નરેન્દ્ર મોદીએ ગાંધીનગર અને વડનગર રેલવેસ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું એમાં શું છે ખાસ?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધીનગરના નવનિર્મિત રેલવેસ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું.

ગાંધીનગરના નવનિર્મિત રેલવેસ્ટેશનની ઉપર જ એક વૈભવી ફાઇવસ્ટાર હોટલ પણ બનાવવામાં આવી છે.

એવો દાવો થઈ રહ્યો છે કે દેશનું આ પહેલું એવું રેલવેસ્ટેશન છે જેની ઉપર વૈભવી હોટલ પણ છે.

રેલવેસ્ટેશન અને હોટલનો સંયુક્ત પ્રોજેકટ નિર્ધારિત ખર્ચ કરતાં બસ્સો ટકા મોંઘો પડ્યો છે એવા પણ અહેવાલ છે.

જાણીએ કે આ રેલવેસ્ટેશન અન્ય રેલવેસ્ટેશનોથી કઈ રીતે જુદું પડે છે અને તેમાં શું ખાસ સુવિધા રાખવામાં આવી છે.

વાતાનુકૂલિત બેબી ફીડિંગ રૂમ અને સર્વધર્મ પ્રાર્થનાખંડ

રેલવેસ્ટેશનોમાં વેઇટિંગ રૂમ તો હોય છે પણ ગાંધીનગરના નવનિર્મિત રેલવેસ્ટેશનમાં વાતાનુકૂલિત બેબી ફીડિંગ રૂમની અલાયદી વ્યવસ્થા છે. રેલવેસ્ટેશનમાં એક ઇન્ટરફેથ પ્રાર્થનાખંડ છે જ્યાં વિવિધ સમુદાયના લોકો જઈને પ્રાર્થના કરી શકશે.

રેલવેસ્ટેશનની બહાર લાઇટિંગની વિવિધ બત્રીસ પ્રકારની થીમ રાખવામાં આવી છે. સમગ્ર રેલવેસ્ટેશનમાં મફત વાઇફાઇની વ્યવસ્થા છે.

40 લોકોની બેઠક વ્યવસ્થા સાથેનો એક વાતાનુકૂલિત વેઇટિંગ લાઉન્જ છે. વિવિધ પ્લૅટફોર્મ પર 480 જેટલા લોકો બેસી શકે અને ટ્રેનની રાહ જોઈ શકે એવી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.

વિકલાંગો માટે વિશેષ ટિકિટ કાઉન્ટર, રૅમ્પ, લિફ્ટ તેમજ પાર્કિંગની અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે.

રેલવેસ્ટેશનના પટાંગણમાં 163 કાર, 40 રિક્ષા તેમજ 120 ટૂ-વ્હિલર એકસામટાં પાર્ક થઈ શકે એવો પાર્કિગ એરિયા છે.

સ્ટેશનમાં એક આર્ટ ગૅલરી પણ છે. સ્ટેશનની અંદર 7096 સ્ક્વૅર મીટરનો વિસ્તાર એવો અલાયદો રાખવામાં આવ્યો છે, જ્યાં ભવિષ્યમાં શૉપિંગ સેન્ટર, ખાણીપીણીની અદ્યતન દુકાનો, મલ્ટિપ્લેક્સ વગેરે આકાર લેશે.

રેલવે વિભાગ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે રેલવેસ્ટેશનની જે ઇમારત એટલે કે સિવિલ સ્ટ્રક્ચર છે તે 120 વર્ષ સુધી ટકી શકે એવું છે.

આગ જેવી ઘટનાને નિવારવા માટે પ્લૅટફોર્મ સહિત સમગ્ર રેલવેસ્ટેશન પર અગ્નિશમન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

રેલવેસ્ટેશનમાં બે સરકતી સીડી (ઍસ્કેલેટર) અને ત્રણ લિફ્ટ છે.

પ્લૅટફોર્મ નંબર એકથી ત્રણમાં જવા માટે બે સબવે છે. આ તમામ વિગતો રેલવે વિભાગ દ્વારા જાહેર કરેલી યાદીને આધારે મૂકવામાં આવી છે.

એમાં એમ પણ જણાવાયું છે કે 71 કરોડ અને 50 લાખના ખર્ચે ગાંધીનગર રેલવેસ્ટેશન નવનિર્માણ પામ્યું છે. ગાંધીનગર રેલવેસ્ટેશન નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત 2017માં થયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાધીનગર અને વારાણસી જંક્શન વચ્ચેની સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન તેમજ ગાંધીનગર અને વરેઠા વચ્ચે મેમુ ટ્રેન સર્વિસને પણ તેઓ લીલી ઝંડી આપવાના છે.

અંદાજ ખર્ચ કરતાં બસ્સો ટકા મોંઘો

રેલવેસ્ટેશનની ઉપર જ વૈભવી હોટેલ પણ નિર્માણ પામી છે. આ રેલવેસ્ટેશન મહાત્મા મંદિરની નજીક છે.

મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાતથી લઈને અનેક કાર્યક્રમો યોજાય છે, જેમાં દેશના વિવિધ વિસ્તારના લોકો ભાગ લે છે. તેને ધ્યાનમાં રાખીને હોટલની હારોહાર રેલવેસ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે.

રેલવેસ્ટેશન અને હોટલનો જે સંયુક્ત પ્રૉજેક્ટ છે એમાં સમયાંતરે બદલાવ થતા રહ્યા છે. જેને લીધે પૂર્ણ થવામાં નિર્ધારિત સમય કરતાં થોડી વાર પણ લાગી છે. એનો જે ખર્ચ છે એ પણ વધી ગયો હતો.

ગયા વર્ષે એવો રિપોર્ટ હતો કે છેલ્લાં ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટનો ખર્ચ બસ્સો ટકા કરતાં વધી ગયો છે.

ડિસેમ્બર 2020માં રેલવેસ્ટેશન અને હોટલના સંયુક્ત પ્રૉજેક્ટનો ખર્ચ 750 કરોડ આંકવામાં આવ્યો હતો. મૂળે આ પ્રોજેક્ટ 243 કરોડના ખર્ચે તૈયાર થવાનો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે ઑક્ટોબર 2020ના રોજ ગાંધીનગર રેલવે ઍન્ડ અર્બન ડૅવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડના એક રિપોર્ટને ટાંકીને આ વાત કહી હતી.

આ પ્રોજેક્ટ ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ હેઠળ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા આ પ્રૉજેક્ટ હાથ ધરાયો છે.

વડનગર રેલવેસ્ટેશનની સુવિધા

16 જુલાઈએ વડા પ્રધાને જે વિવિધ રેલવે પ્રૉજેક્ટ્સ ખુલ્લા મૂક્યા છે એમાં તેમના માદરે વતન વડનગરનાં રેલવેસ્ટેશનનો પણ સમાવેશ થાય છે. ત્યાં 425 મીટર લંબાઈના બે પેસેન્જર પ્લૅટફોર્મ તૈયાર થયાં છે.

2014ની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ પ્રચારમાં કહ્યું હતું કે તેઓ રેલવેસ્ટેશન પર ચા વેચતા હતા.

બંનેને જોડતો ફૂટ ઓવરબ્રિજ એટલે કે યાત્રીઓ પગે ચાલીને જઈ શકે એવો પુલ તૈયાર થયો છે. મુસાફરો માટે ખાણીપીણી-નાસ્તા વગેરેના કાફે સાથેનો વેઇટિંગ રૂમ તૈયાર થયો છે.

વિકલાંગ મુસાફરો માટે વ્હિલચેર ચલાવી શકે એવા ઢાળિયા એટલે કે રૅમ્પ, શોચાલયો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેલવેના જે અન્ય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે એમાં મહેસાણા-વરેઠા ઇલેક્ટ્રિફાઇડ બ્રેડગેજ લાઇન, સુરેન્દ્રનગર-પીપાવાવ રેલવે ઇલેક્ટ્રિફીકેશન પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો