કાશ્મીર મામલે પાકિસ્તાન સાથે વાતચીતની જરૂર નથી - મનોજ સિંહા

- લેેખક, મુકેશ શર્મા
- પદ, ઇન્ડિયા ડિજિટલ એડિટર, બીબીસી ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં ફરી વાર કહ્યું છે કે કાશ્મીર મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની કોઈ જરૂરિયાત નથી.
કાશ્મીરી પંડિતો પર થઈ રહેલા હુમલાને 'આતંકવાદી હુમલો' ગણાવતાં સિંહાએ કહ્યું કે, એક સમય એવો હતો કે જ્યારે પાકિસ્તાનથી ફરમાન આવે ત્યારે કાશ્મીરમાં દુકાનો બંધ થઈ જતી હતી અને હવે તે સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે.
તેમણે હુર્રિયત કૉન્ફરન્સના ચૅરમૅન મીરવાયઝ ઉમર ફારુકના 'નજરબંધ કે બંધ' હોવાની વાતનો સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું છે કે તેમના ઘરની આસપાસ હાજર પોલીસ માત્ર તેમની સુરક્ષા માટે છે.
ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હઠાવાયા બાદ આવેલાં પરિવર્તનોની પણ ચર્ચા કરી છે.

કાશ્મીર મામલે પાકિસ્તાન સાથે વાતચીત અંગે મનોજ સિંહાએ કેમ નકારાત્મક મત વ્યક્ત કર્યો?

- કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બીબીસી ન્યૂઝ ઇન્ડિયા ડિજિટલ એડિટર મુકેશ શર્મા સાથે ખાસ વાતચીત કરી હતી
- તેમણે આ વાતચીતમાં રાજ્યમાં ફરી ચૂંટણી ક્યારે કરાવાશે તે વાત અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો
- આ સિવાય મનોજ સિંહાએ દાવો કર્યો હતો કે પ્રદેશમાં અનુચ્છેદ 370 હઠાવાયા બાદથી શાંતિ સ્થાપિત કરી શકાઈ છે
- આ સિવાય તેમણે યુવાનોને રોજગારી માટે તકોનું નિર્માણ કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો.
- તેમણે કોઈ પણ રાજકીય વ્યક્તિ કે નિર્દોષને બંધ કે નજરબંધ ન રાખ્યા હોવાનો દાવો કર્યો હતો

મનોજ સિંહા સાથેની વાતચીતના મુખ્ય મુદ્દા -

અનુચ્છેદ 370 હઠવાથી શું હાંસલ થયું?
દેશની સંસદમાં બનેલ ઘણા કાયદા જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહોતા થતા, હવે 890 એવા કાયદા છે જે જમ્મુ-કાશ્મીરમાં લાગુ થઈ ગયા છે, જેમ કે શિક્ષણનો અધિકાર.
બીજો ઉદ્દેશ હતો જમ્મુ-કાશ્મીરને સમગ્ર દેશ સાથે એક કરવાનો અને તેમાં અમને સફળતા પણ મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બે લક્ષ્યો જે હજુ હાંસલ નથી કરી શકાયાં?
રેવન્યૂ જનરેશન કેવી રીતે વધારવું, જેનાથી અહીંની જીડીપી બમણી થાય. સુરક્ષા એજન્સીઓમાં તાલમેલ 90 ટકા સુધી થઈ ચૂક્યું છે અને તે હજુ બહેતર થઈ રહ્યું છે. હવે દિલ્હી કે જમ્મુ-કાશ્મીરનું પ્રશાસન શાંતિ ખરીદવામાં નહીં પરંતુ સ્થાપિત કરવામાં વિશ્વાસ ધરાવે છે. અને આ જ દિશામાં કામ થઈ રહ્યું છે કે શાંતિ ખરીદવી ન પડે બલકે શાંતિ સ્થાપિત કરી શકાય.


ઇમેજ સ્રોત, FAROOQ KHAN/EPA-EFE/REX/SHUTTERSTOCK
મહબૂબા મુફ્તી કહેતાં રહ્યાં છે કે જ્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નથી થતી ત્યાં સુધી કાશ્મીરમાં સ્થાયી શાંતિ ન થઈ શકે?
આ તેમનો મત છે, પરતું હું માનું છું કે જો વાત કરવાની હોય તો અહીંના લોકો સાથે વાત કરવી પડશે. અહીંના નવયુવાનો સાથે કરવાની છે, પાકિસ્તાન સાથે વાત કરવાની ન અમે જરૂર સમજીએ છીએ, ના તેનાથી કંઈ થવાનું છે. અહીંના લોકો જ્યારે ઇચ્છશે ત્યારે વાત કરીશું.

હવે ખીણમાં પથ્થરમારો કે હડતાળ નથી થતી પરંતુ આ સ્વૈચ્છિક છે કે તેના માટે ડર કારણભૂત છે?
ખીણના નાગરિક અને નવયુવાનો હવે આ વાતોથી કંટાળી ગયા છે અને તેઓ દેશના લોકો સાથે જોડાવા માગે છે, થોડી સંખ્યામાં એવાં તત્ત્વો છે જે પાડોશીના ઇશારા પર કામ કરે છે અને આવી વાતો ફેલાવે છે.


ઇમેજ સ્રોત, MUZAMIL MATTOO/NURPHOTO VIA GETTY IMAGES
વર્ષ 2019માં ઘણા સ્થાનિકોએ કહ્યું કે તેમના ઘરના લોકોને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ ઉઠાવીને લઈ ગઈ અને તેમના પરના આરોપોની ખબર પણ નથી?
કોઈ પણ રાજકીય, સામાજિક કે ધાર્મિક વ્યક્તિ ન જેલમાં છે, ન અટકાયતમાં. અપરાધીઓ માટે જેલ બની છે તેથી તેઓ જેલમાં રહેશે.

મીરવાયઝ ઉમર ફારુકના સાથીદારોનું કહેવું છે કે પ્રશાસને તેમને નજરબંધ કરીને રાખ્યા છે અને આરોપોની જાણ નથી?
તેમના પર તો વર્ષ 2019માં પણ પીએસએ (પબ્લિક સેફ્ટી ઍક્ટ) નહોતો લાગ્યો. તેમને બંધ નથી કરાયા.
તેમના પિતાજીની પણ દુર્ભાર્ગ્યપૂર્ણ રીતે હત્યા કરી દેવાઈ હતી. તેમની આસપાસ પોલીસ એટલા માટે રાખવામાં આવે છે કે તેઓ સુરક્ષિત રહી શકે.
તેઓ જાતે જ નક્કી કરે કે તેઓ શું કરવા માગે છે. ન તેઓ બંધ છે, ન નજરબંધ. તેમના ઘર પર સુરક્ષાકર્મી તહેનાત નથી બલકે તેમના ઘરની આસપાસ છે, જેથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

પ્રશાસન માનવાધિકાર કાર્યકર્તાઓને નિયંત્રિત કરી રહ્યું છે જેનાથી તેઓ અવાજ ન ઉઠાવી શકે, જેમ કે ખુર્રમ પરવેઝ વિશેની પણ સ્થિતિ સ્પષ્ટ નથી?
એવા લોકો છે જેઓ માનવાધિકારના નામે આઈએસઆઈ માટે કામ કરે છે, લક્ષ્ય નક્કી કરે છે, જેમના વિરુદ્ધ પુરાવા છે છે એ હત્યામાં અમુક આતંકવાદીને સૂચના તેમણે જ આપીછે તેમના વિરુદ્ધ એનઆઈએએ તપાસ કરી છે.
ખુર્રમ પરવેઝના મામલામાં સાત લોકો વિરુદ્ધ ચાર્જશીટ 23 મેના રોજ દાખલ કરી દીધી છે.
હવે જો આ લોકો માનવાધિકારના ધ્વજવાહકો છે તો ભગવાન બચાવે. આ બધું એનઆઈએ પાસે રેકર્ડ પર છે. જો કોઈને લાગે છે કે તેમની સાથે ખોટું થયું છે તો તેઓ ન્યાયપાલિકા સુધી જવા માટે સ્વતંત્ર છે.

સરકાર પુનર્વસનનો દાવો કરી રહી છે પરંતુ ખીણમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાની ઘટના સામે આવી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
એ સત્ય છે કે અમુક કાશ્મીરી પંડિતોને નિશાન બનવાતાં હુમલા થયા છે પરંતુ અન્ય લોકો પર પણ થયા છે.
આતંકવાદી હુમલાને કોઈ ધર્મનાં ચશ્માં વડે ન જોવા જોઈએ. જો જોશો તો કાશ્મીરી મુસ્લિમોના પણ જીવ ગયા છે અને તેમની સંખ્યા વધુ જ હશે.
બીજી વાત એ છે કે અહીં રસ્તા પર 125-150 નિર્દોષ લોકો માર્યા જતા હતા, પાછલાં ત્રણ વર્ષોમાં એક પણ વ્યક્તિ સુરક્ષાદળની ગોળીઓથી નથી મરી.
આ સામાન્ય વાત નથી. પથ્થરમારો અને હડતાળ એ ઇતિહાસની વાત થઈ ગઈ છે. એક યોજના પહેલાં બની હતી જેને પુનર્વાસ યોજના કહેવાય છે, તે અંતર્ગત ખીણમાં છ હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપવાની હતી અને તેમના માટે સુરક્ષિત આવાસ બનાવવાનાં હતાં.
પહેલાં નોકરી આપવાની ગતિ ધીમી હતી પરંત હવે લગભગ 400ને બાદ કરતાં અમે તમામ પદ ભરી દીધાં છે.

ચરમપંથીઓના પરિવારજનોને નોકરીથી કાઢવામાં આવી રહ્યા છે, શું તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે?
આતંકવાદીઓના પરિવારજનો પર કાર્યવાહી નથી થઈ રહી. એવા લોકોને કાઢવામાં આવી રહ્યા છે જેમના વિરુદ્ધ પૂરતા પુરાવા છે કે તેઓ આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતા.
એક પણ નિર્દોષને નથી કાઢવામાં આવ્યા પરંતુ આવા લોકોને કાઢવામાં આવ્યા છે અને આગળ પણ આ કાર્યવાહી કરાશે.

કાશ્મીરમાં ચૂંટણી ક્યારે થશે?
લોકશાહી પર અમને કોઈની પાસેથી પાઠ શીખવાની જરૂર નથી. લોકશાહીનો અર્થ માત્ર વિધાનસભાની ચૂંટણી નથી. પંચાયતપ્રતિનિધિ, જિલ્લા પંચાયતના ચૅરમૅન, લોકસભાના સાંસદ છે. વિધાનસભાની ચૂંટણી વિશેષ કારણોને લીધે નથી થઈ રહી.
ગૃહમંત્રીજીએ સંસદના પટલ પર કહ્યું કે પહેલાં ડીલિમિટેશન (પરિસીમન) થશે, પછી ચૂંટણી થશે અને તે બાદ રાજ્યનો દરજ્જો પાછો મળશે.
ડિલિમિટેશનનું કામ પૂરું થઈ ચૂક્યું છે, ચૂંટણી કરાવવી એ તો ચૂંટણીપંચનું કામ છે. મતદારોની યાદી અપડેટ થઈ રહી છે. મતદાનસ્થળો નક્કી થઈ જાય તો ચૂંટણીપંચ સમયસર નિર્ણય લેશે.
દેશની સંસદમાં ગૃહમંત્રીજી દ્વારા અપાયેલ આશ્વાસન મોટી વાત છે તેથી તેનું અમલ પણ થશે. પૂર્ણ રાજ્યનો દરજ્જો યોગ્ય સમય પર આપવામાં આવશે.


શું હવે બહારના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે?
હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ જેવાં પહાડી રાજ્યોમાં નિવાસીઓની કૃષિયોગ્ય ભૂમિના સંરક્ષણ માટેના કાયદા છે, અહીં પણ આ પ્રખારના કાયદા લાવવામાં આવ્યા છે.
પરંતુ ઉદ્યોગને જમીન મળવાની વ્યવસ્થા કરાઈ છે. પાછલાં દોઢ વર્ષમાં 56 હજાર કરોડના પ્રસ્તાવ આવ્યા છે અને તેમાંથી 38 હજાર કરોડના પ્રસ્તાવ સ્વીકારી પણ લેવાયા છે.
અહીં ઉદ્યોગ સ્થાપિત કરવામાં સંયુક્ત આરબ અમીરાતનાં ઘણાં સમૂહોએ રુચિ દર્શાવી છે. તેમાં એમાર, દુબઈ પૉર્ટ કંપની અને લુલ્લૂ ગ્રૂપ પ્રમુખ છે.

આટલું રોકાણ છે તો બેરોજગારી ઓછી થવા પર અસર દેખાવી જોઈએ પરંતુ સીએમઆઈઈના આંકડામાં આટલા રોકાણ બાદ પણ રોજગારની કમી કેમ છે?
સીએમઆઈઈના આંકડા પર પ્રતિક્રિયા આપવું ઉચતિ નથી પરંતુ દર મહિને તેમના આંકડા કેમ બદલાઈ જાય છે તે પણ વિચારવાયોગ્ય છે.
જમ્મુ-કાશ્મીરમાં મૂળપણે સરકારી નોકરી જ રોજગારીનું સાધન છે.
અહીં પાંચ લાખ લોકો સરકારી નોકરીમાં છે. સરકારી નોકરીઓમાં જે ખાલી પદ છે તે ઝડપથી ભરાઈ રહ્યાં છે, 30 હજાર નકોરી અપાઈ છે.
જે રોકાણ આવી રહ્યું છે મારા અનુમાન પ્રમાણે તેનો આંકડો 70-75 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચશે અને તેનાથી પાંચ-છ લાખ નવયુવાનોને રોજગારી મળશે.


ઇમેજ સ્રોત, Getty Images
સ્પર્ધાત્મક પરીક્ષા રદ તવાના કારણે યુવાનો ધરણાં કરી રહ્યા છે?
એ વાત સાચી છે કે અમે એક પરીક્ષા રદ કરી છે કારણ કે તે અંગે અમને ફરિયાદ મળી હતી. તેને કૅન્સલ કરી છે અને ગરબડની તપાસ સીબીઆઈને આપી છે.
હવે પરીક્ષા ઑક્ટોબરમાં કરાવવા જઈ રહ્યા છીએ. યોગ્ય લોકોને તે બાદ નોકરી મળશે.

ભ્રષ્ટાચાર પર બે વર્ષમાં કેટલું નિયંત્રણ લાવી શકાયું?
પહેલાં કન્સ્ટ્રક્શનમાં ભ્રષ્ટાચાર થતો હતો અને હવે ફોટો અપલોડ કર્યા વગર ચુકવણી નથી થાતી તેથી ત્યાં ભ્રષ્ટાચાર ખતમ થયું છે. હવે રાજ્યમાં ઍન્ટિ કરપ્શન બ્યૂરો પણ બની ગયો છે.
વડા પ્રધાનજીએ જે વાત કહી છે તેવું જ થશે કે ભ્રષ્ટાચાર સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે ન કોઈને છોડવામાં આવશે, બલકે એવો પાઠ ભણાવાશે કે ભવિષ્યમાં કોઈ આવું કામ ન કરી શકે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












