રાજ કુંદ્રા : શિલ્પા શેટ્ટીના પતિની પોર્ન ફિલ્મો મામલે ધરપકડ

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ એવા બિઝનેસમૅન રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મોની શૂટિંગના મામલે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી તેમની પૂછપરછ પણ કરી હતી.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ દ્વારા રાજ કુંદ્રાને ક્રાઇમ બ્રાંચે અશ્લીલ ફિલ્મો બનાવવા ઉપરાંત કેટલીક ઍપ્લિકેશન દ્વારા તેનું સ્ટ્રિમિંગ કરવા મામલે ધરપકડ કરી છે. આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં રાજ કુંદ્રાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સોમવારે જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ક્રાઇમ બ્રાન્ચે આ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવી બોલાવ્યા હતા. જે બાદ તેઓ ક્રાઇમ બ્રાંચની ઑફિસ પહોંચ્યા હતા, જ્યાં કલાકો સુધી તેમની આ મામલે પૂછપરછ થઈ અને બાદ તેમની ધરપકડ કરાઈ હતી.

આ પહેલાં પણ તેઓ વિવાદોમાં આવી ચૂક્યા છે. અભિનેત્રી પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાએ તેમની તસવીરોનો દુરુપયોગ કર્યો હતો. બીજી તરફ રાજ કુંદ્રાએ કહ્યું હતું કે જે કંપની પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે તે કંપની તેમણે છોડી દીધી છે.

વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારની પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝની આવક રૂ. 3.35 લાખ કરોડ

31 માર્ચના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીને કારણે ભારત સરકારને 3.35 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે એમ લોકસભામાં જણાવાયું છે.

ભારત સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીની આવકમાં 88 ટકાનો વધારો થયો છે.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યૂટી 19.98 રૂપિયાથી વધીને 32.90 રૂપિયા થઈ ગઈ હતી.

તેવી જ રીતે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી 15.83 રૂપિયાથી વધારીને 31.80 રૂપિયા કરી દેવામાં આવી હતી. આ માહિતી પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ પ્રધાન રામેશ્વર તેલીએ એક લેખિત પ્રશ્નના જવાબમાં ગૃહને આપી હતી.

એક્સાઇઝ ડ્યૂટીમાં કરાયેલા આ વધારાને કારણે નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટીની આવક વધીને 3.35 લાખ કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2019-20માં આ આવક 1.78 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે એક જ વર્ષમાં કેન્દ્ર સરકારની આવકમાં 88 ટકાનો વધારો થયો છે.

નાણાકીય વર્ષ 2018-19માં કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટીની આવક 2.13 લાખ કરોડ રૂપિયા હતી.

પોસ્ટઑફિસમાંથી પણ આઈટી રિટર્ન ભરી શકાશે

ભારતીય ટપાલ વિભાગ દ્વારા કરદાતાઓને ઘરઆંગણે સુવિધા મળી રહે તે હેતુસર પોસ્ટઑફિસમાંથી પણ આવકવેરાનું રિટર્ન ભરી શકાય તે માટે નવી સુવિધા આપવાની પહેલ કરાઈ છે.

હવે પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ 73 જેટલી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

ઇન્ડિયા પોસ્ટ દ્વારા ટ્વિટર પર આ માહિતી જાહેર કરતા જણાવાયું હતું કે, પોસ્ટ વિભાગ દ્વારા કૉમન સર્વિસ સેન્ટરના (સીએસસી) કાઉન્ટર પર જઈ આવકવેરાનું રિટર્ન ફાઇલ કરી શકશે. કરદાતાઓ પોતાની નજીકની પોસ્ટઑફિસે જઈને આ સવલતનો લાભ લઈ શકે છે.

ભાવનગરમાં ધાર્મિક મેળાવડો કરનારા સામે ફરિયાદ

ભાવનગર શહેરમાં એક ધાર્મિક કાર્યક્રમ માટે મંદિરમાં 200થી વધુ લોકો ભેગા થતા કાર્યક્રમના સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર તેમની સામે કોરોનાની ગાઇડલાઇનના કથિત ઉલ્લંઘન બદલ ફરિયાદ કરવામાં આવી છે.

કાળાનાળા વિસ્તારમાં આવેલા જૈનમંદિરમાં આ કાર્યક્રમ રખાયો હતો. તેમાં રવિવારે બપોરે 200થી વધુ લોકો ભેગા થયા હોવાનું નીલમબાગ પોલીસનું કહેવું છે.

વળી એવું પણ જાણવા મળ્યું કે કાર્યક્રમના સંચાલકે કાર્યક્રમ માટે કોઈ પરવાનગી પણ નહોતી લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો