જળવાયુ પરિવર્તન : અમેરિકાનો સૌથી પ્રખ્યાત જળમાર્ગ બંધ થઈ જશે?

અમેરિકાનો સૌથી પ્રખ્યાત જળમાર્ગ સુકાઈ રહ્યો છે.

સુએઝ કૅનાલથી વિપરીત પનામા કૅનાલમાં મીઠા પાણીનું ‘ગાતુન’ નામનું તળાવ જળમાર્ગને ધમધમતો રાખે છે. જોકે, હવે આ તળાવમાં પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે.

આ તળાવમાં હાલકડોલક થતી નાવની મુસાફરી બાદ પનામા કૅનાલ ઑથોરિટીના હાઇડ્રોલૉજિસ્ટ નેલ્સન ગુએરા પશ્ચિમી ઘાટ તરફ કાટ લાગેલી રૂલર તરફ આંગણી ચીંધે છે અને કહે છે, "પાણીનું લેવલ 81.20 ફૂટ જોઈ શકાય છે. હાલ કરતાં પાણીનું લેવલ પાંચ ફૂટ વધારે હોવું જોઈએ."

પરત ફરતાં પાણીમાંથી દેખાઈ રહેલા ઝાડનાં કપાયેલાં થડ નજરે પડે છે. તળાવના નિર્માણ વખતે આ થડ આમને આમ રાખી દેવાયાં હતાં. સામાન્ય રીતે વર્ષના આ ભાગે આવાં અમુક થડ જ જોવાં મળે છે પણ ઉનાળા દરમિયાન આવા થડનું આખું જંગલ દેખાઈ જાય છે.

પનામા કૅનાલ વરસાદના પાણી પર નભે છે અને હાલ આ પાણીની ઘટ વર્તાઈ રહી છે.

ઓછો વરસાદ અને અલ નીનોની અસર

તેના 110 વર્ષના ઇતિહાસમાં કૅનાલ માટે આ સૌથી સૂકું વર્ષ છે, તેનું કારણ છે ઓછો વરસાદ અને અલ નીનો.

2023નો ઑક્ટોબર મહિનો સૌથી સૂકો મહિનો સાબિત થયો હતો. કૅનાલના પ્રદેશમાં સરેરાશ વરસાદની સરખામણીએ 41 ટકા ઘટ અનુભવાઈ છે અને દુષ્કાળને લીધે ઍટલાન્ટિક અને પેસિફિક વચ્ચે પસાર થનારા વાર્ષિક 270 બિલિયન ડૉલરના માલસામાનની હેરફેર થાય છે કાર્ગો-રૂટ સામે જોખમ સર્જાયું છે.

પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ છે કે તંત્રને પાણી બચાવવા માટે પગલાં લેવાં પડી રહ્યાં છે અને એના લીધે દૈનિક ધોરણે અહીંથી પસાર થનારાં જહાજોની સંખ્યા ઘટી રહી છે. આવું એવા માટે પણ થઈ રહ્યું છે કે કૅનાલની લૉક-સિસ્ટમ ચાલુ રાખવા માટે તળાવના પાણીની ખપ પડે છે.

દરરોજ પસાર થનારાં વહાણોની સંખ્યા ઘટીને 36માંથી 24 થઈ ગઈ છે. વળી, વેઇટ રેસ્ટ્રિક્શનના લીધે દરેક જહાજને કાર્ગોનું પ્રમાણ પણ ઘટાડવું પડી રહ્યું છે.

આ પરિસ્થિતિને લીધે વૈશ્વિક વેપાર માટે પણ સમસ્યા ઊભી થઈ ગઈ છે. કેમ કે સામાન્ય દિવસોમાં પાંચ ટકા વૈશ્વિક દરિયાઈ વેપાર તેમજ અમેરિકાનો 40 ટકા કન્ટેનર ટ્રાફિક ઍટલાન્ટિક-પેસેફિકના આ ટૂંકા માર્ગનો ઉપયોગ કરે છે. જો આ જળમાર્ગ સુકાઈ ગયો તો જહાજોને બીજો માર્ગ શોધવાની ફરજ પડશે. એમાં સમય પણ વધશે અને પડતર કિંમતમાં પણ ઊંચી જશે.

એટલું જ નહીં, પાણીની આ ઘટ માત્ર વૈશ્વિક વેપાર માટે જ સમસ્યા નથી સર્જી રહી. પનામા કૅનાલ ઑથોરિટી દેશની અડધી વસતિને પીવાનું પાણી પૂરું પાડે છે. આમાં રાજધાની પનામા સિટીના શહેરીજનો પણ સામેલ છે અને એને પણ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તંત્ર શું કરી રહ્યું છે?

પનામા કૅનાલ જે લોકો ચલાવે છે, એમના પ્રયાસ છે કે આ જળમાર્ગ આગામી સદી અને એ બાદ પણ ચાલુ રહે.

પનામા કૅનાલનાં અત્યાર સુધીના એકમાત્ર ચીફ સસ્ટેઇનેબિલીટી ઑફિસર ઇલ્યા એસ્પિન્યો દે મૅરોત્તા જણાવે છે કે કૅનાલમાં પાણી ખતમ ના થઈ જાય એ માટેનો ઉકેલ તેઓ શોધી રહ્યાં છે.

તેઓ કહે છે, "અમે નથી ઇચ્છતાં કે આ સમસ્યા છાશવારે સર્જાતી રહે અને વ્યવહાર કે વજનમાં ઘટાડો થાય."

તંત્ર આગામી પાંચ વર્ષ દરમિયાન ટકાઉ આયોજનની યોજના પાછળ 8.5 બિલિયન ડૉલરનો ખર્ચ કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન બદલાઈ રહેલાં જળવાયુ અંગે વાત કરતાં ઇલ્યા જણાવે છે, "પનામામાં ભારે વરસાદ પડે છે. પણ અમે એક (વરસાદી ઘટની) પૅટર્નને આવતી જોઈ રહ્યાં છીએ જે દરેક જગ્યાએ અસર કરી રહી છે. એટલે અમારે ભવિષ્ય માટે ચોક્કસથી તૈયાર રહેવું પડશે. "

આ પ્રયાસોમાં એક મહત્ત્વનું પગલું પાણીનો સંગ્રહ કરવાનું છે.

અહીં નોંધનીય છે કે પનામા કૅનાલ દરિયાઈ સપાટી કરતાં ઊંચે તૈયાર કરાયેલા જળમાર્ગમાંથી પસાર થઈ રહેલાં જહાજો માટે કામ કરે છે. ‘લૉક’ તરીકે ઓળખાતી આ વ્યવસ્થામાંથી પસાર થનારું દરેક જહાજ 50 મિલિયન ગૅલન પાણીનો ઉપયોગ કરે છે. વર્ષ 2016માં તૈયાર કરાયેલી ‘નીયો-પનામેક્સ લૉક્સ’ની સિસ્ટમ એની સરખામણીએ 60 ટકા જેટલાં પાણીને બચાવે છે.

જોકે, જૂની લૉક-સિસ્ટમ હજુ પણ કાર્યરત છે અને એનું સમારકામ મોટું આયોજન માગી લે એવું છે. આ દરમિયાન કૅનાલના તંત્રે એક લૉક ચેમ્બરમાંથી બીજીમાં પાણીના પુનર્વપરાશની વ્યવસ્થા શોધી લીધી છે અને એને ક્રૉસ-ફિલિંગ નામ અપાયું છે. આવું કરવાથી દરરોજ છ ક્રૉસિંગ દરમિયાન વપરાય એટલું પાણી બચી જાય છે.

આ ઉપરાંત તંત્ર જળાશય બનાવવાનું પણ વિચારી રહ્યું છે. 2016માં નવી લૉક-સિસ્ટમ બનાવાયા બાદનો આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે.

ખર્ચાળ વિકલ્પોની વ્યવસ્થા

ચોમાસા દરમિયાન પાણી બચાવવા અને પાણી સુકાઈ જાય એવા સમયે પુરવઠો વધારવા માટે નજીક આવેલી ઇન્ડિયો રિવર પર ડૅમ બાંધી ગાતુન તળાવમાં પાણી ઠાલવવાનો વિચાર છે. આ યોજનાને પગલે અહીંથી દરરોજ પસાર થનારાં જહાજોની સંખ્યા 12થી વધીને 15 થઈ જશે.

જોકે, આવું કરવું સરળ નહીં હોય. આ પ્રોજેક્ટને હજુ સુધી કૉંગ્રેસની મંજૂરી નથી મળી.

વળી, બાંધકામમાં પણ વર્ષો લાગી શકે છે. અન્ય એક વિકલ્પ ડિસેલિનેશન પ્લાન્ટ બાંધવાનો છે. વરસાદની ઘટે તળાવો અને નદીમાં ક્ષારનું પ્રમાણ વધારી દીધું છે. જોકે, આ વિકલ્પ ભારે ખર્ચાળ છે અને એમાં ઊર્જા પણ વિપુલ પ્રમાણ જરૂર પડે એવું છે.

એટલું જ નહીં, કૃત્રિમ વરસાદનો વિકલ્પ પણ વ્યવહારુ નથી જણાતો. મીઠાના કણને વાદળોમાં છાંટીને વરસાદ લાવવાની વાત ભલે ભારે ભવિષ્યત્ લાગતી હોય પણ એનો પ્રયોગ છેક 1940થી થતો આવ્યો છે.

ઓછું થઈ રહેલું પરિવહન અને એમાં પણ આ વર્ષે નોંધાયેલો ઘટાડો, આ વૈશ્વિક માર્ગની સમસ્યાનું સામાધાન માગી રહ્યાં છે. પનામા કૅનાલ થકી થનારા વેપારનું પ્રમાણ 49 ટકા જેટલું ઘટી ગયું છે.

‘અગુન્સા’ નામની જહાજી કંપનીની પનામા ખાતેની શાખાના જનરલ મૅનેજર હોશે સેરવાનતેસ જણાવે છે કે તેમના દરરોજના અભિયાનને અસર પહોંચી છે. પનામા કૅનાલ પર સર્જાયેલી સમસ્યાને લીધે ટેક્સટાઇલ્સ અને ભોજન સંબંધિત બે મિલિયન ટન સામાન લદાયા વગરનો પડ્યો છે.

અન્ય કોઈ શૉર્ટકટના અભાવને તેઓ એમની સમસ્યાનું મૂળ કારણ ગણાવે છે.

જળવાયુ પરિવર્તનની અસર

રાતા સમુદ્રમાં સર્જાયેલી સમસ્યાને પગલે એશિયાથી કાર્ગો લાવી રહેલાં કેટલાંય જહાજોને સુએઝ કૅનાલ થકી માર્ગ બદલવો પડ્યો હતો. જોકે, એ માર્ગ પૂરતો સુરક્ષિત ના હોવાના લીધે પનામામાં રેલ અને ધોરીમાર્ગે થનારા પરિવહનનું પ્રમાણ વધી ગયું છે.

જોકે, સેરવાનતેસના મતે જહાજમાંથી સામાન ઉતારવા અને ટ્રેન અને ટ્રકમાં લાદવાને લીધે કિંમત વધી જાય છે. તેઓ જણાવે છે કે "છેલ્લે એ કિંમત ગ્રાહકે જ ચૂકવવી પડે છે. "

જો મે માસમાં અપેક્ષા અનુસાર વરસાદ પડશે તો કૅનાલ મારફતે પસાર થનારાં જહાજોની સંખ્યા વધે એવું અનુમાન છે. જોકે, આ કોઈ કાયમી ઉપાય નથી.

વરસાદની બદલાઈ રહેલી પૅટર્ન એ જળવાયુ પરિવર્તન વૈશ્વિક વેપાર અને લાંબા ગાળે પનામા કૅનાલના ભવિષ્ય પર કેવી અસર કરી શકે એ તરફ નિર્દેશ કરે છે.