You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના રસીકરણના છ મહિના, કેમ ભારત પાછળ પડી ગયું?
ભારતે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું, તેને છ મહિના પૂર્ણ થઈ ગયાં છે, પરંતુ જેટલાને વૅક્સિન આપવાની વાત કરી, તે વસતીના અંદાજે પાંચ ટકા લોકોને વૅક્સિન મળી શકી છે.
હાલમાં ભારતમાં એક દિવસમાં 40 લાખ લોકોનું રસીકરણ કરાઈ રહ્યું છે, પણ વર્ષના અંત સુધીમાં રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સરકારે દરરોજ 80થી 90 લાખ લોકોને રસી આપવી પડશે.
જાન્યુઆરીમાં આશાસ્પદ શરૂઆત છતાં રસીકરણ અભિયાન હાલના દિવસોમાં ધીમું પડ્યું છે, વૅક્સિનના પુરવઠામાં નોંધાયેલો ઘટાડો અને નવી વૅક્સિનના ઉપયોગને ઓછી મંજૂરી મળતાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી છે.
મોટા ભાગના દેશ, જેમાં મોટા ભાગના વિકાસશીલ દેશ છે, તે કોરોના વૅક્સિન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ રસીકરણ અભિયાનની શરૂઆતમાં એવું બિલકુલ નહોતું લાગી રહ્યું કે દુનિયામાં સૌથી વધારે વૅક્સિન બનાવતું ભારત આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરશે.
જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વૅક્સિન બનાવનારી કંપનીઓને સમય પહેલાં ઑર્ડર નહોતો આપ્યો.
એપ્રિલમાં આવેલી કોરોના વાઇરસની બીજી લહેરના કારણે તેમણે વયસ્ક લોકોને રસી આપવા માટે પોતાનો નિર્ણય બદલવો પડ્યો, આ સંખ્યા અંદાજે એક અબજ છે.
ભારતનું રસીકરણ અભિયાન કેવું ચાલી રહ્યું છે?
સરકારી આંકડાઓ પ્રમાણે 16 જાન્યુઆરીથી હાલ સુધીમાં ભારતમાં વૅક્સિનના 39.33 કરોડથી વધારે ડોઝ આપી દેવામાં આવ્યા છે. અંદાજે 31 કરોડ 20 લાખ લોકોને અત્યાર સુધીમાં કોરોના વાઇરસનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે સાત કરોડ 70 લાખ લોકોને કોરોના વાઇરસનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
શુક્રવારે ભારતમાં કોરોના સંક્રમણના 38,949 નવા કેસ નોંધાયા છે, જે મે મહિનાની શરૂઆતમાં આવેલી બીજી લહેરની પીકના કેસલોડના દસમાં ભાગથી ઓછા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે ત્રીજી લહેરનું આવવું નક્કી છે કારણ કે નવા કોરોના વાઇરસના વૅરિયન્ટ્સના જોખમ છતાં પ્રતિબંધો સંપૂર્ણરીતે હઠાવી દેવાયા છે. વૅક્સિન ડોઝની રોજિંદી ઍવરેજ સંખ્યામાં આવેલા ઘટાડાએ નિષ્ણાતોને ચિંતા વધારી દીધી છે.
આમાં એક જેન્ડર ગેપ પણ છે - સરકારી ડેટા અનુસાર 14 ટકાથી ઓછી મહિલાઓને રસી આપવામાં આવી છે. ગ્રામીણ ભારતમાં એવું વધારે જોવા મળ્યું છે.
જ્યાં મહિલાઓની ઇન્ટરનેટ સુધીની પહોંચ સીમિત છે અને ત્યાં મહિલાઓ રસી લેવાની બાબતે ગભરાય છે.
આની સરખામણીએ શહેરી વિસ્તારોમાં રસીકરણનો દર વધારે છે. આમ ભારતમાં આરોગ્ય-વ્યવસ્થા સુધી પહોંચવામાં અસમાનતા જોવા મળે છે.
રાજધાની દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ સવાલ કર્યો, "આપણા દેશના રસીકરણ કાર્યક્રમમાં આટલા બધા દિવસ પછી પણ કેમ ખળભળાટ ચાલી રહ્યો છે?"
મનીષ સિસોદિયાએ મંગળવારે કહ્યું કે શહેરમાં વૅક્સિનના ડોઝ પૂર્ણ થઈ ગયા છે, જેના કારણે અનેક સરકારી સેન્ટરોને બંધ કરવા પડે છે.
જૂનમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે વૅક્સિનના 1.35 અરબ ડોઝ ઉપલબ્ધ થશે અને ભારતમાં તમામ વયસ્કોને રસી આપવા માટે સરકારને વૅક્સિનના 1.8 અબજ ડોઝની જરૂરિયાત હશે.
અદાલતમાં આપેલી ઍફિડેવિટમાં સરકારે એમ કહ્યું હતું કે ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પાંચ કંપનીઓ પાસેથી કોરોના વાઇરસની રસીના ડોઝ મળશે.
સરકારે કહ્યું હતું કે કોવિશિલ્ડ વૅક્સિનના 50 કરોડ ડોઝ, કોવૅક્સિનના 40 કરોડ, ભારતીય કંપની બાયલૉજિકલ ઈની વૅક્સિનના 30 કરોડ, રશિયાની સ્પુતનિક વી વૅક્સિનના 10 કરોડ અને અમદાવાદસ્થિત ઝાયડ્સ-કેડિલાની ZyCov-D કોરોનાની રસીના પાંચ કરોડ ડોઝ મળશે.
આમ છતાં વૅક્સિનની ખોટ સતત જોવા મળી રહી છે અને અહેવાલોનું માનીએ તો જુલાઈમાં આ અભિયાન પોતાના લક્ષ્યથી પાછળ જઈ શકે છે.
ભારત હાલ કંઈ વૅક્સિનનો ઉપયોગ કરે છે?
ભારતમાં હાલ રસીકરણ માટે ત્રણ કોરોના વૅક્સિનના ઉપયોગને મંજૂરી મળી છે- ઑક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વૅક્સિન, જેને સ્થાનિક રીતે કોવિશીલ્ડ કહેવામાં આવે છે. ભારતીય કંપની ભારત બાયોટેકની કૉવેક્સિન; અને રશિયામાં બનેલી સ્પુતનિક વી.
સરકારે ભારતીય ફાર્મા કંપની સિપ્લાને પણ મૉડર્નાની વૅક્સિન આયાત કરવા માટે મંજૂરી આપી છે. ક્લિનિકલ સ્ટડિઝમાં આ વૅક્સિન કોરોના વાઇરસની સામે 95 ટકા અસરકાર જોવા મળી છે. પરંતુ આ હાલ સ્પષ્ટ નથી કે આના ડોઝ ભારતમાં ક્યારે મળશે.
અનેક બીજી રસી મંજૂરીના વિવિધ સ્ટેજ પર છે.
દેશમાં રસીકરણ સ્વૈચ્છિક છે એટલે જે રસી મૂકાવવા ઇચ્છે છે તે મૂકાવે. સરકારી ક્લિનિક અને હૉસ્પિટલોમાં મફતમાં કોરોના વાઇરસની રસી આપવામાં આવે છે, પરંતુ લોકો પૈસા ખર્ચીને પ્રાઇવેટમાં પણ આના ડોઝ લઈ શકે છે.
સરકારી ક્લિનિક, આરોગ્ય સેવા કેન્દ્ર અને હૉસ્પિટલમાં ફ્રી ડોઝ આપવા માટે સરકારે અંદાજે 5 અરબ ડૉલર ખર્ચી રહી છે.
શું વૅક્સિન લીધા પછી કોઈ સાઇડ ઇફેક્ટ થઈ છે?
વૅક્સિન લીધા પછી લોકોને તાવ, હાથમાં દુખાવો, વૅક્સિન લેવાની જગ્યાએ દુખાવો, માથું દુખવું જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. ભારતમાં રસીકરણ પછી "એડવર્સ ઇવેન્ટ"ની તપાસ માટે 34 વર્ષ જૂનો સર્વેલન્સ પ્રોગ્રામ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ પ્રકારની બાબતોમાં પાર્દર્શકતાથી રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહેતા વૅક્સિનને લઈને લોકોમાં ભય ઊભો થઈ શકે છે.
ભારતમાં 17 મે સુધીમાં રસી આપ્યાના પછી 23 હજારથી વધારે એડવર્સ ઇવેંટ્સના કેસ નોંધાયા હતા. આમાંથી મોટા ભાગના 'સામાન્ય' સાઇડ ઇફેક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આમાં ગભરામણ, માથું દુખવું, ચક્કર આવવા, તાવ અને દુખાવો સામેલ છે.
ભારત સરકારે ગંભીર સાઇડ ઇફેક્ટના અંદાજે 700 કેસની તપાસ કરી છે અને જૂનના મધ્ય સુધીમાં 488 મૃત્યુની જાણકારી આપી છે. જોકે સરકારે કહ્યું છે કે આનો અર્થ એ નથી કે રસીકરણના કારણે આવું થયું છે.
સાથે જ સરકારે કહ્યું છે કે કોરોના વાઇરસ થતા મૃત્યુની સરખામણીએ વૅક્સિન પછી મૃત્યુની સંભાવના ઘણી ઘટી જાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો