કપ્પા કોરોના વૅરિયન્ટ : કેટલો ખતરનાક છે વૅરિયન્ટ, કઈ રસી અસરકારક?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં કપ્પા વૅરિયન્ટે દેખા દીધી છે, રાજ્યમાં તેના છ કેસ નોંધાયા છે. મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં ત્રણ, ગોધરા (પંચમહાલ)માં બે તથા મહેસાણામાં એક કેસ નોંધાયો છે.

આ કોઈ નવો વૅરિયન્ટ નથી અને ઑક્ટૉબરથી જ દેશમાં તેની હાજરી નોંધાઈ છે. એપ્રિલ મહિનામાં વૅરિયન્ટને 'કપ્પા' નામ આપવામાં આવ્યું હતું.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે આ વૅરિયન્ટને 'ધ્યાન આપવા પાત્ર વૅરિયન્ટ' ઠેરવ્યો છે, જોકે તેને 'ચિંતાને પાત્ર' વૅરિયન્ટ નથી ઠેરવવામાં આવ્યો.

ગુજરાતમાં કોરોનાનો કપ્પા વૅરિયન્ટ

કોઈ પણ વાઇરસની સંક્રમણક્ષમતા, તે કેટલો ઘાતક છે, તે શરીરની સુરક્ષાપ્રણાલીને થાપ આપી શકે છે કે નહીં, વૅક્સિન કે દવાઓ તેની પર અસરકારક છે કે નહીં, તથા તપાસમાં તેની હાજરી જાણી શકાય છે કે નહીં, વગેરે બાબતોનો અભ્યાસ સતત કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં કપ્પા વૅરિયન્ટના કેસ માર્ચથી જૂન મહિના દરમિયાન નોંધાયા હતા, જિનૉમ સિક્વન્સિંગ દ્વારા તે 'કપ્પા' વૅરિયન્ટ હોવાનું બહાર આવ્યું છે.

પેશન્ટનું કૉન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું, પરંતુ તેમાંથી કોઈને કોવિડ-19નાં લક્ષણો દેખાયાં નથી. આમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ સાવચેતી હાથ ધરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ કપ્પા વૅરિયન્ટે દેખા દીધી હતી, પરંતુ તેણે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી ન હતી.

ઉલ્લેખનીય છે કે ડેલ્ટા તથા ડેલ્ટા-પ્લસ વૅરિયન્ટને ગુજરાત તથા દેશમાં બીજી લહેર માટે કારણભૂત માનવામાં આવે છે.

કઈ રસી કોરોનાના કપ્પા વૅરિયન્ટ સામે અસરકારક?

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં ICMRને ટાંકતાં દાવો કરાયો છે કે ભારતમાં નિર્મિત કોવૅક્સિન કોરોનાના આ વૅરિયન્ટ સામે લડવા માટે સક્ષમ છે.

જ્યારે ઓક્સફૉર્ડ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત અને ઍસ્ટ્રાઝેનેકા દ્વારા સંશોધિત કોવિશિલ્ડ વૅક્સિન પણ કપ્પા વૅરિયન્ટ સામે અસરકારક છે.

કોઈ પણ વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિટ થાય, સમુદાયમાં ફેલાય તથા એક દેશમાંથી બીજા દેશમાં પહોંચે એટલે તે સ્વરૂપ બદલતો હોય છે. જે વૅરિયન્ટ ઉપરાંત મ્યુટેશન તરીકે ઓળખાય છે.

કોરોના વૅરિયન્ટનાં નામ કઈ રીતે પડે છે?

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગ્રીક મૂળાક્ષર 'કપ્પા' પર ડબલ મ્યુટન્ટ વૅરિયન્ટને આ નામ આપ્યું હતું.

અગાઉ 'આલ્ફા', 'બિટા', 'ગૅમા' અને 'ડેલ્ટા' જેવાં વૅરિયન્ટનાં નામો પણ ગ્રીક મૂળાક્ષર પરથી જ આપવામાં આવ્યાં હતાં.

અગાઉ દેશના આધારે વૅરિયન્ટ ઓળખાતા હતા, જેમ કે 'યુકે વૅરિયન્ટ' (આલ્ફા), 'બ્રાઝિલ વૅરિયન્ટ' (ગૅમા), 'સાઉથ આફ્રિકા વૅરિયન્ટ' (બીટા) કે 'ભારતીય વૅરિયન્ટ' (B.1.617).

કોઈ દેશ સાથે વૅરિયન્ટના નામને જોડવાથી દેશની શાખને નુકસાન પહોંચતું હતું અને આરોપ-પ્રત્યારોપ પણ થતા હતા, જેના કારણે ગ્રીક મૂળાક્ષરોના આધારે નામકરણ કરવામાં આવે છે.

ડેલ્ટા અને કપ્પાની વચ્ચે ઇટા (અનેક દેશમાં દેખાયેલો) અને લોટા (નવેમ્બર-2020માં અમેરિકામાં દેખાયેલો) નામ આપવામાં આવ્યાં હતાં, કપ્પા પછી લેમડા નામ પણ આપવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો