કોરોનામાં ત્રણ સ્વજનોને ગુમાવનારની વ્યથા, 'આઠ હજારમાં અગિયાર જણાને કેમ નિભાવવા?'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'કોરોનામાં મારા બે ભાઈ અને ભાભીને ગુમાવ્યાં, આખાય કુટુંબની જવાબદારી મારા માથે આવી ગઈ છે. ભાઈઓનાં બાળકોને ભણાવવાનાં છે, એમનાં લગ્ન કરાવવાનાં થશે. હું કંડક્ટર છું, સરકારે આઠ હજારની સહાય આપી છે. ઘર કઈ રીતે ચલાવીશ એ સમજાતું નથી."

આ શબ્દો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કંડક્ટરની નોકરી કરતાં વિક્રમ પરમારના છે. એક જ મહિનાના સમયગાળામાં વિક્રમભાઈએ ત્રણ પરિવારજનોને ગુમાવ્યા છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં 49 વર્ષીય વિક્રમભાઈ પરમાર કહે છે કે "આ વર્ષે અમારા કુટુંબ પર એપ્રિલ મહિનો શાપ બનીને આવ્યો."

એક મહિનામાં ત્રણ પરિવારજનોનાં મૃત્યુ

"મારા બે ભાઈઓ અમારી બાપદાદાની છ વીઘા જમીનમાં ખેતી કરતા હતા."

"એમની ઇચ્છા હતી કે એમનાં બાળકો ભણીગણીને કોઈ સારા અધિકારી બને. સૌથી મોટા બિપિનભાઈને બે દીકરી અને એક દીકરો છે, જે માનસિક રીતે વિકલાંગ છે."

"એમની બંને દીકરીઓને એમની ઇચ્છા મુજબ ભણાવી રહ્યા હતા, એમના ભણતર માટે દિવસ-રાત ખેતી કરતા હતા. તો રાજેશભાઈને એક દીકરો અને દીકરી છે. એ પણ ખેતી કરતા હતા, અમે ભાઈઓએ પાઈ-પાઈ બચાવીને વહેલાલમાં ઘર બનાવ્યું હતું. અમે સુખેથી રહેતાં હતાં."

એપ્રિલ 2021ની વાત છે, 25મી તારીખે બિપિનભાઈને ખાંસી શરૂ થઈ, કોરોનાનો ટેસ્ટ કરાવ્યો તો એ પૉઝિટિવ આવ્યો.

વિક્રમભાઈ કહે છે, "એ સમયે હૉસ્પિટલમાં જગ્યા નહોતી, જેમ-તેમ કરીને અમે બાપુનગરમાં હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા, બીજા દિવસે મારા બીજા ભાઈ રાજેશને તાવ આવ્યો એમનો કોરોનાનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો."

"મારાં ભાભી મીનાક્ષીબહેનને શ્વાસ લેવામાં તકલીફ થઈ, એમને બંનેને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યાં."

10મી મેના દિવસે રાજેશભાઈનું અવસાન થયું.

વિક્રમ ઉમેરે છે, "એમના બારમાની વિધિ કરીએ એ પહેલાં 11મા દિવસે મારા બીજા ભાઈ બિપિનભાઈનું અવસાન થયું. રાજેશભાઈનાં પત્નીને આ બે અવસાનની વાત કરી ન હતી."

"ત્યાં અઠવાડિયામાં એમનું અવસાન થયું, આમ કોરોનાને લીધે મારા ઘરમાં એક મહિનામાં ત્રણ અવસાન થયાં."

દીકરીઓને પરણાવું કે ભણાવું?"

સરકારના નિયમ પ્રમાણે જેમનાં માતાપિતાનું કોરોનામાં અવસાન થયું હોય, એમના બાળકને 21 વર્ષની વય સુધી દર મહિને ચાર હજાર આપવામાં આવેશે.

કોરોનામાં એક જ પરિવારના ત્રણ સભ્યો ગૂજરી ગયા હોવા છતાં વિક્રમ પરમારને બે બાળકોનાં ભરણપોષણ માટે મહિને આઠ હજાર મળવાના શરૂ થયા છે.

પરિવારનું કહેવું છે કે બિપિનભાઈના અવસાન પછી એમનાં ત્રણ બાળકોને કોઈ સહાય મળી નથી, કારણ કે બિપિનભાઈનાં પત્ની જીવે છે .

બિપિનભાઈના અવસાન પછી એમનાં પત્ની મીનાબહેનનો અવાજ જાણે છીનવાઈ ગયો છે, એમની બે દીકરીઓ આગળ ભણવા માગે છે પણ ઘરની પરિસ્થિતિના કારણે કેટલું ભણી શકશે એની ખબર નથી.

એમની દીકરીઓ આ અંગે વાત કરવા તૈયાર નથી પણ બિપિનભાઈના ફોટાને જોતાં મીનાબહેને કહ્યું કે, "જો છોકરીઓને ભણાવું તો પૈસા નહીં રહે. થોડા વખતમાં એમનાં લગ્ન થશે. બાપદાદાની જમીન વેચવાનો એક જ રસ્તો છે. દીકરીઓને પરણાવું કે ભણાવું?"

"ઘર કેવી રીતે ચલાવીશ?"

વાતને વચ્ચેથી કાપતાં એમના ભત્રીજા પ્રતીક કહે છે કે "કાકી ચિંતા ન કરો. હું હવે મોટો થઈ ગયો છું. થોડા સમયમાં ભણીને નોકરીએ લાગી જઈશ, બહેનોનાં લગ્નની જવાબદારી મારી છે, કાકી ચિંતા ન કરશો."

પ્રતીક પોતાનાં ત્રણ વર્ષની બહેનને બખૂબી સાચવે છે, પ્રતીકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારાં માતા-પિતાનું અવસાન થયું છે, હવે ઘરમાં કમાનારા એક માત્ર કાકા છે, મોટા કાકાનો દીકરો નાનપણથી માનસિક રીતે અસ્થિર છે એટલે મારા કાકા જે મહેનત કરે, એમાં હું મદદ કરીશ."

"ભણીને પોલીસમાં જોડાઈ જઈશ. સરકારી નોકરી મળશે એટલે કાકાના માથેથી જવાબદારી પણ ઓછી થશે."

પોતાનાં ત્રણ બાળકો, પત્ની, ભાઈની વિધવા પત્ની, એમનાં ત્રણ બાળકો અને અનાથ થયેલાં નાનાભાઈનાં બે બાળકોની જવાબદારી માથે આવી પડતાં ભાંગી પડેલા વિક્રમભાઈ કહે છે, "સરકારે જે બાળકોનાં માતા-પિતા કોરોનામાં ગૂજરી ગયાં હોય, એમને સહાય આપવાની સાથે જેમનાં ઘરમાં મોભી ગયો હોય, એવાં બાળકોને પણ મદદ કરવી જોઈએ, જેથી ભણતર અટકે નહીં."

"મેં સરકારમાં બિપિનભાઈના માનસિક અસ્થિર દીકરા સાગરને દર મહિને 1000ની સહાય મળે એ માટે અરજી કરી છે."

તેઓ કહે છે, "પહેલાં તહેવારોમાં બાળકોને કપડાં અને મીઠાઈ લાવી આપતાં હતાં, એમાં કરકસર કરવી પડશે."

"મને 49 વર્ષ થયાં છે, આઠ વર્ષ પછી હું રિટાયર્ડ થઈશ. છ વીઘા જમીનમાં ઘર કેવી રીતે ચલાવીશ? ઘરમાં પાંચ છોકરીઓ છે, એમનાં લગ્નમાં જમીન પણ વેચાઈ જશે, ખબર નહીં હું હવે મારું ઘર કેવી રીતે ચલાવીશ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો