You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટન : સાંસદ સર ડેવિડ અમેસ ચાકુનો હુમલો પોલીસે કહ્યું 'આતંકવાદી ઘટના'
બ્રિટનના ઍસેક્સમાં ચાકુ વડે હુમલો થયા બાદ કન્ઝર્વૅટિવ સાંસદ સર ડેવિડ અમેસનું મૃત્યુ થયું છે.
પોલીસનું કહેવું છે કે તેમણે લે-ઑન-સીના એક ચર્ચમાં ઘટેલી આ ઘટનામાં એક સંદિગ્ધની ધરપકડ કરી છે.
પોલીસને આ સંદિગ્ધ શખ્સ પાસેથી ચાકુ મળી આવ્યું છે. પોલીસ આ મામલે વધુ કોઈ શખ્સને ખોળી નથી રહી.
સ્થાનિક સમય મુજબ 12 વાગ્યા અને પાંચ મિનિટે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળે જ ઍમ્બુલન્સમાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને તેમનું મૃત્યુ થયું હતું.
સાંસદના મૃત્યુ બાદ બ્રિટનની સંસદ તથા આસપાસ રાષ્ટ્રધ્વજને અરધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે. આરોગ્યમંત્રી સાજિદ જાવિદે તેમને, "મહાન વ્યક્તિ, મહાન મિત્ર તથા મહાન સાંસદ, જે પોતાની લોકશાહી ફરજ બજાવતા મૃત્યુ પામી" એમ કહીને અંજલિ આપી છે.
ગત પાંચ વર્ષમાં બીજા સાંસદની તેમના કાર્યકાળ દરમિયાન હત્યા કરવામાં આવી છે.
અગાઉ વર્ષ 2016માં મજૂરપક્ષનાં સાંસદ જો કૉક્સની હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ પોતાના મતવિસ્તારમાં નાગરિકોની સમસ્યાઓ સાંભળવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ હતા સર ડેવિડ?
69 વર્ષીય સર ડેવિડ વર્ષ 1983થી સાંસદ હતા અને તેમને પાંચ સંતાન છે. હાલમાં સર ડેવિડ સાઉથઍન્ડ બેઠક પરથી સાંસદ હતા.
સર ડેવિડ પોતાના મતક્ષેત્રમાં અલગ-અલગ વિસ્તારોમાં જઈને સ્થાનિક લોકોની ફરિયાદો સાંભળતા હતા અને આવા જ એક કાર્યક્રમ દરમિયાન તેમની પર આ જીવલેણ હુમલો થયો હતો.
લગભગ 40 વર્ષથી કન્ઝર્વૅટિવ પાર્ટીના સાંસદ સર ડેવિડ 1983માં બેસિલડનથી સાંસદ રહ્યા હતા અને 1992 સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
1997ની ચૂંટણી દરમિયાન તેમણે સાઉથઍન્ડ બેઠક પસંદ કરી હતી.
સર ડેવિડનો ઉછેર રોમન કૅથલિક પરિવારમાં થયો હતો. સાઉથઍન્ડને નગરમાંથી શહેરનો દરજ્જો મળે તે માટે તેમણે અભિયાન ચલાવ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો