300 હાથીમાંથી મદનિયાની સાચી માતાને વનવિભાગે કઈ રીતે શોધી કાઢી?

    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી સંવાદદાતા

"જો વધુ બે દિવસ મોડું થયું હોત તો હાથીઓનું ટોળું આ મદનિયાથી ખૂબ દૂર જતું રહ્યું હોત. મદનિયું તેની માતા (હાથણી)ને જોઈ ન શકત અને માતાના દૂધ વગર તેનું જીવિત રહેવું પણ મુશ્કેલ હોત. સદ્ભાગ્યે અમે તેનું માતા સાથે ફરીથી મિલન કરાવી દીધું."

વનવિભાગ રેન્જરે મોઢા પર સ્મિત સાથે આ વાત કરી હતી.

કોઇમ્બતુર જિલ્લામાં વલપરાઈ પાસે પન્નિમેડુ ટી એસ્ટેટ આવેલું છે. 29 ડિસેમ્બરે વનવિભાગને સૂચના મળી કે મદનિયું માતાથી વિખૂટું પડીને ટોળાંથી અલગ થઈ ગયું છે.

વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગણતરીના કલાકોમાં મદનિયું કઈ હાથણીથી અલગ થયું હતું તે જાણીને તેની માતા સાથે મિલન કરાવી દીધું.

છેલ્લા પાંચ દિવસથી વનવિભાગની ટીમ મદનિયા અને હાથીનાં ટોળાં પર નજર રાખી રહી છે. વનવિભાગે મદનિયાનો પોતાની માતા સાથે આરામથી સૂતો વીડિયો જાહેર કર્યો.

અમે વનવિભાગના અધિકારીઓ પાસેથી આ વીડિયો અંગે વાત કરી, જેને ઇન્ટરનેટ પર અનેક લોકોએ શૅર કર્યો હતો.

આ વીડિયોમાં દેખાતું હતું કે વાલપરાઈ વિસ્તારમાં એક જ દિવસમાં કેવી રીતે મદનિયાનું પોતાની માતા સાથે મિલન કરાવાયું, જ્યાં 300થી વધુ હાથીએ ડેરો નાખ્યો હતો.

"માણસના ઘા હશે તો માતા મદનિયાને ભગાડી દેશે"

"સવારે સૂચના મળતા જ અમે પન્નિમેડુ એસ્ટેટ વિસ્તારમાં ગયા, જ્યાં એક પાંચ-છ મહિનાનું મદનિયું ફરી રહ્યું હતું. જો કોઈ મદનિયું પોતાની માતાથી અલગ થઈ જાય તો તેને તાત્કાલિક તેની માતા અથવા ટોળા સાથે મેળવવાનો પ્રયત્ન કરાય છે."

વન રેન્જર મણિકંદને અમારી સાથે વાત કરવાની શરૂઆત કરી. તેમણે કહ્યું, "જો મદનિયા પર માણસને બેસાડી દેવાય તો હાથીઓનું ટોળું તેને નહીં લઈ જાય. તેની માતા ટોળાને ભગાડી દેશે."

"વાલપરાઈ વિસ્તારમાં હંમેશાં હાથી મોટી સંખ્યામાં ડેરો નાખે છે. અમને ખબર પડી જાય છે કે નવું ટોળું અહીં આવી રહ્યું છે. અમે ડ્રોન અને પેટ્રોલિંગ કરતી ટીમના માધ્યમથી જોઈએ છીએ કે હાથી ક્યાં જઈ રહ્યા છે."

મણિકંદને ઉમેર્યું, "અમારી પાસે બધો જ ડેટા હોય છે કે હાથીઓનું કયું ટોળું કરિયાણાની દુકાન પર ત્રાટકી રહ્યું છે. કયા હાથી લોકોનાં ઘરોમાં જઈ રહ્યા છે અને કયા હાથી ચાના બગીચામાં ડેરો નાખી રહ્યા છે."

તેમણે ઉમેર્યું, "અમે રોજ સાંજે પાંચ વાગ્યે ડ્રોનથી આ હાથી પર નજર રાખીએ છીએ અને તેનું ધ્યાન રાખીએ છીએ. આથી અમે મદનિયાને બચાવવા માટે સવારે પેનીમેડુ વિસ્તારમાં ગયા અને હાથીનાં ટોળાંની તપાસ શરૂ કરી દીધી."

11 હાથીનું ટોળું

તેમણે ઉમેર્યું કે, "અમને સવારે સાડા આઠ વાગ્યે મદનિયા અંગે જાણકારી મળી અને બરોબર બપોરે દોઢ વાગ્યે તેની માતા સાથે તેનું મિલન કરાવી દેવાયું. આટલી જલદી કાર્યવાહી કરવાનું કારણ એ છે કે જો એક દિવસથી વધુ સમય લાગે તો હાથીઓનું ટોળું બીજા વિસ્તારમાં જતું રહેત અને મદનિયાનું માતા સાથે મિલન કરાવવું મુશ્કેલ થઈ જાત."

"મદનિયું એકદમ સ્વસ્થ હતું. એટલા માટે કે તે માત્ર માતાનું દૂધ પીને મોટું થયું હતું. તેણે ઘાસ પણ નહોતું ખાધું. જો અમે તેને કોઈ અન્ય ખોરાક આપત અને તેને માફક ન આવત અને એ બીમાર પડી જાત. ઘણું મોડું થઈ જાત."

"માત્ર એટલું જ નહીં પણ એક વાર જો મદનિયાને અમારી આદત થઈ જાત તો તે અમને ન છોડત. જે બચ્ચા માટે ખતરો છે. આથી અમે કેટલીક ટુકડીમાં વહેંચાઈ ગયા અને શોધખોળ શરૂ કરી દીધી. અમારી પાસે જે ડેટા હતા તે મુજબ હાથીનાં ત્રણ ટોળાંનો પીછો કર્યો."

મણિકંદન કહે છે "11 હાથીના ટોળામાં અમે ખાતરી કરી કે એક મદનિયું ગાયબ છે. પછી અમે એ ટોળાનો પીછો કરવા ડ્રોન ઉડાવ્યું. પણ અમે બે મોટી સમસ્યામાં ફસાઈ ગયા."

આક્રમક હાથી

તેમણે આગળ કહ્યું, "જ્યારે અમે હાથીના ટોળા તરફ આગળ વધ્યા તો મદનિયું થાકવા લાગ્યું હતું. અમે તેને માત્ર નદીનું પાણી પીવા આપ્યું. થોડું અમારી નજીક આવવા લાગ્યું."

"વધુ એક સમસ્યા એ હતી કે એ હાથીઓનું ટોળું ઘણું આક્રમક હતું. અમે નજીક નહોતા જઈ શકતા અને મદનિયાને આગળ મોકલી નહોતા શકતા. તેઓ અમારા પર હુમલો કરે તેવી શક્યતા વધુ હતી. ચાના બગીચા હોવાના કારણે હાથીઓથી બચવું વધુ મુશ્કેલ હતું. તેથી ફરી એક વાર અમે ડ્રોનથી સ્થળની ખાતરી કરી અને હાથી સારી રીતે સ્નાન કરી શકે તેવાં પાણી અને કાદવકીચડ સુધી તેમને પહોંચાડ્યા."

"ત્યાર બાદ અમે મદનિયાને જવા દીધું. હાથીનાં ટોળાંનો અવાજ સાંભળીને તે રડવા લાગ્યું. તુરંત જ ટોળાંમાંથી બે હાથી બહાર આવ્યા અને મદનિયાને લઈ ગયા ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો, કારણ કે આટલું નાનું મદનિયું વધારે સમય સુધી જીવિત ન રહી શકત."

વાઇરલ થયેલા વીડિયો અંગે તેમણે કહ્યું કે "આ બે દિવસ પહેલાં લેવાયેલો વીડિયો હતો. અમે તેને ડ્રોનથી શૂટ કર્યો હતો. અમારી એકમાત્ર ચિંતા એ હતી કે માતા મદનિયા પાસે કેવી રીતે જશે. પણ જ્યારે મેં ડ્રોન મારફતે દૃશ્ય જોયાં તો મને ઘણી ખુશી થઈ."

તેમણે ઉમેર્યું "અમે ચોક્કસ અંતરથી માત્ર દેખરેખ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે જો અમે ડ્રોનને નજીક લઈ જઈએ તો હાથી ડરી જાય છે."

વાલપરાઈમાં 300થી વધુ હાથી

સમગ્ર બાબતે અનામલાઇ ટાઇગર રીઝર્વના ડિરેક્ટર (IFS) રામસુબ્રમણ્યમે કહ્યું "કેરલમાં સબરીમાલાની સિઝન હોવાને કારણે 300થી વધુ હાથીઓએ વાલપરાઈમાં ડેરો નાખ્યો છે."

"તેઓ ભોજન માટે એ વિસ્તારોમાં જાય છે જ્યાં લોકો હોય છે. તેથી અમારી પાસે હંમેશાં એ ડેટા હોય છે કે કેટલા હાથી આવી રહ્યા છે અને કેટલા હાથી જઈ રહ્યા છે."

"હવે એ મદનિયુ અને તેનું ટોળું કેરળ જતું રહ્યું છે. જ્યારે છેલ્લી વાર અમે તેનું નિરીક્ષણ કર્યું ત્યારે તે એકદમ સ્વસ્થ હતું."

તેમણે કહ્યું કે "બધું જ ગણતરીના કલાકોમાં જ થઈ ગયું, કારણ કે ટુકડીનો ઇરાદો કોઈ પણ રીતે મદનિયાને તેની માતા સાથે મેળવવાનો હતો. જો તેઓ ફરીથી વાલપરાઈ આવશે તો તેમના પર નજર રાખવામાં આવશે."

હાથીઓનાં ઘર નષ્ટ થઈ રહ્યાં છે

હાથી પર સંશોધન કરી રહેલા પ્રવીણકુમારે પોતાના ફેસબુક પેજ પર લખ્યું "એક વિખૂટા પડેલા મદનિયાની હાથણી સાથે મુલાકાતની એ ક્ષણો, મદનિયું પોતાની માતા સાથે સુરક્ષિત અનુભવે છે. ઘણા પ્રયત્નો બાદ તામિલનાડુ વનવિભાગે આ મદનિયાની તેની માતા સાથે મુલાકાત કરાવી છે."

તેમણે આગળ ઉમેર્યું "તમિલનાડુ વનવિભાગની આ ટીમને શુભેચ્છાઓ. અમ્મૂ કુટ્ટી નામનું એક મદનિયું જે ઑસ્કાર વિજેતા ડૉક્યુમૅન્ટ્રીમાં દેખાયું હતું, એ આજ સુધી અનાથ છે. તે પોતાના ટોળામાં સામેલ થવામાં અસમર્થ છે. પોતાની માતાથી અલગ થવાનું દર્દ શું હોય એ માત્ર એ જ જાણી શકે."

આ પોસ્ટમાં તેઓ કહે છે કે, "તેઓ ઘણી નદીની આસપાસનાં વર્ષાવનોને નાના રણદ્વીપમાં ફેરવીને અહીં આપણા રોજિંદા પીણા માટે ચા વાવી રહ્યા છે. આનાં પરિણામ પોતાનાં કુદરતી સ્થળો ગુમાવી બેઠેલા હાથી ભોગવી રહ્યાં છે."