ગીરના સિંહોનાં અકુદરતી મૃત્યુનાં કારણો શું છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના વર્તમાનપત્રોમાં સતત સિંહનાં મૃત્યુના સમાચારો આવતા રહે છે. હાલમાં જ વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં 29 સિંહનાં અકુદરતી મોત થયાં છે.

જોકે, આ સમય દરમિયાન મરનાર કુલ સિંહનો આંકડો 239 છે, જેમાં 126 સિંહબાળ છે. એક તરફ સિંહના સંરક્ષણની ચર્ચા રાજ્યમાં સતત ચાલતી રહી છે, તેમ છતાંય બીજી બાજુ સિંહના આકસ્મિક મૃત્યુની સંખ્યામાં વધારો જોવા મળે છે.

સિંહોની છેલ્લી ગણતરી પ્રમાણે રાજ્યમાં હાલમાં 674 સિંહ છે, જેમાંથી મોટા ભાગના સિંહ ગીર જંગલની બહાર રહે છે.

નિષ્ણાતોના મત અનુસાર, સિંહોની વસ્તી વધે તો તેમને વધુ જગ્યા જોઈએ. જેના કારણે તેમણે વર્ષો પહેલાં ગીરના જંગલથી બહાર આવીને આસપાસના ગામડાઓની સીમમાં પોતાનું નવું ઘર બનાવ્યું છે. આ વિસ્તાર હવે બૃહદ ગીર તરીકે પણ ઓળખાય છે.

સિંહને કેટલા પ્રકારના ખતરા રહેલા છે?

નિષ્ણાતો પ્રમાણે જંગલની બહાર સિંહને મુખ્યત્વે ત્રણ પ્રકારના ખતરા હોય છે. પહેલું કારણ સુરેન્દ્રનગર-પીપાવાવની રેલવે લાઇન છે જ્યાં થતા અકસ્માતને કારણે તેમના જીવ પર સતત જોખમ હોય છે. બીજું ખેડૂતોના ખેતરને જંગલી પ્રાણીઓથી બચવા માટે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ફેન્સિંગ અને ત્રીજું કારણ છે ખેતરોમાં દીવાલ વગરના કૂવાઓ.

આ ત્રણ મુખ્ય કારણોને લઈને ગુજરાત હાઇકૉર્ટમાં સુઓમોટો પિટિશન પર સુનાવણી ચાલી રહી છે. આ પિટિશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોતાની એફિડેવિટમાં સિંહના રક્ષણ માટે અને તેમની સુરક્ષા માટે તમામ પગલાં લેવાની બાંહેધરી આપી છે.

જોકે, ઘણા વાઇલ્‍ડલાઇફ ઍક્ટિવિસ્ટનું માનવું છે કે આ બધું થવા છતાં પણ હજી સુધી સિંહના અકસ્માત અટકતા નથી.

જુલાઈ 2023થી જાન્યુઆરી 2024 સુધી કુલ સાત સિંહ રેલવે ટ્રેક પર મૃત્યુ પામ્યા છે. વનવિભાગ પ્રમાણે તેમાં બે સિંહણ, ત્રણ અર્ધવયસ્ક સિંહ, એક યુવાન સિંહ, અને એક સિંહબાળનો સમાવેશ થાય છે.

સિંહનું સંવર્ધન કર્યું, પણ અકુદરતી મૃત્યુ અટકતાં નથી

હાલમાં જ વનવિભાગના ઉચ્ચ હોદ્દેથી નિવૃત્ત થયેલા, ભૂતપૂર્વ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ, શ્યામ ટીકાદરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "જેમ દરેક પ્રજાતિની વસ્તી વધી રહી છે, તેવી જ રીતે સિંહની વસ્તી પણ હવે વધી રહી છે, અને આવનારા દિવસો તેમના માટે અને તેમની આસપાસ રહેનારા લોકો માટે સારા નથી. કારણ કે, જે રીતે સિંહનું સંવર્ધન થયું છે, તેનાથી જંગલની બહારના મોટા વિસ્તારમાં તે જોવા મળે છે, જેના કારણે માનવવસાહત અને સિંહનો આમનો સામનો થાય છે, અને છેલ્લે સિંહનું મૃત્યુ થાય છે."

તેઓ કહે છે કે, "રાજ્ય સરકારે અવારનવાર અનેક યોજનાઓ થકી, સિંહોના સંવર્ધન માટે કામ કર્યું છે, જેના પરિણામે આજે 650થી વધુ સિંહ રાજ્યમાં છે. પરંતુ હવે આગળ શું? તેના પર વિચાર કરવાની જરૂર છે."

"હવે એ સમય પાકી ગયો છે, કે સરકાર નક્કી કરે કે તેને શું જોઈએ છે, સિંહના સંવર્ધનનું ભવિષ્ય શું છે, જો આવું નહીં થાય તો માનવ વસાહતમાં માણસ અને સિંહ વચ્ચેના સંઘર્ષમાં સિંહનું આકસ્મિક મૃત્યુ થતું રહેશે."

જોકે, વાઇલ્ડલાઇફ કન્ઝર્વેટર્સ અને કાર્યકરો આ માટે સરકારના પ્રયાસોમાં ગંભીરતાની ઊણપને જવાબદાર માને છે.

ગીરમાં એશિયાટિક સિંહોની વધતી સંખ્યાને જોતાં સરકારે ગીર નેશનલ પાર્કથી સો કિલોમીટર દૂર બરડા વાઇલ્ડલાઇફ સેન્કચ્યુઅરીમાં 40 જેટલા સિંહોનું સ્થળાંતર કરવાની યોજના બનાવી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે ગીરના સિંહોનું મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેના પર કોઈ પગલાં હજી લેવામાં આવ્યાં નથી. ઉપરાંત સ્થાનિક સ્તરે અકુદરતી મૃત્યુનાં કારણોથી સિંહોને બચાવવા માટે સરકારી યોજનાઓ લાવવામાં આવી છે.

વાઇલ્ડ લાઇફ ઍક્ટિવિસ્ટ રાજન જોષી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "દરેક નીતિનિયમ કાગળ ઉપર ખૂબ જ સારી રીતે બનાવવામાં આવેલો છે, પરંતુ તેનું પાલન કેટલું અને કેવી રીતે થાય છે, તે વિશે કોઈ મૉનિટરિંગ સિસ્ટમ નથી. જેમ કે, જંગલવિસ્તારમાં ટ્રેનની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની હોવી જોઈએ, પરંતુ એવા અનેક ઉદાહરણો છે કે જેમાં ટ્રેનની સ્પીડ વધારે હોય."

હાલમાં લીલીયા, સાવરકુંડલા, રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં સિંહની નોંધપાત્ર સંખ્યા છે. સરકારી આંકડા પ્રમાણે આ વિસ્તારમાં 100 જેટલા સિંહો વસવાટ કરે છે, અને સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી રેલવે લાઇન પણ આ વિસ્તારમાંથી જ પસાર થાય છે.

રાજન જોષી કહે છે કે, "અમે અવારનવાર રજૂઆતો કરી છે કે રેલવે અને ફૉરેસ્ટ વચ્ચે કો-ઑર્ડિનેશનની જરૂર છે, જે થવાથી રેલવેને સિંહની હિલચાલની ખબર રહે અને જો સિંહ નજીક હોય તો સ્પીડ બિલકુલ ઓછી કરી શકાય, પરંતુ હજી સુધી તે દિશામાં કામ થયું નથી."

જોકે, આ વિશે બીબીસી ગુજરાતીએ જૂનાગઢ રેન્જના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ આરાધના સાહુ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "હાલમાં અમે વધારાના 45 રેલવે ટ્રેકર તેમજ બીજા 16 લોકોને માત્ર રેલવે ટ્રેકની આસપાસ મૂક્યા છે. જોકે, તે ઉપરાંત વિવિધ કામગીરી થકી અમે લોકોમાં સિંહ માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ. તેમ જ આ સિવાય કૂવાની ફરતે દીવાલો બનાવવાનું કામ પણ સતત ચાલુ છે."

ગુજરાતમાં એશિયાઈ સિંહનો ઇતિહાસ

સિંહના સંવર્ધનનું કામ જૂનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું.

વર્ષ 1965માં સિંહોના સંવર્ધનની પ્રવૃત્તિએ જોર પકડ્યું હતું. તે સમયથી આજ સુધી ગુજરાતમાં સિંહની વસતીમાં સતત વધારો થયો છે.

વર્ષ 2015માં સિંહની ગણતરી થઈ હતી અને તે સમયે 27 ટકાનો વસતીવધારો નોંધાયો હતો.

વર્ષ 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતના આઠ જિલ્લામાં 523 સિંહનો વસવાટ હોવાનું નોંધાયું હતું. જ્યારે હાલમાં સિંહની સંખ્યા 650ને પાર પહોંચી છે.

સિનિયર આઈએફએસ ઑફિસર ઓ. પી. સિંઘે એશિયાઈ સિંહો પર 'The Asiatic Lion: 50 years journey for conservation of an endangered carnivore and its habitat in Gir protected area' નામે એક સંશોધનપત્ર તૈયાર કર્યું છે.

જેમાં તેમણે નોંધ્યું છે કે એશિયાઈ સિંહો એક સમયે સમગ્ર એશિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા હતા. જેમાં મેસોપોટેમિયા, પર્સિયા અને ભારતીય ઉપમહાદ્વીપનો સમાવેશ થતો હતો.

ગુજરાતની બહાર છેલ્લો એશિયાઈ સિંહ વર્ષ 1884માં જોવા મળ્યો હતો. એ વખતે ગુજરાતના ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, બરડો, ગિરનાર અને ગીરના જંગલમાં સિંહો વિચરતા હતા.

હાલમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર અને જામનગર સુધી સિંહ વિચરતા જોવા મળે છે.

થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પણ સિંહ જોવા મળ્યા હતા.