You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજ કુંદ્રા : શિલ્પા શેટ્ટીના પતિની હીરાના વેપારથી IPLમાં સટ્ટાખોરી અને પોર્ન ફિલ્મના આરોપ સુધીની કહાણી
દેશમાં બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડે મોટી ચર્ચા જગાવી છે. મુંબઈ પોલીસે સોમવારે તેમને એક કેસ સંબંધે પૂછપરછ મામલે સમન્સ પાઠવી બોલાવ્યા હતા.
જોકે, પૂછપરછ બાદ તેમની ધરપકડ કરાઈ હતી.
ધરપકડના સમાચાર આવતાં જ સોશિયલ મીડિયાથી લઈ મુખ્ય પ્રવાહના મીડિયામાં તેના પર મોટી ચર્ચાઓ જોવા મળી છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા એક બિઝનેસમૅન છે. શિલ્પા તેમનાં બીજાં પત્ની છે.
શું છે કેસ?
મુંબઈ પોલીસ અનુસાર ફેબ્રુઆરી-2021માં કુંદ્રા સામે એક પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.
જેમાં આરોપ હતો કે કુંદ્રા કથિતરૂપે અશ્લીલ ફિલ્મો બનાવી તેને એક પૅઇડ મોબાઇલ ઍપ્લિકેશન પર સ્ટ્રિમિંગ માટે અપલૉડ કરતી કંપની સાથે સંકળાયેલા છે.
હાલ આ કેસમાં કુંદ્રા સહિત અન્ય 11 લોકોની ધરપકડ થઈ હોવાના સમાચાર છે. કુંદ્રાને કોર્ટમાં રજૂ કરાયા છે.
આ કેસ અને ધરપકડ મામલે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે પત્રકારપરિષદ યોજી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "ફેબ્રુઆરી-2021માં મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં એક કેસ દાખલ થયો હતો. જેમાં અશ્લીલ ફિલ્મો બનાવવાની તથા તેને કેટલીક મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રસારિત કરવાની ફરિયાદ કરાઈ હતી. આ સમગ્ર કેસમાં રાજ કુંદ્રા મુખ્ય ષડ્યંત્રકર્તા હોવાથી અમે તેમની ધરપકડ કરી છે."
તેમણે ઉમેર્યું, "અમારી પાસે આ વિશે પૂરતા પુરાવા છે. તપાસ હજુ પણ ચાલુ છે."
કુંદ્રા સામે આઈપીસીની કલમો તથા આઈટી અને મહિલાસુરક્ષા સંબંધિત કાનૂનની કેટલીક કલમો લગાવાઈ હોવાના અહેવાલ છે.
કોણ છે રાજ કુંદ્રા?
રાજ કુંદ્રાનો જન્મ યુકેમાં થયો હતો. તેમના પિતા પંજાબના રહેવાસી હતા. પરંતુ તેઓ બાદમાં યુકેમાં સ્થાયી થયા હતા, જ્યાં તેઓ બસ કંડક્ટરની નોકરી કરતા હતા.
કુંદ્રા શરૂઆતમાં 'પશમીનો શાલ'નો વેપાર કરતા હતા. ત્યારપછી તેમણે કેટલાક અન્ય બિઝનેસમાં હાથ અજમાવ્યો અને મોટા ઉદ્યોગપતિ બન્યા.
તેમનો ઉછેર યુકેમાં જ થયો છે. જ્યારે માતાપિતા યુકેમાં સ્થાયી થતાં પહેલાં પંજાબના લુધિયાણામાં રહેતાં હતાં.
પિતા કંડક્ટર હતા અને માતા એક દુકાનમાં કામ કરતાં હતાં. પરિવાર સાધારણ હતો. પરંતુ પછી તેમના પિતાએ એક નાનો બિઝનેસ શરૂ કર્યો હતો.
કુંદ્રા 18 વર્ષના થયા પછી દુબઈ જતા રહ્યા અને ત્યાંથી નેપાળ પણ ગયા. ત્યાંથી તેમણે શાલનો બિઝનેસ શરૂ કર્યો.
તેઓ નેપાળથી બ્રિટન પરત ફર્યા તો પોતાની સાથે કન્ટેનર ભરીને શાલ પણ લેતા આવ્યા હતા. આ તમામ શાલ તેમણે મોટા બ્રિટિશ હાઉસમાં સપ્લાય કરી. પ્રથમ વર્ષે જ તેમને લગભગ બે કરોડ પાઉન્ડનો ફાયદો થયો.
હવે રાજ પાસે અન્ય વેપારમાં ઝંપલાવવા માટે પૂરતા પૈસા હતા. તેમણે હીરાનો વેપાર શરૂ કર્યો અને સફળ રહ્યા.
રશિયા, યુક્રેન અને સંયુક્ત આરબ અમિરાત જેવાં રાષ્ટ્રોમાં વેપારની સંભાવના જોતાં રાજે ખનન, રિયલ એસ્ટેટ અને અક્ષય ઊર્જા જેવાં ક્ષેત્રોમાં પણ ડગ માંડ્યાં.
ત્યારબાદ તેમણે દુબઈમાં એક કંપની બનાવી અને પછી બોલીવૂડ ફિલ્મ પ્રોડક્શનમાં પણ ઝંપલાવ્યું.
તેમણે 'સતયુગ ગોલ્ડ', 'સુપર ફાઇટ લીગ' અને તાજેતરમાં જ 'બૅસિયન હૉસ્પિટાલિટી રેસ્ટોરાં ચેઇન'માં પણ રોકાણ કર્યું છે.
આ ઉપરાંત તેઓ વર્ષ 2015માં બેસ્ટ ડિલ ટીવીના પ્રમોટર બન્યા. તે એક હોમ શૉપિંગ ચેનલ હતી. તેના પ્રમોટર અક્ષય કુમાર પણ હતા.
ઉપરાંત કુંદ્રાએ ભારતના 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' હેઠળ પ્રથમ લાઇવ સ્ટ્રિમિંગ ઍપ 'જલદી લાઇવ સ્ટ્રિમ ઍપ' શરૂ કરી, જેમાં તેઓ પ્રોફેશનલ અને પ્રમોટર્સનો કૉન્ટેન્ટ લાઇવ અથવા નૉન-લાઇવ સ્ટ્રિમ કરતા હતા.
રાજ કુંદ્રા અને વિવાદો
રાજ કુંદ્રા આ પહેલી વાર કોઈ વિવાદમાં નથી સપડાયા. આ પૂર્વે તેઓ વર્ષ 2013માં આઈપીએલ-6 વખતે ક્રિકેટ મૅચના સટ્ટાકાંડ મામલે પણ વિવાદમાં ઘેરાયા હતા.
એ સમયે દિલ્હી પોલીસે તેમની પૂછપરછ કરી હતી, તેમણે કબૂલ્યું પણ હતું કે તેમણે સટ્ટો રમ્યો હતો અને તેમાં મોટી રકમ ગુમાવી હતી.
તેઓ આઈપીએલની ટીમ 'રાજસ્થાન રૉયલ્સ'ના સહ-માલિક રહ્યા છે. સમગ્ર પ્રકરણને કારણે સુપ્રીમ કોર્ટે તેમની પર સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો.
વળી એ જ વર્ષે તેમની ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો. હવે તેમની ધરપકડ પોર્નોગ્રાફી કેસ મામલે થઈ છે.
તેઓ એક કૉલેજ ડ્રૉપઆઉટ છે અને શાલના વેપારથી કરોડપતિ બિઝનેસમૅન તરીકેની સફર ખેડી છે.
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્ન બાદ તેઓ વધુ ચર્ચામાં રહ્યા છે.
શિલ્પા શેટ્ટી સાથે લગ્ન
વર્ષ 2004માં 'સક્સેઝ' સામયિકે તેમને બ્રિટનના સૌથી ધનિક એશિયન મૂળના લોકોની યાદીમાં 198મા ક્રમે રાખ્યા હતા.
29 વર્ષના રાજ એ સમયે આ યાદીમાં સામેલ થનારા સૌથી યુવાન હતા.
તેનાં ત્રણ વર્ષ બાદ એટલે કે 2007માં તેઓ પ્રથમ પત્ની કવિતાથી અલગ થઈ ગયા. ત્યારબાદ તેમની મુલાકાત શિલ્પા શેટ્ટી સાથે થઈ, જેઓ 'બિગ બ્રધર ટીવી' શોમાં ભાગ લેવા માટે એ વખતે યુકે પહોંચ્યાં હતાં. ધીમેધીમે તેઓ નજીક આવતાં ગયાં.
શિલ્પા અને કુંદ્રાએ નવેમ્બર 2009માં ભારતમાં લગ્ન કર્યાં અને એ જ વર્ષે રાજ કુંદ્રાએ આઈપીએલની ટીમ 'રાજસ્થાન રૉયલ્સ'નો 11.7 ટકા હિસ્સો ખરીદ્યો.
રાજ બે બાળકના પિતા છે. તેમણે 'શિલ્પા શેટ્ટી ફાઉન્ડેશન' નામે એક ચૅરિટેબલ સંસ્થા પણ સ્થાપી છે.
પોર્ન અને કાયદો
વિશ્વભરમાં પોર્નોગ્રાફી એક મોટો કારોબાર છે. તેમાં યૌનકૃત્યો અને નગ્નતા પર આધારિત તસવીરો, વીડિયો, ટેક્સ્ટ અને ઑડિયો તથા અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
આવી સામગ્રીને ઇલેક્ટ્રૉનિક રીતે પ્રકાશિત કરવા પર, કોઈકને મોકલવા પર કે કોઈ અન્ય દ્વારા પ્રકાશિત કરવા બદલ ઍન્ટિ-પોર્નોગ્રાફી કાયદો લાગુ પડે છે.
વિશ્વની સૌથી મોટી પોર્ન વેબસાઇટ માનવામાં આવતી 'પોર્નહબ' અનુસાર ભારત તેનું સૌથી મોટું માર્કેટ બની રહ્યું છે. જોકે વધતી યૌનહિંસા પાછળ કેટલાક નિષ્ણાતો પોર્નને પણ કારણભૂત માને છે.
વર્ષ 2018માં ભારતના દૂરસંચાર વિભાગે દેશમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવનારા તમામ સર્વિસ પ્રોવાઇડરોને 827 પોર્ન વેબસાઇટો બ્લૉક કરવાનો આદેશ આપ્યો.
આ આદેશ ઉત્તરાખંડ હાઈકોર્ટના એ નિર્ણય બાદ આપવામાં આવ્યો, જેમાં દેશમાં પોર્ન વેબસાઇટોને બંધ કરવાની વાત કહેવામાં આવી હતી.
હાઈકોર્ટમાં બળાત્કારના એક કેસમાં સુનાવણી દરમિયાન ફરિયાદીએ કહ્યું હતું કે તેણે બળાત્કાર કરતા પહેલાં પોર્ન વીડિયો જોયો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો