આઝાદીનાં 75 વર્ષ પછી પણ રાજદ્રોહના કાયદાની શું જરૂર છે? સુપ્રીમ કોર્ટ

રાજદ્રોહ કાયદાને અંગ્રેજોના જમાનાનો ગણાવી સુપ્રીમ કોર્ટે તેની જરૂરિયાત મામલે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે.

દેશમાં ઘણી વખત વ્યક્તિ પર સેડિશન એટલે કે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે છે અને મોટા ભાગે તેને રાજકીય વેરઝેર સાથે સંબંધ હોવાનું કહેવામાં આવે છે.

દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલાની એક પિટિશનની સુનાવણી દરમિયાન કહ્યું કે આ કાયદો અંગ્રેજોના જમાનાનો છે અને તેનો ઉપયોગ સ્વાતંત્ર્યસેનાનીઓ સામે કરવામાં આવતો હતો.

કોર્ટે કહ્યું, "રાજદ્રોહનો કાયદો અંગ્રેજોના જમાનાનો છે, અંગ્રેજો તેને મહાત્મા ગાંધી અને બાળ ગંગાધર તિલક જેવા સ્વાતંત્ર્યસેનાનીઓ સામે ઉપયોગ કરતા હતા."

આ કાયદો બંધારણને અનુરૂપ છે કે ગેરબંધારણીય છે તેની ચકાસણી મામલે બાદમાં સુનાવણી કરવામાં આવશે એવી ટિપ્પણી કરીને કેન્દ્ર સરકારને ટકોર કરી કે, "આઝાદીનાં 75 વર્ષ પછી પણ આ કાયદાની જરૂર કેમ છે?"

કોર્ટે કહ્યું કે આ કાયદાને પડકારતી કેટલીક પિટિશનો છે અને તેનો એકસાથે જ નિકાલ કરવામાં આવશે.

મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમનાને સમાવિષ્ટ પીઠે આ મામલે સુનાવણી કરી રહી હતી.

તેમણે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને પૂછ્યું, "તમારી સરકારે ઘણા બિનઉપયોગી કાયદા રદ કર્યા છે. તો પછી આઈપીસીની કલમ 124એ પર કેમ આવો વિચાર કરાતો નથી?"

પીઠે કહ્યું, "અમને ગ્રાઉન્ડ પર આ કાયદાના થઈ રહેલા દુરુપયોગની ચિંતા છે. વ્યક્તિ તથા રાજકીય પક્ષો મામલે આ જોખમી છે."

કોર્ટનું કહેવું હતું કે કલમ 66એ રદ કરી દેવાઈ તો પણ પોલીસ જેને પરેશાન કરવા માગે તેની સામે કલમ લગાવતી રહી. લોકોની ધરપકડ થઈ.

દરમિયાન કેન્દ્ર તરફથી હાજર એટર્ની જનરલે કહ્યું કે કલમ 124એને રદ કરવાની જરૂર નથી, માત્ર તેને કાયદાકીય આધાર મળે તે માટે માર્ગદર્શિકા તૈયાર કરવાની જરૂર છે.

કોર્ટે સામે એવો પણ સવાલ કર્યો કે આ કલમ હેઠળનો કન્વિક્શન રેટ (એટલે કે ગુનો પુરવાર થયાનો) દર પણ ઘણો ઓછો છે.

ગુજરાતમાં આજથી ધોરણ-12ના વર્ગો શરૂ થશે, જાણો શું છે ગાઇડલાઇન?

ગુજરાતમાં આજથી ધોરણ 12ના વર્ગો પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય માટે 50 ટકા ક્ષમતા સાથે શરૂ થઈ રહ્યા છે.

વળી બીજી તરફ ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ શરૂ થઈ રહી છે.

સ્કૂલના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.

વર્ગખંડોમાં 50 ટકા ક્ષમતા સાથે એકાંતરા દિવસે વિદ્યાર્થીઓને બોલાવી શકાશે. વળી ક્લાસને નિયમિત સેનેટાઇઝ કરવાનો રહેશે.

સરકારની ગાઇડલાઇન મુજબ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં યુજી-પીજીના ઑફલાઇન વર્ગોની સાથે હૉસ્ટેલ પણ શરૂ થઈ રહી છે. પરંતુ એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓને રહેવા દેવામાં નહીં આવે. તથા વિદ્યાર્થીઓ એક સ્થળે ભેગા થઈને ગ્રૂપમાં બેસી શકશે નહીં.

અત્રે નોંધવું જોઈએ કે ઑફલાઇન અથવા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વાલીની સહી સાથે સંમતિપત્રક જરૂરી કરવામાં આવ્યું છે.

ભારતીય ટીમમાં એક ખેલાડીકોરોના પૉઝિટિવ

ઇંગ્લૅન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમનો એક સભ્ય (ખેલાડી)નો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જેથી ટીમ આઇસોલેટ થઈ ગઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ અનુસાર જે ખેલાડીને કોરોના થયો છે, તે ઇંગ્લૅન્ડમાં એક સંબંધીના ઘરે આઇસોલેશનમાં છે.

ટીમ ગુરુવારે બાયો-બબલમાં પરત ફરવાની હતી, પરંતુ એક ખેલાડી પૉઝિટિવ આવ્યો છે. ચારથી ઑગસ્ટથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે.

અહેવાલ અનુસાર ખેલાડીને ગળામાં દુખાવો થયો હતો અને બાદમાં કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેમની સાથે સંપર્કમાં આવનારા સ્ટાફ અને ખેલાડીઓને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

'અફઘાનિસ્તાનથી નાટોને પરત બોલાવવી એક મોટી ભૂલ'

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશે કહ્યું છે કે અફઘાનિસ્તાનથી નાટો સેનાને પરત બોલાવીને ભૂલ કરી છે.

જર્મન ન્યૂઝ બ્રૉડકાસ્ટર ડૉયચે વેલે સાથે વાત કરતા અમેરિકીના પૂર્વ રાષ્ટ્રપતિ બુશે કહ્યું, "અફઘાન મહિલાઓ અને યુવતીઓ એક અવર્ણનીય ક્ષતિનો સામનો કરવા જઈ રહી છે."

"આ એક ભૂલ છે, કેમ કે આનાં ખૂબ જ ગંભીર પરિણામો આવશે. હું ઘણો દુખી છું. મેં અને લૉરાએ અફઘાન મહિલાઓ સાથે લાંબો સમય વિતાવ્યો છે અને તેઓ ડરેલાં છે."

"મને દુભાષિયા સહિત તમામ લોકોની ચિંતા છે, જેમણે નાટોને મદદ કરી છે. તેમને હવે તાલિબાન દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે."

પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશના કાર્યકાળમાં જ અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા બાદ અફઘાનિસ્તાનમાં યુદ્ધની શરૂઆત કરી હતી.

11 સપ્ટેમ્બર, 2021ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલામાં ત્રણ હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં. તેના કેટલાક સમય બાદ ચરમપંથી સંગઠન અલ-કાયદાએ આ હુમલાની જવાબદારી લીધી હતી.

પરંતુ અફઘાનિસ્તાનમાં હાજર ચરમપંથી સંગઠન તાલિબાને એ સમયે ઓસામા બિન લાદેનને અમેરિકાને સોંપવા ઇનકાર કરી દીધો હતો.

તેના એક મહિના બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન વિરુદ્ધ હવાઈ હુમલા શરૂ કર્યા હતા. અમેરિકા સહિત અન્ય દેશઓ આ લડાઈમાં જોડાયા બાદ તાલિબાનને અફઘાનની સત્તા પરથી હઠવું પડ્યું હતું.

મેહુલ ચોક્સી એન્ટિગુઆ પરત ફર્યા

પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડ સાથે સંકળાયેલા ભાગેડુ આરોપી બિઝનેસમૅન મેહુલ ચોક્સીને ગત સપ્તાહે ડૉમિનિકા કોર્ટે જામીન આપ્યા હતા.

‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ તેમને સ્વાસ્થ્ય બાબતોના આધારે જામીન મળ્યા હતા. તેઓ હવે સારવાર માટે એન્ટિગુઆ અને બાર્બુડા પરત ફર્યા છે.

તેઓ ડૉમિનિકામાં 51 દિવસ સુધી કસ્ટડીમાં રહ્યા હતા. હવે તેમની ટીમ એન્ટિગુઆમાં કાનૂની લડાઈ લડવા માટે સજ્જ છે, એવું તેમના વકીલ વિજય અગ્રવાલનું કહેવું છે.

કોર્ટે જ તેમને એન્ટિગુઆ સારવાર માટે પ્રવાસ કરવા મંજૂરી આપી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો