You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રશાંત કિશોર : ભારતીય રાજકારણમાં મૅનેજર છે કે ખેલાડી?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રશાંત કિશોર ફરી એક વખત ચર્ચામાં છે, અહેવાલો પ્રમાણે કૉંગ્રેસ સાથે તેમની બેઠકો ચાલી રહી છે અને અટકળો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેઓ કૉંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે.
ઇલેક્શન મૅનેજર તરીકે વિખ્યાત પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં જોડાશે એવી ચર્ચા જોરશોરથી થઈ રહી છે, પણ તેમનો ઈરાદો શું છે એ કોઈ જાણતું નથી.
2014માં એક પ્રોફેશનલ સલાહકાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન મૅનેજમૅન્ટની જવાબદારી સંભાળી ચૂકેલા પ્રશાંત કિશોર તેમની રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને વિરોધ પક્ષના બીજા નેતાઓ સાથેની તાજેતરની મુલાકાતને કારણે ફરી વાર ચર્ચામાં છે.
એક ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પ્રશાંત કિશોર અન્યથી એક બાબતમાં અલગ છે. તે બાબત એ છે કે તેઓ એક પેઈડ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે.
તેમની પાસે મોટી રિસર્ચ ટીમ છે અને તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણીમાં જીત મળી પછી પ્રશાંત કિશોરનો દબદબો આજકાલ વધેલો છે, કારણ કે ભાજપના પડકારનો સામનો કઈ રીતે કરવો એ બાબતે તેઓ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ને સતત સલાહ આપી રહ્યા હતા.
કેટલાક લોકો માને છે કે તેમની સલાહથી મમતા બેનરજીને ફાયદો થયો છે.
'વિપક્ષી એકતાના સૂત્રધાર'
બંગાળ વિધાનસભાની ચૂંટણીનું કામ પૂર્ણ થતાંની સાથે હવે તેમના કૉંગ્રેસમાં સામેલ થવાનું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આ અગાઉ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા અને ત્યારે તેમને 'વિપક્ષી એકતાના સૂત્રધાર' ગણાવવામાં આવ્યા હતા.
તેમની શરદ પવાર સાથેની મુલાકાત બાબતે અનેક અનુમાનો કરવામાં આવતાં હતાં.
બિહારના ભોજપુરી ભાષી પ્રદેશ સાથે સંબંધ ધરાવતા 44 વર્ષીય પ્રશાંત કિશોર અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી, નીતીશ કુમાર, મમતા બેનરજી, પંજાબમાં કૅપ્ટન અમરિંદર સિંહ, આંધ્ર પ્રદેશમાં જગન રેડ્ડી અને તામિલનાડુમાં ડીએમકેના નેતા એમ કે સ્ટાલિનને પ્રોફેશનલ સેવા આપી ચૂક્યા છે.
2021ની બીજી મેએ એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં તેમણે એક નિવેદન કરીને બધાને ચોંકાવી દીધા હતા.
તેમણે જણાવ્યું હતું કે તેઓ પ્રોફેશનલ રાજકીય સલાહકાર તરીકે સેવા આપવાનું બંધ કરવાના છે. એ પછી એવું વ્યાપક અનુમાન થવા લાગ્યું હતું કે કદાચ તેઓ રાજકારણમાં આવવા ઇચ્છે છે.
આમ પણ પ્રશાંત કિશોર રાજકારણમાં છે કે નહીં એ વિશે હંમેશાં શંકા સેવાતી રહી છે.
કોઈ માણસ કોઈ પક્ષના ઉપાધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યો હોય પછી તેના રાજકારણમાં હોવા બાબતે શંકાનું કોઈ કારણ હોવું ન જોઈએ, પણ પ્રશાંત કિશોર રાજકારણના કોચ છે કે ખેલાડી એ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
આ સંજોગોમાં તેમના કૉંગ્રેસમાં સામેલ થવા સંબંધે ચાલી રહેલા અનુમાનથી ફરી એ જ સવાલ થઈ રહ્યો છે કે લોકોના મિજાજને ઓળખતા હોવાનો દાવો કરતા રાજકીય પક્ષો એક ઈલેક્શન મૅનેજરને પોતાની સાથે જોડવા શા માટે ઉતાવળા છે?
અહીં એ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે તેમણે કૉંગ્રેસ-સમાજવાદી પક્ષની યુતિના વ્યૂહરચનાકાર તરીકે ભૂમિકા ભજવી હતી અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ગત ચૂંટણીમાં બહુ ખરાબ રીતે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો.
એ સિવાય તેમને સામાન્ય રીતે અત્યંત સફળ ઇલેક્શન મૅનેજર માનવામાં આવે છે.
2024માં નરેન્દ્ર મોદી સામે વિરોધ પક્ષને સાથે લાવવાની તૈયારી
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસ પક્ષે ભાજપના આકરા પડકાર છતાં જીત મેળવી તેથી પ્રશાંત કિશોરનું કદ વધ્યું છે અને તેમનાં દરેક પગલાંનું ઝીણવટભર્યું આકલન કરવામાં આવે છે.
આ સંજોગોમાં શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓ સાથેની તેમની મુલાકાતોથી લાગે છે કે તેઓ 2024માં નરેન્દ્ર મોદી સામે વિરોધ પક્ષને સાથે લાવવાની તૈયારી કરી રહ્યા છે.
મુંબઈસ્થિત લેખક અને પત્રકાર પ્રશાંત કુલકર્ણી માને છે કે પ્રશાંત કિશોર ભાજપ સામે વિરોધ પક્ષોને એક કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે ભારતીય રાજકારણમાં વિરોધ પક્ષોને એક કરવાનું કામ હંમેશાં મુશ્કેલ બની રહ્યું છે.
ચેન્નાઈસ્થિત વરિષ્ઠ પત્રકાર ડી સુરેશ કુમાર સવાલ કરે છે કે "કોઈ મમતા બેનરજીને વડા પ્રધાન બનાવવા ઇચ્છતું હશે તો બીજા નેતાઓ તૈયાર થશે ખરા? શરદ પવાર આ બાબતે વિચાર કરશે?"
"2019માં પણ આપણે જોયું હતું તેમ નેશનલ ડેમૉક્રેટિક ફ્રન્ટ સિવાયના રાજકીય પક્ષોનું કહેવું હતું કે ભાજપને હઠાવવાની જરૂર છે, પરંતુ તેઓ વચ્ચે એકતા સધાઈ ન હતી. માત્ર સ્ટાલિને કહેલું કે રાહુલ ગાંધી વડા પ્રધાનપદના ઉમેદવાર હશે."
એનડીટીવી સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર જણાવી ચૂક્યા છે કે ત્રીજો કે ચોથો મોરચો ભાજપને ટક્કર આપી શકે એવું તેઓ માનતા નથી.
વિરોધ પક્ષમાં એકતા સાધવાના વિચાર સંબંધે એવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર શરદ પવારને દેશના આગામી રાષ્ટ્રપતિ બનાવવાના મુદ્દે સહમતિ સાધવા વિવિધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે.
ધવલ કુલકર્ણીના જણાવ્યા મુજબ, "શરદ પવાર માટે વડા પ્રધાન બનવાનું સપનું ધૂંધળું થઈ ગયું છે ત્યારે તેમની નજર આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી પર છે, પરંતુ અત્યારે તો આ બધી વાતો અનુમાન માત્ર છે, કારણ કે શરદ પવારે આ વિશે કશું કહ્યું નથી."
પ્રશાંત કિશોરની જરૂર શા માટે?
ઇલેક્શન મૅનેજરોનું રાજકારણના પડદા પાછળનું કામ વિવાદોથી પર હોતું નથી. તેમનું કામ ચૂંટણીના સમયે નેતાની આસપાસ એવો માહોલ બનાવવાનું હોય છે કે તેઓ ચૂંટણીમાં સૌથી આગળ પહોંચી જાય.
ચૂંટણીના મુદ્દાઓ, ચૂંટણી ક્ષેત્રોનાં ગણિત અને લોકોના મૂડને પારખવામાં પ્રશાંત કિશોર ઉસ્તાદ હોવાનું કહેવાય છે.
પંજાબસ્થિત રાજકીય વિશ્લેષક ડૉ. જગરુપ સેખોંના જણાવ્યા મુજબ, પ્રશાંત કિશોર જેવા ઇલેક્શન મૅનેજરોની વધતી વગ રાજનીતિ ખોખલી થતી જતી હોવાનો પુરાવો છે.
ડૉ. જગરુપ સેખોં કહે છે, "આ રાજકીય વ્યવસ્થા, ખાસ કરીને રાજકીય પક્ષોની નાદારી છે, જેમાં કેટલાક એવા લોકોને સત્તા આપવામાં આવે છે કે જેઓ મૅનેજરોની માફક કામ કરે છે."
ડૉ. જગરુપ સેખોંના જણાવ્યા મુજબ, "આ પરિસ્થિતિ એ પણ દર્શાવે છે કે આપણા નેતાઓ વાસ્તવિકતાથી કેટલા દૂર છે. પંજાબમાં તો રાજકારણીઓ એટલા બદનામ છે કે ઘણા લોકો એમને પોતાનાં ગામોમાં પ્રવેશ કરવા દેતા નથી."
છેલ્લાં કેટલાંક વર્ષોમાં નીચેના સ્તરે વ્યાપક ભ્રષ્ટાચારને કારણે કેટલા લોકો પક્ષથી કઈ રીતે વિમુખ થઈ ગયા હતા એ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન કોલકાતામાં બીબીસી સંવાદદાતા અમિતાભ ભટ્ટાસાલીને ટીએમસીના નેતાઓએ જણાવ્યું હતું.
પ્રશાંત કિશોરે આ વાત નેતાઓને જણાવી હતી, કારણ કે મમતા બેનરજીની નજીકના લોકો આ વાત તેમની સામે યોગ્ય રીતે રજૂ કરી શક્યા નહોતા.
અમિતાભ ભટ્ટાસાલીના જણાવ્યા મુજબ, પ્રશાંત કિશોર નાનામાં નાનું કામ પણ જાતે જ મૅનેજ કરતા હતા. તેનું ઉદાહરણ એ છે કે તેમની ટીમના લોકો ચારે તરફ ફરતા રહેતા હતા અને કયા નેતાએ, ક્યાં શું કહેવાનું છે એ તેમને જણાવતા હતા.
પ્રશાંત કિશોરની દેખરેખ હેઠળ સમગ્ર પશ્ચિમ બંગાળમાં 'બાંગ્લા નિજેર મેકે ચાય' એટલે કે 'બંગાળ તેની દીકરીને ચાહે છે' એવું જણાવતાં લાખો પોસ્ટર્સ લગાવ્યાં હતાં.
એ ઉપરાંત 'દીદી કો બોલો' નામનો હૅલ્પલાઈન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
તેમાં લોકો નળમાં પાણી નથી આવતું ત્યાંથી માંડીને તેમના વિસ્તારમાંની ગંદકી સુધીની ફરિયાદ સીધા ફોન પર કરતા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેના નિવારણનાં પગલાં લેતું હતું.
'દ્વારે સરકાર' કાર્યક્રમ હેઠળ જુદા-જુદા વિસ્તારોમાં લોકોના સમસ્યાઓના નિવારણ માટે પબ્લિક ડિપાર્ટમેન્ટ કૅમ્પસનું આયોજન કરાતું હતું.
અમિતાભ ભટ્ટાસાલીના જણાવ્યા મુજબ, આવા કાર્યક્રમોથી મમતા બેનરજીને પોતાની તરફેણમાં વોટ ખેંચવામાં મદદ મળી હતી, પરંતુ એ કાર્યક્રમોના વિચાર માટે પ્રશાંત કિશોરની જરૂર ન હતી.
પત્રકાર જયંત ઘોષાલ કહે છે, "પ્રણવ મુખરજી મને કહેતા હતા કે કૉંગ્રેસ ડ્રૉઇંગ રૂમ પાર્ટી બની ગઈ અને સામાન્ય લોકોથી તેનો સંપર્ક કપાઈ ગયો એટલે તેની હાલત કફોડી થઈ ગઈ."
"અલગાવ ક્યાં છે, કોનો છે, તેનો અભ્યાસ પ્રશાંત કિશોર કરે છે. એ કારણસર ઘણા લોકોને ચૂંટણી લડવાની ટિકિટ મળતી નથી."
ડી સુરેશકુમાર જયલલિતાનું ઉદાહરણ આપે છે. જયલલિતા સોશિયલ મીડિયા પર ન હતાં, પણ એમની પાસે આત્મવિશ્વાસ હતો અને લોકોને તેમના પ્રત્યે આકર્ષણ હતું. અલબત્ત, તેઓ પસંદગીના કેટલાક લોકોની મદદ વડે જ શાસન કરતાં હતાં.
ડી સુરેશકુમાર કહે છે, "નેતાઓને આત્મવિશ્વાસ નથી હોતો અને પોતે ચૂંટણી જીતી નહીં શકે એવું તેમને લાગતું હોય છે ત્યારે તેઓ વ્યૂહરચનાકારનો સહારો લેતા હોય છે."
"ઘણા નેતાઓ એવું માને છે કે નરેન્દ્ર મોદી તેમના સલાહકારોને કારણે જ આટલા લોકપ્રિય નેતા બન્યા છે, પણ આ વાત સાચી નથી."
એક વ્યૂહરચનાકાર ભાષણ લખી શકે, પણ જોરદાર શૈલીમાં ભાષણ તો નેતાએ જ આપવાનું હોય છે. નરેન્દ્ર મોદી બહુ સારા વક્તા છે. લોકોને તેમની એ વાત ગમે છે.
ધવલ કુલકર્ણીના જણાવ્યા મુજબ, પ્રશાંત કિશોર જેવા પ્રચાર મૅનેજરો રાજકીય પક્ષો અને નેતાઓને અત્યંત જરૂરી મોટા પરિદૃશ્ય બાબતે સાવધ કરતા હોય છે.
ધવલ કુલકર્ણી કહે છે, "રાજકારણીઓ હંમેશાં અત્યંત વ્યસ્ત હોય છે અને તેઓ એક ડગલું પાછળ જઈને એ જોઈ નથી શકતા કે શું કરવું જોઈએ."
પ્રશાંત કિશોરની રાજકીય મહેચ્છા શું છે?
વરિષ્ઠ પત્રકાર જયંત ઘોષાલ માને છે કે પ્રશાંત કિશોરની રાજકીય મહેચ્છા છે અને એ રાજ્યસભાના સભ્ય બનવા સુધી જ સીમિત નથી.
જયંત ઘોષાલ કહે છે, "પ્રશાંત કિશોર 2024ની સામાન્ય ચૂંટણીમાં મોરચા સરકારના કિંગમેકર બનવા ઇચ્છે છે."
અલબત્ત, તેનો મોટો આધાર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર હશે અને એ પછી જ પ્રશાંત કિશોરના ઇરાદા સ્પષ્ટ થશે, એવું જયંત ઘોષાલ માને છે.
પ્રશાંત કિશોર એવા સમયમાં વિરોધ પક્ષના મોખરાના નેતાઓને મળી રહ્યા છે, જ્યારે દેશમાં કોવિડને લીધે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા ચાર લાખના આંકડાને પાર કરી ગઈ છે.
કોવિડના સામના માટે નરેન્દ્ર મોદી સરકારે કરેલા પ્રયાસોથી એમના ટેકેદારોને પણ સંતોષ નથી, અર્થતંત્રની હાલત ખરાબ છે અને બેકારી તથા મોંઘવારી વધી રહી છે.
જયંત ઘોષાલ કહે છે, "પ્રશાંત કિશોર કોઈ પણ પક્ષમાં સામેલ થઈ શકે છે. તેમના પાસે એ વિકલ્પ છે. તેઓ ઇચ્છે તો રાજ્યસભાના સભ્ય બની શકે છે, પણ તેઓ એવું ઇચ્છતા નથી."
જયંત ઘોષાલ ઉમેરે છે, "રાજ્યસભામાં તૃણમૂલની બે બેઠક હજુ પણ ખાલી છે. ભાજપ તરફથી તેમને ખેંચવાના પ્રયાસ ચાલી રહ્યા છે, કારણ કે તેમનો ભાજપ સાથેનો સંબંધ પણ ખરાબ નથી."
પ્રશાંત કિશોરની વિચારધારા પર સવાલ ઉઠાવતાં ડી સુરેશકુમાર કહે છે, "તેઓ એક ચૂંટણીમાં જમણેરી પક્ષની બાજુમાં હતા. બીજી ચૂંટણીમાં બીજી વિચારધારા ધરાવતા પક્ષની સાથે હતા."
"એક સમયે તેઓ તમિલ પાર્ટી તરફ હતા અને બીજા વખતે તેલુગુ પાર્ટી તરફ. પ્રશાંત કિશોરે નેતા તરીકે ઊભરવું હોય તો તેમણે વાસ્તવિક સ્તરે પર આકરી મહેનત કરવી પડશે."
"તેમણે ખુદનું કૌવત સાબિત કરવું પડશે. તેઓ કોઈ પણ પક્ષમાં પૅરાશૂટ નેતા તરીકે ઊભરી શકશે નહીં."
પ્રશાંત કિશોર સામે પણ અનેક સવાલ
પ્રશાંત કિશોર બાબતે એવો સવાલ કરવામાં આવે છે કે તેઓ આટલા મોટા જાદુગર હોય તો ઉત્તર પ્રદેશમાં તેમનો જાદુ કૉંગ્રેસ માટે કેમ ન ચાલ્યો?
આ સવાલના જવાબમાં એવું કહેવામાં આવે છે કે કૉંગ્રેસે પ્રશાંત કિશોરનાં સૂચનોનો અમલ કર્યો ન હતો એટલે પક્ષની આવી દુર્દશા થઈ.
એ ઉપરાંત વિશ્લેષકો માને છે કે 2014માં નરેન્દ્ર મોદીના વિજયમાં પ્રશાંત કિશોરના યોગદાનને અતિશયોક્તિપૂર્વક રજૂ કરવામાં આવ્યું હતું.
તેમનું કહેવું એવું હતું કે એ સમયે સામાન્ય લોકો કૉંગ્રેસનાં કથિત કૌભાંડો અને ભ્રષ્ટાચાર વગેરેથી એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે દેશની ધુરા નરેન્દ્ર મોદીના હાથમાં સોંપી દીધી હતી. એ માટે કોઈ પ્રશાંત કિશોરની જરૂર ન હતી.
ડી સુરેશકુમારના જણાવ્યા મુજબ, તામિલનાડુમાં પ્રશાંત કિશોર ફૅક્ટર ઉપરાંત બીજાં કારણો પણ સ્ટાલિનની જીત માટે જવાબદાર હતાં. જગન મોહન રેડ્ડીની જીતનું એક કારણ એ પણ હતું કે લોકો ચંદ્રાબાબુ નાયડુના વહીવટથી ખુશ નહોતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો