સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મામલે ફટકાર કેમ લગાવી?

    • લેેખક, સુચિત્ર મોહંતી
    • પદ, બીબીસી માટે

સુપ્રીમ કોર્ટે ભારતમાં ખાનગી હૉસ્પિટલોના તંત્ર પર ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું છે કે હૉસ્પિટલો હવે એક એવા મોટા ઉદ્યોગમાં ફેરવાઈ ગઈ છે, જે માનવીય પીડા પર વિકસે છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે કહ્યું, "આપણે હૉસ્પિટલોને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી તરીકે જોઈએ છીએ કે માનવતા પ્રત્યેના સેવાકાર્યના રૂપમાં?"

કોરોનાના દરદીઓની યોગ્ય સારવાર અને હૉસ્પિટલોમાં મૃતદેહોના સન્માનજનક સંભાળ તથા દેશભરમાં કોવિડ હૉસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પરની સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે હૉસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જવા બદલ ગુજરાત સરકારને ફટકાર પણ લગાવી છે.

'માનવીય પીડા પર ઊભેલો ઉદ્યોગ'

અસંખ્ય હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાતું હોવાનું નોંધતાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, "હૉસ્પિટલો હવે માનવીય પીડા પર ઊભેલો મોટો ઉદ્યોગ બની ગઈ છે. માનવજીવનની કિંમતે આપણે તેને સમૃદ્ધ થવાની પરવાનગી ન આપી શકીએ."

"આવી હૉસ્પિટલો બંધ કરવી જોઈએ અને રાજ્ય સ્વાસ્થ્ય સુવિધા વિકસાવવી જોઈએ. ચાર ઓરડાની ઇમારતમાં આવી હૉસ્પિટલોને કામ કરવાની પરવાનગી આપી ન શકાય."

જસ્ટિસ ચંદ્રચુડે હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે મરનારી એક વ્યક્તિનું ઉદાહરણ આપતાં કહ્યું કે એક વ્યક્તિ કોવિડ-19થી સાજી થઈ ગઈ હતી અને આગામી દિવસે તેને હૉસ્પિટલમાંથી રજા મળવાની હતી. જોકે, હૉસ્પિટલમાં આગ લાગતાં અન્ય બે નર્સ સાથે તે જીવતી સળગીને મરી ગઈ.

બેન્ચે પૂછ્યું, "આ ઘટના આપણી નજર સામે ઘટી રહી છે. આ હૉસ્પિટલો રિયલ એસ્ટેટ ઉદ્યોગ છે કે માનવતા માટે એક સેવાકાર્ય છે?"

ગુજરાત સરકારને ફટકાર

હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું અનુસરણ ન કરવા બદલ બેન્ચે ગુજરાત સરકારને પણ ફટકાર લગાવી.

ગુજરાત સરકારે ગત 8 જુલાઈએ એક અધિસૂચના જાહેર કરી હતી, જેમાં સરકારે હૉસ્પિટલોને ઇમારતોમાં બાય-લૉઝ સંબંધિત નિયમો અનુસાર સુધારો કરવા માટે જૂન 2022 સુધીનો વધારાનો સમય આપ્યો હતો.

આના પર પીઠે કહ્યું, "આપ કહો છો કે હૉસ્પિટલોએ 2022 સુધી પાલન કરવાની જરૂર નથી અને લોકો મરતાં રહેશે, સળગતાં રહેશે..."

હૉસ્પિટલોમાં ફાયર સેફટી નૉર્મ્સ સંબંધિત એક અહેવાલને બંધ કવરમાં રજૂ કરવા મામલે પણ કોર્ટે વાંધો લીધો હતો.

જસ્ટિસ ચંદ્રચુડે ટિપ્પણી કરી, "આ પંચ વગેરેનો અહેવાલ સીલબંધ કવરમાં કેમ છે? આ કોઈ ન્યૂક્લિયર સિક્રેટ નથી."

નોંધનીય છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની કોરોના હૉસ્પિટલોમાં લાગેલી આગમાં કેટલાય લોકોનાં મૃત્યુ થવાની ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે દેશભરની હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને અન્ય ગેરરીતિઓ અંગે ઑડિટના આદેશ આપ્યા હતા.

'કોર્ટની અવમાનના'

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે આ કોર્ટ દ્વારા 18 ડિસેમ્બર, 2020ના રોજ અપાયેલા આદેશ અનુસાર તમામ રાજ્યોની દરેક હૉસ્પિટલમાં એક નૉડલ અધિકારીની નિમણૂક કરવાની હતી, જેથી સુનિશ્ચિત કરાવી શકાય કે હૉસ્પિટલોમાં આગથી બચવા માટે તમામ નિયમોનું પાલન કરવામાં આવે.

આ સાથે જ ફાયર ડિપાર્ટમેન્ટનું એનઓસી ન ધરાવતી હૉસ્પિટલો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

જોકે, 8 જુલાઈએ ગુજરાત સરકારે એક અધિસૂચના જાહેર કરીને આવું કરવા અંગેની ડેડલાઇન જૂન 2022 સુધી વધારી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું "ગુજરાતમાં 40 હૉસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી થવાની હતી. તેઓ ગુજરાત હાઈકોર્ટ ગયા. બાદમાં સરકારે આદેશ આપ્યો કે આગથી બચાવના નિયમોનું પાલન ન કરનારી હૉસ્પિટલો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરાય. આ પ્રકારનો આદેશ કોર્ટની અવમાનના છે."

કોર્ટે આ અધિસૂચના કેમ જાહેર કરાઈ એ અંગે પણ ગુજરાત સરકારને પૂછ્યું છે.

સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી માટે બે સપ્તાહ બાદની તારીખ નક્કી કરતાં ગુજરાત સરકારને કહ્યું કે ડિસેમ્બર 2020ના આદેશ અનુસાર કરાયેલા ઑડિટ સાથે વિસ્તૃત નિવેદન રેકૉર્ડ પર રજૂ કરવામાં આવે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો