ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન : ગુજરાત સહિત દેશમાં કેવું રહેશે ચોમાસું, ક્યાં પડશે વધારે વરસાદ?

ભારતમાં આગામી બે મહિના બાદ શરૂ થનારા ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉઓપરેશન ક્લાઇમેટ (APECC) સેન્ટરે જારી કર્યું છે.

ગુજરાત સહિત દેશમાં બે મહિના બાદ એટલે કે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે. એ પહેલાં ભારતનું હવામાન વિભાગ પણ ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરશે.

ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન આશરે વર્ષના કુલ 70 ટકા જેટલો વરસાદ થતો હોય છે અને ખરીફ તથા રવી પાકની સિઝન ચોમાસાના આ ચાર મહિના પર આધારિત હોય છે.

એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉર્પોરેશન ક્લાઇમેટ સેન્ટરે સમગ્ર વિશ્વમાં એપ્રીલથી જૂન અને જુલાઈથી સપ્ટેમ્બરમાં વરસાદ કેવો પડશે તેનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે.

હાલના નવા પૂર્વાનુમાન મુજબ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું અલ નીનો જૂન મહિનો આવતા સુધીમાં નબળું પડી જશે અને લા નીનાની સ્થિતિની શરૂઆત થઈ જશે.

ભારતમાં આગામી ચોમાસું કેવું રહેશે, પૂર્વાનુમાનમાં શું છે?

એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉઓપરેશન ક્લાઇમેટ સેન્ટરે જે પૂર્વાનુમાન રજૂ કર્યું છે તે પ્રમાણે ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.

એટલે કે જૂન મહિના બાદ બાકીના ત્રણ મહિનામાં ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને મધ્ય તથા પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે.

એપીઈસીસીએ જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના ગાળા માટેના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે પૂર્વ આફ્રિકાથી અરબી સમુદ્ર, ભારત, બંગાળની ખાડી અને ઇન્ડોનેશિયા, કેરેબિયન સમુદ્ર, ઉષ્ણકટિબંધીય ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ-દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની સંભાવના વધારે છે.

એપીઈસીસીએ પૂર્વાનુમાનનો એક નક્શો પણ જારી કર્યો છે, તે મુજબ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે. જ્યારે પશ્ચિમ ભારત અને અરબી સમુદ્રના વિસ્તારોમાં થોડા વધારે વરસાદની સંભાવના છે.

આ પૂર્વાનુમાન મુજબ અને નક્શામાં આપેલી માહિતી પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં પણ આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

એપીઈસી ક્લાઇમેટ સેન્ટર દુનિયાભરમાં ક્લાઇમેટ અને તેની આગાહી કરવા માટેની ટેકનૉલૉજીના વિકાસ માટે કામ કરે છે. ઉપરાંત તે દર મહિને ક્લાઇમેટ અને હવામાનને લગતાં પૂર્વાનુમાન પણ રજૂ કરે છે. આ એક સરકારી સંસ્થા છે અને તેમાં કુલ 11 દેશો જોડાયેલા છે. આગાહી કરવા માટે આ સંસ્થા વિશ્વભરની 15 હવામાન સંસ્થાઓ પાસેથી ડેટા એકત્ર કરે છે.

ભારતના ચોમાસા પર અલ નીનોની અસર પડશે?

2023નું વર્ષ સમગ્ર દુનિયામાં ગરમ રહ્યું અને તેનું એક કારણ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલી અલ નીનોની સ્થિતિ પણ હતી.

ભારતમાં 2023ના ચોમાસા પર પણ અલ નીનોની અસર જોવા મળી હતી અને ઑગસ્ટ તથા સપ્ટેમ્બરમાં અનેક વિસ્તારોમાં સામાન્ય કરતા ખૂબ ઓછો વરસાદ થયો હતો.

25 માર્ચના રોજ ક્લાઇમેટ પ્રીડિક્શન સેન્ટરે અલ નીનોની અપડેટ જારી કરી છે અને તેમાં કહ્યું છે કે એપ્રીલથી જૂન મહિનાની વચ્ચે અલ નીનોની સ્થિતિ નબળી પડીને ન્યૂટ્રલમાં ફેરવાઈ જશે.

ઉપરાંત 62 ટકા એવી શક્યતા છે કે જૂનથી ઑગસ્ટ દરમિયાન લા નીનાની સ્થિતિ જોવા મળે. આ મહિનાઓ દરમિયાન ભારતમાં ચોમાસું હશે.

પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલ નીનો હોય ત્યારે ભારતના ચોમાસા પર તેની પ્રતિકૂળ અસર પડે છે અને સામાન્ય રીતે વરસાદ ઓછો પડે છે. જ્યારે લા નીના હોય છે ત્યારે ભારતમાં ચોમાસું સારું રહે છે અને વરસાદ વધારે પડે છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે?

ભારતમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂનના રોજ થતી હોય છે અને કેરળમાંથી ચોમાસું દેશના ભૂ-ભાગો પર આગળ વધવાનું શરૂ કરે છે. કેરળથી શરૂ થયેલું ચોમાસું ગુજરાત સુધી પહોંચતા લગભગ 15 દિવસ જેટલો સમય લાગે છે.

2023માં ભારતમાં ચોમાસાની શરૂઆત આઠ દિવસ મોડી થઈ હતી, એટલે કે 8 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. 2023નું ચોમાસું 10 દિવસ મોડું પડ્યું હતું અને 25 જૂનના રોજ તે ગુજરાતમાં પહોંચ્યું હતું.

જોકે, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના કારણે ચોમાસાની શરૂઆત મોડી થઈ હતી. ચોમાસાની શરૂઆત બાદ તેની પ્રગતિ નબળી પડી ગઈ હતી.

આ વર્ષ સ્થિતિ સામાન્ય રહી તો રાજ્યમાં 15 જૂનની આસપાસ જ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા છે પરંતુ તેની આગાહી કે પૂર્વાનુમાન આટલું વહેલું કરવું મુશ્કેલ હોય છે.

ભારત પર આવતા ચોમાસામાં બંગાળની ખાડી, હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર ત્રણેયનો પ્રભાવ રહે છે અને બીજાં કેટલાંક પરિબળો પણ અસરકર્તા હોય છે.

મે અને જૂન મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની સિઝનની શરૂઆત થઈ જતી હોય છે. જો કોઈ વાવાઝોડું સર્જાય તો તેની અસર પણ ચોમાસા પર પડતી હોય છે. ક્યારે વાવાઝોડાના કારણે ચોમાસું મોડું તો ક્યારેય વહેલું પણ પહોંચતું હોય છે.