15 માળનું ખેતર જ્યાં વરસાદ વિના ગમે તે સિઝનમાં મન પડે તે પાક લઈ શકાય

    • લેેખક, ડેવ હાર્વી દ્વારા
    • પદ, વ્યાપાર અને પર્યાવરણ સંવાદદાતા, બીબીસી પશ્ચિમ

યુકેના ગ્લુસેસ્ટરશાયરમાં એક "સૌથી વધુ તકનીકી રીતે અદ્યતન ઇનડોર ખેતર" ખૂલ્યું છે.

અહીંયા, તુલસીનો છોડ, લેટીસ અને અન્ય જડીબુટ્ટીઓને ખાસ લાઇટ હેઠળ ગરમ ભેજવાળા કૃત્રિમ વાતાવરણમાં ઉગાડવામાં આવે છે.

આ ખેતપેદાશોના મુખ્ય ઉત્પાદક ગ્લિન સ્ટીફન્સ કહે છે કે, "તેનાથી ખેતી હાઈટેક ફેકટરીમાં ફેરવાઈ ગઈ છે."

સ્ટીફન્સે આખી જિંદગી ખેતીમાં કામ કર્યું છે અને દરેક પ્રકારનો પાક ઉગાડ્યો છે. તેઓ સલાડનો પાક તપાસતાં હસતાં હસતાં કહે છે, "આ તદ્દન અલગ તક્નીક છે."

"આ ખેતીમાં ઘણી બધી ટેકનૉલૉજી સામેલ છે, ઘણું બધું એન્જિનિયરિંગ સામેલ છે અને તમારો આખો દિવસ અંદર જ પસાર થઈ જાય છે."

આ જગ્યા ખેતર કરતાં ગોદામ જેવી વધારે લાગે છે. અહીંયા રંગીન અને ચળકતી લાઇટ નીચે, એક સમાંતર લાઈનમાં ટ્રેમાં પાક ઉગાડ્યો છે જેમાં દરેક ટ્રે તુલસી, લેટીસ અને સલાડનાં પાંદડાંથી છલકાય છે.

આ ખેતર કેવી રીતે કામ કરે છે?

અહીંયા, એક પાકની ટ્રે ઉપર બીજો પાક અને તેની ઉપર ત્રીજો, એમ બિલ્ડિંગની છત સુધી 15 માળ તૈયાર કરવામાં આવેલા છે- તેથી જ તેને વર્ટિકલ ખેતી અથવા ઊભી ખેતી કહેવામાં આવે છે.

અહીં કુલ મળીને 14,500 ચોરસ મીટરમાં ખેતી થાય છે. અહીં હવાને 27 ડિગ્રી અને લગભગ 75% ભેજ પર સેટ કરવામાં આવી છે તેથી જયારે મેં યુકેના ફેબ્રુઆરીના ઠંડા, ભેજવાળા દિવસે અહીં મુલાકાત લીધી, તો ત્યાંનું વાતાવરણ હૂંફવાળું લાગ્યું. તેથી જ અહીંનું વાતાવરણ છોડ માટે યોગ્ય છે.

સ્ટીફન્સ માને કહે છે, "તુલસીના છોડને બીજથી લઈને તેની લણણી કરવામાં 18 દિવસ લાગે છે – એટલે કે "બહારની તુલનામાં લગભગ ત્રણ ગણી ઝડપથી વધે છે."

બ્રિટનનાં બજારોમાં આખું વર્ષ સલાડ વેચાય છે, તેથી તેની શિયાળામાં આયાત સ્પેન અને મોરોક્કો જેવા દેશો જ્યાં અત્યારે હવામાન અનુકૂળ છે ત્યાંથી આયાત કરવી પડે છે.

સ્ટીફન્સ ભારપૂર્વક જણાવે છે કે તેમના પાક આયાતી પાકો કરતાં ઘણું ઓછું કાર્બન ઉત્સર્જન ઉત્પન્ન કરે છે. તેમણે સમજાવ્યું " જયારે બીજા દેશમાં વાવવામાં આવતા પાક આખા યુરોપમાં ટ્રકમાં ફરીને અથવા હવાઈ જહાજ પર યુકે આવે છે, અમે તેનો આ ખર્ચ અને કાર્બન પણ બચાવીએ છીએ."

આ ખેતરમાં ઘણી બધી વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે, મુખ્યત્વે એલઈડી લાઇટનો, જેનાથી વૈજ્ઞાનિક રીતે ગણતરી કરેલ રંગ સ્પેક્ટ્રમનો ઉપયોગ ઉત્પાદનની વૃદ્ધિને માટે કરવામાં આવે છે. અહીં પૂરતી માત્રામાં વેન્ટિલેશન, પાણીનું પરિભ્રમણ અને અસંખ્ય આબોહવા નિયંત્રણની પ્રણાલીઓ ઊભી કરવામાં આવી છે.

આ બધી ઊર્જા નવીનીકરણીય વીજળીમાંથી મેળવવામાં આવે છે, અને તે કાળજીપૂર્વક સંચાલિત થાય છે.

આવાં ખેતરો બાહ્ય હવામાંથી સુરક્ષિત હોય છે, તેમને ન તો પૂરથી બચાવવા પડે છે ન તો દુકાળથી. આને જંતુ અથવા ઉપદ્રવી જીવાતનો ભય પણ ખૂબ જ ઓછો છે કેમ કે તે બાયો-સુરક્ષામાં પ્રવેશ કરવો આસાન નથી. પરંતુ તે વીજળી ઉપર ખૂબ જ આધાર રાખે છે, અને તેના કારણે અન્ય વર્ટિકલ ફાર્મ્સને બંધ કરવા પડ્યાં છે.

યુએસ સ્થિત એરોફાર્મ્સને જૂન 2023 સુધી અગ્રણી તરીકે જોવામાં આવતું હતું, પરંતુ તેણે પણ નાદારી માટે અરજી કરી હતી.

વીજળીનો ઊંચો ખર્ચ

વર્ટિકલ ખેતીમાં કામ કરતી, ફ્રાન્સની કંપની અને યુએસની કંપનીઓએ નાદારી નોંધાવી હતી. યુએસના કેલિફોર્નિયાની ઇન્ફાર્મ યુરોપમાં કામ કરતી હતી અને તે કંપની બંધ કરવી પડી હતી અને તેના 500થી વધુ કર્મચારીઓને છૂટા કરવા પડ્યા હતા.

ઇન્ફાર્મે યુરોપમાં વીજળીના ઊંચા ભાવને જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે કંપનીએ "નિર્ણય લીધો છે તે તેમનું ગોદામ એવા દેશમાં લઈ જશે જ્યાં વીજળીના દર ઓછા હશે."

જોન્સ ફૂડ કંપનીના સ્થાપક અને ચીફ ઍક્ઝિક્યુટિવ જેમ્સ લોયડ-જોન્સે જણાવ્યું હતું કે ગ્લુસેસ્ટરશાયરમાં તેમનું નવું ગોદામ વધુ કાર્યક્ષમ છે, અને અન્ય કંપની કરતાં વધુ સારી રીતે ટકી રહેશે.

તેઓ તેમની સલાડની એક થેલી £1.25 (લગભગ 125 રૂપિયા)માં વેચે છે, લગભગ તેમના હરીફો જેટલા જ ભાવે. હવામાનને નિયંત્રણમાં રાખવાથી જેમ બને તેટલી ઓછી ઊર્જાનો ઉપયોગ કરવો શક્ય છે.

લોયડ-જોન્સે કહ્યું કે તેઓ માને છે કે તેમની કંપનીએ આખા વર્ષ દરમિયાન ટકાઉ ખોરાક ઉગાડવા માટેની "ચાવી" શોધી કાઢી છે.

તે જણાવે છે કે, "આ ઉદ્યોગમાં વાણિજ્યિક સફળતા એક પડકાર છે, પરંતુ અમે હવે તેની ચાવી શોધી લીધી છે."