એ વ્યક્તિ જેણે જંગલોને બચાવવા માટે કોલસાઉદ્યોગો સામે બાથ ભીડી અને જીત મેળવી

    • લેેખક, ફ્લોરા ડ્રુરી
    • પદ, બીબીસી ન્યૂઝ, લંડન

મધ્ય ભારતમાં આવેલા આ ગાઢ જંગલને જે પળે આલોક શુક્લએ જોયું એ જ પણ તેમના મનમાં બે વિચારો આવ્યા હતા.

પહેલું એ કે આ જંગલ કે જે છત્તીસગઢના ફેફસાં તરીકે ઓળખાય છે તે હજારો આદિવાસીઓ, લુપ્ત થઈ રહેલાં પ્રાણીઓ અને દુર્લભ વનસ્પતિઓનું ઘર છે અને તેમણે જોયેલી સૌથી સારી જગ્યાઓ પૈકીનું એક છે.

બીજું એ કે તે તેમનું જીવન આ અનેક અબજો રૂપિયાની કંપનીઓને કોલસાની શોધમાં અહીં ન આવવા દેવા માટે સમર્પિત કરી દેશે.

પણ સવાલ એક જ હતો કે કઈ રીતે?

બાર વર્ષ પછી, આલોક જ્યારે પાછું વળીને તેમના આ નિર્ણય સામે જુએ છે ત્યારે તેમના ચહેરા પર આછું સ્મિત વેરાય છે. તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે સફળતા મેળવી છે એ ખરેખર નોંધપાત્ર છે.

સાતમી મે, 2022ના રોજ તેમને ગૉલ્ડમેન ઍન્વાયરમેન્ટલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 43 વર્ષીય આલોકને મળેલું આ સન્માન ‘ગ્રીન નોબેલ’ તરીકે પણ ઓળખાય છે.

પરંતુ અહીં પહોંચવા માટે તેમણે ખૂબ નાના પાયે શરૂઆત કરી હતી.

જૈવવિવિધતાથી ભરપૂર છે હસદેવનાં જંગલો

છત્તીસગઢનું હસદેવ અરણ્ય જંગલ એ જૈવવિવિધતાથી ભરપૂર છે અને 1071 ચોરસ કિમીમાં ફેલાયેલું છે.

તેમાં આવેલા કોલસાના અભૂતપૂર્વ ભંડારોને કારણે તે વર્ષ 2012માં ચર્ચામાં આવ્યું હતું અને તેના પર ખતરો ઊભો થયો હતો. એક અંદાજ પ્રમાણે આ જંગલોમાં 5.6 અબજ ટન જેટલો કોલસાનો ભંડાર છે.

ભારત એ ચીન પછી કોલસાની સૌથી વધુ ખપત કરતો દેશ હોવાથી આ ભંડારો અતિશય મૂલ્યવાન છે.

પરંતુ આલોકના મતે આ જંગલોનું આદિવાસીઓ માટે મહત્ત્વ, હાથી, રીંછ, ચિત્તા, વરૂ. વાઘ જેવાં પ્રાણીઓ, વૃક્ષો પર રહેતાં અનેક લુપ્તપ્રાય પંખીઓ વગેરે માટે મૂલ્ય આંકી શકાય તેમ નથી.

આલોક એકમાત્ર વ્યક્તિ ન હતા જેમણે આ જંગલોનું મૂલ્ય આંક્યું હતું, પરંતુ સ્થાનિક સત્તાવાળાઓએ ઘણાં વર્ષો પહેલાં જ તેને સુરક્ષિત જાહેર કરી દીધું હતું. જોકે, આ જાહેરાત ક્યારેય અધિકૃત રીતે થઈ ન હતી.

તેમ છતાં પણ અનેક કોલસાના ભંડારોને નીલામીની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી. શક્તિશાળી મલ્ટિનેશનલ કંપની અદાણી સમૂહે આ વિસ્તારમાં 2010થી 2015ની વચ્ચે પાંચ કોલસાની ખાણ બનાવવા માટેની મંજૂરી માગી હતી. ત્યાર બાદ અન્ય કંપનીઓ થકી અનેક ખાણ અસ્તિત્વમાં આવે તેવો વર્તારો હતો

આલોક કહે છે, "મને હજુ પણ એ દિવસો યાદ છે જ્યારે હું ત્યાં ગયો હતો. એ ખરેખર ખૂબ સુંદર જંગલો છે અને આપણા માટે એ અતિશય કમનસીબીની વાત છે કે એ જંગલો કોલસાની ખાણોને કારણે નષ્ટ થઈ જશે."

"પરંતુ તેના કરતાં પણ અતિશય ખરાબ બાબત એ છે કે સ્થાનિક આદિવાસી લોકો કે જે વર્ષોથી આ જંગલોનું સંરક્ષણ કરી રહ્યા છે તેમને આ વાતનો જરાપણ ખ્યાલ નથી કે અહીં કોલસાની ખાણો બનવાથી શું થશે. કાયદાકીય સંરક્ષણ અને નિયમો તો બહુ દૂરની વાત છે."

આલોકને એવો ભય હતો કે તેમનું પરંપરાગત ઘર આ આદિવાસીઓ ગુમાવી દેશે જે ખરેખર વિનાશક પરિસ્થિતિ હશે.

તેઓ કહે છે, "આદિવાસીઓ અહીં સદીઓથી રહે છે. તેમને આ જંગલો સિવાય બીજું કંઈ ખબર નથી. આ જંગલો તેમની ઓળખનો ભાગ છે."

તેમ છતાં પણ તેઓ લડાઈ લડવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ સમસ્યા એ હતી કે દરેક ગામના લોકો પોતપોતાની રીતે આ લડત લડી રહ્યા હતા.

હક્ક અને અધિકારો વિશે આદિવાસીઓમાં જાગૃતિ ફેલાવી

આલોકને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે તેઓ જો સાથે મળીને લડાઈ નહીં લડે તો તેઓ આ લડાઈ હારી જશે. તેમનો વિરોધ નિષ્ફળ જવાને કારણે બે કોલસાની ખાણમાં તો ઉત્પાદન શરૂ થઈ ગયું હતું.

તેઓ કહે છે, "આ માત્ર એક ગામડાની લડાઈ નથી પરંતુ સમગ્ર ક્ષેત્રની લડાઈ છે."

આ બધામાંથી હસદેવ બચાવો કમિટીનું નિર્માણ થયું. તે એક જમીની લડાઈ લડવા માટે લોકોને કાયદાઓ અને અધિકારો વિશે જાગૃત કરવાનું માધ્યમ બન્યું. પહેલી વાર તેણે અલગ-અલગ સમૂહોને એક કર્યા.

પરંતુ આ લડાઈ એટલી સરળ પણ ન હતી. વર્ષ 2020માં વધુ કોલસાની ખાણોનો પ્રસ્તાવ રજૂ મૂકવામાં આવ્યો.

લોકોના દબાણને કારણે એ સપ્ટેમ્બરમાં ત્રણ ખાણોને બંધ કરવામાં આવી હતી. એ પછીના મહિને લોકો દ્વારા લગભગ દસ લાખ એકર જમીનને એલિફન્ટ રિઝર્વ તરીકે જાહેર કરવા માટે લડાઈ લડવામાં આવી.

ત્યારબાદ કેન્દ્ર સરકારે કટોકટીની જોગવાઈઓ હેઠળ 21 કોલ બ્લૉક્સની હરાજી કરવાની યોજનાને આગળ ધપાવવા માટે પગલું ભર્યું.

હસદેવ બચાવવા માટે સતત 18 મહિનાનું આંદોલન

એ પછી લગભગ 18 મહિનાઓ સુધી #SaveHasdeo હૅશટેગ હેઠળ ઑનલાઇન કૅમ્પેઈન, છત્તીસગઢની રાજધાની સુધી લાંબી પદયાત્રા, વૃક્ષો બચાવવા માટે ચિપકો આંદોલન જેવી લડાઈઓ લડવામાં આવી. અંતે આ 21 કોલસાની ખાણોની હરાજી રોકી દેવામાં આવી.

આમાંની એકપણ લડાઈ સરળ ન હતી. બાર વર્ષની આ લડાઈમાં માત્ર આલોક શુક્લ જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજના મનોબળના પારખાં થયા હતા.

તેઓ સમજાવે છે, "આ લડાઈમાં એક તરફ લોકોનું જીવન, આજીવિકા અને જંગલો હતા તો બીજી તરફ મોટા ઉદ્યોગગૃહોનો નફો હતો. એ વાત સ્પષ્ટ હતી કે જે કંપનીઓનો નફો દાવ પર હોય તે આ જમીન મેળવવા તમામ પ્રકારના પ્રયત્નો કરશે એ સ્પષ્ટ હતું."

હજુ પણ ઘણી લડાઈઓ જીતવાની બાકી છે. જે જમીન બરબાદ થઈ ગઈ છે તેને ફરીથી સજીવન કરવાની છે તથા સંરક્ષિત વૃક્ષોની પ્રજાતિઓને પણ બચાવવાની છે.

ગૉલ્ડમેન પ્રાઈઝ જીતીને આલોક એ આશા વ્યક્ત કરે છે કે આના કારણે સમગ્ર વિશ્વમાં જંગલ બચાવવા માટેની ચળવળોને પ્રેરણા મળશે. તેમને મળેલો ઍવૉર્ડ એ દર વર્ષે જમીની લડાઈ લડનારા લોકોને આપવામાં આવે છે.

તેઓ પ્રતિજ્ઞા લે છે કે, "હસદેવ અરણ્યમાં એક પણ વૃક્ષ કાપવાનું પગલું ખોટું છે. અમારો પ્રયત્ન રહેશે કે દરેક વૃક્ષને બચાવી લેવામાં આવે."