You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાર્લોસ ગોન : જાપાનમાંથી નિસાન કંપનીના બૉસ એક બૉક્સમાં સંતાઈને નાસી છૂટ્યા
2019માં ડિસેમ્બર મહિનાની રાત હતી અને ભારે ટાઢ હતી. રાતના 10.30 વાગ્યા હતા અને દુનિયાની કાર ઇન્ડસ્ટ્રીની એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ એક બૉક્સમાં સંતાઈને જાપાનથી નાસી છૂટવાની તૈયારી કરી રહી હતી.
કાર્લોસ ગોન એ રાતની વાતને યાદ કરતા કહે છે, "એ વિમાન રાતના 11 વાગ્યે ટેકઑફ કરવાનું હતું."
" વિમાનની અંદર પહોંચીને બૉક્સમાં 30 મિનિટ સુધી ટેકઑફની રાહ જોઈ હતી, એ 30 મિનિટ મારી જિંદગીનો સૌથી લાંબો ઇંતજાર હતો."
દુનિયાની મોટી કાર કંપનીઓ નિસાન અને રેનૉના પૂર્વ બૉસે પ્રથમ વખત જાપાનથી નાસી છૂટવાની કહાણીની વિગતો વિશે વાત કરી છે.
બીબીસીને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં કાર્લોસ ગોને કહ્યું હતું કે ટોક્યોના રસ્તા પર કોઈ તેમને ઓળખી ન લે એ માટે તેમને વેશ બદલવો પડ્યો હતો.
તેમણે આ ખાસ ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે જાપાનમાંથી ભાગી જવા માટે સંગીતનાં વાદ્યો મૂકવા માટે વપરાતા એક મોટા બૉક્સને કેમ પસંદ કર્યું અને સ્વેદશ લેબનોનમાં પહોંચીને તેમને કેટલી ખુશી થઈ.
"ખુશીની વાત એ હતી કે હું મારી કહાણી કહી શકીશ."
કાર્લોસ ગોનની નિસાન કંપનીના આરોપોના આધારે નવેમ્બર 2018માં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર કંપનીએ પોતાનો પગાર ઓછો કરીને બતાવવા અને કંપનીના ભંડોળનો દુરોપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાર્લોસ ગોન આ આરોપોને નકારતા આવ્યા છે.
કાર કંપનીઓના ચૅરમૅન બન્યા
એ સમયે કાર્લોસ ગોન જાપાનની કારકંપનીના ચૅરમૅન હતા અને સાથે જ તેઓ ફ્રાન્સની રૅનૉ કંપનીના પણ ચૅરમૅન હતા.
આ બંને કંપનીઓના મિત્સુબિશી કંપની સાથેના એક ત્રિકોણીય ગઠબંધનના પણ તેઓ પ્રમુખ હતા.
નિસાન કંપનીમાં ખર્ચ પર કાપ મૂકવાનો તેમનો નિર્ણય પહેલા તો વિવાદિત રહ્યો પરંતુ તેમનું આ જ પગલું બાદમાં કંપની માટે જીવનરક્ષક બની ગયું.
એ બાદ તેમની પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થયો પરંતુ તેઓ માને છે કે તેઓ રૅનોના વધતાં વર્ચસ્વ સામે નિસાનની લડાઈમાં પૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા હતા.
રૅનો કંપની હજી પણ જાપાનની નિસાન કંપનીમાં 43 ટકા ભાગીદારી ધરાવે છે.
ડૉક્યૂમેન્ટરી સિરીઝ 'સ્ટોરીવિલે'માં કાર્લોસ ગોનના ચમત્કારિક ઉદય અને તેમના એકાએક થયેલા પતનની વાર્તા કહેવામાં આવી છે.
તેમના પર આધારિત સ્ટોરી 'કાર્લોસ ગોન : ધ લાસ્ટ ફાઇટ' બીબીસી 4 ચૅનલ પર દર્શાવવામાં આવી રહી છે.
'આંચકો, આઘાત'
ટોક્યો ઍરપૉર્ટ પર ત્રણ વર્ષ પહેલાં તેમની ધરપકડ થઈ એ પળને યાદ કરતાં તેઓ કહે છે, "એવું લાગ્યું કે તમે કોઈ બસ સાથે અથડાઈ ગયા છો કે પછી તમારા માથે કંઈક ભયંકર ખરાબ વીતી ગયું છે."
તેઓ કહે છે, " એ પળો કેવી હતી તેની એક માત્ર યાદ છે આઘાત અને આંચકો."
તેમને ટોક્યો ડિટેન્શન સેન્ટર લઈ જવાયા હતા, જ્યાં તેમને કેદીઓનો પોશાક આપવામાં આવ્યો અને તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા.
"અચાનક મારે મારી ઘળિયાળ વગર જીવતા શીખવું પડ્યું, કમ્પ્યુટર નહીં, ટેલિફોન નહીં, સમાચાર અને પેન પણ નહીં- કશું જ નહોતું રહ્યું."
જામીન મળ્યા પછી પણ એક વર્ષથી વધારે સમય માટે કાર્લોસ કસ્ટડીમાં કે પછી નજરકેદમાં રહ્યા.
એની ખબર કોઈને નહોતી કે કોર્ટમાં મુકદમો ક્યારે શરૂ થશે, ડર હતો કે ક્યાંક આમાં વર્ષો ન નીકળી જાય.
જો દોષી ઠેરવવામાં આવે તો 15 વર્ષ સુધી જેલમાં રહેવું પડે તેમ હતું. નોંધનીય વાત એ છે કે જાપાનમાં કન્વિક્શન રેટ એટલે કે મુકદમામાં દોષી ઠેરવવાનો દર 99.4 ટકા છે.
કાર્લોસ ગોન : 'ગૉડ ઑફ કાર્સ'નું પતન
જ્યારે કાર્લોસ ઘરમાં નજરકેદ કરાયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ પત્ની સાથે કોઈ સંપર્ક નહીં કરી શકે અને એ વખતે તેમણે જાપાન છોડીને નાસી છૂટવાનું નક્કી કર્યું.
તેઓ કહે છે, "યોજના એ હતી કે હું કોઈને પણ મારો ચેહરો ન દેખાડું એટલે મારે સંતાઈને ઘરેથી જવાનું હતું. હું સંતાઈ શકું તે માટે એક મોટું બૉક્સ કે એવી કોઈ લગેજ બૅગની જરૂર હતી જેથી કોઈ મને જોઈ ન શકે. કોઈ મને ઓળખી ન શકે અને નાસી છૂટવાની યોજના સફળ થઈ શકે."
તેમણે કહ્યું કે "એક મોટું બૉક્સ જેમાં સંગીતનાં વાદ્યો લઈ જવાતાં હોય છે, તેને વાપરવું જ સૌથી વધારે તાર્કિક લાગ્યું, કારણ કે એ સમયે જાપાનમાં અનેક કૉન્સર્ટ ચાલી રહી હતી."
પરંતુ એક સમયે વિખ્યાત રહેલા કાર્લોસ હવે જાપાનમાં બદનામ થઈ ગયા હતા. જાપાન છોડીને જવા માટે ટોક્યોમાં પોતાના ઘરેથી નીકળીને ઍરપોર્ટ સુધી કેવી રીતે પહોંચવું એ એમના માટે મોટો સવાલ હતો.
કાર્લોસ કહે છે કે યોજના એ હતી કે આખો દિવસ એકદમ સામાન્ય રીતે પસાર કરવો.
"એ દરરોજની જેમ એકદમ સામાન્ય દિવસ હતો. એક સામાન્ય દિવસની જેમ કપડાં પહેરવાં, સામાન્ય રીતે ચાલવા જવું. બધું એકદમ દરરોજ જેવું જ. પછી અચાનક બધું જ બદલાઈ ગયું."
કાર્લોસ વિશ્વની ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની એક મોટી શખ્સિયત તરીકે સૂટ પહેરીને રહેતા હતા પરંતુ એ દિવસે તો જીન્સ અને ટ્રેઇનર્સ પહેરીને ભાગ્યા હતા.
"તમે વિચારી શકો છો કે હું એવી જગ્યાએ ગયો જ્યાં હું ક્યારેય નહોતો ગયો અને પછી મેં ત્યાં કપડાં ખરીદ્યાં."
"મારો પ્રયત્ન હતો કે કેવી રીતે હું મારી યોજનાને સફળ બનાવવા માટે જે શક્ય હોય તે કરું જેથી કોઈનું પણ ધ્યાન મારી તરફ ન ખેંચાય."
'એ પળ જ્યારે જાપાનની ધરતી પરથી વિમાન ઊડ્યું'
કાર્લોસ ગોન બુલેટ ટ્રેનમાં ટોક્યોથી ઓસાકા પહોંચ્યા જ્યાં એક પ્રાઇવેટ જેટ વિમાન તેમની રાહ જોઈ રહ્યું હતું. આ વિમાન એક સ્થાનિક ઍરપૉર્ટથી ઊડવાનું ભરવાનું હતું.
તેમણે કહ્યું, "જ્યારે હું બૉક્સમાં ધુસ્યો, ત્યારે હું ભૂતકાળ વિશે નહોતો વિચારી રહ્યો, હું ભવિષ્ય વિશે વિચારી રહ્યો હતો."
"એ પળ એવી હતી કે મને ડર નહોતો. હું બસ એ જ વિચારી રહ્યો હતો કે આ જ એ મોકો છે જેને હું જવા ન દઈ શકું. જો આ મોકો હાથમાંથી ગયો તો જીવનભર મારે ભોગવવું પડશે અને જાપાનમાં એક કેદી બનીને રહેવું પડશે."
કાર્લોસને હોટલથી ઍરપૉર્ટ સુધી બે વ્યક્તિ લઈ આવી હતી. આ બંને વ્યક્તિઓ પોતાની ઓળખ સંગીતકાર તરીકે આપી હતી.
કાર્લોસ કહે છે કે તેઓ લગભગ દોઢ કલાક સુધી એ બૉક્સમાં બંધ રહ્યા પરંતુ તેમને લાગ્યું કે એ દોઢ કલાક નહોતી પણ "દોઢ વર્ષ" હતું.
એ પ્રાઇવેટ જેટ વિમાને સમયસર ઉડાન ભરી. ગોન હવે આઝાદ હતા. આખી રાતની મુસાફરી પછી તુર્કીમાં તેમણે વિમાન બદલ્યું અને આગલી સવારે તેઓ બૈરૂત પહોંચ્યા.
લેબનોન અને જાપાન વચ્ચે પ્રત્યર્પણ સંધિ નથી એટલે કાર્લોસ ગોન લેબનોનમાંજ રહે છે.
જોકે, અમેરિકાના માઇકલ ટેઇલર અને તેમના પુત્ર પીટરને જાપાનને સોંપી દેવાયા છે અને તેઓ ટોક્યોમાં નજરકેદમાં છે. તેમના પર પોતાના પૂર્વ બૉસ ગોનને જાપાનથી નાસી છૂટવામાં મદદ કરવાનો આરોપ છે, તેમને આ મામલામાં ત્રણ વર્ષ કેદની સજા થઈ શકે છે.
નિસાનમાં ગોનના પૂર્વ સહકર્મી ગ્રૅગ કૅલીને પણ નજરકેદમાં રાખવામાં આવ્યા છે અને તેમને પણ જેલની સજા થઈ શકે એમ છે.
તેમના પર ગોનની આવકને લઈને ખોટી માહિતી આપવામાં મદદ કરવાનો આરોપ છે. આ આરોપથી તેઓ ઇનકાર કરતા આવ્યા છે.
અન્ય આરોપીઓનું શું થશે?
ગોન કહે છે, "ગ્રૅગ કૅલી પર ચાલી રહેલા મુકદમાનો નિર્ણય આ વર્ષના અંતમાં આવી શકે છે અને ભગવાન જાણે કે આ મુકદમાનું શું પરિણામ આવશે. હું પહેલાં જ કહી ચુક્યો છું કે આ એક બૉગસ કારણ આપીને ચલાવવામાં આવેલો કેસ છે."
તેઓ કહે છે, "જાપાનના ન્યાયતંત્રનાના પીડિતો પ્રત્યે મને સહાનુભૂતિ છે."
અગ્રેસર, સ્વપ્નદૃષ્ટા, અભિમાની અને બહારની વ્યક્તિ
જાપાનમાં કાર્લોસ ગોનને લઈને કેવું વલણ હતું એ અંગે બીબીસીના બિઝનેસ એડિટર સાયમન જૅક વાત કરે છે.
તેમનું કહેવું છે કે બ્રાઝિલિયન અને લેબનિઝ મૂળનાં કાર્લોસ ગોનને 'વિશ્વના નાગરિક' કહી શકાય.
તેઓ ઇન્ડસ્ટ્રીના નહીં પરંતુ કોઈ સરકારના વડા હોય તેમ રહેતા.
ફ્રાન્સના ભવ્ય પૅલેસ ઑફ વર્સાયમાં યોજાયેલી કંપનીની એક પાર્ટીમાં સ્ટાફના સભ્યો ક્રાંતિ પહેલાંના પહેરવેશમાં નજરે પડ્યા હતા. એ પાર્ટી યોગાનુયોગે કાર્લોસના 60માં જન્મદિને યોજાઈ હતી.
સંયુક્ત રૂપે રેનૉ અને નિસ્સાનના પ્રમુખ તરીકે તેઓ બંને કંપનીઓમાં અમુક લોકો માટે અસુવિધાનું કારણ બની ગયા હતા.
નિસાનમાં અમુક લોકોને લાગતું હતું કે તેઓ પારંપરિક જાપાનીઝ રીતે કામ કરતી કંપનીમાં ફ્રાન્સની કંપની તરફથી તખ્તાપલટનું નેતૃત્વ કરશે.
રૅનોમાં અમુક લોકોને એ વાંધો હતો કે તેઓ કંપનીનાં સંસ્થાગત મૂલ્યોની અવગણના કરીને પેરિસની સોસાયટી મૅગેઝિનોમાં દેખાવા લાગ્યા હતા.
વિશ્વ સ્તરે આટલા મોટા પદે રહેનારી કોઈ પણ વ્યક્તિએ રાજકીય રમતો વિશે સાવધ રહેવું જોઈએ. કાર્લોસ ગોન નિસાનમાં 20 વર્ષ સુધી રહ્યા તો પણ તેમને પોતાની ધરપકડ વિશે કંઈ અણસાર ન આવ્યો.
તેનાથી એ સ્પષ્ટ છે કે જે બંને કંપનીઓને તેઓ નજીક લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેના પર તેમની પકડ નબળી પડી ગઈ હતી.
તેમની કહાણીમાં બધું જ છે અભિમાન, કૉર્પોરેટ અને વૈશ્વિક રાજકારણ અને હૉલિવૂડની ફિલ્મ જેવી નાસી છૂટવાની રોચક કહાણી.
હાલ તેઓ વકીલોનો સહારો લઈને પોતાના નામ પર લાગેલા ડાઘને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ હવ બૈરૂતમાં સુરક્ષા હેઠળ નિર્વાસનનું જીવન જીવી રહ્યા છે ,જેનું ભવિષ્ય ધૂંધળું છે. આ અસાધારણ નાટકીય કહાણીનો આવો અંત તો તેમણે પણ નહીં વિચાર્યો હોય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો