You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાથીઓ પોતાનાં મૃત બચ્ચાંને જાતે દફનાવી દે છે? કૅમેરામાં શું રેકૉર્ડ થયું?
માણસ મૃત્યુ પામે ત્યારે તેનું દફન કે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ હાથીઓ પણ આવું કરતા હોય તો બહુ આશ્ચર્યજનક લાગે. હા, તે આશ્ચર્યજનક રીતે સાચી વાત છે.
સંશોધકોએ કેટલાંક પ્રાણીઓનું એક અનન્ય વર્તન શોધી કાઢ્યું છે. તેઓ પણ મૃત પ્રાણીને દફનાવે છે. એશિયામાં હાથીઓ તેનું સારું ઉદાહરણ છે.
કોઈ હાથીનું બચ્ચું મૃત્યુ પામે તો તેને અન્ય હાથીઓ ખાડામાં દાટીને માટીથી ઢાંકી દે છે. સંશોધકોએ આ ઘટનાને કૅમેરામાં કેદ કરી છે.
આ અભ્યાસનું તારણ એ છે કે મૃત બચ્ચાને દફનાવવા માટે યોગ્ય સ્થાન ન મળે ત્યાં સુધી હાથીઓ તેના મૃતદેહને પોતાની સાથે જ રાખે છે.
આ મુદ્દાને આવરી લેતો બે ભારતીય વિજ્ઞાનીઓનો અભ્યાસ વિજ્ઞાન સામયિક જર્નલ ઑફ થ્રેટન્ડ ટેક્સામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
સમૂહમાં અંતિમ સંસ્કાર
આઈએફએસ અધિકારી પ્રવીણકુમાર અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્ટિફિક ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ, પૂણેના અક્ષદીપ રૉયે 2022 તથા 2023 વચ્ચે આ સંશોધન હાથ ધર્યું હતું, જેમાં તેમણે હાથીનાં પાંચ બચ્ચાંની દફનવિધિ નિહાળી હતી.
આ તમામ ઘટનાઓ બંગાળ પ્રદેશમાં નોંધાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે હાથીઓએ તેમનાં બચ્ચાંના અંતિમ સંસ્કાર, કોઈ માનવ મદદ વિના જાતે કર્યા હતા.
અક્ષદીપ રૉયે ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિનને કહ્યું હતું, "હાથીના બચ્ચાની દફનવિધિ પ્રકૃતિમાં ખૂબ જ દુર્લભ બાબત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે હાથીનાં બચ્ચાંઓને દફનાવ્યાં હતાં તેવાં પાંચેય સ્થળની ઓળખ કરી હતી. હાથીના પગના નિશાન અને તેમની લાદના આધારે એવું સમજાયું હતું કે દફનવિધિમાં તમામ વયના હાથીઓએ ભાગ લીધો હતો.
"આ તેમના સદવ્યવહાર અને મદદરૂપ થવાની ઇચ્છાનું પ્રતીક છે," એમ વિજ્ઞાનીઓએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું."
દરેક જગ્યાએ હાથીનાં બચ્ચાઓને ઊંધાં દાટવામાં આવ્યાં હતાં. ખેડૂતો દ્વારા ખેતરમાં ખોદવામાં આવેલા ખાડાઓમાં બચ્ચાંઓના મૃતદેહ મૂકી દેવામાં આવે છે અને તેને માટીથી ઢાંકી દેવામાં આવે છે. જોકે, હાથીઓ આ કામ અલગ સ્થળે, પરંતુ સમાન રીતે કર્યું હતું.
અક્ષદીપ રૉયે લાઇવ સાયન્સ પોર્ટલને સમજાવ્યું હતું કે “તેમને ગટરમાં ઊંધા ફેંકી દેવાનું હાથીઓ માટે એકદમ અનુકૂળ છે.”
આમ કરવાથી હાથીઓનું આખું ટોળું એકઠું થતું હોવાનું કહેવાય છે.
ખેડૂતોએ સંશોધકોને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બચ્ચાને દફન કર્યા પછી સૂંઢ મારફત હાથીઓના રડવાનો અવાજ અમે સાંભળ્યો હતો.
અક્ષદીપ રૉય માને છે કે પોતાના બચ્ચાના મૃત્યુની પીડા અને શોક વ્યક્ત કરવા હાથીઓ આ રીતે રડતા હોય છે.
યોગ્ય સ્થળની શોધ
માત્ર હાથીના બચ્ચાને જ દફનાવવામાં આવે છે કે પછી મોટા હાથીના કિસ્સામાં પણ આવું થાય છે, એવા સવાલના જવાબમાં સંશોધકો જણાવે છે કે બધા હાથીઓના કિસ્સામાં આવું થતું નથી. મોટા હાથી મૃત્યુ પામે છે ત્યારે તેમને તેમના વજન તથા કદને લીધે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું તેમજ દફનાવવાનું શક્ય હોતું નથી, પરંતુ બચ્ચાંઓના કિસ્સામાં આ એક સરળ કાર્ય છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના સંશોધક રમણ સુકુમારે નેશનલ જ્યોગ્રાફિક સામયિકને જણાવ્યું હતું કે એશિયન હાથીઓ એક પરિવાર સ્વરૂપે સાથે રહેતા હોવાનું અભ્યાસો દર્શાવે છે. તેથી હાથીઓ તેમની પીડા અને પ્રેમ આ રીતે વ્યક્ત કરે છે.
આફ્રિકન હાથીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મૃત હાથીઓને ઝાડની ડાળીઓ અને પાંદડાંથી ઢાંકીને દફનાવવામાં આવે છે તે જાણીતી વાત છે, પરંતુ લાઇવ સાયન્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એશિયન હાથીઓ દ્વારા તેમનાં બચ્ચાંઓને આ જ રીતે દફનાવવામાં આવતા હોવાનો આ પહેલો કિસ્સો છે.
એશિયન હાથીઓ તેમના યુવા હાથીઓના મૃતદેહને દફનાવતા નથી. તેઓ મનુષ્યો અને માંસાહારી પ્રાણીઓથી દૂર હોય તેવું એકાંત સ્થળ પસંદ કરે છે.
પાંચ બાળહાથીના દફનસ્થાન વસાહતોથી દૂર ચાના બગીચાઓમાં મળી આવ્યાં હતાં. વિજ્ઞાનીઓએ તેમના મૃતદેહનો અભ્યાસ કર્યો હતો અને મૃત બચ્ચાંઓની વય એક મહિનાથી એક વર્ષ સુધીની હોવાનું જાણવા મળ્યું હતું. એ પૈકીનાં મોટાં ભાગનાં કુપોષણ અથવા ગંભીર ચેપને લીધે મૃત્યુ પામ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
બચ્ચાંઓના દફનસ્થાનની પાછળ નજર કરવાથી સમજાય છે કે તેમને દૂરથી ખેંચીને અહીં લાવવામાં આવ્યાં હતાં.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે દક્ષિણ બંગાળમાં એક હાથણી તેના બચ્ચાના મૃતદેહને નિર્જન વિસ્તારમાં દાટવા માટે બે દિવસ સુધી ભટકતી રહી હતી.
એ રસ્તે ફરી જવાનું નહીં
આફ્રિકન હાથીઓની માફક એશિયન હાથીઓ પણ દફનસ્થળે ફરી આવતા નથી. તેઓ જુદો માર્ગ પસંદ કરે છે.
જીવવિજ્ઞાની ચલેલા ડ્યુએ કહ્યું હતું, "હાથીઓમાં સામાજિક સંલગ્નતાનો આ મજબૂત પુરાવો છે. આ અભ્યાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે." તેમણે આ બાબતે ન્યૂ સાયન્ટિસ્ટ સામયિક સાથે વાત કરી હતી.
ચલેલા ડ્યૂએ કહ્યું હતું, "હાથીઓનું તેમના ટોળામાં કેવું વર્તન હોય છે તે ઘણા લોકોએ નોંધ્યું છે, પરંતુ સંશોધન પરથી સ્પષ્ટ થયું છે કે દફન આ રીતે કરવામાં આવે છે."
જોકે, આ અભ્યાસો વિશે વાત કરતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે.
"હાથીઓનું માનસિક અને ભાવનાત્મક જીવન હજુ પણ એક રહસ્ય છે," એમ કહેતાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો અભ્યાસ હાથીઓના અસ્તિત્વ માટે નવી વ્યૂહરચના વિકસાવવામાં મદદરૂપ થશે.
એશિયન હાથીઓ 60થી 70 વર્ષ જીવતા હોય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચરના જણાવ્યા અનુસાર, હાથીઓનો સમાવેશ લુપ્ત થવાનો ભય હોય તેવાં પ્રાણીઓમાં થાય છે.
ભારત સહિતના કેટલાક દેશોનાં જંગલોમાં હાલ 26,000થી વધુ હાથીઓ રહેતા હોવાનો અંદાજ છે.