You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આબોહવા પરિવર્તનને કારણે હિટવેવ, દુષ્કાળ, પૂર વધી જવાથી સ્થિતિ કેવી રીતે વણસી રહી છે?
તાજેતરમાં જ દુબઈમાં છેલ્લાં 75 વર્ષમાં પડેલા વરસાદ જેટલો વરસાદ 24 કલાકમાં જ પડી ગયો અને દુનિયા આખી અચંબિત થઈ ગઈ કે મધ્યપૂર્વના શુષ્ક રણપ્રદેશમાં પૂર કેવી રીતે આવ્યું કે રસ્તા પર વાહનો ડૂબી ગયાં? જોકે, એક નવા અભ્યાસનું તારણ જણાવે છે કે દુબઈમાં વધુને વધુ પ્રમાણમાં વરસાદ પડવાનું સંભવિત કારણ આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) હોઈ શકે છે.
અહીં આત્યંતિક ક્લાઇમેટ ચેન્જ સાથે જોડાયેલી ચાર બાબતોની વાત કરવામાં આવી છે.
વધારે અતિવૃષ્ટિ
સરેરાશ તાપમાનમાં જ્યારે એક સેન્ટીગ્રેડ વૃદ્ધિ થાય ત્યારે વાતાવરણ આશરે સાત ટકાથી વધુ ભેજ જાળવી શકે છે.
તેના પરિણામે વરસાદનાં વધારે ટીપાં પડી શકે છે અને ભારે વરસાદ થઈ શકે છે. ક્યારેક ઓછા સમયમાં અને નાનાં ક્ષેત્રોમાં એવું થાય છે.
અત્યંત વિષમ મોસમી ઘટનાઓને ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર ઠેરવી શકાય કે કેમ તેનું આકલન વિજ્ઞાનીઓ પ્રાકૃતિક અને માનવીય કારણોને ધ્યાનમાં રાખીને કરી રહ્યાં છે.
દુબઈ, સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) અને ઓમાનમાં એપ્રિલ 2024માં થયેલા જોરદાર વરસાદના કિસ્સામાં ક્લાઇમેટ ચેન્જની ભૂમિકા કેટલી હતી તેનો નિષ્કર્ષ કાઢવાનું મુશ્કેલ હતું.
તેનું કારણ એ છે કે આ પ્રદેશમાં ભાગ્યેજ ભારે વરસાદ પડે છે. તેને લીધે વિજ્ઞાનીઓ ભૂતકાળના સંદર્ભમાં તુલના કરી શકતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન (ડબલ્યુડબલ્યુએ) ગ્રૂપના જણાવ્યા અનુસાર, આ પ્રકારની ઘટનાઓ 10-40 ટકા વધી ગઈ છે અને તેનું સંભવિત કારણ ક્લાઇમેટ ચેન્જ હોઈ શકે છે.
આ મહિને પૂર્વ આફ્રિકાના કેટલાક હિસ્સાઓમાં પણ ભીષણ પૂર આવ્યું હતું.
એ ઘટનામાં ક્લાઇમેટ ચેન્જની ભૂમિકા શું હતી તે કહેવું અત્યારે ઉતાવળું ગણાશે, પરંતુ ડબ્લ્યૂડબલ્યૂએને જાણવા મળ્યું હતું કે ઑક્ટોબર તથા નવેમ્બર 2023માં એ ક્ષેત્રમાં ભારે વરસાદની સ્થિતિ ક્લાઇમેટ ચેન્જ અને હિંદ મહાસાગર ડિપોલ તરીકે ઓળખાતી પ્રાકૃતિક મોસમી ઘટનાના સંયોજનને લીધે વણસી હતી.
સપ્ટેમ્બર 2023માં ઉત્તર લીબિયામાં ઘાતક પૂર આવ્યું હતું.
ક્લાઇમેટ ચેન્જને કારણે ભારે વરસાદની શક્યતા 50 ગણી વધી ગઈ હતી. વર્ષો સુધીની રાજકીય અસ્થિરતા લીધે આવી પરિસ્થિતિ સામેની તૈયારીમાં વિક્ષેપ સર્જાયો હતો.
સંયુક્ત રાષ્ટ્રસંઘના ક્લાઇમેટ એકમ આઈપીસીસીના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે માનવ ગતિવિધિને કારણે મોટાભાગનાં ભૂમિ ક્ષેત્રોમાં ભારે વરસાદની ઘટનાઓ વધી છે અને તીવ્ર થઈ છે.
આઈપીસીસીનું કહેવું છે કે આ પેટર્ન આગળ ગરમી વધવાની સાથે ચાલુ રહેશે.
વધારે ગરમ, લાંબા હિટવેવ્ઝ
સરેરાશ તાપમાનમાં મામૂલી વધારાની અસર પણ ગરમીની ચરમસીમા પર મોટી અસર થતી હોય છે. દૈનિક તાપમાન ગરમ સ્તરે સ્થાનાંતરિત થઈ જાય છે. તેનાથી વધારે ગરમ દિવસોની શક્યતા તીવ્ર થઈ જાય છે.
એપ્રિલ 2024ની શરૂઆતમાં આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં આત્યંતિક હિટવેવ દરમિયાન માલીમાં તાપમાન 48.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી ગયું હતું. તેને લીધે વધારે લોકોને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા અને વધારે પ્રમાણમાં મૃત્યુ થયા હતા.
ડબલ્યૂડબલ્યૂએને જાણવા મળ્યું છે કે ગરમીનું આ સ્તર માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જ વિના શક્ય નથી અને વિશ્વમાં ગરમાટો વધતો જશે તેમ તેમ તે વધારે સામાન્ય બનતું જશે.
બ્રિટનમાં જુલાઈ 2022માં તાપમાન પહેલીવાર 40 સેન્ટીગ્રેડના વિક્રમી સ્તરે પહોંચી ગયું હતું. તેનાથી દેશમાં વ્યાપક વિક્ષેપ સર્જાયો હતો. તે ક્લાઇમેટ ચેન્જ વિના શક્ય નથી, એવું ડબલ્યૂડબલ્યૂએ જણાવે છે.
બ્રિટન સહિતના ઘણા દેશોમાં હિટવેવના દિવસોની સંખ્યા વધી ગઈ છે અને હિટવેવ વધારે લાંબા થઈ રહ્યા છે. તે હિટ ડોમનું પરિણામ હોઈ શકે છે.
હિટ ડોમ હાઈ પ્રેશર એરિયા હોય છે, જ્યાં ગરમ હવાને નીચે ધકેલીને ફસાવી દેવામાં આવે છે. એ કારણે મોટા વિસ્તારમાં તાપમાન વધી જાય છે.
એક થીયરી એવી છે કે આર્કટિકમાંનું ઉચ્ચ તાપમાન જેટ સ્ટ્રીમ નામના મજબૂત પવનને ધીમા પાડી રહ્યું છે અને તેનાથી હિટ ડોમની શક્યતા વધી રહી છે. આર્કટિક વૈશ્વિક સરેરાશની તુલનામાં લગભગ ચાર ગણું ઝડપથી ગરમ થયું હતું.
લાંબા દુષ્કાળ
ક્લાઇમેટ ચેન્જને ચોક્કસ દુષ્કાળ સાથે જોડવાનું અશક્ય છે.
પાણીની ઉપલબ્ધતાનો આધાર માત્ર તાપમાન અને વરસાદ પર જ હોતો નથી. તેમાં પ્રાકૃતિક હવામાન સિસ્ટમ પણ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે.
2024ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં દુષ્કાળ સંદર્ભે આવી જ સ્થિતિ હતી.
જોકે, ક્લાઇમેટ ચેન્જને લીધે ઉત્પન્ન થતા હિટવેવથી જમીન સૂકાઈ જતી હોવાથી પરિસ્થિતિ બદતર બની શકે છે. તેનાથી ઉપરની હવા વધારે ઝડપથી ગરમ થઈ જાય છે અને તેનાથી વધારે ગરમી સર્જાય છે.
ગરમ મોસમ દરમિયાન ખાસ કરીને ખેડૂતો તરફથી પાણીની વધતી માંગથી જળ પુરવઠા પર વધારે દબાણ સર્જાય છે.
પૂર્વ આફ્રિકામાં 2020થી 2022 દરમિયાન સતત પાંચ નિષ્ફળ ચોમાસાંને લીધે આ ક્ષેત્રે છેલ્લાં 40 વર્ષનાં સૌથી વધારે ખરાબ દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. એકલા સોમાલિયામાં જ બાર લાખ લોકો વિસ્થાપિત થયા હતા.
ડબ્લ્યૂડબ્લ્યૂએના જણાવ્યા અનુસાર, ક્લાઇમેટ ચેન્જને કારણે આ પ્રકારના દુષ્કાળની શક્યતા 100 ગણી વધી ગઈ છે.
ઍમેઝોન રેઇન ફોરેસ્ટમાં 2023ના ઉત્તરાર્ધમાં પડેલાં છેલ્લાં 50 વર્ષના સૌથી ખરાબ દુષ્કાળનું મુખ્ય કારણ માનવસર્જિત ગરમી હતું.
જંગલની આગ માટે વધારે ઈંધણ
દુનિયાના અનેક હિસ્સાઓમાં આગ પ્રાકૃતિક રીતે લાગે છે. ક્લાઇમેટ ચેન્જને લીધે કોઈ જંગલમાં આગ લાગે છે કે પછી વણસે છે તે જાણવું મુશ્કેલ છે, કારણ કે જમીનના ઉપયોગમાં પરિવર્તન જેવાં અન્ય કારણો પણ પ્રાસંગિક હોય છે.
જોકે, આઈપીસીસીનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જને કારણે જંગલની આગ વધુ ફેલાય તેવા હવામાન સંબંધી સંયોગો રચાઈ રહ્યા છે.
આત્યંતિક, લાંબા સમય સુધી રહેતી ગરમી જમીન અને વનસ્પતિમાંથી વધારે ભેજ શોષી લે છે.
આવી અત્યંત શુષ્ક સ્થિતિ આગ માટે ઈંધણનું કામ કરે છે, જે ખાસ કરીને ઝડપી પવન ફૂંકાતો હોય તો અસાધારણ ગતિથી ફેલાઈ શકે છે.
વધતા તાપમાનથી દુનિયાની સૌથી ઉત્તરે આવેલાં જંગલોમાં વીજળી પડવાની અને આગ લાગવાની શક્યતા વધી શકે છે.
કૅનેડામાં 2023માં અત્યાર સુધીની સૌથી ખરાબ જંગલની આગ લાગી હતી. તેને સપાટામાં 4.5 કરોડ એકર જેટલી જમીન આવી ગઈ હતી.
ડબલ્યૂડબલ્યૂએનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જને લીધે પૂર્વ કૅનેડામાં 'ઍક્સ્ટ્રિમ ફાયર વેધર કંડિશન' ( (આગ લાગે તેવી અત્યંત વિષમ હવામાન સ્થિતિ)ની સંભાવના બમણી થઈ ગઈ છે. તેના લીધે આગને ઝડપથી ફેલાવામાં મદદ મળી હતી.