ક્યૂબા: ચે ગ્વેરાના દેશમાં આ ત્રણ કારણોને લીધે થઈ રહ્યું છે ઐતિહાસિક વિરોધપ્રદર્શન

    • લેેખક, બીબીસી મુંડો
    • પદ, લંડન

ક્યૂબામાં સરકાર સામે વ્યાપક વિરોધપ્રદર્શન બાદ સંખ્યાબંધની ધરપકડ કરવામાં આવી છે. ક્યૂબાના પ્રમુખે તેમના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ વિરોધપ્રદર્શન કરનારાઓ સામે લડાઈ લડે.

રૉયટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર સાદાં કપડાંમાં આવેલા સુરક્ષાદળો દ્વારા પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ તસવીરોમાં જોવા મળ્યું છે કે સાદાં કપડાંમાં આવેલાં સુરક્ષાદળો લોકોની અટકાયત કરે છે, તેમને માર પણ મારી રહ્યા છે.

ઇન્ટરનેટ પણ બંધ કરી દેવાયું હોવાના સમાચાર છે તથા હજુ પણ પ્રદર્શનો યથાવત્ છે.

પણ આખરે સવાલ એ છે કે ત્યાંની સામ્યવાદી સરકાર સામે આટલો ઐતિહાસિક વિરોધ કેમ થઈ રહ્યો છે. તેને ત્રણ બાબતથી સમજીએ.

અત્રે નોંધવું કે ક્યૂબામાં જે પ્રદર્શન થઈ રહ્યાં છે તે અત્યાર સુધીનાં સૌથી મોટાં વિરોધપ્રદર્શનો છે. 60 વર્ષમાં પહેલી વાર લોકો ગામડાં અને શહેરોમાં પણ રસ્તા પર ઊતરી આવ્યા છે. તેઓ સ્વતંત્રતા અને સમુખત્યારશાહીને ખતમ કરવાના નારા પોકારી રહ્યા છે.

પ્રદર્શનકારીઓ સંખ્યાને પગલે અને અનેક જગ્યાએ તેના ફેલાવાને કારણે રાષ્ટ્રપતિ મિગેલ દિયાઝ કનેલે રાષ્ટ્રીય ટેલિવિઝન પર આવીને તેમના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ આ પ્રદર્શકારીઓનો સામનો કરે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, "ક્રાંતિકારીઓને રસ્તા પર ઉતારી તેમને લડાઈનો આદેશ આપવામાં આવ્યો છે."

રાષ્ટ્રપતિ કનેલે હાલના સંકટ માટે અમેરિકાના પ્રતિબંધો અને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઉઠાવેલાં કેટલાંક પગલાંને જવાબદાર ગણાવ્યાં છે.

વિરોધપ્રદર્શન હવાનાના દક્ષિણ પશ્ચિમમાં આવેલા સેન્ટ એન્ટારિયો ડી લોસ બૌનોસમાં શરૂ થયું. ત્યારબાદ ત્યાંથી ફેલાઈ ગયું.

સેન્ટ એન્ટારિયોથી એક પ્રદર્શનકારીએ બીબીસી મુંડોને ફોન પર જણાવ્યું, "આ લોકોની આઝાદી માટે છે. અમે હવે વધારે સહન નહીં કરીએ. હવે કોઈ ડર નથી. અમને પરિવર્તન જોઈએ છે. અમારે હવે વધુ સરમુખત્યારશાહી નથી જોઈતી."

પિનાર ડેલ રિયોમાં પ્રદર્શનમાં સામેલ થયેલા એલેજાંડ્રોએ બીબીસી મુંડોને જણાવ્યું કે સોશિયલ મીડિયા પર સેન એન્ટારિયોમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન વિશે વાંચીને તેમના પ્રાંતમાં પણ વિરોધપ્રદર્શન શરૂ થયું છે.

તેમણે જણાવ્યું, "અમે સોશિયલ મીડિયા પર પ્રદર્શન થતું જોયું અને લોકો બહાર આવવા લાગ્યા. હવે એ દિવસ આવી ગયો છે. અમારી પાસે ખાવાનું નથી, દવા નથી અને આઝાદી પણ નથી. તેઓ અમને જીવવા દેવા નથી માગતા."

બીબીસી મુંડોએ સરકારનો પક્ષ પણ જાણવાની કોશિશ કરી. બીબીસીએ સત્તાવાર સંસ્થા ઇન્ટરનેશનલ પ્રેસ સેન્ટરનો સંપર્ક કરવાનો સંપર્ક કર્યો પરંતુ તેમના તરફથી કોઈ જવાબ નથી આવ્યો.

સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલા વીડિયો અને કેટલાક લોકોનાં નિવેદનો અનુસાર ક્યૂબામાં રવિવારે થયેલાં પ્રદર્શનોમાં સૌથી વધુ દમન ગુજારવામાં આવ્યું. ક્યૂબા માટે આ એક અસામાન્ય ઘટના છે, જેમાં સરકારના વિરોધ માટે અનુમતિ નથી.

આથી આવી સ્થિતિમાં સંખ્યાબંધ લોકો વિવિધ જગ્યાએ વિરોધ માટે બહાર આવ્યા તે કઈ રીતે શક્ય બન્યું તે પણ એક સવાલ છે.

બીબીસી મુંડોએ આ ત્રણેય બિંદુઓ સમજવાની કોશિશ કરી.

કોરોના વાઇરસનું સંકટ

ક્યૂબામાં તાજેતરમાં જ મોટું આર્થિક અને સ્વાસ્થ્ય સંકટ સર્જાયું હતું. ક્યૂબા 1990ના દાયકામાં સોવિયેત સંઘથી અલગ થયું પછીનું આ પહેલું અને સૌથી મોટું સકંટ છે. લોકો હવે થાકી ગયા છે.

કોરોના વાઇરસના સંકટે તેને વધારે વેગ આપ્યો છે. આર્થિક મોરચે સરકારે ઉઠાવેલાં પગલાં પણ તેમાં કારણભૂત છે.

વર્ષ 2020ની શરૂઆતમાં ક્યૂબામાં કોરોનાની મહામારી કાબૂમાં હતી. પરંતુ ફરી હવે કેસો વધ્યા છે. દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ કેસ ક્યૂબામાં જ છે.

રવિવારે ક્યૂબામાં સત્તાવાર 6750 કેસ નોંધાયા હતા અને 31 લોકોનાં મોત થયાં હતાં. જોકે કેટલાંક વિપક્ષી દળોનો દાવો છે કે સરકાર સાચા આંકડા છુપાવી રહી છે અને સરકારી આંકડાથી દેશની સાચી સ્થિતિ નથી જાણવા મળી રહી.

તેમનો આરોપ છે કે કોરોના મૃત્યુને અન્ય કારણોથી થતું મૃત્યુ ગણવામાં આવે છે.

ગત સપ્તાહમાં ક્યૂબાએ દૈનિક સંક્રમણ અને મોતના મામલે નવો રેકૉર્ડ કર્યો. કેટલાક રિપોર્ટરો અનુસાર કોરોનાના વધતા કેસોના કારણે સ્વાસ્થ્યકેન્દ્રોમાં સ્થિતિ દારુણ બની છે.

બીબીસી મુંડોએ ગત અમુક ક્બૂયન નાગરિકો સાથે વાત કરી. તેમણે કહ્યું કે તેમના ઘરમાં સ્વજનો મૃત્યુ પામ્યાં છે, તેમને સારવાર ન મળી. તેમણે એવો પણ દાવો કર્યો કે હૉસ્પિટલોમાં દવા ન હોવાથી તેમના સ્વજનો મૃત્યુ પામ્યાં છે.

એક પીડિત સિલવેલિસ ઇચેનિકે કહ્યું કે, તેમના 35 વર્ષના ભાઈનું ઘરમાં જ મૃત્યુ થઈ ગયું, કેમ કે હૉસ્પિટલાં તેમને જગ્યા મળી ન હતી. લેનિયર મિગેલ પરેઝનો આરોપ છે કે હૉસ્પિટલમાં બેદરકારીના લીધે તેમની ગર્ભવતી પત્નીનો જીવ ગયો.

વળી સોશિયલ મીડિયા પર લોકો મદદ માગી રહ્યા છે અને આપવીતી શૅર કરી રહ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય મદદ પણ માગી છે. જેમાં #SOSCuba હૅશટેગ પણ ટ્રૅન્ડ થયું.

આમાં અનેક લોકો સામેલ થયા. હૉસ્પિટલોમાં સર્જાયેલી દારુણ સ્થિતિના વીડિયો પણ શૅર કરવામાં આવ્યા.

જોકે રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કહ્યું કે ક્યૂબામાં એવી જ સ્થિતિ છે જેવી અન્ય દેશોમાં છે. અને અહીં વાઇરસ મોડેથી પહોંચ્યો, કેમ કે તેને શરૂઆતમાં કાબૂમાં લેવામાં મદદ મળી હતી.

તેમણે એવું પણ કહ્યું કે ક્યૂબાએ કોરોના સામેની રસી બનાવી લીધી છે. જોકે મોટા ભાગના પ્રાંતમાં મર્યાદિત વૅક્સિન ડોઝ ઉપલબ્ધ છે.

આર્થિક સ્થિતિ

ક્યૂબાની અર્થવ્યવસ્થાનું મુખ્ય એન્જિન પ્રવાસન છે, પરંતુ મહામારીના લીધે પર્યટનને નુકસાન થયું છે. તેની અસર સામાજિક અને આર્થિક સ્વરૂપે થઈ છે.

નાણાખાધ વધી છે. વીજપુરવઠામાં કાપ મુકાયો છે. ખાદ્યાન ઓછું છે, દવા અને મુખ્ય ચીજવસ્તુઓની અછત છે.

આ વર્ષે શરૂઆતમાં સરકારે આર્થિક સુધાર માટે નવા પૅકેજનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. તેમાં વેતન વધારાની વાત હતી, પરંતુ તેનાથી ભાવવધારો થયો.

કૈલીના જવેરિયાના યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી પાવેલ વિદાલનું આકલન છે કે આગામી કેટલાક મહિનાઓમાં વસ્તુઓના ભાવમાં 500થી 900 ટકાનો વધારો થઈ શકે છે.

ક્યૂબામાં વિદેશી મુદ્રાનો અભાવ છે. જેથી ક્યૂબાની સરકારે અન્ય ચલણમાં ખરીદી માટે અલગથી સ્ટોર બનાવ્યા હતા. તેમાં ખાદ્યાન્ન અને અન્ય જીવન જરૂરી વસ્તુઓ આ પ્રકારના ચલણમાં વેચવાની શરૂઆત કરી હતી.

દેશમાં જે ચલણમાં મોટા ભાગના લોકોને વેતન નથી મળતું તે ચલણથી ખરીદી માટે સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે.

મહામારીમાં દુકાનો બહાર લાંબી લાઇનો અને વીજકાપ પણ રોજિંદી વાત બની રહી છે.

દવાની દુકાનો અને હૉસ્પિટલોમાં પણ દવાઓ નથી મળી રહી. અમુક પ્રાંતમાં ઘઉંના લોટની અછતને લીધે લોકો કોળાની બ્રેડ વેચી રહ્યા છે.

ગત સપ્તાહે બીબીસી મુંડોએ જ્યારે લોકો સાથે વાત કરી તો તેમણે કહ્યું હતું કે દવાની દુકાનો અને હૉસ્પિટલોમાં તાવ માટેની એસ્પિરન પણ નથી મળી રહી. ક્યૂબામાં સ્કેબિઝ અને અન્ય સંક્રામક બીમારીઓ ફેલાતી રહેતી હોવા છતાં આ સ્થિતિ છે.

ગત મહિને ક્યૂબા સરકારે ડૉલર્સના રૂપમાં રોકડ લેવા પર અસ્થાયી રોક લગાવી હતી. બહારથી નાણું આવે તે તેમને ડૉલર્સમાં જ મળે છે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સરકારનું આ પગલું અમેરિકી ચલણ પરની મોટી રોક છે. પહેલાં ફિડેલ કાસ્ટ્રોએ આવું કર્યું હતું.

ક્યૂબાની સરકાર અમેરિકાના પ્રતિબંધોને હાલના સંકટ સાથે જોડે છે.

રવિવારે પ્રમુખે ટીવી સંબોધનમાં કહ્યું હતું કે આ સંકટ માટે અમેરિકી પ્રતિબંધો મુખ્ય કારણ છે અને તેથી જ લોકોની પ્રગતિ પર જોખમ પેદા થયું છે અને સ્વાસ્થ્ય પર સંકટ આવ્યું છે.

ઇન્ટરનેટ

આ અગાઉ 1994માં ક્યૂબામાં સૌથી મોટું પ્રદર્શન ફિડેલ કાસ્ટ્રોની ક્રાંતિ બાદ શરૂ થયું હતું. તે ઐતિહાસિક પ્રદર્શન હવાનામાં થયું હતું. અન્ય પ્રાંતના લોકોને તો એ પણ ન ખબર પડી કે હવાનામાં શું થયું હતું.

પરંતુ એ ઘટનાનાં 30 વર્ષ બાદ પરિદૃશ્ય એકદમ અલગ છે. એ સત્ય છે કે ફિડેલ કાસ્ટ્રોના સમયે ક્યૂબામાં ઇન્ટરનેટની પહોંચ મર્યાદિત હતી, પરંતુ રાઉલ કાસ્ત્રોએ તેને ખોલવા માટે કેટલાંક પગલાં લીધાં હતાં, જેના કારણે ક્યૂબાને કનેક્ટિવિટી મળી.

એ સમયે લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ સરકાર સામેની નારાજગી વ્યક્ત કરવા માટે કર્યો હતો. કેટલીક વાર તો અધિકારીઓએ તેનો જવાબ આપવો પડ્યો હતો.

આજે ક્યૂબાની મોટા ભાગની વસતી (જેમાં યુવા પણ સામેલ છે) ફેસબુક, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને સરકારી મીડિયા સિવાયની અન્ય જાણકારીઓ મળે છે.

ઇન્ટરનેટના કારણે ક્યૂબામાં મોટી સંખ્યામાં સ્વતંત્ર મીડિયાનો ઉદય થયો છે. આવા સંસ્થાનો આ મુદ્દાઓ પર રિપોર્ટ કરે છે, જેને સામાન્ય રીતે સરકારી મીડિયા નથી કરતું.

સોશિયલ મીડિયા નેટવર્ક્સ કલાકારો, પત્રકારો અને બુદ્ધિજીવીઓ માટે પણ એક મંચ બન્યું છે. તેઓ પ્રદર્શનને પોતાને અધિકાર ગણાવે છે.

ગત વર્ષે નવેમ્બરમાં એક અન્ય પ્રદર્શન થયું હતું. જેને સોશિયલમ મીડિયાના માધ્યમથી આયોજિત કરાયું હતું.

આ વિરોધપ્રદર્શન ત્યારે થયું જ્યારે પોલીસ ભૂખહડતાળ કરી રહેલા યુવા કલાકારોનાં ઘરોમાં ઘૂસી ગઈ હતી.

જોકે સેન અન્ટારિયોથી શરૂ થયેલાં વિરોધપ્રદર્શનો વિશે લોકોને જાણકારી સોશિયલ મીડિયામાંથી જ મળી છે.

ક્યૂબાની સરકાર એ કહે છે કે સોશિયલ મીડિયા નેટવર્સનો ઉપયોગ ક્રાંતિના દુશ્મનો કરી રહ્યા છે, જેથી દેશની નીતિઓને અસ્થિર કરી શકાય.

સરકારનો આરોપ છે કે આ લોકો અમેરિકાની ખૂફિયા એજન્સી સીઆઈએના કહેવા પર કામ કરે છે.

અમુક લોકો માટે આ પ્રદર્શન અનુમાન મુજબનાં જ છે. પરંતુ આગળ શું થશે તેને લઈને અનિશ્ચિતતા છે.

ક્યૂબા આ સમયે અસાધારણ પ્રદર્શન અને પોલીસદમનનો સામનો કરી રહ્યું છે. એ જોવું પડશે કે આગામી દિવસોમાં સરકાર શું પગલાં ઉઠાવે છે અને ક્યૂબાના લોકો શું કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો