You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનને લઈને પાકિસ્તાની ઍરલાઇન્સનો મોટો નિર્ણય, કાબુલની તમામ ઉડાનો રદ
પાકિસ્તાનની સરકારી ઍરલાઇન્સ પીઆઈએએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી આવતી-જતી તમામ ઉડાનોને રદ કરી દીધી છે.
પાકિસ્તાને તાલિબાનના અધિકારીઓ પર 'અપમાનજનક વ્યવહાર' કરવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે તેમનું વલણ 'બિનવ્યાવસાયિક' છે.
કંપનીના પ્રવક્તાએ આરોપ મૂક્યો છે કે તાલિબાન દ્વારા ઍરલાઇનના સ્ટાફને ધમકીઓ આપવામાં આવે છે તથા ઉડ્ડયનવ્યવસ્થામાં દખલ કરવામાં આવે છે.
ટિકિટોની કિંમત 10 ગણા કરતાં વધુ
ગુરુવારે તાલિબાને પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સ તથા અફઘાનિસ્તાનની ઍરલાઇન્સ કૈમ ઍરને ટિકિટની કિંમતો ઘટાડવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે ઑગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થયો તે પહેલાં જે કિંમતો હતી, તેને બહાલ કરવામાં આવે.
તાલિબાનનું કહેવું હતું કે જો તેની શરતો માનવામાં નહીં આવે તો તે ઉડાનોને અટકાવવાનો નિર્ણય લઈ શકે છે. ગત બે મહિના દરમિયાન ઇસ્લામાબાદથી કાબુલના રૂટ પર ફ્લાઇટોની કિંમતો અગાઉ કરતાં લગભગ 10 ગણી વધી ગઈ છે.
ઑગસ્ટ મહિનાના મધ્ય ભાગમાં અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા બાદ પાકિસ્તાને ત્યાંને માટે વિશેષ ઉડાનો શરૂ કરી હતી. અફઘાનિસ્તાનથી પલાયન કરવા માગતા લોકો માટે પીઆઈએની ઉડાનો જીવાદોરી સમાન હતી.
પીઆઈએના પ્રવક્તા અબ્દુલ્લાહ હાફિઝ ખાને ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું, "કાબુલ ઍવિયેશનના અધિકારીઓના બિનવ્યાવસાયિક વલણને કારણે અમારી ઉડાનોમાં મોડું થઈ રહ્યું છે."
તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી ઉડાનો મોકૂફ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'અગાઉની કિંમતો બહાલ થાય'
એએફપીના કહેવા પ્રમાણે, ઍરલાઇન્સ કાબુલથી ઇસ્લામાબાદની માત્ર 40 મિનિટ માટે 1200 ડૉલર સુધીનું ભાડું વસૂલ કરતી હતી. અગાઉ આ ભાડું દોઢસો ડૉલર સુધીનું હતું.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના મતે અમુક ટિકિટો તો 2500 ડૉલર સુધી પહોંચી જતી હતી.
આ વિશેષ ઉડાનો ઉપયોગ સ્વૈચ્છિક સંસ્થાઓ કે સખાવતી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો કરી રહ્યા હતા. જેમાંથી અનેકે અફઘાનીઓને પોતાના દેશમાંથી નીકળવામાં મદદ કરી હતી. છતાં ઉડાનો અનિયમિત હતી અને સામાન્ય લોકો માટે આ ટિકિટો પહોંચની બહાર થઈ ગઈ હતી.
ઍરલાઇન્સનું કહેવું છે કે "માનવીય ધોરણે મદદ"ના આધાર પર તેની શરૂઆત કરવામાં આવી હતી અને તે "આર્થિક રીતે કંપની માટે લાભકારક ન હતી."
બીજી બાજુ અફઘાનિસ્તાનની કૈમ ઍરલાઇન્સ પણ એક ટિકિટ માટે 1600 ડૉલર સુધી વસૂલી રહી હતી. રૉઇટર્સના રિપૉર્ટ મુજબ, "ટિકિટોના ભાવ ઇસ્લામિક અમિરાતના વિજય પહેલાંની શરતો મુજબ જ હોવી જોઈએ, જો આવું નહીં થાય તો ઉડાનોને અટકાવી દેવામાં આવશે."
તેમણે મુસાફરો તથા અન્ય લોકોને કોઈ પણ પ્રકારના ઉલ્લંઘનને રિપોર્ટ કરવાનો આગ્રહ કર્યો હતો. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન તથા નાટો સેનાઓના નિર્ગમન બાદ કાબુલ ઍરપૉર્ટ ઉપર તાલિબાનનો કબજો છે.
આ પહેલાં 1996થી 2001 દરમિયાન પણ અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન હતું, ત્યારે પાકિસ્તાન દ્વારા તેનું સમર્થન કરવામાં આવ્યું હતું. અમેરિકા દ્વારા પાકિસ્તાન સરકાર પર ઇસ્લામિક ઉગ્રવાદીઓને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવે છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દુનિયાના નેતાઓને અપીલ કરી છે કે તેઓ તાલિબાનની સરકાર સાથે વાટાઘાટ કરે તથા તેને આર્થિક મદદ કરે.
આમ છતાં પશ્ચિમી દેશોએ હજુ સુધી અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા નથી આપી. ગત સપ્તાહે તાલિબાને ગય અઠવાડિયે પાકિસ્તાન સાથે જોડાયેલી પોતાની એક સરહદ પર ક્રૉસિંગ બંધ કરી દીધું હતું.
તાલિબાનનો આરોપ હતો કે પાકિસ્તાનના સરહદી અધિકારીઓ દ્વારા અફઘાન નાગરિકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો