જ્યારે ભારતના INS વિક્રાંતને નષ્ટ કરવા આવેલી પાકિસ્તાની સબમરીન ગાઝી ડૂબી ગઈ

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાનની સબમરીન પીએનએસ ગાઝીના કૅપ્ટન ઝફર મોહમ્મદખાંએ ડ્રાઈ રોડસ્થિત ગોલ્ફ ક્લબમાં રમવાનું શરૂ જ કર્યું હતું ત્યાં એમને એક સંદેશો મળ્યો કે તરત જ લિયાકત બૅરેકસ્થિત નૈસેના મુખ્યાલયે પહોંચો. એ દિવસ હતો, 8 નવેમ્બર 1971.

ત્યાં નેવલ વૅલ્ફૅર અને ઑપરેશનલ પ્લાન્સના નિર્દેશક કૅપ્ટન ભોમ્બલે એમને જાણકારી આપી કે નૌકાદળના પ્રમુખે તેમને ભારતીય સેનાના વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાંતનો નાશ કરવાની જવાબદારી સોંપી છે.

એમણે એક પરબીડિયું ઉપાડ્યું અને ઝફરને આપતાં કહ્યું કે વિક્રાંત વિશે જેટલી જાણકારી મળી શકી એ બધી જ આ કવરમાં છે.

ઝફરને કહેવામાં આવ્યું કે તેઓ ગાઝી પરના બધા પહેરેદાર સૈનિકોની રજા રદ કરી દે અને હવે પછીના દસ દિવસની અંદર એમને સોંપાયેલા કામને પૂરું કરવા માટે કૂચ કરે.

યુદ્ધનાં 20 વર્ષ પછી પ્રકાશિત થયેલા પુસ્તક 'ધ સ્ટોરી ઑફ ધ પાકિસ્તાન નેવી'માં જણાવાયું છે કે "પાકિસ્તાની નૈસેનાએ 14થી 24 નવેમ્બર દરમિયાન પોતાની બધી સબમરીન્સને એમના પહેલેથી નક્કી કરાયેલા પેટ્રોલિંગ વિસ્તારોમાં પહોંચી જવાનો આદેશ આપી દીધો હતો."

"ગાઝીને એ બધાથી દૂર બંગાળની ખાડીમાં જવાનું કહેવાયું હતું જ્યાં એની ભારતીય વિમાનવાહક જહાજ વિક્રાંતને શોધીને નાશ કરી દેવાની જવાબદારી હતી."

"આ નિર્ણયની રણનીતિની સમજદારી પર ક્યારેય કોઈ સવાલ ના કરાયો. પાકિસ્તાન પાસે એકમાત્ર ગાઝી જ એવી સબમરીન હતી જે એટલે દૂર જઈને દુશ્મનના નિયંત્રણ હેઠળના જળવિસ્તારમાં પોતાના લક્ષ્યને પૂરું કરવાની ક્ષમતા ધરાવતી હતી."

જો ગાઝી વિક્રાંતને ડુબાડવામાં કે નુકસાન પહોંચાડવામાં સફળ થઈ ગઈ હોત તો તેનાથી ભારતીય નૌસેનાની યોજનાઓને ઘણું નુકસાન થાત.

સંભવિત સફળતાની લાલચ એટલી બધી હતી કે કેટલીય આશંકાઓ છતાં આ મિશનમાં આગળ વધવાની મંજૂરી આપી દેવાઈ હતી.

વિક્રાંતના બૉઇલરમાં ક્ષતિ

કમાન્ડર ઝફર અને કૅપ્ટન ભોમ્બલ વચ્ચે થયેલી આ વાતચીતના એક વર્ષ પહેલાં વિક્રાંતના કમાન્ડર કૅપ્ટન અરુણપ્રકાશ એમના ચીફ એન્જિનિયરે મોકલેલો રિપૉર્ટ વાંચી રહ્યા હતા.

રિપૉર્ટમાં જણાવાયું હતું કે, વિક્રાંતના બૉઇલરમાં વૉટર ડ્રમમાં તિરાડ પડી ગઈ છે અને એનું સમારકામ ભારતમાં નહીં થઈ શકે. 1965ના યુદ્ધમાં પણ વિક્રાંતમાં કેટલીક યાંત્રિક ખામીને કારણે એને યુદ્ધમાં ભાગ લેવા લાયક નહોતું મનાયું.

આ વખતે પણ બૉઇલરમાં તિરાડના લીધે વિક્રાંત વધીને 12 નૉટ્સની ઝડપે જ તરી શકે એમ હતું.

કોઈ પણ વિમાનવાહક જહાજને પોતાના પરથી વિમાનને હવામાં ઉડાડવાની ક્ષમતા પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછી 20થી 25 નૉટ્સની ગતિ જરૂરી હોય છે.

વિક્રાંતનું જૂનું નામ એચએમએસ હરક્યુલિસ હતું, જેને 1957માં ભારતે બ્રિટન પાસેથી ખરીદ્યું હતું.

એને બનાવાયેલું 1943માં, પણ બીજા વિશ્વયુદ્ધમાં એનો ઉપયોગ નહોતો કરાયો. વિક્રાંત એ વખતે પશ્ચિમી કાફલામાં પહેરા પર હતું પણ એની ખરાબ હાલતને ધ્યાનમાં રાખીને નૌસેના મુખ્યાલયે નક્કી કર્યું કે પૂર્વ તરફના કાફલામાં રાખવામાં જ એની ભલાઈ છે.

મુંબઈથી અચાનક ગાયબ થયું વિક્રાંત

ઇયાન કારડોજોએ પોતાના પુસ્તક '1971 સ્ટોરીઝ ઑફ ગ્રિટ ઍન્ડ ગ્લોરી ફ્રૉમ ઇન્ડો પાક વૉર'માં લખ્યું છે, "નવેમ્બર 1971માં મુંબઈની એક હોટેલમાં રહેતા પાકિસ્તાની જાસૂસોએ પોતાના ખબરીઓને ખબર આપ્યા કે વિક્રાંત મુંબઈમાં જ છે."

"પણ 13 નવેમ્બરે તેમને વિક્રાંત ક્યાંય દેખાયું નહીં. વિક્રાંત અચાનક ગાયબ થઈ ગયું."

"દરમિયાનમાં, પાકિસ્તાન માટે સહાનુભૂતિ ધરાવનાર એક પશ્ચિમી દેશના સહાયક નેવલ અટૅશે પશ્ચિમી કમાનના ફ્લૅગ ઑફિસર કમાન્ડર ઇન ચીફના એડીસી પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો કે, વિક્રાંત ક્યાં છે?"

"ભારતીય નેવલ ઇન્ટેલિજન્સને તરત જ એની જાણ કરી દેવાઈ. પછીથી પાકિસ્તાની જાસૂસોને અંદાજ મળી ગયો કે વિક્રાંત મદ્રાસ પહોંચી ગયું છે."

"શું આ માત્ર એક સંયોગ હતો કે એ જ દિવસોમાં પાકિસ્તાનનું સમર્થન કરનારા પેલા જ પશ્ચિમી દેશનું એક વિમાન મદ્રાસ ગયું અને ત્યાં એમાં કેટલીક ખામીઓ સર્જાઈ જેના કારણે એણે મદ્રાસ બંદરની આજુબાજુ કેટલાંય ઉડ્ડયન પરીક્ષણો કર્યાં?"

"શું એ ઉડ્ડયનોનો ઉદ્દેશ એ વાતની પુષ્ટિ કરવાનો હતો કે વિક્રાંત મદ્રાસમાં જ છે કે નહીં?"

ભારતીય ઇન્ટેલિજન્સે પાકિસ્તાનનો ગુપ્ત કોડ તોડ્યો

તારીખ આઠ નવેમ્બર 1971એ છૂપી રીતે વાયરલેસ સંદેશ સાંભળનારા મેજર ધર્મ દેવ દત્ત પોતાની પાસેના રકાલ આરએ 150 રેડિયો રિસીવરનું ચકરડું ફેરવીને કરાચી અને ઢાકા વચ્ચે થતા સંદેશા સાંભળવાનો પ્રયત્ન કરતા હતા.

એ દિવસે સંદેશાની સંખ્યામાં અચાનક થયેલા વધારાને લીધે તેમને આભાસ થયો કે નક્કી કંઈ મોટું કારસ્તાન થવાનું છે અને એ જરૂરી હતું કે ભારતને એની પૂરતી જાણકારી હોય.

ધર્મ દેવને એનડીએના સમયથી જ એમના સાથીદારો 3ડીના નામે બોલાવતા હતા, કેમ કે સત્તાવાર રેકૉર્ડ્સમાં એમનું નામ ધર્મ દેવ દત્ત હતું. એમનું ટેપ રેકૉર્ડર આઇબીએમના મેઇનફ્રેમ કમ્પ્યૂટર સાથે લિંક થયેલું હતું.

10મી નવેમ્બરે અચાનક જ પાકિસ્તાની નૈસેનાનો કોડ તોડવામાં તેઓ સફળ થયા અને બધા કોયડા એક જ ક્ષણમાં હલ થઈ ગયા.

તેમણે પૂર્વીય કમાનના સ્ટાફ ઑફિસર જનરલ જૅકબને ફોન કરીને કોડવર્ડ કહ્યો જેનો મતલબ થતો હતો કે પાકિસ્તાની નેવલ કોડને તોડી નખાયો છે.

ત્યાંથી જ પહેલી વાર ખબર પડી કે પાકિસ્તાની નૌસેનાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય જહાજ આઇએનએસ વિક્રાંતને ડુબાડી દેવાનો હતો.

એમનો બીજો ઉદ્દેશ એ હતો કે પોતાની ડાફને ક્લાસ સબમરીનોનો ઉપયોગ કરીને ભારતના પશ્ચિમી કાફલાનાં જહાજોનો નાશ કરવો.

ભારત આવતાં પહેલાં ગાઝીએ શ્રીલંકામાં ઈંધણ પુરાવ્યું

ગાઝી સબમરીન 14 નવેમ્બર 1971એ કરાચીથી પોતાના મિશનને પૂરું કરવા રવાના થઈ ગઈ હતી.

ગાઝી પહેલાં શ્રીલંકા ગઈ, જ્યાં ત્રિંકોમાલીમાં 18 નવેમ્બરે એણે ઈંધણ પુરાવ્યું. એ ચેન્નઈ જવાની તૈયારીમાં જ હતું એ સમયે જ એને કરાચીથી સંદેશો મળ્યો કે વિક્રાંત હવે મદ્રાસમાં નથી.

ઝફરે કરાચી સંદેશો મોકલ્યો કે એમના માટે હવે શો આદેશ છે?, કેમ કે વિક્રાંત ગાયબ થઈ ગયેલું.

કરાચીએ પાકિસ્તાની પૂર્વીય કાફલાના કમાન્ડર રિયર ઍડમિરલ મોહમ્મદ શરીફને સાંકેતિક સંદેશો મોકલીને પૂછ્યું કે, શું તેમની પાસે વિક્રમની હિલચાલ વિશે કોઈ માહિતી છે?

આ બધા સંદેશા 3ડી મૉનિટર કરી રહ્યા હતા અને સાંકેતિક ભાષામાં નૈસેના મુખ્યાલયને મોકલતા પણ હતા.

પણ, પાકિસ્તાન પણ ભારતીય સંદેશાને મૉનિટર કરતું હતું.

એણે કમાન્ડર ઝફરખાંને માહિતી આપી કે વિક્રાંત હવે વિશાખાપટ્ટનમ્ પહોંચી ગયું છે.

પાકિસ્તાનના નૌસેના મુખ્યાલય અને ગાઝીના કૅપ્ટન, બંનેને એહસાસ થઈ ગયેલો કે એમના માટે વિક્રાંતનો નાશ કરવાની સૌથી સારી તક વિશાખાપટ્ટનમ્‌માં જ છે. જ્યારે 3ડીને આ વાતની ખબર પડી તો તેઓ ખૂબ પરેશાન થઈ ગયા.

ઇયાન કારડોજોએ લખ્યું છે કે, "એમણે વિચાર્યું કે જો પાકિસ્તાની નૌસેનાએ પોતાના સંદેશાઓના આધારે પોતાના ઇરાદા જગજાહેર કરીને મૂર્ખાઈ કરી છે તો ભારતીય નૌસેના પણ એના કરતાં પાછળ નથી રહી."

"એમણે સેના સિગ્નલ ઇન્ટેલિજન્સને પોતાના વિચારો જણાવતાં કહ્યું કે વિક્રાંતનું લોકેશન પાકિસ્તાનીઓને મળી ગયું છે. એનાથી બચવા માટે ભારતે સાવચેતીનાં પગલાં ભરવાં પડશે."

પહેલી ડિસેમ્બરની રાત્રે ગાઝી વિશાખાપટ્ટનમ્ પહોંચી

ગાઝીએ 23 નવેમ્બર 1971એ ત્રિંકોમાલીથી વિશાખાપટ્ટનમ્ તરફ જવાનું શરૂ કર્યું હતું. 25 નવેમ્બરે એણે ચેન્નઈ પાર કરી લીધું હતું અને પહેલી ડિસેમ્બરની રાત્રે 11 વાગ્યા ને 45 મિનિટે તે વિશાખાપટ્ટનમ્ બંદરની નેવીગેશનલ ચૅનલમાં પ્રવેશી હતી.

મેજર જનરલ ફઝલ મુકીમખાંએ પોતાના પુસ્તક 'પાકિસ્તાન્સ ક્રાઇસિસ ઇન લીડરશિપ'માં લખ્યું છે કે એમાં તકલીફ એ હતી કે નેવીગેશનલ ચૅનલ ઓછી ઊંડી હોવાના લીધે ગાઝી બંદરથી 2.1 નૉટિકલ માઈલ સુધી જ જઈ શકતી હતી, એથી આગળ નહીં.

કમાન્ડર ઝફરે નક્કી કર્યું કે તેઓ જ્યાં છે ત્યાં જ રહેશે અને વિક્રાંત બહાર નીકળે તેની રાહ જોશે.

દરમિયાનમાં ગાઝીના મેડિકલ ઑફિસરે ચિંતા વ્યક્ત કરી કે ગાઝીમાંથી નીકળતા ધુમાડાએ માત્ર ગાઝીમાં સવારી કરનારા નૌસૈનિકોના સ્વાસ્થ્યની ચિંતા જ નથી વધારી, બલકે સબમરીનની સુરક્ષાનું જોખમ પણ વધી ગયું છે.

તેમણે સલાહ આપી કે રાત્રે ગાઝી સપાટી પર લઈ જવાય જેથી તાજી હવા મળે અને આ દરમિયાન બૅટરીઝ પણ બદલી નાખવી જોઈએ.

ગાઝીમાંના નાવિકોની તબિયત બગડી

કમાન્ડર ખાંને પણ અંદાજ આવી ગયો હતો કે જો સબમરીનનું હાઇડ્રોજન સ્તર એના નક્કી કરાયેલા સુરક્ષા માનાંકોથી વધી જશે તો ગાઝીનું, પોતાનો જ નાશ કરી દેવાનું, જોખમ વધી જશે.

પરંતુ ઝફર એ પણ જાણતા હતા કે જો સમારકામ માટે ગાઝીને સૂર્યપ્રકાશમાં પાણીની સપાટી પર લઈ ગયા તો તે તરત જ દેખાઈ જશે. ગાઝી એક મોટી સબમરીન હતી અને દૂરથી જ એને જોઈ શકાય એમ હતી.

સાંજે પાંચ વાગ્યે સબમરીનના ઍક્ઝિક્યુટિવ ઑફિસર અને મેડિકલ ઑફિસર, બંનેએ કૅપ્ટન ઝફરને સૂચિત કર્યા કે સબમરીનની અંદરની હવા ખૂબ જ પ્રદૂષિત થતી જાય છે.

ઘણા નાવિકોએ ખાંસવાનું શરૂ કરી દીધું હતું અને એની અસર એમની આંખ પર પડવાની પણ શરૂ થઈ ગઈ છે.

ભારતીય જહાજ ગાઝીની દિશામાં આવતું દેખાયું

કૅપ્ટન ઝફરે આદેશ આપ્યો કે ગાઝીને પેરિસ્કોપના સ્તરે લઈ જઈને પહેલાં બહારનું નિરીક્ષણ કરી લેવામાં આવે. ધીરે ધીરે ગાઝીને સમુદ્રની સપાટીથી 27 ફીટ નીચે સુધી લઈ ગયા.

ત્યાંથી પેરિસ્કોપથી બહારના દૃશ્યનું નિરીક્ષણ કરી રહેલા કૅપ્ટન ઝફર સન્ન થઈ ગયા.

એમણે જોયું કે વધીને એક કિલોમિટરના અંતરેથી એક મોટું ભારતીય જહાજ એમની દિશામાં આગળ વધી રહ્યું છે.

ઝફરે સહેજ પણ સમય બગાડ્યા વગર ગાઝીને નીચે ડાઇવ કરાવવાનો આદેશ આપી દીધો. ઝફરના આદેશની 90 સેકન્ડમાં જ ગાઝી ફરીથી સમુદ્રના તળિયે પહોંચી ગઈ.

એક જ મિનિટમાં ભારતીય જહાજ ગાઝીની ઉપર થઈને પસાર થઈ ગયું. કૅપ્ટન ખાં નીચે જ પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જોતા રહ્યા.

દરમિયાનમાં, મેડિકલ ઑફિસરે આવીને ફરીથી કહ્યું કે હાલત વધારે બગડી રહી છે. સબમરીનને સપાટી પર લઈ જવાનું જરૂરી બનતું જાય છે.

ત્યારે જ નક્કી કરાયું કે ગાઝીને ત્રીજી અને ચોથી ડિસેમ્બરની મધરાત્રે 12 વાગ્યે સપાટી પર લઈ જવાશે અને ચાર કલાક સમારકામ કર્યા પછી સવારે ચાર વાગ્યે પાછી નીચે લઈ જવાશે.

ઝફરે નૌસૈનિકોને આદેશ આપ્યો કે એ દરમિયાન જો તેઓ ઇચ્છે તો પોતાના પરિવારને પત્ર લખી શકે છે, જેને પાછા વળતાં ત્રિંકોમાલીથી પોસ્ટ કરી દેવાશે.

વડાં પ્રધાનના રાષ્ટ્રને સંદેશમાં વચ્ચે જ મોટો ધડાકો સંભળાયો

ઝફરને ખબર નહોતી કે ત્રીજી ડિસેમ્બરની સાંજે પાંચ વાગ્યા ને 45 મિનિટે પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો હતો.

પાકિસ્તાનમાં વાઇસ ઍડમિરલ મુઝફ્ફર હુસૈન કરાચીની પોતાની ઑફિસમાં આંટા મારતા હતા. તેઓ ઝફર તરફથી વિક્રાંતને નષ્ટ કરી દીધાના ખબર આવવાની રાહ જોતા હતા, પણ ગાઝી ચૂપ હતી.

ત્રીજી-ચોથી ડિસેમ્બરની મધરાતની આસપાસ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશને સંબોધન કરતાં પાકિસ્તાને હુમલો કરી દીધો છે એવી જાણકારી આપી.

હજી તો વડાં પ્રધાનનું ભાષણ ચાલતું જ હતું કે વિશાખાપટ્ટનમ્ બંદરથી થોડા અંતરે એક જબરજસ્ત ધડાકો થયો. ધડાકો એટલો મોટો હતો કે બંદરની સામે બનેલાં મકાનોના કાચ તૂટી ગયા.

લોકોએ દૂરથી જોયું કે સમુદ્રમાં એક ખૂબ ઊંચું મોજું ઊછળીને પડ્યું. કેટલાક લોકો સમજ્યા કે ભૂકંપ આવ્યો, તો કેટલાક લોકો સમજ્યા કે પાકિસ્તાની હવાઈદળ એમના પર બૉમ્બ ઝીંકી રહ્યું છે.

વિસ્ફોટનો સમય 12 વાગ્યા ને 15 મિનિટનો જણાવાયો. પાછળથી ગાઝીમાંથી મળેલી ઘડિયાળ દ્વારા ખબર પડી કે એણે એ જ સમયે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

ચોથી ડિસેમ્બરની બપોરે કેટલાક માછીમારો સમુદ્રમાંથી ગાઝીના કેટલાક અવશેષો લઈ આવ્યા હતા.

વિક્રાંતને ખાનગી રાહે આંદામાન મોકલી દેવાયું

આ કથાનો સૌથી મોટો વળાંક એ હતો કે વિક્રાંત વિશાખાપટ્ટનમ્‌માં હતું જ નહીં.

એવી જાણ થતાં જ પાકિસ્તાનની સબમરીનને વિક્રાંતને શોધવા આંદામાન ટાપુ રવાના કરી દેવાઈ હતી.

એની (વિક્રાંતની) જગ્યાએ એક જૂના વિધ્વસંક આઇએનએસ રાજપૂતને ઊભું રાખીને પાકિસ્તાનીઓને એવો આભાસ કરાવાયો હતો કે વિક્રાંત વિશાખાપટ્ટનમ્‌માં જ છે.

1971માં પૂર્વીય કમાનના પ્રમુખ વાઇસ ઍડમિરલ એન. કૃષ્ણને પોતાની આત્મકથા 'અ સેલર્સ સ્ટોરી'માં લખ્યું છે, "રાજપૂતને વિશાખાપટ્ટનમ્‌થી 160 કિલોમીટર દૂર લઈ જવાયું."

"એને કહેવાયું કે એ વિક્રાંતના કૉલ સાઇનનો ઉપયોગ કરે અને એ જ રેડિયો ફ્રિક્વન્સી પર ખૂબ બધી જીવનજરૂરી વસ્તુઓની માગ કરે, એવી કે જે વિક્રાંત જેવા વિશાળકાય જહાજ માટે જરૂરી હોય."

"વિશાખાપટ્ટનમ્‌ના બજારમાંથી મોટા જથ્થામાં કરિયાણું, માંસ અને શાકભાજીની ખરીદી કરવામાં આવી જેથી ત્યાં હાજર પાકિસ્તાની જાસૂસ એવા ખબર પહોંચાડી શકે કે વિક્રાંત એ સમયે વિશાખાપટ્ટનમ્‌માં ઊભું છે."

"ભારે માત્રાના વાયરલેસ ટ્રાફિસથી પાકિસ્તાનીઓને છેતરવામાં આવ્યા કે ત્યાં એક બહુ મોટું જહાજ ઊભું છે."

"જાણીજોઈને વિક્રાંતની સુરક્ષાના પ્રોટોકોલને તોડીને એક નાવિક તરફથી એમની માતાની તબિયતના સમાચાર જાણવા માટેનો એક તાર કરાવાયો."

"છેતરામણીની આ ઝુંબેશની સફળતાનું પ્રમાણ ગાઝીના અવશેષોમાં કરાચીથી આવેલા સિગ્નલ દ્વારા જાણવા મળ્યું જેમાં કહેવાયું હતું 'ઇન્ટેલિજન્સ ઇન્ડિકેટ કૅરિયર ઇન પૉર્ટ' એટલે કે ગુપ્ત માહિતી અનુસાર જહાજ બંદર પર જ છે."

વધારે હાઇડ્રોજનને કારણે ગાઝીમાં વિસ્ફોટ થયો?

ગાઝીના ડૂબવાનાં કારણો વિશે માત્ર અંદાજ કરી શકાય છે. શરૂઆતમાં ભારતીય નૈસેનાએ આ ઘટનાનું શ્રેય લેવાની કોશિશ કરી કે એમના જહાજ આઇએનએસ રાજપૂતે ગાઝીને ડુબાડ્યું છે.

એક આશંકા એવી પણ કરાઈ કે ગાઝી પોતે જ બનાવેલી સુરંગ પરથી પસાર થઈ હતી.

ત્રીજું અનુમાન એ કરાયું કે જે દારૂગોળા લઈને સબમરીન જતી હતી, એમાં અચાનક વિસ્ફોટ થયો અને ગાઝીએ જળસમાધિ લીધી.

ચોથી સંભાવના એવી વ્યક્ત કરાઈ કે સબમરીનમાં જરૂરિયાત કરતાં વધારે હાઇડ્રોજન ગૅસ ભરાયો હતો એના લીધે એમાં વિસ્ફોટ થયો.

ગાઝીના અવશેષોની તપાસ કરનારા મોટા ભાગના ભારતીય ઑફિસરો અને મરજીવા (દરિયામાં તળિયા સુધી ડૂબકી મારનારા) માને છે કે "ચોથી સંભાવના સૌથી વધારે સાચી લાગે છે. ગાઝીના કાટમાળની તપાસ કરનારા જણાવે છે કે ગાઝીનું માળખું વચ્ચેથી તૂટ્યું હતું, ત્યાંથી નહીં જ્યાં ટૉરપિડો રાખવામાં આવે છે."

"જો ટૉરપિડો કે દારૂગોળાની સુરંગોમાં વિસ્ફોટ થયો હોત તો સબમરીનના આગળના ભાગને સૌથી વધારે નુકસાન થયું હોત."

"એ ઉપરાંત, ગાઝીની મૅસેજ લૉગ બુક વડે જેટલા કંઈ સંદેશા મોકલાયા હતા એમાંના મોટા ભાગનામાં એવો ઉલ્લેખ હતો કે સબમરીનમાં જરૂરિયાત કરતાં વધારે માત્રામાં હાઇડ્રોજન ગૅસ ઉત્પન્ન થઈ રહ્યો છે."

ગાઝીના ડૂબવા અંગે સવાલ

ગાઝી ડૂબી ગયાના પહેલા સમાચાર ભારતીય નૌસેનાના મુખ્યાલય તરફથી નવ ડિસેમ્બરે આપવામાં આવ્યા હતા, જ્યારે ગાઝી ત્રીજી-ચોથી ડિસેમ્બરે જ ડુબાડી દેવાઈ હતી.

વાઇસ ઍડમિરલ જી.એમ. હીરાનંદાનીએ પોતાના પુસ્તક 'ટ્રાન્ઝિશન ટૂ ટ્રાયંફ ઇન્ડિયન નેવી 1965-1975'માં લખ્યું છે કે, "ભારત દ્વારા ગાઝીને ડુબાડવી અને એની જાહેરાત કરવી એ બે વચ્ચે 6 દિવસનો અંતરાલ છે એણે ઘણા સવાલોને જન્મ આપ્યો છે."

"એનાથી એવા અંદાજોને પણ બળ મળે છે કે સંભવતઃ સબમરીનને યુદ્ધની ઘોષણા પહેલાં જ ડુબાડી દેવાઈ હતી. 26 નવેમ્બર પછી ગાઝી કરાચી સાથે સંપર્ક ન કરી શકી એ કારણે પણ આ શક્યતા મજબૂત બને છે."

"કેટલાંક વર્તુળોમાં એમ પણ કહેવાયું કે ભારતે નવ ડિસેમ્બરે ડુબાડાયેલા પોતાના ખુખરી જહાજના ખબર પરથી ધ્યાન હટાવવા માટે ગાઝી ડૂબ્યાનું એલાન કરી દીધું."

પરંતુ ભારત તરફથી એનું એવું સ્પષ્ટીકરણ કરાયું કે ભારત આ એલાન કરતાં પહેલાં બધી સાબિતીઓની ખાતરી કરી લેવા માગતું હતું.

સમુદ્રમાં ગાઝીની તપાસ કરવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો કેમ કે સમુદ્રમાં ખૂબ મોજાં ઊછળતાં હતાં (ભરતી હતી).

છેક પાંચમી ડિસેમ્બરે ભારતના મરજીવાને નક્કર પુરાવા મળ્યા કે ડુબાડવામાં આવેલી સબમરીન ખરેખર ગાઝી જ છે. મરજીવા ત્રીજા દિવસે સબમરીનના કોનિંગ ટાવર હૅચને ખોલવામાં સફળ થયા અને એ જ દિવસે એમને સબમરીનમાંથી પહેલો મૃતદેહ મળ્યો હતો.

ભારતે અમિરેકનો અને પાકિસ્તાનીઓના પ્રસ્તાવ સ્વીકાર્યા નહીં

ગાઝીએ હજી સુધી વિશાખાપટ્ટનમ્ બંદરના બહારના ભાગમાં જળસમાધિ લીધેલી છે.

અમેરિકનોએ ગાઝીને પોતાના ખર્ચે એ આધારે સમુદ્રમાંથી બહાર કાઢી લાવવાનો ભારત સામે પ્રસ્તાવ કર્યો હતો કે એ સબમરીન મૂળ અમેરિકાની છે, જેને એમણે પાકિસ્તાનને ભાડે આપી હતી.

પરંતુ ભારતે એમ કહીને એ રજૂઆતનો અસ્વીકાર કર્યો હતો કે ગાઝી ગેરકાયદેસર ભારતીય જળસીમામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલો કરાયો એ પછી એને નષ્ટ કરી દેવાઈ હતી.

પાકિસ્તાનીઓએ પણ પોતાના ખર્ચે ગાઝીને પાણીમાંથી બહાર લઈ આવવાનો પ્રસ્તાવ કર્યો હતો, પણ એમને પણ એ જ જવાબ અપાયો હતો જે અમેરિકનોને અપાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો