પેગાસસ જાસૂસી કેસ : નવી યાદીમાં અનેક ચોંકાવનારાં નામ, 'શું મોદી સરકારે સ્પાયવૅર ખરીદેલું છે?'

પેગાસસ જાસૂસી કેસમાં જે કથિત નવી યાદી બહાર પાડી છે એમાં એ મહિલાનું નામ પણ છે, જેમણે 2019માં ભારતના તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો.

આ યાદીમાં મહિલા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ત્રણ નંબરનો સમાવેશ છે એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ યૌનશોષણ કેસમાં રંજન ગોગોઈને ક્લીનચિટ આપી હતી. રંજન ગોગોઈ નિવૃત્ત થયા એ બાદ તરત જ એમને નરેન્દ્ર મોદી સરકારે રાજ્યસભાનું સભ્યપદ આપ્યું હતું.

ધ વાયરના અહેવાલ અનુસાર આ મહિલાના નંબરોની સાથે એમના પતિ અને બે ભાઈ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા અન્ય આઠ નંબરને પણ કથિત જાસૂસી માટે પસંદ કરવામાં આવ્યા હતા. ધ વાયર અનુસાર આ એ જ સમય હતો જ્યારે પૂર્વ ચીફ જસ્ટિસ સામે એમણે આરોપ મૂક્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર મહિલાના એક દિયરે સોમવારે કહ્યું કે, એમને કે એમના પરિવારને એમનો ફોન જાસૂસીનો સંભવિત ટાર્ગેટ હતો એ વિશે કોઈ માહિતી નથી. એમણે કહ્યું, અમે કંઈ ખોટું કર્યું નથી. આ સિવાય કોઈ પણ ટિપ્પણી એમણે નથી કરી.

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસમાં તહેનાત મહિલાના પતિ અને દિયરને ડિસેમ્બર 2018માં બરતરફ કરવામાં આવ્યા હતા.

જોકે, પોલીસનું કહેવું હતું કે એમની બરતરફી અને મહિલાના આરોપ વચ્ચે કોઈ સંબંધ નથી. એ પછી 2019માં બેઉને ફરજ પર પરત લઈ લેવામાં આવ્યા હતા.

ધ હિંદુના અહેવાલ મુજબ પેગાસસના આ કથિત જાસૂસી કેસની નવી યાદી અનુસાર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી, પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર, કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ અને પ્રહલાદ પટેલના મોબાઇલ નંબરોની પણ જાસૂસીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સોમવારે કૉંગ્રેસ પાર્ટીએ આ મામલે પ્રેસ-કૉન્ફરન્સ કરીને સત્તાધારી પાર્ટી ભાજપ પર આરોપ મૂકી ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માગ્યું તથા આ કેસમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાની પણ તપાસ કરવાની માગ કરી.

ઉલ્લેખનીય છે કે ડિજિટલ ન્યૂઝ પ્લૅટફૉર્મ ધ વાયરે 16 મીડિયા સંસ્થાનો પૈકીની એક છે, જેમણે નંબરોની જાસૂસી અંગે અહેવાલ પ્રકાશિત કર્યા છે.

આ અહેવાલ મુજબ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નજીકના કમસે કમ પાંચ લોકોના ફોન નંબર પણ એ સંભવિત લોકોની યાદીમાં છે જેમની કાં તો જાસૂસી થઈ અથવા તેઓ ટાર્ગેટ હતા.

ધ વાયર અનુસાર 2019ના મધ્યમાં રાહુલ ગાંધીની બે નજીકની વ્યક્તિ અલંકાર સવાઈ અને સચીન રાવના નંબરની જાસૂસી થઈ.

આ સિવાય લીક થયેલી આ કથિત યાદી અનુસાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું નામ પણ એમાં સામેલ છે.

ધ વાયર અનુસાર 2018માં પ્રશાંત કિશોરના ફોન પર પેગાસસથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

આ ઉપરાંત જે લોકોને કથિત મોબાઇલ સર્વેલન્સ માટે પસંદ કરવામાં આવ્યા તેમાં જગદીપ છોખર, વાયરૉલૉજિસ્ટ ડૉક્ટર ગગનદીપ કાંગ, બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ભારતના પ્રમુખ હરિ મેનનનું નામ પણ સામેલ છે.

50,000 ટેલિફોન નંબરોનો લીક થયેલો ડેટાબેઝ સૌથી પહેલા ફૉરબિડન સ્ટોરીઝ અને ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલને મળ્યો, જેને એમણે દુનિયાભરની 16 મીડિયા સંસ્થા સાથે શૅર કર્યો.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનો એક નંબર જે તેઓ ક્યારેક ઉપયોગ કરતા હતા તે પણ આ કથિત યાદીમાં સામેલ છે.

પેગાસસ સ્પાયવૅર ખૂફિયા રીતે ફોન, કમ્પ્યુટર કે અન્ય ઉપકરણોને અનલૉક કરી શકે છે, જાણકારી ભેગી કરી શકે છે અને તેને ઉપયોગ કરનારની પરવાનગી વિના અન્ય કોઈ ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકે છે.

જોકે, ઇઝરાયલની કંપની એનએસઓએ આ અહેવાલો પર સવાલ કર્યો છે અને કહ્યું છે કે ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને ફૉરબિડન સ્ટોરીઝનો ડેટા ગુમરાહ કરનારો છે.

કંપનીનું કહેવું છે કે આ ડેટા એ નંબરોનો ન હોઈ શકે જેની સરકારો દેખરેખ કરે છે. આ સિવાય એનએસઓએ કહ્યું કે તે પોતાના ગ્રાહકોની ખૂફિયા હિલચાલથી વાકેફ નથી. પેગાસસ જે તે ફોન પર આવનાર-જનાર દરેક કૉલનો ડેટા ભેગો કરવા સક્ષમ છે.

ભારતના ઇન્ફર્મેશન ઍન્ડ ટેકનોલૉજી અને માહિતી પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે લોકસભામાં પેગાસસ સ્પાયવૅર દ્વારા કથિત ફોન ટેપિંગનો આરોપ નકારી કાઢ્યો છે અને એ મામલે સરકારનો પક્ષ રજૂ કર્યો.

અશ્વિની વૈષ્ણવે કહ્યું, "ગઈ કાલે રાતે એક વેબપોર્ટલ પર એક ખૂબ જ સંવેદનશીલ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો. જેમાં ખૂબ વધારીને આરોપ મૂકવામાં આવ્યા. આ રિપોર્ટ સંસદના ચોમાસુસત્રના એક દિવસ અગાઉ પ્રકાશિત કરવામાં આવ્યો. આ સંયોગ ન હોઈ શકે."

એમણે કહ્યું, "આ અગાઉ પણ વૉટ્સૅપ પર પેગાસસના ઉપયોગને લઈને ભળતા દાવાઓ કરવામાં આવ્યા છે જે પાયાવિહોણા હતા અને બધી પાર્ટીઓએ એને રદિયો આપ્યો હતો."

"18 જુલાઈએ પ્રકાશિત રિપોર્ટ પણ ભારતની લોકશાહી અને તેની સ્થાપિત સંસ્થાઓને બદનામ કરવાની કોશિશ હોય એમ પ્રતીત થાય છે."

'શું મોદી સરકારે સ્પાયવૅર ખરીદેલું છે?'

ઇઝરાયલની કંપની એનએસઓનું કહેવું છે કે અધિકૃત એજન્સીઓ જ પેગાસસનો ઉપયોગ કરે છે.

જોકે, ભારત સરકારે આ તકનીકની ખરીદી કરી હોવાની કોઈ અધિકૃત માહિતી નથી.

સમાચારપત્ર ઇન્ડિયન એક્સપ્રેસે 2019ના કથિત જાસૂસી વિવાદ અને હાલના વિવાદમાં અનુત્તર સવાલો અંગે અહેવાલ પ્રકાશિત કર્યો છે.

જેમાં અખબાર લખે છે કે શું ભારત સરકાર કે તેની એજન્સીઓએ પેગાસસ ખરીદ્યું છે, જો હા તો તેના ઉપયોગની નીતિ શું છે?

અખબાર 2019માં રાજ્યસભામાં આ અંગે થયેલી ચર્ચાને ટાંકે છે અને કહે છે કે સોમવારે જે અશ્વિની વૈષ્ણવે કહ્યું એ જ વાત રવિશંકર પ્રસાદે 28 નવેમ્બર 2019ના રોજ રાજ્યસભામાં કહી હતી, પણ સરકારે પેગાસસની ખરીદી કરી છે કે નહીં અને જો કરી હોય તો તેના ઉપયોગને લઈને નીતિ વિશેની બાબત અનુત્તર છે.

સરકારનું કહેવું છે કે તમામ દેખરેખ યોગ્ય નીતિ અનુસાર કરવામાં આવી રહી છે.

2019માં વૉટ્સઍપ હૅક (જેનો ઉલ્લેખ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે કર્યો હતો) વિવાદ ટાંકીને અખબાર લખે છે કે રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ફક્ત ત્રણ જ શક્યતા છે. એક, સરકાર પોતે કાયદેસર જાસૂસીમાં સંકળાયેલી છે અથવા બે, સરકાર કાયદેસર જાસૂસીની પરવાનગી આપી છે અથવા ત્રણ, તે સરકારની જાણ બહાર ગેરકાયદે થઈ રહી છે.

એ વખતે વિપક્ષે કહ્યું હતું, "કોઈ પણ સરકારી એજન્સી સરકારની જાણ બહાર પેગાસસની ગેરકાયદે ખરીદી કેવી રીતે કરી શકે અને જો આ સરકાર નથી કરી રહી અને ઇઝરાયલનું એનએસઓ ગ્રૂપ કરી રહ્યું છે તો સરકારે તેને ગંભીરતાથી કેમ નથી લઈ રહી."

ઉલ્લેખનીય છે 2019માં રવિશંકર પ્રસાદે અને તાજેતરમાં અશ્વિની વૈષ્ણવે ગૃહમાં કહ્યું કે, આઈટી ઍક્ટની કલમ 69 અને ટેલિગ્રાફ ઍક્ટની કલમ 5 સરકારને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને ઇલેક્ટ્રિક કૉમ્યુનિકેશનનું સર્વેલન્સ કરવાની કાયદેસર સત્તા આપે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પેગાસસની કથિત જાસૂસીને લઈને વિપક્ષે અમિત શાહના રાજીનામાની અને નરેન્દ્ર મોદીની ભૂમિકાની તપાસની માગ કરી છે તો સામે સરકારે આરોપ નકારી કાઢ્યા છે. અમિત શાહે આને લોકતંત્રને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો