ઍટેનબરોની સુપરહિટ 'ગાંધી' ફિલ્મમાં પહાડ જેવી ભૂલો હતી?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બેસ્ટ સ્ક્રિપ્ટ સહિતના આઠ ઑસ્કાર ઍવૉર્ડ જીતનાર, રિચાર્ડ ઍટેનબરોની ફિલ્મ 'ગાંધી' (1982) તેના પ્રભાવ અને આંતરરાષ્ટ્રિય અસરની દૃષ્ટિએ બેજોડ ગણાય છે.

ગાંધીજીના જીવનને અનુલક્ષીને બનેલી તે પહેલી પૂરા કદની ફિલ્મ હતી, જે કોઈ ભારતીયે નહીં પણ વિદેશી અભિનેતા ઍટેનબરોએ બનાવી.

બ્રિટિશ હાઇકમિશનમાં કામ કરતા ગાંધીપ્રેમી મોતીલાલ કોઠારીના આગ્રહથી ઍટેનબરોએ ગાંધીજી વિશે વાંચ્યું અને પોતે અભિનેતા હોવા છતાં, ગાંધીજી વિશે ફિલ્મ બનાવવાનો ફેંસલો કર્યો.

એ માટે બે દાયકા જેટલો સંઘર્ષ કર્યો. આર્થિક અગવડો વેઠી. પણ ફિલ્મ બની અને રજૂ થઈ ત્યારે દુનિયાભરમાં તે વખણાઈ.

તેના પટકથાલેખક જૉન બ્રિલી વિશે ઍટેનબરોએ લખ્યું હતું, 'તેમની (બ્રિલીની) વિષય પરની પકડ બહુ થોડા સમયમાં આવેલી હોવા છતાં તે એક નિષ્ણાતને છાજે એવી છે.

ગાંધી વિશેની તેમની સમજણે આજીવન ગાંધીનો અભ્યાસ કરનાર વિદ્વાનોને પણ દંગ કર્યા છે. હકીકતે, ફિલ્મમાં અમુક વાક્યો ગાંધીનાં છે કે જોન બ્રિલીનાં, એ નક્કી કરવામાં કેટલાકને મૂંઝવણ થાય છે.'

ફિલ્મ માટેની ઍટેનબરોની નિષ્ઠા અને ફિલ્મકળાની દૃષ્ટિએ ઉત્તમ પરિણામ છતાં, નવાઈ લાગે એવી વાત છે કે ફિલ્મની પટકથામાં કેટલાંક મોટાં ગાબડાં રહી ગયાં.

આજકાલ 'બાયોપિક' તરીકે પ્રચલિત બનેલા આ પ્રકારમાં વ્યક્તિ વિશેનું બધું સમાવવું શક્ય ન બને. એટલે જે છૂટી ગયું તેને નજરઅંદાજ કરીએ. આવી ફિલ્મોમાં હકીકતો સાથે સર્જનાત્મક છૂટછાટો લેવાની થાય.

તે પણ સમજી શકાય. કેટલીક ફિલ્મોના કિસ્સામાં નાયકની કાળી બાજુ સંતાડવા માટે કે તેને ઊજળો ચીતરવા માટે અમુક ઢબે હકીકતો રજૂ કરવાની થાય.

તે વાજબી ન ઠેરવીએ, પણ એવું કરવાની જરૂર સમજી શકાય. 'ગાંધી' ફિલ્મમાં જોવા મળતા મોટા ભાગના ગોટાળામાં ઉપર જણાવેલું એકેય કારણ લાગુ પડતું નથી.

એ ભૂલો 'અમારે ઇતિહાસક્રમ સાથે કશી લેવાદેવા નથી. અમારે તો બસ ગાંધીજીનું ચરિત્ર અને તેમની નૈતિક તાકાત દુનિયા સમક્ષ મૂકી આપવી હતી'--એવા ખ્યાલથી દોરવાઈને થયેલી હોય, એવું ધારી શકાય.

ગમે તે હો, પણ ઘણી ભૂલો પાયાની, હાસ્યાસ્પદ. બિનજરૂરી અને સહેલાઈથી નિવારી શકાય એવી છે. ચોક્સાઈથી કામ કરવા માટે જાણીતા પરદેશી નિર્દેશકોના મામલે તો ખાસ.

તમે આ વાંચ્યું કે નહીં?

સરદાર સિનિયર કે ગાંધી?

ફિલ્મમાં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા ગાંધીજી અને કસ્તુરબા સ્ટીમરમાં મુંબઈ ઊતરે છે.

પત્રકારોના થોડા સવાલજવાબ પછી સૂટ-ટાઈમાં સજ્જ જવાહરલાલ નહેરુ તેમને કહે છે, 'બે શબ્દો કહી દો. પછી આપણે શોરબકોરથી દૂર જઈએ.'

પશ્ચાદભૂમાં સ્ટીમર પર જ 'કૉંગ્રેસ પાર્ટી વેલકમ્સ ગાંધી' એવું બેનર દેખાય છે. ગાંધી ટૂંકું ઉદ્બોધન કરે છે.

ટોળામાં સૂટ-ટાઈધારી નહેરુની સાથે સૂટ-ટાઈ અને કાળી મૂછો ધરાવતા વલ્લભભાઈ પટેલ પણ ઊભા છે.

તે પહેલી જ ક્ષણથી ગાંધીને અહોભાવયુક્ત દૃષ્ટિથી તાકી રહે છે.

ગાંધીની બે લીટી પૂરી થાય એટલે વલ્લભભાઈ નહેરુની સામે જુએ છે. ગાંધીજી વલ્લભભાઈ સાથે ઘોડાગાડીમાં બહાર નીકળે છે.

નહેરુ 'અમે પાછળ આવીએ છીએ. ચિંતા ન કરશો' એમ કહે છે.

ઘોડાગાડીમાં ગાંધીજી વલ્લભભાઈને પૂછે છે, 'કૌન હૈ વો નૌજવાન?' વલ્લભભાઇ જવાબ આપે છે, 'વો નૌજવાન નહેરુ હૈ. ઉસકો અપને પિતાસે અક્લ ઔર માંસે ખૂબસૂરતી મિલી હૈ. ઔર જાદુ ઉસકા અપના. અગર યે કેમ્બ્રિજમેં ન બીગડે તો બહોત બડા આદમી બનેગા. જબ મૈંને તુમ્હેં એક નૌસીખીયે વકીલકે રૂપમેં દેખા થા, બમ્બઈમેં, તબ નહીં સોચા થા કિ તુમ્હારા દેશ કે નેતા જૈસા સ્વાગત કરુંગા.'

ગાંધી કહે છે, 'મૈં ઉસ લાયક કહાં હું મિસ્ટર પટેલ.' (ફિલ્મની સીડીમાં આ દૃશ્યનો સમય : 00:41:10થી 00:42:30, અંગ્રેજી પટકથાના પુસ્તકમાં પૃષ્ઠ નંબર : 57-60)

આ આખા દૃશ્યમાં અઢળક અને બિનજરૂરી, છતાં ઇતિહાસનો ક્રમ અવળસવળ કરી નાખે એવી ભૂલોનો ભંડાર છે.

1915માં 'કૉંગ્રેસ પાર્ટી વેલકમ્સ ગાંધી' જેવું કોઇ બેનર સ્ટીમર પર હોય કે કૉંગ્રેસના કોઈ પ્રતિનિધિ ગાંધીજીને આવકારવા સ્ટીમર પર ગયા હોય એવું પણ જાણવા મળતું નથી.

યુવાન જવાહરલાલ નહેરુ ગાંધીજીને ટોળામાંથી બહાર દોરી જાય છે, પણ ગાંધીજી એમને ઓળખતા નથી. (જે તેમના વલ્લભભાઈ સાથેના સંવાદ પરથી સમજાય છે. )

હકીકતે ગાંધીજી મુંબઈ ઊતર્યા 9 જાન્યુઆરી, 1915ના રોજ અને જવાહરલાલ નેહરુ સાથેની તેમની પહેલી મુલાકાત 1916ના ડિસેમ્બરમાં લખનૌમાં યોજાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં થઈ.

ત્યાર પહેલાં, 1910માં, જવાહરલાલ નહેરુ કેમ્બ્રિજથી ડિગ્રી મેળવીને ભારત પાછા આવી ગયા હતા.

એટલે 1915માં તેમના માટે 'કેમ્બ્રિજમાં બગડી જવાની' ચિંતા અસ્થાને હતી.

એવી જ રીતે, ગાંધીજી નહેરુને મળ્યા ત્યાર પછી તેમની વલ્લભભાઈ સાથે મુલાકાત થઈ હતી.

એટલે વલ્લભભાઈ ગાંધીજીને નહેરુનો પરિચય આપે એ શક્ય નથી. વલ્લભભાઈ અને ગાંધીજી મુંબઈમાં કે બીજે ક્યાંય કદી સાથે ન હતા.

એટલે વલ્લભભાઈએ ગાંધીજીને નવોદિત વકીલ તરીકે જોયા હોય એ શક્ય નથી.

આમ પણ, વલ્લભભાઈ ગાંધીજી કરતાં છ વર્ષ નાના હતા એટલે એ ગાંધીજીને તુંકારે બોલાવે એ શક્ય ન હતું.

આવું જ એક દૃશ્ય કોંગ્રેસના અધિવેશનનું છે. તેમાં ઝીણા હોમરુલ માટે માગણી કરતું આક્રમક ભાષણ કરીને બેસી જાય છે.

વલ્લભભાઇ તેમનાં વખાણ કરીને ગાંધીજીના પ્રવચનની ભૂમિકા બાંધતાં કહે છે, 'હવે હું એ વ્યક્તિ સાથે તમારો મેળાપ કરાવી રહ્યો છું, જેના લેખોથી આપણે પરિચિત છીએ, પૂજ્ય ગોખલેજી તેમને બહુ આદરથી જુએ છે અને દક્ષિણ આફ્રિકામાં જેમનું અસહયોગ આંદોલન હંમેશાં યાદ રહેશે. મિસ્ટર મોહનદાસ ગાંધી.' (સમય : 00:55:25થી 00:56:12 પટકથામાં પૃષ્ઠ નંબર : 71-72)

ગાંધીજી પહેલી વાર કૉંગ્રેસના 1916ના લખનૌ અધિવેશનમાં હાજર રહ્યા હતા.

એ અધિવેશનમાં જવાહરલાલ નહેરુ સાથેની તેમની પહેલી મુલાકાત થઈ. વલ્લભભાઈ સાથેનો પરિચય ત્યાર પછી થયો. અને કૉંગ્રેસમાં ગાંધીજી વલ્લભભાઈ કરતાં સિનિયર હતા.

એટલે વલ્લભભાઇ કૉંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીની ઓળખાણ કરાવે એ અસંભિવત છે. એટલું જ નહીં, તેનાથી ગાંધીજી-વલ્લભભાઈના સંબંધોનું શીર્ષાસન થઈ જાય છે.

ફિલ્મી જેલવાસ

ચંપારણમાં હાથી પર જતા ગાંધીજીને સાઇકલ પર આવેલો હવાલદાર સમાચાર આપે છે, 'મુઝે અફસોસ હૈ, આપ ગિરફતાર કિયે જાતેં હૈં.'

ગાંધીજી જવાબ આપે છે,' મુઝે કોઇ અફસોસ નહીં.' પછી કસ્ટડીની બહાર મોટું ટોળું એકત્ર થયેલું દેખાય છે.

ગાંધીજીના મિત્ર ચાર્લી એન્ડ્રુઝ તેમને મળવા જેલ જેવી કસ્ટડીમાં જાય છે.

ગાંધીજી કહે છે કે મૅજિસ્ટ્રેટ ફેંસલો આપે, પછી સજા થશે. એન્ડ્રુઝ ગાંધીજીને કેવળ કચ્છામાં જોઈને નવાઈ પામે છે.

ગાંધીજી તેમને કહે છે કે 'હવેથી આ જ મારાં વસ્ત્રો છે.' ( સીડી-2, 00:03:17થી 00:05:10 પટકથામાં પૃષ્ઠ નંબર : 82-84)

વાસ્તવમાં ચંપારણ સત્યાગ્રહ સંબંધે ગાંધીજીની ક્યારેય ધરપકડ કરવામાં આવી ન હતી કે તેમને જેલમાં-કસ્ટડીમાં રાખવામાં આવ્યા ન હતા.

મૅજિસ્ટ્રેટે ગાંધીજીને ચંપારણ છોડવાની નોટિસ આપી હતી. તેનો અનાદર કરવા બદલ બીજા દિવસે અદાલતમાં હાજર રહેવાનો તેમને હુકમ મળ્યો.

અદાલતમાં ગાંધીજીએ હુકમના અનાદર પાછળનું કારણ રજૂ કર્યું. ગવર્નરના હુકમથી ગાંધીજી સામેનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો.

ગાંધીજીની આત્મકથાનાં ચંપારણનાં પ્રકરણોમાં કે ગાંધીજીની દિનવારીમાં ક્યાંય એવો ઉલ્લેખ આવતો નથી કે ચાર્લી એન્ડ્રુઝ ચંપારણમાં તેમની સાથે હતા.

એટલું જ નહીં, પૂરાં વસ્ત્રો છોડીને કચ્છો પહેરવાનો નિર્ણય ગાંધીજીએ ચંપારણમાં કર્યો, એવું પણ ક્યાંય નોંધાયું નથી.

અન્ય દૃશ્યમાં રૉલેટ એક્ટના વિરોધના પગલે ગાંધીજીને જેલમાં પૂરવામાં આવ્યા છે. ત્યાં નહેરુ ગાંધીજીને મળવા માટે જાય છે.

ગાંધીજી જેલના ઊભી લીટીવાળા કેદી પોશાકમાં બહારના રૂમમાં આવીને નહેરુને મળે છે.

નહેરુ તેમને 'બાપુ' કહીને સંબોધે છે. ગાંધીજી કહે છે, 'તુમ ભી?' એટલે નહેરુ જવાબ આપે છે, 'આમાં વધારે આત્મીયતા છે.' (સીડી-2, 00:16:27થી 00:17:10, પટકથામાં પૃષ્ઠ નંબર : 96-97)

વાસ્તવમાં ગાંધીજીને ભારતમાં પહેલવહેલી જેલની સજા રાજદ્રોહના કેસ વખતે 1922માં થઈ, એ બહુ જાણીતી હકીકત છે.

રૉલેટ એક્ટના વિરોધ નિમિ્ત્તે 1919માં ગાંધીજીની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હોય એવું બન્યું ન હતું.

એક વાર માત્ર તેમને પંજાબમાં પ્રવેશતા અટકાવાયા હતા, પણ ત્યાંથી તેમને ટ્રેનમાં મુંબઈ લઈ જઈને મુક્ત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત, જેલવાસની વાત કરીએ તો, ભારતની જેલમાં એક પણ વાર ગાંધીજીને કેદી પોશાકમાં રાખવામાં આવ્યા ન હતા.

તેમનો દરજ્જો રાજદ્વારી કેદી તરીકેનો જ હતો અને એ તેમનાં સામાન્ય વસ્ત્રોમાં જ જેલમાં રહેતા.

તેમની સાથે જેલમાં રહેતા સહાયક કે સાથીદાર એવા રાજદ્વારી કેદીઓને પણ જેલનાં કપડાં પહેરવાનાં ન હતાં.

1919માં ગાંધીજી જેલમાં ગયા જ ન હોય, એટલે પછી નહેરુનું તેમને મળવું અને તેમને પહેલી વાર 'બાપુ' કહેવું--એ બધું અસ્થાને થઈ જાય છે.

વિશ્લેષણ

અહીં ટાંકી છે એવી ઘણી ભૂલો આખી ફિલ્મમાં ઠેરઠેર વેરાયેલી પડી છે.

તેમાંની ઘણીખરી સર્જનાત્મક છૂટછાટ ગણાય એવી પણ નથી અને સર્વથા ટાળી શકાય એવી લાગે છે.

છતાં, તે કાળે તે ફિલ્મમાં આવી ગઈ અને ચાલી પણ ગઈ.

ઍટેનબરોને ન્યાય ખાતર એટલું કહેવું જોઈએ કે આ બધી ભૂલો સહિત તેમણે ફિલ્મ દ્વારા ગાંધીજીનું ચરિત્ર ઉપસાવવાનો જે પ્રયાસ કર્યો અને તેમાં જે સફળતા મેળવી, તે નોંધપાત્ર અને પ્રભાવક હતી.

ત્યાર પછી બનેલી બીજા રાજપુરુષો વિશેની ફિલ્મોમાંથી કોઈ ફિલ્મ નિર્માણનાં ઘણાંખરાં પાસાંની અને પ્રભાવની દૃષ્ટિએ 'ગાંધી'ની નજીક પહોંચી શકી નથી.

આ સિરીઝની અન્ય સ્ટોરીઓ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો