You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જળવાયુ પરિવર્તન : વિશ્વના ત્રણ અબજ લોકોના માથે ઝળૂંબતું મોટું જોખમ
એક નવા અભ્યાસ મુજબ, વર્ષ 2070 સુધીમાં ત્રણ અબજથી પણ વધુ લોકો એવાં સ્થળોએ રહેતા હશે, જ્યાંનું ઉષ્ણતામાન 'રહેવા લાયક' નહીં હોય.
ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી લોકોનો એક મોટો સમૂહ અનુભવશે કે સરેરાશ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે થઈ ગયું છે.
પર્યાવરણની આ સ્થિતિ, જે વાતાવરણમાં માનવજાત છેલ્લાં છ હજાર વર્ષથી વિકસતી રહી છે એ, 'કમ્ફર્ટ ઝોન'ની બહારની હશે.
આ અભ્યાસના સહલેખક ટિમ લેન્ટને બીબીસીને જણાવ્યું હતું કે "આ અભ્યાસ જળવાયુ પરિવર્તનની વિચારણા માનવીય સંદર્ભમાં વધારે કરે છે."
શોધકર્તાઓએ તેમના અભ્યાસ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવવસતી તથા વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારા સંબંધી આંકડાઓનો ઉપયોગ કર્યો છે.
ગ્લોબલ વૉર્મિંગને કારણે
સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ અનુસાર, હાલ પેરિસ જળવાયુ કરારના અમલના પ્રયાસો ભલે કરવામાં આવી રહ્યા હોય, પણ દુનિયા ઉષ્ણતામાનમાં ત્રણ ટકાના વધારા તરફ આગળ ધપી રહી છે.
અભ્યાસમાં જણાવ્યા અનુસાર, માનવવસતી નાનાં-નાનાં જળવાયુ ક્ષેત્રોમાં સઘન રીતે વસી ગઈ છે.
મોટા ભાગના લોકો, જ્યાં સરેરાશ ઉષ્ણતામાન 11થી 15 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય એવાં સ્થળોમાં જ રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનવવસતીનો એક નાનકડો હિસ્સો એવા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યો છે, જ્યાં સરેરાશ ઉષ્ણતામાન 20થી 25 ડિગ્રી સેલ્સીયસની વચ્ચે રહે છે. જળવાયુની આ પરિસ્થિતિમાં લોકો હજારો વર્ષોથી જીવી રહ્યા છે.
અલબત્ત, ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વના સરેરાશ ઉષ્ણતામાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થશે તો માનવવસતીના એક મોટા હિસ્સાએ એટલી ગરમીમાં રહેવું પડશે કે તેઓ 'જળવાયુની સહજ સ્થિતિ'થી વેગળા થઈ જશે.
યુનિવર્સિટી ઑફ એક્સટેરની ગ્લોબલ સિસ્ટમ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને જળવાયુ નિષ્ણાત ટિમ લેન્ટનના આ અભ્યાસમાં ચીન, અમેરિકા અને યુરોપના વિજ્ઞાનીઓએ પણ ભાગ લીધો હતો.
ગરમ સ્થળોમાં ગીચ વસતી
ટિમ લેન્ટને કહ્યું હતું, "સમુદ્રની સરખામણીએ જમીન વધારે ઝડપથી ગરમ થશે. તેથી જમીનનું ઉષ્ણતામાન ત્રણ ડિગ્રી વધારે રહેશે."
"અગાઉથી જ ગરમ ગણાતાં સ્થળોએ માનવવસતી વધવાની સંભાવના પણ છે."
"તેમાં સહરાના રણની દક્ષિણે આવેલા આફ્રિકાના મોટા ભાગના હિસ્સાનો સમાવેશ થાય છે. તેમાં લોકોએ વધારે ગરમ વાતાવરણમાં રહેવું પડશે."
ટિમ લેન્ટને ઉમેર્યું, "ગરમ સ્થળોમાં ગીચ માનવવસતી જોવા મળી રહી છે અને એ સ્થળોનું ઉષ્ણતામાન વધી પણ રહ્યું છે."
"એ કારણે ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ દુનિયામાં, સરેરાશ સાત ડિગ્રી વધારે ઉષ્ણ પરિસ્થિતિમાં માણસે જીવવું પડે છે."
આ પરિવર્તનનો પ્રભાવ જે વિસ્તારો પર પડવાનો છે તેમાં ઑસ્ટ્રેલિયા, ભારત, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને મધ્ય-પૂર્વના કેટલાક દેશોનો સમાવેશ થાય છે.
ગરીબ પ્રદેશોમાં રહેતા લોકો આટલી ઉગ્ર ગરમીમાં પોતાનો બચાવ કરવા જેટલા સક્ષમ નહીં હોય, એવી ચિંતા પણ આ અભ્યાસમાં વ્યક્ત કરવામાં આવી છે.
પર્યાવરણનો કમ્ફર્ટ ઝોન
ટિમ લેન્ટને કહ્યું, "મારો આ અભ્યાસ, વાતાનુકૂલિત ઇમારતોમાં રહીને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવા સમર્થ અમીર લોકો વિશેનો નથી."
"આપણે એવા લોકોની ચિંતા કરવી જોઈએ કે જેમની પાસે જળવાયુ પરિવર્તન અને મોસમી પ્રકોપથી ખુદને બચાવવાનાં સાધનો નથી."
પોતાના અભ્યાસના મુખ્ય સંદેશા બાબતે ટિમે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તનને નિયંત્રિત કરી શકાય તો તેનો મોટો ફાયદો થશે. પર્યાવરણના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર રહી જનારા લોકોની સંખ્યા પણ તેનાથી ઘટાડી શકાશે.
ટિમ લેન્ટને ઉમેર્યું, "આજે જે ઉષ્ણતામાન છે, તેમાં એક ડિગ્રીનો વધારો થાય તો પણ તેની અસર લગભગ એક અબજ લોકોને થાય."
"તેથી ઉષ્ણતામાનમાં થનારા પ્રત્યેક ડિગ્રીના વધારાથી લોકોની રોજીરોટીમાંના સંભવિત પરિવર્તનને આપણે ઘણા અંશે ખાળી શકીએ તેમ છીએ."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો