લોકસભા ચૂંટણી : ત્રીજા તબક્કાનું 93 સીટ પર 64.58 મતદાન, ગુજરાતમાં કેટલું થયું?

મતદાન

ઇમેજ સ્રોત, ani

લોકસભા ચૂંટણીના આ ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 93 બેઠકો પર મતદાન યોજાયું. આ માટે કુલ 1.85 લાખ મતદાનમથકો તૈયાર કરાયાં હતાં અને 17.24 કરોડ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. આ મતદારોમાં 8.85 કરોડ પુરુષ 8.39 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કા માટે મંગળવારે 11 રાજ્યોમાં 93 લોકસભા સીટો પર મતદાન થયું હતું.

ચૂંટણીપંચ અનુસાર, મંગળવારે રાતે 11.40 વાગ્યા સુધીમાં 93 સીટ પર સરેરાશ 64.58 ટકા મતદાન થયું છે. જોકે મતદાનની ટકાવારીમાં હજુ ફેરફાર થઈ શકે છે, કેમ કે ચૂંટણીપંચે મતદાનના અંતિમ આંકડા હજુ સુધી જાહેર કર્યા નથી.

ગુજરાતમાં મતદાનની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધુ 72.24 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અમરેલી બેઠક પર સૌથી ઓછું 49.44 ટકા મતદાન થયું છે.

તો દેશમાં આસામમાં સૌથી વધુ 81.71 ટકા મતદાન થયું છે અને ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 57.34 મતદાન થયું છે. મતદાનની ટકાવારી પર એક નજર નાખીએ તો...

  • બિહાર- 58.18
  • છત્તીસગઢ- 71.06
  • દાદરા, નગરહવેલી અને દીવ-દમણ- 69.87
  • ગોવા- 75.20
  • ગુજરાત- 59.51
  • કર્ણાટક- 70.41
  • મધ્યપ્રદેશ- 66.05
  • મહારાષ્ટ્ર- 61.44
  • પશ્ચિમ બંગાળ- 75.79

ગુજરાતની કુલ 25 બેઠકો પર અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું હતું.

ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન યોજાયું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે.

મતદાન કરતી વખતે શક્તિસિંહ ગોહિલ ગુસ્સે કેમ થયા?

શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં શક્તિસિંહના હાથમાં ભાજપનું ચૂંટણી નિશાન કમળ ધરાવતી પેન જોવા મળે છે.

શક્તિસિંહે આરોપ લગાવ્યો હતો કે તેઓ જ્યારે સાડા અગિયાર વાગ્યે મતદાન કરવા માટે ગયા ત્યારે બૂથની અંદર બેસેલા ભાજપના પ્રતિનિધિના હાથમાં કમળના નિશાનવાળી અને નેતાના ફોટાવાળી પેન હતી અને તે લોકોને પેનથી ઈશારા કરી રહ્યો હતો.

શક્તિસિંહનું કહેવું છે કે, “ગુજરાતના ઘણાં બધાં મતદાનમથકો પર આ પ્રકારે ભાજપના લોકો તેમનો પ્રચાર કરી રહ્યા છે. કૉંગ્રેસ પક્ષે સવારે આઠ વાગ્યાથી જ આ મામલે ચૂંટણીપંચને ટ્વીટરના માધ્યમથી ફરિયાદ કરી હતી પરંતુ તેમણે કોઈ પગલાં લીધાં નથી.”

તેમણે કહ્યું હતું કે, “મતદાનમથકની અંદર કોઈ વ્યક્તિ આ રીતે ચૂંટણી ચિહ્ન સાથે બેસી ન શકે. ચૂંટણીપંચ તેમના પર કોઈ પગલાં કેમ ભરી રહ્યું નથી? શું ભાજપ માટે કોઈ નિયમ નથી?”

અહીં ઉલ્લેખનીય છે કે મતદાનના દિવસે સવારથી જ કૉંગ્રેસે ધાકધમકી જેવા અનેક મામલે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.

ગેનીબહેન ઠાકોરે ત્રણ યુવાનોને પકડ્યા, ‘સીઆરપીએફની પ્લેટ લગાવીને મતદારોને ધમકાવવાનો આરોપ’

ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, GenibenThakor/X

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ત્રણ યુવાનો સાથે વીડિયો જાહેર કર્યો છે. ગેનીબહેને આરોપ લગાવ્યો છે કે આ યુવાનો સીઆરપીએફની નકલી પ્લૅટ વાહન પર લગાડીને લોકોને ધમકાવતા હતા અને ભાજપ તરફ મતદાન કરવાનું કહી રહ્યા હતા.

વીડિયોમાં ગેનીબહેન આરોપ લગાવે છે, “મેં દાંતા તાલુકાની ઘરેડા પ્રાથમિક શાળાના મતદાનમથકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું હતું કે ચૌધરી સમાજના ત્રણ યુવાનો સીઆરપીએફની ખોટી પ્લૅટ લગાવીને લોકોને ધમકાવી રહ્યા હતા. તેઓ ભાજપને મતદાન કરવાનું કહી રહ્યા હતા.”

વીડિયોમાં હાજર વ્યક્તિનું નામ તેઓ પ્રકાશ ચૌધરી જણાવે છે અને તે યુવાન પાલનપુરનો છે. ગેનીબહેને કહ્યું હતું, “ગામમાં આવીને મતદારોને ધમકાવી રહ્યા હોવાથી પોલીસે તેમની સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.”

અહીં ઉલ્લેખનીય છે બનાસકાંઠાના દાંતા વિધાનસભાના વિસ્તારમાં 59.04 ટકા મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધીમાં થઈ ચૂક્યું છે. જ્યારે બનાસકાંઠામાં પણ સરેરાશ 56 ટકા મતદાન થઈ ચૂક્યું છે.

બનાસકાંઠામાં કૉંગ્રેસના ગેનીબહેન ઠાકોર અને રેખાબહેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ પ્રતીત થાય છે.

પેટાચૂંટણીવાળા વિસ્તારોમાં મતદાનમાં એકંદરે નિરસતા

ગુજરાતમાં પેટાચૂંટણીનું મતદાન

ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો સાથે પાંચ વિધાનસભાની બેઠકો પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જ્યાં પેટાચૂંટણી છે એ પૈકી માણાવદર અને પોરબંદર બેઠકોમાં એકંદરે ઓછું મતદાન જોવા મળ્યું છે.

પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી માટે ત્રણ વાગ્યા સુધીમાં મતદાન:

  • વીજાપુર: 50.53%
  • ખંભાત: 49.83%
  • પોરબંદર: 41.03%
  • વાઘોડિયા: 52.76%
  • માણાવદર: 40.09%

જે બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી થઈ એ વીસાવદર વિસ્તારમાં લોકસભા ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં માત્ર 34.37 ટકા મતદાન થયું છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ તમામ બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. ત્યારબાદ તેઓ રાજીનામું આપીને ભાજપમાં ભળી ગયા હોવાથી આ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ હતી. પેટાચૂંટણીમાં ભાજપે એ જ પાંચ ઉમેદવારોને ટિકિટ આપી છે.

પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને માણાવદરથી અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે.

બિલકીસબાનોએ મતદાન કર્યું

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, Daxesh shah

દેવગઢ બારીયાના કાપડી ખાતે બિલકીસબાનો અને તેમના પતિ યાકુબભાઈએ મતદાન કર્યું હતું.

મતદાન કર્યા બાદ બિલકીસે 'મારું મતદાન, સુરક્ષિત મતદાન'નો સંદેશ પણ આપ્યો હતો.

ગુજરાતની 25 બેઠકો પર 3 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. 25 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર 58.05 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 37.82 ટકા થયું છે.

અમરેલી અને પોરબંદર બે જ બેઠકો એવી છે જ્યાં 40 ટકાથી ઓછું મતદાન થયું છે.

આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરૂચ, છોટા ઉદેપુર અને સાબરકાંઠામાં 50 ટકા કરતાં વધારે મતદાન થયું છે.

રાજકોટમાં ક્ષત્રિયો મતદાન કર્યા બાદ શું બોલ્યા?

ક્ષત્રિય આંદોલન

રાજકોટ બેઠક એ ભાજપ સામે ક્ષત્રિયોના આંદોલનનું ઍપિસેન્ટર રહી છે, ત્યારે મંગળવારે સવારથી જ આ બેઠક ઉપર ક્ષત્રિયોમાં સક્રિયતા જોવા મળી હતી.

ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ જણાવ્યું, 'ક્ષત્રિયો ઓછામાં ઓછું 90થી 95 ટકા મતદાન કરે એવું અમારું લક્ષ્યાંક છે. ગામડાંમાં પણ ક્ષત્રિય સમાજનું વહેલી સવારથી ભારે પ્રમાણમાં મતદાન થઈ રહ્યું હોવાના રિપોર્ટ અમને મળી રહ્યા છે.'

'અમને અન્ય સમાજોનું પણ સમર્થન હાંસલ છે એટલે ક્ષત્રિયોનું મતદાન પૂર્ણ થયે અન્ય સમાજના લોકો મતદાન કરવા માટે બહાર નીકળે તે માટે પ્રયાસ કરીશું. આ માટે અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે.'

વ્યૂહરચનાના ભાગરૂપે પ્રારંભિક કલાકોમાં ક્ષત્રિયોનું મતદાન થઈ જાય તે માટે 'ક્ષત્રિય સંકલન સમિતિ' દ્વારા દરેક વૉર્ડમાં દરેક બૂથ ઉપર 'અસ્મિતા સૈનિક' તરીકે ક્ષત્રિય યુવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. જેઓ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી જ કામે લાગી ગયા હતા. ક્ષત્રિય આગેવાન રમજુભાએ કહ્યું હતું કે, “દરેક બૂથ પર અમારા અસ્મિતા સૈનિકો તહેનાત છે અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે.”

મંગળવારના અખબારોમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરાત આપવામાં આવી હતી.

એક ક્ષત્રિય મહિલા કાર્યકર્તાએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતાં કહ્યું, 'અમારી અસ્મિતા અને સ્વમાન માટે મત આપવો જરૂરી હતો. મત અમારું શસ્ત્ર અને પૂજન છે. મત અમારું સ્વમાન અને સ્વાભિમાન છે. અમારી અસ્મિતા માટે અમે મત આપ્યો છે.'

1 વાગ્યા સુધી ગુજરાતમાં કેટલું મતદાન થયું?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન

બપોરે એક વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં આણંદ, બનાસકાંઠા, ભરૂચ, બારડોલી, છોટાઉદેપુર, સાબરકાંઠા અને વલસાડમાં સરેરાશ 40 ટકા કરતાં વધુ મતદાન થયું છે. બનાસકાંઠામાં સૌથી વધુ 45.89 ટકા અને પોરબંદરમાં સૌથી ઓછું 30.80 ટકા મતદાન થયું છે.

કૉંગ્રેસની ભાજપ વિરુદ્ધ ચૂંટણીપંચને ફરિયાદ

ભાજપ વિરુદ્ધ કૉંગ્રેસની ચૂંટણીપંચને ફરિયાદ

કૉંગ્રેસે મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધાકધમકી અપાતી હોવાની ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.

કૉંગ્રેસે મતદાનના દિવસે અલગ-અલગ વિસ્તારોમાં ભાજપ તરફી મતદાન માટે ધાકધમકી તથા અન્ય પ્રયોગો કરાતાં હોવાની ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ પશ્ચિમના શાહપુર વોર્ડને સંબંધિત એક ફરિયાદ કરતાં કૉંગ્રેસે ચૂંટણીપંચને જણાવ્યું છે કે “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર સાત અને આઠમાં બૂથ 53 પર હાજર રહેલા પોલીસ કર્મચારીઓ ભાજપને મત આપવાનું ચિત્રિત કરી રહ્યા છે અને ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.”

આ ફરિયાદ અમદાવાદ શહેર કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ પંકજ શાહે કરી છે.

આજે કરવામાં આવેલી અન્ય એક ફરિયાદમાં મણિનગરના બૂથ નં. 231 અને 232 પર ભાજપના કોર્પોરેટર લોકોને ધાકધમકી આપીને ભાજપ તરફી મતદાન કરવાનું કહી રહ્યા હોવાનું જણાવાયું છે.

જ્યારે અમદાવાદના જ નિકોલ વિસ્તારમાં મતદાનમથકની 100 મીટરના વિસ્તારમાં જ ભાજપના ધ્વજ અને તોરણ લાગેલાં હોવાની ફરિયાજ કૉંગ્રેસે ચૂંટણીપંચને કરી છે અને તત્કાળ પગલાં લેવા માટેની વિનંતી ચૂંટણીપંચને કરી છે.

રાજકોટમાં મત આપવા માટે મતદાર ગૅસનો બાટલો લઈને આવ્યા

રાજકોટમાં મતદાન, મોઘવારી મુદ્દે લોકોમાં આક્રોશ

આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, એવામાં રાજકોટમાં કૉંગ્રેસના આગેવાન રણજિત મુંધવા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

તેઓ ગૅસનો બાટલો લઈને મતદાન કરવા પહોંચ્યા હતા. બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ ગૅસનો બાટલો એ 'મોંઘવારીનું પ્રતીક' છે. તેમણે કહ્યું, "2014માં ભારતમાં ગૅસના બાટલનો ભાવ 437 રૂપિયા હતો. આજે 10 વરસ બાદ બાટલાના ભાવ 300 ટકા વધ્યા છે. આજે 1200થી વધુ રૂપિયામાં ગૅસનો બાટલો મળે છે."

"ભારતમાં શિક્ષિત બેરોજગારો છે, બે કરોડ નોકરીઓ આપવાની વાત હતી, આજે નોકરી ક્યાં છે. સરકાર દ્વારા નોકરીની તકો ઊભી કરવામાં આવતી નથી. જો શિક્ષિત લોકોને પકોડાં તળવાં હશે તો ગૅસનો બાટલો જોઈશે, માત્ર કઢાઈ, તેલ કે ચૂલાથી પકોડાં તળાશે નહીં."

તેમણે વધુમાં કહ્યું, "જે તબક્કામાં મતદાન બાકી છે, એના શિક્ષિત બેરોજગાર યુવાનોને હું સંદેશ આપવા માગું છું કે તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમારી સમજણ પ્રમાણે મત આપજો."

"ભારતનું એક પણ રાજ્ય એવું બાકી નથી જ્યાં પેપરો ન ફૂટ્યાં હોય. દસમા-બારમા ધોરણનાં પેપર પણ ફૂટી રહ્યાં છે, એવામાં ભારતના ભાવિનું ઘડતર કેવી રીતે થશે."

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી

ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનમાં સવારે 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ 30.27 ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 19.83 ટકા થયું છે.

સવારના મતદાનના આંકડાઓ પ્રમાણે શહેરી વિસ્તારોમાં નવ વાગ્યા સુધીમાં સરેરાશ ઓછું મતદાન જોવા મળ્યું હતું પરંતુ હવે મતદાને ત્યાં પણ ગતિ પકડી હોય તેવું પ્રતીત થાય છે.

રૂપાલાના વિવાદ વચ્ચે રાજકોટમાં ક્ષત્રિયોએ મતદાન વખતે શું કહ્યું?

રાજકોટમાં મતદાન, ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલાનો વિવાદ

પરશોત્તમ રૂપાલાનો વિવાદ આ ચૂંટણીમાં સતત ચર્ચાતો રહ્યો. જકોટમાં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમ દરમિયાન તેમના ભાષણનો એક વીડિયો વાઇરલ થયો હતો જેને લઈને ભારે વિવાદ થયો હતો. જેને પગલે ગુજરાતમાં ભાજપને ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટમાં મતદાન કરવા પહોંયેલા ક્ષત્રિય સમાજના લોકોએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "આ મતદાનમાં ક્ષત્રિયોની અસ્મિતાનો મુદ્દો અમારા માટે મહત્ત્વનો છે. અમારી બહેનદીકરીઓ માટે આદર રાખે એવા ઉમેદવારને અમે પસંદ કરવા માગીએ છીએ."

નોંધનીય છે કે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજની બહેનો રસ્તા પર ઊતરી હતી અને તેમણે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. બીજી તરફ પરશોત્તમ રૂપાલાએ ઘણી વાર જાહેરમાં માફી માગી હતી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ માફી માગી હતી.

સાથી પક્ષોને ખડગેએ લખ્યો પત્ર

મલ્લિકાર્જુન ખડગે

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્ડિયા ગઠબંધનનાં ઘટકદળોને પત્ર લખ્યો છે, જેમાં તેમણે વર્તમાન ચૂંટણીને 'લોકશાહી તથા બંધારણ' બચાવવા માટેની લડાઈ' ગણાવી છે. સાથે જ ઉમેર્યું છે કે હાલમાં ચૂંટણીપંચની શાખ 'સૌથી નીચલા સ્તરે' છે.

પત્રમાં ખડગેએ લખ્યું છે, "પહેલા અને બીજા તબક્કાના કુલ મતદાનની માહિતી આપવામાં આટલી બધી ઢીલ અગાઉ ક્યારેય નથી થઈ. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ત્રીજા તબક્કા માટે મતદારોની યાદી હજુ સુધી બહાર નથી પાડવામાં આવી, જે ચિંતાજનક બાબત છે."

"આ બધી બાબતોને કારણે ચૂંટણીપંચની કામગીરી ઉપર શંકા ઊભી થાય છે. સામાન્ય જનતાએ સામૂહિક પ્રયાસો દ્વારા ચૂંટણીપંચ જેવી સંસ્થાને ઊભી કરી છે. અગાઉ ચૂંટણીપંચ દ્વારા 24 કલાકમાં જ કેટલા ટકા મતદાન થયું હોય એના વિશેની માહિતી આપી દેવામાં આવતી હતી, પરંતુ આ વખતે શા માટે મોડું થયું છે તેના વિશે પંચે કોઈ સ્પષ્ટતા નથી આપી. આટલી ઢીલ પછી પણ ચૂંટણીપંચે જે માહિતી આપી છે, તેમાં અનેક મહત્ત્વપૂર્ણ જાણકારી નથી આપી. દરેક પોલિંગ બૂથ પર કેટલા ટકા મતદાન થયું છે, તેના વિશે ચૂંટણીપંચે માહિતી આપવી જોઈએ."

"હું આપ સર્વેને અપીલ કરું છું કે આ પ્રકારની ક્ષતિ માટે સાથે મળીને અવાજ ઉઠાવીએ."

ગત બે તબકકા દરમિયાન ઇલેક્શન કમિશને ચૂંટણીની તારીખના બે દિવસ પછી કુલ મતદાનની ટકાવારીનો ડેટા બહાર પાડયો હતો.

જેમાં કઈ બેઠક ઉપર કેટલા મત પડ્યા, તેનો ડેટા બહાર નહોતો પાડવામાં આવ્યો, જેના કારણે વિપક્ષી દળો તથા ચૂંટણીપ્રક્રિયામાં પારદર્શકતા માટે કામ કરતા કર્મશીલોએ સવાલ ઉઠાવ્યા હતા.

બારામતીમાં વર્ચસ્વની લડાઈ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલે અને અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર ચૂંટણીમેદાનમાં છે.

મતદાનના દિવસે એનસીપી(શરદ પવાર જૂથ)એ આરોપો લગાવ્યા છે કે અજિત પવારનું જૂથ મતદારોને પ્રભાવિત કરવા માટે પૈસા અને તાકાતનો ઉપયોગ કરી રહ્યું છે. સુપ્રિયા સુલેના ભત્રીજા અને ધારાસભ્ય રોહિત પવારે આવા આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે ભોર વિસ્તારમાં મતદાનની આગલી રાત્રે એક વાહન મારફતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી.

અજિત પવારે આ આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે હારી જવાના ભયે આવા આરોપો લગાવાઈ રહ્યા છે.

આરોપ-પ્રત્યારોપના સિલસિલા વચ્ચે બારામતીમાં શરદ પવાર તથા અજિત પવારે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે બારામતીના ચૂંટણીજંગને શરદ પવાર અને અજિત પવારના જંગ તરીકે પણ જોવાઈ રહ્યો છે. સુપ્રિયા સુલે અને સુનેત્રા પવારમાંથી જે વિજેતા થશે એ અંતે શરદ પવાર અને અજિત પવારમાંથી કોનું વર્ચસ્વ વધારે એ પણ નક્કી કરશે એવું મનાય છે.

સવારે 11 વાગ્યા સુધીમાં બારામતીમાં માત્ર 14.64 ટકા મતદાન જ થયું છે.

રાજકારણ સાથે ગુજરાતના હવામાન પર પણ નજર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી

આમ તો ચૂંટણીવર્ષ હોવાથી જાન્યુઆરી મહિનાથી જ ગુજરાત સહિત દેશભરમાં રાજકારણનો પારો ચઢી ગયો હતો. એકબીજા ઉપર આરોપ-પ્રતિઆરોપ, નવા-નવા વાયદા, વચનભંગના આરોપ, પક્ષપક્ષાંતર વગેરે જોવા મળ્યા હતા, પરંતુ મંગળવારે ગુજરાતના હવામાનનો પારો પણ ચઢેલો જોવા મળ્યો.

હવામાન વિશે માહિતી આપતી ઍક્યુવૅધર. કૉમની આગાહી પ્રમાણે, મંગળવારે સવારે દસ વાગ્યે પાટનગર ગાંધીનગરનું તાપમાન 34 ડિગ્રી સે. હતું, જે મતદાનના કલાકો દરમિયાન વધીને 43 ડિગ્રી સે. પર પહોંચશે.

સૌરાષ્ટ્રના રાજકોટમાં, મહેસાણામાં અને સુરતમાં સવારે 10 વાગ્યે તાપમાન 33 ડિગ્રી સે. રહ્યું હતું. અહીં મહત્તમ તપામાન અનુક્રમે 41, 44 અને 37 ડિગ્રી સે. રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રી સે. અને વડોદરામાં 40 ડિગ્રી સે. રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ગુજરાતની 25 બેઠકો પર 9 વાગ્યા સુધીમાં નીચે જણાવ્યા અનુસાર મતદાન થયું હતું.

  • અમદાવાદ ઇસ્ટ : 8.09%
  • અમદાવાદ વેસ્ટ: 7.23%
  • અમરેલી: 9.13%
  • આણંદ: 10.35%
  • બનાસકાંઠા: 12.28%
  • બારડોલી: 11.54%
  • ભરૂચ: 10.78%
  • ભાવનગર: 9.20%
  • છોટાઉદેપુર: 10.27%
  • દાહોદ: 10.94%
  • ગાંધીનગર: 10.31%
  • જામનગર: 8.55%
  • જૂનાગઢ: 9.05%
  • કચ્છ: 8.79%
  • ખેડા: 10.20%
  • મહેસાણા: 10.14%
  • નવસારી: 9.15%
  • પંચમહાલ: 9.16%
  • પાટણ: 10.42%
  • પોરબંદર: 7.84%
  • રાજકોટ: 9.77%
  • સાબરકાંઠા: 11.43%
  • સુરેન્દ્રનગર: 9.43%
  • વડોદરા: 10.64%
  • વલસાડ:11.65%

જેનીબહેન ઠુમ્મર અને ભરત સુતરિયાએ મતદાન કર્યું

અમરેલીની બેઠક ઉપરથી કૉંગ્રેસનાં ઉમેદવાર જેનીબહેન ઠુમ્મરે મતદાન કર્યું હતું. તેઓ ગુજરાત સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસની મહિલા પાંખનાં વડાં છે. તેમનાં માતા-પિતા આ બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યાં છે. જેનીબહેને વાવડી ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.

જેનીબહેન સામે ભરત સુતરિયા છે. બંને પાટીદાર સમાજના છે. ગત ત્રણ વખતથી ભાજપના નારણભાઈ કાછડિયા આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર હતા. આ વખતે તેમના બદલે સુતરિયાને ઉમેદવાર બનાવાતાં પાર્ટીમાં આંતરિક વિરોધ ઊઠ્યો હતો.

રાજકોટનો રણસંગ્રામ, અમરેલીના ઉમેદવારો

પરેશ ધાનાણી

ભાજપે જ્યારે રાજ્યસભાની ટિકિટ માટે પુરશોત્તમ રૂપાલાને ટિકિટ નહોતી આપી, ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેમને વતન અમરેલીની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવશે, પરંતુ ભાજપે તેમને વધુ સલામત મનાતી રાજકોટની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા છે.

જોકે, પૂર્વ રાજવીઓ વિશે રૂપાલાએ કરેલા નિવેદનને કારણે ન કેવળ રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના પડઘા પડ્યા હતા અને રાજપૂતોના એક વર્ગે ભાજપ વિરુદ્ધ આંદોલન છેડી દીધું હતું.

રૂપાલાની સામે કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવ્યા છે. અગાઉ તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ રાજપૂત સમાજના આક્રોશ બાદ તેમણે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. યોગાનુયોગ તેઓ પણ અમરેલી જિલ્લાના રહેવાસી છે. વર્ષ 2002માં પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં તેમણે રૂપાલાને પરાજય આપ્યો હતો અને જાયન્ટ કિલર તરીકે પ્રસ્થાપિત થયા હતા.

મંગળવારે સવારે રૂપાલાએ તેમના વતન ઇશ્વરિયા ખાતે જ્યારે ધાનાણીએ પરા કન્યા શાળામાં સહપરિવાર મતદાન કર્યું હતું. એ પછી બંને ઉમેદવાર તેમના રાજકોટ જવા રવાના થયા હતા.

પૂર્વ મુખ્ય મંત્રી અને કેન્દ્રીય પ્રધાન જીવરાજ મહેતા તથા ઇફ્ફકોના ચૅરમૅન દિલીપભાઈ સંઘાણી આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

એ મુદ્દો જે ચૂંટણી દરમિયાન છવાયેલો રહ્યો

પરશોત્તમ રૂપાલા

રાજ્યસભાના સંસદસભ્ય અને કેન્દ્ર સરકારમાં મંત્રી પરશોત્તમ રૂપાલાનો વિવાદ આ ચૂંટણીમાં છવાયેલો રહ્યો.

રૂપાલાને ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું અને રાજકોટથી ટિકિટ આપી.પરંતુ રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમ દરમિયાન તેમના ભાષણનો એક વીડિયો વાઇરલ થયો હતો જેને લઈને ભારે વિવાદ થયો.

આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, “ભારતમાં અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રુખી સમાજે ના તો ધર્મ બદલ્યો ના તો વ્યવહાર કર્યો.” ત્યારબાદ પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય-રાજપૂત સમાજે વિરોધ શરૂ કર્યો હતો. તેમનું કહેવું હતું કે 'રોટી-બેટી જેવા શબ્દો વાપરીને મહારાજાઓ અને ક્ષત્રિય સમાજની દીકરીઓનું તેમણે અપમાન કર્યું હતું.'

ક્ષત્રિય સમાજે એક તરફ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ચાલુ રાખીને ઉપવાસ, સંમેલનોનું આયોજન કર્યું હતું. તો બીજી તરફ ભાજપે પણ નમતું જોખ્યું નહોતું અને પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી હતી. વિવાદમાં તક જોઈ કૉંગ્રેસે પણ રાજકોટ બેઠક પર દાવ રમ્યો અને દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને રાજકોટથી ટિકિટ આપી હતી.

અમિત શાહે મતદાન કર્યું

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું.

શાહ ગાંધીનગરની લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાદાર છે. તેમની સામે કૉંગ્રેસે સોનલ પટેલને ઉતાર્યાં છે.

મતદાન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ વડા પ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા કહ્યું હતું.

તેમજ કહ્યું હતું કે "લોકતંત્રમાં મતદાન એ સામાન્ય દાન નથી, આપણા દેશમાં દાનનું એક મહત્ત્વ છે, એ ભાવથી દેશવાસીઓ વધુમાં વધુ મતદાન કરે. આ ચૂંટણીનું પર્વ છે અને તેમાં વધુમાં વધુ લોકોએ ભાગ લેવો જોઈએ."

તેમણે લોકોને કહ્યું કે ગરમીમાં મતદાન સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે ચૂંટણીની સમગ્ર વ્યવસ્થા માટે ચૂંટણીપંચને પણ અભિનંદન આપ્યાં હતાં.

લોકસભા ચૂંટણી ગુજરાતમાં મતદાન

લોકસભા ચૂંટણી, ગુજરાત

ઇમેજ સ્રોત, pavan jayaswal/bbc

લોકસભા ચૂંટણીના મતદાન માટે લોકો વહેલી સવારથી મતદાનમથકે ઊમટી પડ્યા હતા. ગરમીના કારણે લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

આજે લોકસભાના ઉમેદવારો સહિત દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું હતું.

  • મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શીલજ ખાતે લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
  • રાજકોટમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું
  • બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવારે ગેનીબહેન ઠાકોર અને ભાજપનાં ઉમેદવાર રેખાબહેન ચૌધરીએ મતદાન કર્યું
  • તો રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મત આપ્યો હતો
  • વલસાડ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
  • રાજકોટ કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ મતદાન કર્યું
  • સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ હળવદ તાલુકાના કેદારિયા ગામે મતદાન કર્યું
  • સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી પ્રાથમિક શાળા નંબર 4માં ઇવીએમ મશીન બધ થતાં મતદારોને હાલાકી પડી હતી. બાદમાં મશીન ચાલુ થઈ ગયું હતું

આ દિગ્ગજ ઉમેદવારો છે ચૂંટણીમેદાનમાં

લોકસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, sachin pithava/bbc

  • ગાંધીનગર- અમિત શાહ (ભાજપ)
  • પોરબંદર- મનસુખ માંડવિયા (ભાજપ)
  • નવસારી- સી.આર. પાટીલ (ભાજપ)
  • રાજકોટ- પરશોત્તમ રૂપાલા (ભાજપ)
  • રાજકોટ- પરેશ ધાનાણી (કૉંગ્રેસ)
  • આણંદ- અમિત ચાવડા (કૉંગ્રેસ)
  • બનાસકાંઠા- ગેનીબહેન ઠાકોર
  • ભરૂચ- ચૈતર વસાવા (ઇન્ડિયા ગઠબંધન)
  • ભરૂચ- મનસુખ વસાવા (ભાજપ)

ત્રીજા તબક્કામાં ગુજરાતની 26માંથી 25 બેઠકો પર કુલ 5459 મતદાનમથકો પર મતદાન યોજાશે, જેમાં 4283 મથકો શહેરી અને 1176 મથકો ગ્રામ્ય છે.

ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, અમદાવાદ વેસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન થશે.

ગુજરાત સિવાય અન્ય ક્યા રાજ્યોમાં મતદાન?

ત્રીજા તબક્કામાં ગુજરાત અને કર્ણાટકની સૌથી વધારે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.

કર્ણાટકની 28માંથી 14 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે.

કર્ણાટકની બેલગામ, બગલકોટ, બીજાપુર, ચિક્કોડીસ, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલારી, હાવેરી, ધારવાડ, ઉત્તર કન્નડ, દાવણગેરે શિમોગા બેઠક પર મતો પડી રહ્યા છે.

ઉત્તર-પૂર્વના રાજ્ય આસામની કોકરાઝાર, બારપેટા, ઢુબરી અને ગુવાહાટીબેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.

મહારાષ્ટ્રની 11 બેઠકો લાતુર, સોલાપુર, બારામતી, પુણે, અહમદનગર, સાંગલી, સાતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, નંદૂરબાર અને હાતકણંગલે બેઠક પર મતદાન યોજાશે.

ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર મતદાન થશે જેમાં આગ્રા, હાથરસ, સંભલ, ફત્તેહપુર-સિકરી, ફિરોઝાબાદ, મૈનપુરી. એટા, બદાયું, બરેલી અને આંવલા સામેલ છે.

મધ્ય પ્રદેશનાં મૌરેના, ભીંડ, ગ્વાલિયર, ગુના, સાગર, બૈતુલ, વિદિશા, ભોપાલ અને રાજગઢમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે.

છત્તીસગઢની કુલ સાત બેઠકો પર ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, જેમાં રાયગઢ, જાંજગીર-ચામ્પા, કોરબા, સરગુજા, બિલાસપુર, દુર્ગ અને રાયપુર સામેલ છે.

બિહારની પાંચ સીટો અરરિયા, મધેપુરા, ખગરિયા, દરભંગા અને સોપોલમાં પણ મતદાન યોજાઈ રહ્યું છે.વારે

પશ્ચિમ બંગાળની ચાર બેઠકો માલદા દક્ષિણ, જાંગીપુર, મુર્શિદાબાદ અને માલદા ઉત્તર તથા ગોવાની બંને ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા બેઠક પર મતદાન આજે થઈ રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ તથા દાદરા અને નગરહવેલીમાં પણ મતદાન થઈ રહ્યું છે.

બીબીસી