ઇરાક : કોવિડ વૉર્ડમાં આગ લાગતાં 90થી વધુનાં મૃત્યુ, ક્રોધિત પરિવારજનોનું પોલીસ સાથે ઘર્ષણ

ઇરાકની એક હૉસ્પિટલમાં કોરોના વાઇરસના આઇસોલેશન વૉર્ડમાં આગ લાગવાથી 90થી વધુ લોકોનાં મોત થયાં છે.

મૃતકોના પરિજનોમાં આ ઘટના બાદ ઘણો રોષ છે અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું છે. આક્રોશિત લોકોએ પોલીસને બે ગાડીઓને પણ આગચંપી કરી દીધી છે.

ઇરાકના નસીરિયા શહેરમાં દક્ષિણમાં અલ-હુસૈન હૉસ્પિટલમાં લાગેલી આગ પર સોમવારે મોડી રાતે કાબૂ મેળવી લેવાયો હતો.

હાલ આગનું કારણ સ્પષ્ટ નથી પરંતુ પ્રારંભિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે એક ઑક્સિજન ટૅન્કમાં વિસ્ફોટ બાદ લાગી હતી.

ઇરાકના વડા પ્રધાન મુસ્તફા અલ-કદીમીએ હૉસ્પિટલના પ્રમુખની ધરપકડનો આદેશ આપી દીધો છે.

અહીં દર્દીઓના પરિવારજનો હૉસ્પિટલ બહાર પ્રદર્શન કરી રહ્યા છે.

સમાચાર સંસ્થા રૉયટર્સે પોલીસ સાથેની અથડામણના પણ સમાચાર નોંધ્યા છે. એજન્સી અનુસાર પ્રદર્શન કરી રહેલા લોકોએ પોલીસના બે વાહનોમાં આગ લગાવી દીધી છે.

સ્વાસ્થ્ય અધિકારીઓએ ઍસોસિયેટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે નવા વૉર્ડમાં 70 બેડ માટે જગ્યા હતી અને તેને માત્ર ત્રણ મહિના પહેલા જ તૈયાર કરાયો હતો.

રૉયટર્સને હૉસ્પિટલના ગાર્ડે જણાવ્યું , "મેં પહેલાં કોરોના વાઇરસના વોર્ડમાં એક મોટો વિસ્ફોટ સાંભળ્યો અને પછી મોટી આગ જોવા મળી."

સ્વાસ્થ્યમંત્રીનું રાજીનામું, તપાસ ચાલુ

દુર્ઘટના બાદ શોધ-તપાસ હજુ પણ ચાલુ જ છે.

ઇરાકની સંસદમાં સ્પીકર મહમદ અલ-બલબૌસીએ ટ્વિટ કર્યું કે આ આગ, "ઇરાકી લોકોના જીવનની સુરક્ષા ન કરી શકવાના સ્પષ્ટ પુરાવા છે. અને તે નિષ્ફળતા ખતમ કરવાનો આ સમય છે."

દુર્ઘટના પહેલાં એપ્રિલમાં બગદાદની એક હૉસ્પિટલમાં પણ એક ઓક્સિજન ટૅન્ક ફાટી હતી. તેમાં 82 લોકાનાં મોત થયા હતા.

વિસ્ફોટ અને આગ લાગવાની એ દુર્ઘટના બાદ સ્વાસ્થ્યમંત્રી હસન અલ-તમીમીએ રાજીનામું આપી દીધું હતું.

પહેલાંથી જ યુદ્ધ, ઉપેક્ષા અને ભ્રષ્ટાચારનો સામનો કરી રહેલી ઇરાકની સ્વાસ્થ્યવ્યવસ્થા પર કોરોનાની મહામારીની પણ ગંભીર અસર થઈ છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર ઇરાકમાં કુલ 14 લાખ કેસો નોંધાયા છે અને 17 હજારથી વધુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો