You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Blue Origin : એમેઝોનના જેફ બેઝોસે ભરી અંતરીક્ષની ઉડાણ, કેવી રહી 11 મિનિટની મુસાફરી?
અબજોપતિ અમેરિકન બિઝનેસમૅન અને એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ અને ત્રણ અન્ય લોકો અંતરીક્ષની ઉડાણ ભરી આવ્યા.
આ યાત્રામાં બેઝોસ સાથે તેમના ભાઈ માર્ક બેઝોસ, 82 વર્ષનાં પૂર્વ પાઇલટ વૅલી ફન્ક અને 18 વર્ષના વિદ્યાર્થી ઑલિવિર ડાયમૅન પણ સામેલ થયા હતા..
આ તમામ લોકો બેઝોસની કંપની 'બ્લૂ ઑરિજન'ના અંતરીક્ષયાન 'ન્યૂ શૅફર્ડ'થી અંતરીક્ષ ભણી ઊડ્યા. આ કંપનીને અંતરીક્ષ-પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
'ન્યૂ શૅફર્ડ'માં મોટીમોટી બારી છે, જેમાંથી યાનમાં સવાર લોકો અંતરીક્ષમાંથી પૃથ્વીનો ખૂબસૂરત નજારો જોઈ શકે.
મુસાફરી પૂરી કરીને ધરતી પર પરત ફર્યા બાદ બેઝોસે આ દિવસને એમનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, "અત્યાર સુધીનો શ્રેષ્ઠ દિવસ".
ત્રણ દિવસ પહેલાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જેફ બેઝોસે અવકાશયાત્રા વિશે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું, "હું પાંચ વર્ષનો હતો ત્યારથી અવકાશયાત્રાએ જવાનું મારું સ્વપ્ન હતું. 20 જુલાઈએ મારા ભાઈ સાથે હું અવકાશયાત્રાએ જઈશ. સૌથી મોટું સાહસ, મારા સૌથી સારા મિત્ર સાથે."
અત્રે ઉલ્લેખનીય છે કે 11 જુલાઈના રોજ વર્જિન ગૅલેક્ટિકના રિચર્ડ બ્રાનસન પોતાના સ્પેસપ્લેન 'વર્જિન વીએસએસ યુનિટી' દ્વારા અંતરીક્ષની યાત્રા પર રવાના થયા હતા અને લગભગ સવા કલાકમાં પોતાની યાત્રા પૂરી કરીને પાછા આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બિંદુ જ્યાં થાય છે અંતરીક્ષની શરૂઆત
ઉડાણના બે મિનિટ બાદ કૅસ્પ્યૂલ રૉકેટથી અલગ થઈ ગઈ અને કારમૅન લાઇન સુધી પહોંચી ગઈ.
આ અંતરીક્ષયાત્રાના મુસાફરોએ ચાર મિનિટ સુધી શૂન્યાવકાશની સ્થિતિ અનુભવી.
વજનરહિત આ અવસ્થામાં અંતરીક્ષયાત્રીઓના બૅલ્ટ ખોલી દેવાયા અને હવામાં તરતાંતરતાં તેમણે ધરતીનો સુંદર નજારો નિહાળ્યો.
કારમૅન લાઇન ધરતીથી લગભગ 62 માઈલની ઊંચાઈ પર આવેલી છે.
આ કારમૅન લાઇનને આંતરરાષ્ટ્રીય સ્તરે અંતરીક્ષની શરૂઆતના બિંદુ તરીકે માન્યતા આપવામાં આવી છે.
બ્લૂ ઑરિજિનના ઍસ્ટ્રોનૉટ સેલ્સ વિભાગના ડિરેક્ટર ઍરિયન કૉર્નેલે જણાવ્યું હતું, "અત્યાર સુધી 569 લોકો જ આ કારમૅન લાઇન સુધી ગયા છે. ન્યૂ શૅફર્ડ વ્હિકલની મદદથી આ સ્થિતિમાં પરિવર્તન લાવશે અને તે મોટું પરિવર્તન હશે."
સ્પેસ ટૂરિઝમમાં ધનાઢ્યોને રસ
રિચર્ડ બ્રાનસનની યુનિટી સ્પેસ ફ્લાઇટ બાદ જેફ બેઝોસની બ્લૂ ઑરિજિનની આ ફ્લાઇટને જોતાં એ કહી શકાય સ્પેસ ટૂરિઝમ ક્ષેત્રે છેલ્લાં અમુક વર્ષોમાં ઘણો વિકાસ થયો છે.
જેફ બેઝોસની જેમ દુનિયાના મોટામાં મોટા ધનિક લોકો સ્પેસ ટૂરિઝમની દોડમાં સામેલ છે.
છેલ્લાં 12 વર્ષમાં કેટલાક મોટા ઉદ્યમીઓએ આ બાબતે ઊંડો રસ બતાવ્યો છે, જેમાં વર્જિન ગૅલેક્ટિના રિચર્ડ બ્રાનસન અને જેફ બેઝોસ સમેત સ્પેસ એક્સના ઍલન મસ્ક પણ સામેલ છે.
ઍલન મસ્ક આ વર્ષે શિયાળામાં સામાન્ય વ્યક્તિઓ માટે સ્પેસએક્સ ડ્રૅગનશિપ્સ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ ફ્લાઇટ ઑર્બિટલ હશે અને કૅપ્સ્યૂલ અમુક દિવસો સુધી ઑર્બિટમાં રહેશે.
2000થી 2010 વચ્ચે સાત પૈસાદાર લોકોએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાત માટે સારા એવા પૈસા ચૂકવ્યા હતા, પરંતુ રશિયન સ્પેસ એજન્સીની મદદથી યોજાનાર આ અંતરીક્ષયાત્રા 2009માં રદ થઈ ગઈ હતી.
ત્યારબાદ આ ક્ષેત્રે ફરી રસ જાગ્યો હતો અને જેફ બેઝોસ, ઍલન મસ્ક અને રિચર્ડ બ્રાનસને આ અંગે પોતાની મહત્ત્વાકાંક્ષાને હકીકતમાં બદલવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
આ સિવાય અંતરીક્ષમાં ખાનગી સ્પેસ સ્ટેશન લૉન્ચ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. એગ્ઝિઑમ નામની કંપની આ અંગે વિચારી રહી છે, આ કંપનીના સંસ્થાપક છે નાસાના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના પૂર્વ પ્રોગ્રામ મૅનેજર.
રિચર્ડ બ્રાનસન 'યુનિટી 22' યાત્રાએ જઈ આવ્યા છે
યુકેના અબજોપતિ અને વર્જિન ગૅલેક્ટિકના ચૅરમૅન રિચર્ડ બ્રાન્સન અને બીજી પાંચ વ્યક્તિ નવ દિવસ પહેલાં 'યુનિટી 22' મિશનમાં ગઈ હતી.
આ મિશનમાં બે પાઇલટ અને કૅબિનમાં ચાર મિશન સ્પેશિયાલિસ્ટ હતા. કૉમર્શિયલ અવકાશયાત્રાને કઈ રીતે વધુ આરામદાયી અને આનંદમય બનાવી શકાય તે ચકાસવા આ ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવી હતી.
યુકેના વેપારી રિચર્ડ બ્રાનસનની કંપની 17 વર્ષથી જે સ્પેસ વ્હિકલ પર કામ કરી રહી હતી તેમાં તેમણે ન્યૂ મેક્સિકોથી આ ફ્લાઇટમાં ઉડાન ભરી હતી.
તેમણે કહ્યું હતું કે આ તેમના જીવનનો જાદુઈ અનુભવ હતો.
યુનિટી 22નું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ભારતીય સમયાનુસાર આ યાત્રા રાત્રે આઠ વાગ્યે શરૂ થઈ અને લગભગ સવા કલાક બાદ રાત્રિના 9.12 મિનિટે તેઓ ધરતી પર પાછા ફર્યા હતા.
રિચર્ડ બ્રાન્સન વર્જિન ગૅલેક્ટિટ રૉકેટ પ્લેનને એટલી ઊંચાઈએ લઈ ગયા હતા જ્યાં આકાશ કાળું દેખાવા લાગ્યું હતું અને પૃથ્વી ગોળાકાર દેખાતી હતી.
અહીં નોંધનીય છે કે આ મિશન જેટલું ખાસ અમેરિકા માટે હતું એટલું જ ખાસ ભારત માટે પણ હતું. ભારતીય મૂળનાં શિરીષા બાંદલા આ મિશનનો મહત્ત્વપૂર્ણ ભાગ હતાં.
રિચર્ડ બ્રાનસનના આ ખાસ મિશનની શરૂઆતમાં તેમનો ઉત્સાહ વધારવા માટે ઍલન મસ્ક પણ તેમને મળવા પહોંચ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો