહે છે, "મારા પ્રાન્તના અડધાથી વધારે જિલ્લા પહેલાંથી જ તાલિબાનના કબજામાં છે. કેટલાક દિવસો પહેલાં તેઓ અમારા શહેરના 10-12 કિલોમિટર પાસે પહોંચી ગયા હતા, પરંતુ તેમને પાછળ ખસવા માટે મજબૂર થવું પડ્યું."

અફઘાનિસ્તાનના લોકો દાયકાઓથી સંઘર્ષના સાક્ષી રહ્યા છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની અમેરિકન સૈનિકોને ઑગસ્ટ મહિના સુધી પાછા બોલાવી લેવાની જાહેરાત બાદ લોકોમાં ડર છે કે હવે ફરીથી ખરાબ સમય આવવાનો છે.

અમેરિકાના નેતૃત્વવાળી આંતરરાષ્ટ્રીય સેના કેટલીક હદે અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવામાં સફળ રહી હતી, પરંતુ શું અફઘાનિસ્તાનની સેના આ સ્થિરતાને જાળવી રાખવા માટે સક્ષમ છે? લોકોને આ બાબતે શંકા છે.

તાલિબાનનો એટલી હદે લોકોમાં ડર છે કે કેટલાક લોકો પાસપોર્ટ બનાવવા માટે ભાગદોડ કરી રહ્યા છે.

બદલાનો ડર

90ના દાયકાના અંતમાં પોતાના હાથમાં સત્તા આવી તે દરમિયાન તાલિબાને જાહેરમાં કેટલાય લોકોને મારી નાખ્યા હતા, તેમજ મહિલાઓનાં શિક્ષણ અને રોજગાર પર પ્રતિબંધ લાદી દીધો હતો.

તાલિબાનનું કહેવું છે કે તે હવે બદલાઈ ગયું છે અને તે પહેલાંની જેમ હિંસાનો સહારો નહીં લે.

તેમણે એક નિવેદન બહાર પાડ્યું છે કે "હબીબ જેવા લોકો જે વિદેશી સેના માટે કામ કરતા હતા તેમને નિશાન નહીં બનાવવામાં આવે. પણ એક શરત છે. તેમણે પોતાના કામને લઈને પછતાવાની લાગણી વ્યક્ત કરવી પડશે અને ભવિષ્યમાં એવી કોઈ પણ ગતિવિધિઓમાં (જે ઇસ્લામ અને દેશની વિરુદ્ધ દેશદ્રોહની સમાન હોય) સામેલ નહીં થવાની બાંહેધરી આપવી પડશે."

હબીબને આ વાત પર શંકા છે અને તેમણે સરકારનું સમર્થન કરનારા લોકો સામે બદલાની ભાવનાથી થયેલા હુમલાઓની એક યાદી તૈયાર કરી છે.

હબીબને એમાં કોઈ શંકા નથી કે તેમને દેશદ્રોહી જાહેર કરી દેવાશે એટલે તેઓ એક સૂટકેસમાં રોકડ, જ્વેલરી, સર્ટિફિકેટ્સ અને કપડાં હંમેશાં તૈયાર રાખે છે.

તેઓ કહે છે, "અમારો સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. કેટલાક લોકો મને ખુલેઆમ કહી રહ્યા છે કે તમે વિદેશીઓ માટે કામ કર્યું છે. આનાથી મને વધારે ડર લાગી રહ્યો છે."

તેમને એવું પણ લાગે છે કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ ઊભી થાય તો તેમના કોઈ સંબંધી કે મિત્ર તેમને આશરો આપવાનો ખતરો નહીં ઉઠાવે.

તેઓ કહે છે, "અમે જર્મની માટે કામ કર્યું. અમે તાલિબાન પર ટીકા કરતી કહાણીઓ પ્રકાશિત કરી. અને હવે તે અમારા માટે ખતરાનું સૌથી મોટું કારણ છે."

હબીબ અને તેમના સહયોગી એકબીજાને મળીને સ્થિતિની ચર્ચા કરે છે.

તેઓ કહે છે, "મેં વાંચ્યું છે કે જર્મની એ બધા લોકોને પોતાને ત્યાં શરણ આપશે જેમણે તેમની સેના માટે કામ કર્યું છે, પરંતુ આખી પ્રક્રિયા વિશે હું જાણતો નથી. મને એ ખબર નથી કે આમાં કેટલો સમય લાગશે."

કેટલાક લોકો વિઝા માટે આવેદન કરી રહ્યા છે. હબીબ પણ ભારતીય દૂતાવાસમાં વિઝા મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

તેઓ એવા ઘણા લોકોને જાણે છે જેમણે માનવતસ્કરી કરનારા લોકોને પૈસા આપ્યા, પરંતુ હબીબ એવું કરવા માગતા નથી.

તેઓ કહે છે, "ગેરકાયદેસર રીતે જવાનું જોખમ બહુ મોટું છે. લૂંટ અને હત્યાનો ખતરો પણ હોય છે. પછી મરવા કે યુરોપ જવાના રસ્તે વચ્ચે મરવામાં શું ફેર રહી જશે."

આશંકાઓ

હબીબ કરતાં વિપરીત કેટલાક લોકો અફઘાનિસ્તાનમાંથી ભાગવાનો રસ્તો શોધી રહ્યા છે ભલે પછી તે વૈધ હોય કે અવૈધ.

પૂર્વી અફઘાનિસ્તાનના એક ડૉક્ટરે બીબીસીએ કહ્યું, "મેં બ્રિટનના વિઝા લેવાના પ્રયત્ન કર્યા છે, જો મને એ નહીં મળે તો હું અવૈધ રીતે યુરોપ જઈશ."

ડૉક્ટરોનું કહેવું છે કે એ વિસ્તારમાં સક્રિય સરકાર વિરુદ્ધ સશસ્ત્ર સમૂહોથી કેટલીક ધમકીઓ મળી છે. તેઓ કહે છે કે તેમને એ વાતનો ભરોસો છે કે સરકાર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

સાત બાળકના પિતા એવા આ ડૉક્ટર જલદી પોતાની ઘરવખરી વેચીને દેશ છોડીને જતા રહેવા માગે છે.

ભારે માગ

માનવતસ્કરીનું કામ કરતા શમી કહે છે, "બહુ જ ઓછા અફઘાની લોકોને વિઝા મળી રહ્યા છે અને હતાશામાં તેઓ ક્રિમિનલ નેટવર્કની મદદ લઈ રહ્યા છે, માગ બહુ વધી ગઈ છે એટલે ભાવ પણ વધી ગયા છે."

ઇટાલી લઈ જવા માટે આઠ હજાર ડૉલર (લગભગ છ લાખ ભારતીય રૂપિયા) વસૂલવામાં આવતા હતા, જે વધીને 20 હજાર ડૉલર (સાડા સાત લાખ રૂપિયા) થઈ ગયા છે.

એવા દેશમાં જ્યાં પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક માત્ર પાંચ હજાર ડૉલર (લગભગ 3.73 લાખ ભારતીય રૂપિયા) છે , ત્યાં આ બહુ મોટી રકમ કહેવાય.

જ્યારથી બગરામ ઍરબેઝથી અમેરિકન સૈનિકો પાછા ફર્યા છે ત્યારથી તેમનો કારોબાર વધી ગયો છે.

તેઓ કહે છે," છેલ્લાં બે અઠવાડિયાંથી મેં લગભગ 195 લોકોને બહાર મોકલ્યા છે. જલદી જ હું ડઝન જેટલા વધારે લોકોને બહાર મોકલીશ."

ખતરનાક પ્રવાસ

શમી કહે છે કે તેઓ પોતાના ગ્રાહકોને આ રીતે બહાર જવા પર થનાર ખતરા વિશે જણાવતા હોય છે, પરંતુ લોકો પોતાનો ઇરાદો નથી બદલતા.

તેઓ કહે છે, "જો તાલિબાન પાછું આવે તો કેટલાય લોકોને મારી નાખવામાં આવશે એટલે લોકો આ જોખમ લેવા માટે તૈયાર છે."

યુરોપ જવા માટે એક યુવાને 10 હજાર ડૉલર (લગભગ સાડા સાત લાખ ભારતીય રૂપિયા) ખર્ચ કરવા પડે છે.

લોકોને ઇરાનના રસ્તે તુર્કીમાં તસ્કરી કરીને લઈ જવાય છે અને પછી બોટથી ગ્રીસ મોકવામાં આવે છે.

યુએનએચઆરસીના પ્રવક્તા બાબર બલૂચ કહે છે કે આ વર્ષે યુરોપમાં સમુદ્ર પાર કરીને જવાના પ્રયાસમાં લગભગ 900 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ગ્રીસમાં આશરે 9,000 લોકો શરણ લેવા માગે છે, જેમાંથી 48 ટકા લોકો અફઘાનિસ્તાનના છે.

યુએનએચઆરસીના ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ 2020 મુજબ ગત વર્ષના અંતમાં લગભગ 30 લાખ અફઘાન લોકો અફઘાનિસ્તાનની અંદર જ વિસ્થાપિત થયા હતા, જેમાં 26 લાખ લોકો વિદેશ જતા રહ્યા છે.

આ વર્ષની શરૂઆતના છ મહિનામાં વધુ બે લાખ લોકો આંતરિક રૂપે વિસ્થાપિત થયા અને સંયુક્ત રાષ્ટ્રને કેટલાક દેશોની સરહદોની બહાર અને વધારે વિસ્થાપનની આશંકા છે.

સૌથી ખરાબ આશંકા

શમીને પૈસા આપનારા લોકોમાં 17 વર્ષના અસદ (નામ સાચું નથી) પણ સામેલ છે. જ્યારે તેમણે ઇરાનને પાર કર્યું ત્યારે બીબીસી સાથે વાત કરી હતી. તેઓ તુર્કીની સરહદ પર આવેલા વાન શહેરમાં હતા.

તસ્કરોની સાથે યાત્રા કરવાવાળા અફઘાન પ્રવાસીઓને અઠવાડિયાં સુધી તણાવભરેલી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.

અસદ કહે છે, "આવનારા દિવસોમાં રસ્તાઓ પર સંઘર્ષની પરિસ્થિતિ સર્જાશે."

"દેશમાં સશસ્ત્ર સમૂહો સક્રિય છે. કેટલાક સરકારનો ભાગ છે, તેઓ તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ જેવાં અન્ય આતંકી જૂથોના કટ્ટર દુશ્મન છે."

અસદ કહે છે, "અમને નથી ખબર કે ભવિષ્યમાં અફઘાનિસ્તાનનું શું થશે. હું તો બસ એક શાંતિપૂર્ણ જગ્યાએ જવા માગું છું."

તેઓ અંગ્રેજી કે અન્ય કોઈ યુરોપિયન ભાષા નથી બોલી શકતા. તેઓ લગભગ ત્રણ ડઝન અફઘાની લોકો સાથે આ યાત્રા પર નીકળી પડ્યા છે- તેમની જેમ જ તેમનામાંથી મોટા ભાગના લોકો ન શાળાકીય શિક્ષણ પૂરું કરી શક્યા છે અને ન તેમની પાસે કોઈ ટેકનિકલ લાયકાત છે.

તેઓ કહે છે, "જો અમે પકડાયા તો હું ફરી પ્રયત્ન કરીશ. હું અફઘાનિસ્તાનમાં હવે નથી રહેવા માગતો."

એક સંપન્ન પરિવારમાંથી આવતા અસદ કહે છે કે તેમનો ઇરાદો ફ્રાન્સમાં શરણ લેવાનો છે.

આશા અને હતાશાની વચ્ચે ઝૂઝતાં લોકો

ઉત્તર અફઘાનિસ્તાનમાં હબીબ માટે હવે વધારે રાહ જોવી મુશ્કેલ છે. હબીબને આશા છે કે જલદી તેમને જર્મની આવી જવા માટેનો ઈમેલ મળશે.

તેમનું શહેર હજી અફઘાન સેનાના નિયંત્રણમાં છે, પરંતુ તાલિબાન પણ દૂર નથી. રાતના તેઓ વિસ્ફોટ અને ગોળીઓ ચલાવવાનો અવાજ સાંભળે છે.

તેઓ એ વાતથી ચિંતિત છે જો ઍરપૉર્ટ નષ્ટ થઈ જશે તો તેઓ ક્યાંથી જશે. આ દરમિયાન તેમની સંપત્તિના ભાવ પણ દિવસે ને દિવસે ગગડી રહ્યા છે.

તેઓ કહે છે, કોઈ પણ કાર કે ઘર નથી ખરીદવા માગતા. લોકો પોતાની વસ્તુઓ વેચી રહ્યા છે, જેથી તેઓ અહીંયાંથી બચીને ભાગી શકે.

હબીબ એક લાઇફ સેવિંગ મૅસેજનો ઇંતેજાર કરી રહ્યા છે.

તેઓ કહે છે, "અમે આશા અને હતાશા વચ્ચે ઝૂઝી રહ્યા છીએ. હું એ ઈમેલની રાહ જોઈ રહ્યો છે, જેમાં લખ્યું હોય કે તમે જર્મની આવી શકો છો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો