દીપડાના ખોફથી અમરેલી, જૂનાગઢમાં આ રીતે બદલાઈ રહ્યું છે લોકોનું જીવન

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

લોકો હવે અહીં એકલા બહાર નીકળતા નથી, ટોળાંમાં જ બહાર જાય છે. કોઈએ પોતાની ભેંસો વેચી દીધી છે, તો ઘણાએ ઘરની બહાર ઊંચી દીવાલો ચણી લીધી. અનેક લોકોએ વધારાની જાળીઓ પણ લગાવી છે.

અલબત્ત, લોકોનાં જીવનમાં આ ફેરફારો કંઈ હરખથી નથી આવ્યા, પંરતુ દીપડાઓના હુમલા વધતાં આમ કરવું પડે છે.

ગુજરાતના જૂનાગઢ અને અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક મહિનાથી દીપડા દ્વારા હુમલાના બનાવોમાં વધારો થયો છે.

ખીમજીભાઈ બુહાને તેમના ખેતરમાં કામ કરતા મજૂરો માટે બનાવેલા મકાનમાં વધારાની જાળીઓ લગાવવી પડી છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ ત્યાં રહેતા પરિવાર પર બે વખત દીપડો ત્રાટ્કયો હતો.

દીપડાએ કરેલા આ હુમલામાં લીલાબહેન બેલાર (58) નામની મહિલાને મોં પર ઈજા થઈ હતી.

ખીમજીભાઈ બુહા અને એમના ભાઈ લલિતભાઈ બુહાએ લગાવી છે એવી જાળીઓ અન્ય લોકો પણ આજકાલ એમનાં ઘરો, ગૌશાળા અને વાડીમાં લગાવી રહ્યા છે.

દર મહિને કમસેકમ એક નાગરિકનું મૃત્યુ

ગુજરાત રાજ્યના જંગલ ખાતા પ્રમાણે છેલ્લા 8 મહિનામાં આ વિસ્તારમાં 8 લોકોનાં મૃત્યુ થયાં છે.

વર્ષ 2018-19માં રાજ્યભરમાં જંગલી પ્રાણીઓએ લોકો પર હુમલા કર્યા હોવાની 175 ઘટનાઓ ઘટી છે.

આવા હુમલાને લીધે જીવ ગુમાવનાર નાગરિકોને વળતરપેટે જંગલ ખાતા દ્વારા આ જ વર્ષમાં 64 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

ગુજરાતમાં એક તરફ લોકો અને સરકારના પ્રયાસને કારણે સિંહ અને દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

તો બીજી તરફ પ્રાણીઓનો માનવવસાહતોમાં પ્રવેશ અને માણસ સાથેનો સંઘર્ષ પણ વધી રહ્યો છે.

નિષ્ણાતો આ જંગલી પ્રાણીઓના માનવવસાહતોમાં પ્રવેશ માટે તેમની વસતિની સરખામણીએ જંગલ વિસ્તારની કમી અને ખોરાક-પાણી સહિતનાં અનેક કારણો ગણાવે છે.

અલબત્ત, ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોના વિસ્તરણમાં તેમનું માનવવસાહત સાથે જે અનુકૂલન જોવા મળે છે તેનાથી વિપરીત દીપડાઓના વિસ્તરણમાં સંઘર્ષની સ્થિતિ વધારે જોવા મળી રહી છે.

'દીપડા અને સિંહપાસે બીજો કોઈ રસ્તો નથી'

જંગલ ખાતા પ્રમાણે 2011માં ગુજરાતમાં દીપડાની સંખ્યા 1160 હતી જે 2016ની ગણતરીમાં 1395 પર પહોંચી ચૂકી હતી.

જોકે નિષ્ણાતો માને છે કે એ પછી પણ દીપડાઓની વસતિ ઘણી વધી છે અને ગીરનું જંગલ દીપડાની વસતિ વધવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે.

આ વિશે વાત કરતાં આ વિષયના નિષ્ણાત ડૉ. જલ્પન રૂપાપરા કહે છે કે વસતિ વધી રહી છે, પણ જંગલ હતું એટલું જ છે એટલે દીપડાઓ કે સિંહો પાસે માનવવસાહત તરફ જવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.

તેઓ કહે છે કે સિંહની જેમ દીપડાઓનો પણ એક ચોક્કસ વિસ્તાર હોય છે. માટે વસતિ વધે ત્યારે નવાનવા વિસ્તારની શોધ કરવાની જરૂર પડે છે.

જોકે ડૉ. જલ્પન રૂપાપરા માને છે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં જ દીપડાના હુમલા કેમ થાય છે એ એક તપાસનો વિષય છે.

ગુજરાતના મુખ્ય જંગલ સંરક્ષણ અધિકારી ડી. કે. શર્મા દીપડાઓના માનવવસાહતમાં પ્રવેશ અને સંર્ઘષ માટે આ વર્ષે થયેલા સારા વરસાદને કારણભૂત ગણાવે છે.

તેઓ કહે છે, "આ વર્ષે વધુ વરસાદને કારણે દીપડા જેવાં જંગલી પ્રાણીઓ માનવવસાહત તરફ આવ્યાં છે."

"રાજ્યમાં સારો વરસાદ થવાને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, આથી તેઓ પેલે પાર જઈ નથી શકતા અને માનવવસાહત તરફ આવી જતા હોય છે."

ડી. કે. શર્મા કહે છે કે છેલ્લા બે મહિનામાં રાજ્યમાં દસ દીપડાને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

તેઓ કહે છે કે દીપડાની વધતી વસતિ માટે રાજ્યમાં આવનારા સમયમાં પેન્થર સફારી જેવી વ્યવસ્થા કરવામાં આવશે અને રેસ્ક્યૂ કરાયેલા દીપડાને ત્યાં રાખવામાં આવશે.

'અમારે શું કરવું એ કંઈ સમજાતું નથી'

જૂનાગઢના બિલખા ગામમાં રહેતા દિલીપભાઈ ઉમરેઠિયાની વાડીમાંથી દીપડાએ તેમની એક પાડીનું મારણ કર્યું હતું.

જંગલી પ્રાણીઓના હુમલાથી બચવા ઉમરેઠિયાએ તેમની વાડીની દીવાલ 12 ફૂટ જેટલી ઊંચી કરેલી હતી તે છતાં દીપડાએ કૂદીને પાડીનું મારણ કર્યું.

જોકે લોકોએ મોટેથી અવાજ કરતા આખરે દીપડો ભાગી ગયો હતો.

દિલીપભાઈએ બીબીસી ગુજરાતીને કહ્યું, "અમને તો બહુ બીક લાગે છે. અમારે શું કરવું તેની કંઈ ખબર પડતી નથી."

"સરકાર આવાં પ્રાણીઓને જંગલ સુધી જ સીમિત રાખી શકે તો સારું, જેથી અમારા જેવા ખેડૂતો પરેશાન ન થાય."

જંગલી પ્રાણીઓથી પશુઓને બચાવવા માટે એમણે ખાસ જાળીવાળા રૂમ પણ બનાવ્યા છે.

દિલીપભાઈની વાડીમાં મારણ થયા પછી જંગલ ખાતાએ દીપડાને પકડવાનું પાંજરું ગોઠવ્યું હતું અને બે દિવસમાં ચાર દીપડાને એક જ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.

જંગલ ખાતાની આ સફળતા પછી લોકોને સહેજ હાશકારો તો થયો છે, પરંતુ એમને બીક પણ છે કે હજી વધારે દીપડાઓ પણ હશે.

આ બીકને લીધે જ લલિત બુહા જેવા લોકોએ પોતાનું જીવન બદલી નાખ્યું છે.

ખીમજીભાઈ બુહા કહે છે, "લગભગ મહિના અગાઉ રાતે દીપડો આવ્યો હતો, અને ઘરની બહાર ઊંઘતી અમારી એક મજૂર મહિલા લીલાબહેન બલારના મોં પર હુમલો કર્યો હતો."

"આના થોડા દિવસો બાદ દીપડાએ ફરીથી એક બીજી મહિલા પર હુમલો કર્યો હતો. એ પછી મેં આખા ઘરની આસપાસ જાળી લગાવી દીધી છે."

ખીમજીભાઈ પોતે ઘરથી બહાર નીકળતી વખતે ગળા પર શાલ જેવા કપડાને લપટીને રાખે છે.

તેઓ કહે છે કે દીપડો સીધો ગળા પર જ પહેલો પ્રહાર કરે છે, આવામાં જો ગળા ઉપર કંઈ વીંટેલું હોય તો આપણો જીવ બચી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો