બાપુ બોલે તો...: ગાંધીજી ફિલ્મ-સંગીત-ગાયકીના વિરોધી હતા?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય ફિલ્મઉદ્યોગની શરૂઆત 'રાજા હરિશ્ચન્દ્ર' (1913)થી થઈ અને ગાંધીજી 1915માં ભારત પાછા ફર્યા.

પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' માર્ચ 14, 1931ના રોજ રજૂ થઈ, તેના થોડાક જ દિવસ પહેલાં, 5 માર્ચના રોજ ગાંધી-ઇર્વિન વચ્ચે કરાર થયા હતા અને સત્યાગ્રહનું આંદોલન કામચલાઉ પાછું ખેંચાયું હતું.

ગાંધીજીની લડતથી ઊભા થયેલા વાતાવરણમાં ફિલ્મકારોને ફિલ્મના વિષયો તેમ જ જાહેરખબરોમાં ગાંધીજીના નામનો-કામનો ઉપયોગ કરવાના અવનવા નુસખા સૂઝતા રહ્યા, પણ ગાંધીજીને ફિલ્મોમાં જરાય રસ ન હતો.

પોતાના વિશે ઊભી કરાતી ગેરમાન્યતાઓનું ખંડન કરતાં ૧૯૨૬માં તેમણે લખ્યું હતું, 'એક જર્મન છાપું મેં એક ફિલ્મકંપની ઊભી કર્યાનો આક્ષેપ કરે છે...ભોળા લેખકને ખબર નથી કે હું એક વાર પણ સિનેમા જોવા ગયો નથી અને ક્યારેક થતાં માયાળુ મિત્રોના દબાણ છતાં મને એ વિશે ઉત્સાહ જાગતો નથી અને પ્રભુદીધો સમય બગાડવાનું દિલ થતું નથી.'

એ જ લેખમાં તેમણે નોંધ્યું હતું કે સિનેમાનું શૈક્ષણિક મૂલ્ય હોઈ શકે, પણ 'એની બૂરી અસર જ દરરોજ મારી આગળ આવીને ઊભી રહે છે. એથી શિક્ષણ તો હું બીજાં સ્થળોમાંથી જ શોધું છું.' (ગાંધીજીનો અક્ષરદેહ-૩૨, પૃ.૭૭)

તમે આ વાંચ્યું કે નહીં?

'ફિલ્મના ભાગ કાપ્યા'

એક વાર તેમને મરાઠી ફિલ્મ 'તુકારામ' બતાવવા તજવીજ થઈ હતી.

ગાંધીજીના સાથી-સચિવ મહાદેવ દેસાઈએ તેમના પુત્ર 'ચિ. બાબલા' (નારાયણ દેસાઈ) પરના એક પત્રમાં પોતે એ ફિલ્મ જોઈ તેનો અનુભવ વર્ણવીને લખ્યું હતું કે ''તુકારામનો પાર્ટ જે માણસ લે છે તેનું નામ પાગનીસ છે. એ માણસ બાપુની પાસે ગાવા આવ્યો હતો. ''

''બહુ ભાવથી ગાયું. હવે એ માણસની ઇચ્છા છે કે અહીં અમે રહીએ છીએ ત્યાં 'તુકારામ'ની ફિલ્મ બાપુને બતાવવી. બાપુ એટલો વખત જોવાને માટે બેસી ન શકે એટલે મારે કેટલાક ભાગ અંદરતી કાપી નાખવા જોઈએ. ''

''બોલ તું કહેશે મેં કયા કયા ભાગો કાપી નાખવાનો વિચાર કર્યો હશે?'' (૩૦-૧૨-૩૭, અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, નારાયણ દેસાઈ)

એ તો શક્ય બન્યું હોય એમ જણાતું નથી. પણ પછી બે પ્રસંગ એવા આવ્યા જ્યારે ગાંધીજી માયાળુ મિત્રોનું દબાણ ખાળી શક્યા નહીં.

ફિલ્મોના પ્રયોગો

આગાખાન જેલમાંથી છૂટ્યા પછી તે મુંબઈમાં જૂહુના દરિયાકિનારે એક કુટિરમાં રહેતા હતા.

પાસે જ શેઠ નરોત્તમ મોરારજીનો બંગલો.

તેમના પુત્ર અને ગાંધીજીના પ્રેમી શાંતિકુમારે નોંધ્યું છે કે એક વાર તેમના બંગલામાં વીજળીના તાર નખાતા જોયા.

તપાસ કરતાં ખબર પડી કે ગાંધીજીને ફિલ્મ બતાવવા માટેની વ્યવસ્થા થઈ રહી છે.

મે ૨૧, ૧૯૪૪ની સાંજે ગાંધીજીને ફિલ્મ બતાવાઈ. તેનું નામ હતું 'મિશન ટુ મૉસ્કો' (૧૯૪૩).

શાંતિકુમારનાં સંભારણાં તરીકે સ્વામી આનંદે નોંધ્યું છે, ''ફિલમમાં ટાઇટ કપડાં પહેરેલ છોકરીઓના

નાચ ને એવું હતું. ગાંધીજી અકળાઈ ગયા. ''

''પણ મૌન હતું. ચૂપચાપ ઊઠી ગયા. વળતી સવારે ચિઠ્ઠીમાં લખ્યું : આવા નાગા નાચ મને દેખાડવાનું શું સૂઝ્યું?''

પછી ખબર પડી કે કોઈએ મીરાબહેનને સમજાવી-પટાવીને આ કારસ્તાન કર્યું હતું. ('ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો', શાંતિકુમાર, પૃ.૯૫)

આ વિશે વધુ વાંચો

'રામ રાજ્ય'

ગાંધીજીએ એક ફિલ્મ જોઈ એટલે ગુજરાતી ચિત્રકાર કનુ દેસાઈએ આગ્રહ કર્યો કે ગાંધીજીને 'રામ રાજ્ય' બતાવવી જોઈએ.

તેમાં કનુભાઈ કળા નિર્દેશક હતા.

ગાંધીજીને પૂછ્યું. તેમનો જવાબ, 'એક વિલાયતી ફિલમ જોવાની ભૂલ કરી. એટલે હવે બીજી કરવી જ પડશે ને?'

કંઈક એવા જ સૂરમાં વ્યંગ કરતું એક કાર્ટૂન 'ફિલ્મ ઇન્ડિયા' માસિકમાં પ્રગટ થયું હતું.

તેમાં હિંદી ફિલ્મનિર્માતાઓને તેમની ફિલ્મોના ડબ્બા લઈને ગાંધીજીના ઉતારાની બહાર લાઈનબંધ ઊભેલા બતાવાયા હતા.

લાઇનમાં સૌથી પહેલા ઊભેલા સંભવતઃ 'રામ રાજ્ય'ના નિર્માતા વિજય ભટ્ટ છે અને તેમની પાછળ સરદાર ચંદુલાલ શાહ.

એ બધાને રોકવા માટે સરોજિની નાયડુ દંડુકો લઈને ઊભેલાં દર્શાવાયાં હતાં.

પરંતુ કનુ દેસાઈનો આગ્રહ કામ કરી ગયો.

'સિનેમા થિયેટરની જગ્યાએ કાંતણ થિયેટર'

શાંતિકુમારે સંભાર્યું છે, ''બહુ રકઝક અંતે કનુભાઈના આગ્રહથી (જૂન ૨, ૧૯૪૪ના રોજ) જોઈ. ફિલમમાં બધી ઘાંટાઘાંટ. ગાંધીજીને મુદ્દલ ના ગમી.' ('ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો', શાંતિકુમાર, પૃ.૯૫)

વર્ષો પછી ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં 'રામરાજ્ય' ફિલ્મના નિર્માતા-નિર્દેશક વિજય ભટ્ટને અને એ ફિલ્મમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર ઉમાકાંત દેસાઈને તેમના ઘરે મળવાનું થયું.

ત્યારે તેમના માટે ગાંધીજીએ તેમની ફિલ્મ જોઈ એનો જ મહિમા હતો.

ગાંધીજીએ જોયેલી એકમાત્ર ફિલ્મ તરીકે રામરાજ્યનો ઘણો પ્રચાર પણ થયો હતો.

આ ઘટનાનાં ત્રણ વર્ષ પછી, દિલ્હીમાં પ્રાર્થનાસભા પછીના એક પ્રવચનમાં તેમણે કહ્યું કે સિનેમાથી બોધ મળે એ વાત તેમના ગળે ઉતરતી નથી અને બંધિયાર થિયેટરમાં તેમનો શ્વાસ રુંધાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'મારું ચાલે તો હિંદુસ્તાનભરમાં સિનેમા થિયેટરની જગ્યાએ કાંતણ થિયેટર ઊભાં કરું.' એમ કહીને તેમણે લખ્યું હતું, 'જો કોઈ મને આ દેશનો વડો પ્રધાન બનાવે તો...સિનેમા થિયેટર તદ્દન બંધ જ કરાવું અથવા કદાચ એટલી છૂટ મૂકું કે કેળવણી કે કુદરતી દૃશ્યો બતાવાય તેવાં જ ચિત્રો બતાવું. પણ નાચગાન તદ્દન બંધ કરાવું. ''

" મને નૃત્યકળા પ્રત્યે આદર છે. સંગીત તો અત્યંત ગમે છે. "

"એટલું જ નહીં પણ સંગીતમાં હું સમજું છું એવો મારો દાવો છે."

"પણ યુવાનોનું માનસ બગડે તેવાં ગીતો, તેવાં નૃત્ય પર તો પ્રતિબંધ જ મૂકું."

"ગ્રામોફોનની રેકર્ડો પણ બંધ કરું." (૨૭-૫-૪૭, 'બિહાર પછી દિલ્હી', મનુબહેન ગાંધી, પૃ.૧૭)

ગાયક કલાકારો સાથેના પ્રસંગ

ગાંધીજીના સંગીતપ્રેમના દાવા વિશે શંકા કરતાં પહેલાં એ યાદ રાખવું જોઈએ કે અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યા પછી તેમણે વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કરને કોઈ યોગ્ય વ્યક્તિ આશ્રમ માટે આપવા વિનંતી કરી.

તેના પરિણામે પં.પળુસ્કરના શિષ્ય પંડિત નારાયણ મોરેશ્વર ખરે સાબરમતીના સત્યાગ્રહાશ્રમમાં આવ્યા અને આશ્રમવાસી બનીને રહ્યા. (દાંડીકૂચના વિખ્યાત ચિત્ર અને તસવીરમાં હાથમાં તાનપુરા સાથે દેખાતા પંડિતજીની આકૃતિ તરત ધ્યાન ખેંચે છે.)

પહેલા જેલવાસ પછી ૧૯૨૪માં ગાંધીજી પૂનાની સાસુન હૉસ્પિટલમાં હતા, ત્યારે જાણીતા ગાયક દિલીપકુમાર રૉય ગાંધીજીની મુલાકાત લીધી હતી અને તેમને ભજન સંભળાવ્યા હતા.

પોતે સંગીતના વિરોધી છે એવી ગેરમાન્યતા દૂર કરીને ગાંધીજીએ દિલીપકુમાર રૉય સાથે સંગીતના મહત્ત્વ અંગે ચર્ચા કરી હતી. (ફેબ્રુઆરી ૨, ૧૯૨૪, ગાંધીજીનો અક્ષરદેહ-પૃ.૨૩, પૃ.૧૮૬-૧૮૮)

આપને આ પણ વાંચવું ગમશે

'બાથરૂમમાં ભજન સાંભળીશ'

લગભગ બે દાયકા પછી કોમી હિંસા ઠારવા માટે ગાંધીજી કલકત્તા પહોંચ્યા ત્યારે તેમણે પ્રતિષ્ઠિત ભજનગાયિકા જુથિકા રૉય પાસેથી ભજન સાંભળ્યાં હતાં.

એકાદ દાયકા પહેલા જુથિકા રૉય સાથે થયેલી લાંબી મુલાકાત વખતે જુથિકાજીએ આ વાત કરી હતી, જેનો ઉલ્લેખ મનુબહેનના પુસ્તક 'કલકત્તાનો ચમત્કાર'માં પણ મળે છે.

તેમાં નોંધાયા પ્રમાણે, '(સવારે) સાડા નવ વાગ્યે બાપુજીએ નાહવામાં પડ્યા પડ્યા બહારથી જ્યોતિકા રેનાં મીઠાં ભજન સાંભળ્યાં... પોતે ખાસ એને સાંભળવા વખત કાઢી શકે તેમ ન હતા.

એટલે કહ્યું કે, 'હું બાથમાં હોઉં ત્યારે ભજન ગાય. હું બાથરૂમમાં સાંભળીશ.' (કલકત્તાનો ચમત્કાર, મનુબહેન ગાંધી, પૃ.૫૦-૫૧) જુથિકાજીના જણાવ્યા પ્રમાણે, એ સાંજે પ્રાર્થનાસભામાં પણ તેમણે ભજન ગાયું હતું.

બિનફિલ્મી પ્રણયગીતોના વિખ્યાત ગાયક જગમોહન 'સૂરસાગર' પણ ગાંધીજીને એ જ મકાનમાં મળ્યા હોવાનું તેમણે નોંધ્યું છે.

સુબ્બલક્ષ્મીના મધુર કંઠની પ્રશંસા

ગાંધીજીએ તેમને બાળકો માટે 'સપ્તકાંડ રામાયણ'ની રૅકૉર્ડ તૈયાર કરવા કહ્યું, જેમાં રૅકૉર્ડની બન્ને બાજુ થઈને રામાયણના દરેક કાંડના પ્રસંગો ટૂંકમાં નિરૂપતી થોડી કડીઓ સમાઈ જાય.

ગાંધીજીની આજ્ઞાને માન આપીને તેમણે એ રેકૉર્ડ તૈયાર કરાવી પણ ખરી. (દિલ દેકર દર્દ લિયા, જગમોહન સૂરસાગર, અનુ. શ્રીકાન્ત ત્રિવેદી, પૃ.૫૧-૫૨)

દિલ્હીમાં એક પ્રાર્થનાસભામાં એમ. એસ. સુબ્બલક્ષ્મીએ ભજન ગાયું હતું.

અગાઉ ૧૯૪૪માં તેમણે સંગીત કાર્યક્રમો દ્વારા કસ્તુરબા સ્મારક ભંડોળ માટે નાણાં એકઠા કરવા બદલ સુબ્બલક્ષ્મીને આભાર માનતો પત્ર લખ્યો હતો ( સપ્ટેમ્બર ૨૮, ૧૯૪૪, કલેક્ટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી-૭૮, પૃ.૧૩૬).

સુબ્બલક્ષ્મી એક વાર દિલ્હીમાં હતાં ત્યારે તેમણે પ્રાર્થનાસભામાં ભજન ગાવાની વિનંતી કરી અને ગાંધીજીએ તે સ્વીકારી.

ભજન પૂરું થયા પછી પ્રવચનના આરંભે ગાંધીજીએ સુબ્બલક્ષ્મીના મધુર કંઠની પ્રશંસા કરી. (ડિસેમ્બર ૬, ૧૯૪૭, કલેક્ટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી- ૯૦, પૃ. ૧૮૭)

વિશ્લેષણ

સંગીત પ્રત્યેના પ્રેમની સાથોસાથ ગાંધીજીનો સિદ્ધાંત 'કળા ખાતર કળા'નો નહીં, 'જીવન ખાતર કળા'નો હતો.

એટલે દિગ્ગજ ગાયકો સાથે સીધા સંબંધ-સંપર્કમાં આવવા છતાં અને તેમની ગાયકીની કદર કરવા છતાં, તે ફિલ્મોના અને સંગીતના વિરોધી છે એવી છાપ ઊભી થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો